nathi nirakhwo shashi - Sonnet | RekhtaGujarati

નથી નિરખવો શશી

nathi nirakhwo shashi

સુન્દરમ્ સુન્દરમ્
નથી નિરખવો શશી
સુન્દરમ્

નથી નિરખવો શશી, શરદનો ભલે ને હજો,

ભલે વિહરતો લસી ગગનમણ્ડલે પૂર્ણ એ.

તુરંગમહીં બદ્ધ જન અમે અહીં જે ખડા

પ્રફુલ્લ શશીની છટા ઉતરતી તહીં ચોકમાં

નિહાળી સળિયા થકી નયન ઠારશું; રે, હવે

નથી વદન ચન્દ્રનું નિરખવા જરાકે સ્પૃહા,

ભલે જગત માણતું રજતરેલ એની સુખે

અમારું દિલ એહનો નહિ ચહે-સહે સ્પર્શ, રે!

કશે વ્યરથ ચાંદની-રસિત રંગમાં મ્હાલવું,

યદા હિ અમ સંગ કોઈ દિલદાર જો છે નહિ? ૧૦

કશે વ્યરથ ચન્દ્રનું વદન ખાલી જોવું, યદિ

સંગ અમ છે ચંદ્રવદના અમારી? પછી

શશી થકી પૂર્ણ ફુલ્લ મુખ સ્મરી ને સ્મરી

કશે હૃદય બાળવું?

નિરખવો નથી રે શશી!

સ્રોત

  • પુસ્તક : વસુધા (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1939