awasthantar - Sonnet | RekhtaGujarati

અવસ્થાન્તર

awasthantar

જયન્ત પાઠક જયન્ત પાઠક
અવસ્થાન્તર
જયન્ત પાઠક

(શિખરિણી-સૉનેટ)

અહો અશ્વો, તડિત-શી ત્વરા, ખૂંદતી ધરા

ખરીઓ એ, ખુલ્લાં હરિત ચરિયાણો ગજવતી

મહાહેષાઓ અતલ ઊંડું આકાશ ભરતી;

જરા વાગી એડી, ગગન ઊડતા લક્ષ્યઅધીરા!

અહો વેગીલા શત શત સર્યાં પ્હાડથી ઝરા!

ઝલાતા ના ઝાલ્યા, તટ ઉભયને ઉચ્છલી જતા;

મહામોજે તાણી તરુવર, ગુહાઓ ગજવતા

ફીણો ફુત્કારંતા વળવમળબંકા બલભર્યાં!

હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;

બુઝાતા દીવાની શગશું, અવળો વાય પવન;

દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું - તે ધૂંધળું;

પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;

બધી ઇન્દ્રિયો ને મન પણ હવે શાંત, શિથિલ

જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 1995