atal nirasha - Sonnet | RekhtaGujarati

અતલ નિરાશા

atal nirasha

બલવંતરાય ઠાકોર બલવંતરાય ઠાકોર
અતલ નિરાશા
બલવંતરાય ઠાકોર

(પૃથ્વી)

પ્રભો, દ્યુતિ અખંડ! આ લથડતી કજળતી ઝિણી

શિખા અહહ, દાખવે રચિ રહે જ ઓળા બધે!

ભરું છ ડગ જેમતેમ, પથ જોઉં ના, તો પછી

નિશાન ધ્રુવનો મહાકિરણ ક્યાંથિ હીણાયલી

નકામિ પડતી જ આ દૃગ ઝિલી પ્રમાણી શકે!

દિસે પથ નહીં, નહીં દિક નહીં દ્યુતિ, ધ્રુવ નહીં

ભરું દમ ન છૂટકે : દમ દમે વધન્તી લહું

વૃથા જિવનભારની વિષમ ભારવત્તા, પ્રભો!

નિચે ઉતરવું નિચે હજિ હજી નિચે ક્યાં સુધી?

હશે નહિ હશે જ શું તળિયું ઘોર આ ગર્ત્તને?

તમે તમતમન્ત આ રજનિને ન આરો યદી,

હજીય પટ વેદના-રસતણા કહો કેટલા

ચ્હડી, હૃદયને ફરીફરિ રસી, જમાવી શકે

અમિશ્ર ઘનઘોર નિશ્ચલ અભેદ્ય નિર્વેદતા!

સ્રોત

  • પુસ્તક : ભણકાર - બીજી ધારા (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : બલવંતરાય ઠાકોર
  • પ્રકાશક : બલવંતરાય ઠાકોર
  • વર્ષ : 1928