atript tusha - Sonnet | RekhtaGujarati

અતૃપ્ત તુષા

atript tusha

નલિન ભટ્ટ નલિન ભટ્ટ
અતૃપ્ત તુષા
નલિન ભટ્ટ

અપેક્ષા ના રાખું ગગન અડતા ઘુમ્મટ તણી,

ન ઇચ્છા હું સેવું કુસુમશણગારી કબરની;

રચ્યાં રાજી જોવા કરુણ કવનો હું નવ પછી

અહીં ના તોષી જો મધુર અભિલાષા પ્રણયની.

ગયા કેડે આખું ગગન નવ શુ ઘુમ્મટ થશે?

મને સુષ્ટિ કેરાં કુસુમ સઘળાં શું ન સજશે?

ગયા કેડે કાવ્યો જલધિ કરુણાં શું ન કવશે?

અધૂરી આશાને તદપિ ઉરની કોણ પૂરશે?

ન ઠારે હૈયાંને ધનવિપુલતા વૈશ્રવણની

ન સત્તા એકાકી દ્યુપતિસમ ચૌદે ભુવનની.

પ્રશસ્તિની ગાથા યદપિ રચશે બ્રહ્મતનયા

મટાડી કો’દી ના તદપિ મટશે અન્તરતૃષા.

***

ગયા કેડે આશા હૃદય ધરવી કાં પ્રણયની

ન ભાળી પ્રત્યક્ષે ઉભય ઉરની જો પૂરવણી?

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2