bharti - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,

અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;

હણે હણહણેઃ વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,

ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા!

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,

ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;

દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,

પડંત પડછંડ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,

પછાડી મદમસ્ત ધીંક: શિર રક્તનાં વારણાં;

ધસી જગત ખૂંદશે? અવનિ-આભ ભેગાં થશે?

ધડોધડ પડી - ખરી ગગનગુંબજો તૂટશે?

ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે!

દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000