badhun wechi aawyo - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બધું વેચી આવ્યો

badhun wechi aawyo

હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક
બધું વેચી આવ્યો
હરિકૃષ્ણ પાઠક

ફરી પાછો આજે ઘરવતનથી દૂર - સમણે

ચડ્યો ... ઝોકું આવ્યું: ખડખડ જતી વાટ; વચમાં

બપોરી વેળાનો ઝલમલ વિસામો ઠમકતો

પણે કૂવા-કાંઠો ઝટપટ ધરે લાજ, શરમે;

મને આવ્યો ભાળી. રણઝણ થતી ઝાલર વળી

કશી ગુંજે; શેરી દલદલ થકી જાય ઊઘડી.

પછી ચૌટું, ડેલી, ધમક, ફળિયું; ઓસરી મહીં

ઝગી ઊઠે દીવો, ખટક દઈને ખાટ પગની

હળુ ઠેસે હાલે. હરફર થતો શ્વાસ... હમણાં

મને ઘેરી લેશે ઘર ભર્યું ભર્યું.

-- જાઉં ઝબકી!

બધું વેચી આવ્યો. હવડ ઘરનું શું કરવું?

ન’તું ગામે કોઈ જણ મન જહીં સ્હેજ ધરપે.

નહીં ધંધો-પાણી ... ફરી ફરી કરું લવી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000