be purniimaao - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બે પૂર્ણિમાઓ

be purniimaao

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
બે પૂર્ણિમાઓ
ઉમાશંકર જોશી

અગાધ હતી પૂર્ણિમા ગરક આત્મસૌંદર્યમાં,

હતું શરદનું પ્રસન્ન નભ શુભ્ર ને નિર્મલ.

સૂતાં સરલ નીંદરે સુભગ શૃંગ અરવલ્લીનાં.

કહીં કુહરઘોષ નિર્ઝરણનર્તનોના સ્ફુરે.

તહીં અજબ લ્હેરખી ફરકી કો અગમલોકની.

ખૂલ્યું હૃદય, રોમ રોમ કવિતા પ્રવેશી વસી.

હતી લળતી આમ્રકુંજ, રસમસ્ત ને કોકિલા;

તપ્યા દિન પૂઠે હતી રજની રમ્ય વૈશાખની.

ઘડેલ ઘનકૌમુદીરસથી મ્હેકતો મોગરો;

પુરે જરીક જંપિયા જટિલ લોકકોલાહલ.

સુગૌર અરપેલ ગોરજ–સમેની કરવલ્લીને

ભુલાવતી તહીં સ્ફુરી મુખમયંકની પૂર્ણિમા.

નિરંતર સ્મરી રહું ઉભય પૂર્ણિમા સખી :

નિહાળી કવિતા તુંમાં, વળી તનેય કવિતા મહીં.

(૨૬–૧૧–૧૯૩૭)

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 147)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ