bhitarman - Sonnet | RekhtaGujarati

(શિખરિણી)

તમે ઓઢી પાનેતર પરહર્યાં તે પછીય તો,

ઉનાળા ઊગ્યા ને શિશિર થથરી, મેઘ વરસ્યા!

તમે વેરેલા કુમકુમ તણા જંગલ મહીં,

ઊગેલાં કેસૂડાં હજીય વિખરે કંકુ પવને-

ઠરે આવી આંખે, ક્ષિતિજ નીરખે મોભ ઘરનો-

તમે ઓઢ્યો વ્હેળો, જળ વગરની સીમ ડૂસકે

રડે; કૂવાકાંઠો, ચરણરજ ઝંખે મખમલી.

અને રસ્તે રસ્તે તવ સ્મરણના બાવળ ઊગે.

ઝરૂખે બારીમાં સમય હજી ઊભો પ્રથમનો;

તમારી આંખોનો મદીલ કજરો લૈ લટકતી

છબી, ખૂણેખૂણો સ્મિત નીરખવાને ટળવળે

અને નીચી નાડે સતત રડતું રે' કલુખડું!

તમારી આંખોના અરવ સળગે દીપ ઘરમાં

હજી છાનોછૂપો પરણું તમને હું ભીતરમાં !

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : મણિલાલ હ. પટેલ (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : ડૉ. મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2020