બગડેલો દિવસ
bagdelo divas
વેણીભાઈ પુરોહિત
Venibhai Purohit

સવાર પડતાં ન દાતણ મળ્યું, ચિડાયો જરા,
છતાં તરત વાપર્યા ન કટુ શબ્દના કાંકરા.
કહો, કમનસીબ કેવું! નહિ ચાય સારી મળી,
બીમાર વહુ પીરસી ગઈ દુણાયલી ખીચડી.
છતાંય થઈ વીતરાગ, ઘર બ્હાર હું નીસર્યો,
મળી ન બસ-ટ્રામ, ટેક્સી કરી વ્યર્થ ખર્ચો કર્યો.
ઘરે ક્ષુભિત, સાંજના નહિ જમ્યો સુખે સ્વાદથી,
જલ્યા જ કરતો હતો દિવસની દુઃખી યાદથી.
ગયો દિવસ ઠેરઠેર કંઈ વ્યર્થ કંકાસમાં,
વીતી ગઈ વિચારમાં જ મધરાત નિઃશ્વાસમાં.
અનિદ્ર અકળાઈને તરફડ્યો, ન'તી શુદ્ધિયે.
તહીં જ ગમગીન આ હૃદયને કહ્યું બુદ્ધિએ :
સ્મરે, ફરી ફરી સ્મરે ગત વ્યથા તમી વાત કાં?
ખરાબ દિન તો ગયો, પણ બગાડવી રાત કાં?



સ્રોત
- પુસ્તક : દીપ્તિ (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : વેણીભાઈ પુરોહિત
- પ્રકાશક : વોરા ઍન્ડ કંપની પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ
- વર્ષ : 1956