madhur namna chhera - Sonnet | RekhtaGujarati

મધુર નમણા ચ્હેરા

madhur namna chhera

ઉશનસ્ ઉશનસ્
મધુર નમણા ચ્હેરા
ઉશનસ્

મધુર નમણા ચ્હેરાઓની હવામહીં પ્યાલીઓ

ગગન કરી દે કેફે રાતું કસૂંબલ આસવે;

નયન હજી તો હોઠે માંડે, પીધોય ઘૂંટડો,

નજર ખુદ ત્યાં મારી પીવા જશી મદિરા બની

જતી લથડતી ધોરી રસ્તે પતંગ શી ફૂલ પે

વદન વદને ઊડે, બેસે, પીએ મધુ, ચીકણી

ઘણીય વખતે મારે એને ઉઠાડવી રે પડે,

નયન મીંચીને ઢીંચ્યે જાતી અસભ્ય ઊંઘેટ્ટીને.

મધુર નમણા ચ્હેરાઓનો ભવોભવનો ઋણી,

મુજ જીવનના પંથે છાયાદ્રુમો સમ જે હસ્યા,

નયન ઊતરે ઊંડે ઊંડે અતીત વિશેય, તો

મધુર નમણાં ચ્હેરાઓના દીપે પથ ઊજળો!

જીવનવગડે કાંટામાં છો છૂંદાય પદો પડી,

મધુર નમણા ચ્હેરાથી તો ખસે આંખડી.

(ર૮-૩-૬૧)

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 272)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996