chhaththi - Sonnet | RekhtaGujarati

હતી છઠ્ઠી ત્યારે, કુમકુમ ધરું શ્વેત ફરકે.

દીવો ઢાંકી પાડું, ઝલમલ ભરી મેશ નયને.

ફૂલોથી શોભાવું, સુખડ ઘસીને બાજઠ રુડો,

મૂકી સોપારીને, ઘડી ઘડી લણું સુભગ ક્ષણો,

સજાવું કિત્તાને, અમર પદના લેખ લખવા,

રચું હું સ્વસ્તિકો, હરખી હરખી જાપ જપવા,

બધા દેવો આવે, શિશુકમલની રમતમાં,

હમેશા સંતોષે, હરખ થકી મીઠી મમતમાં,

વિધાત્રી આવે ને, નીતિનિયમથી ભાગ્ય ચીતરે,

બનો સ્વાભિમાની, ખુદથી ખુદની ઓળખ ફળે.

ઘણા ઝંઝાવાતો, સફર મહીં આવે ડગર પે,

પડે ના ઝાંખુ કૈં, અડગ મનથી ચાલ તું ભલે,

કરી અંધારું ને, વિજય સતના સ્તંભ ઊંચકે,

પ્રભુ જે આપે તે, જીવનભરની ભેટ ગણજે...

સ્રોત

  • પુસ્તક : શબ્દસર (અંક 265) (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : કિશોરસિંહ સોલંકી
  • વર્ષ : 2023