ashwatthbhaw - Sonnet | RekhtaGujarati

અશ્વત્થભાવ

ashwatthbhaw

ઉશનસ્ ઉશનસ્
અશ્વત્થભાવ
ઉશનસ્

અહો, આશ્ચર્યે મુજથી ગયું કોઇ બીજ ગરી!

કુંવારી ભૂમિમાં ગહન પડ નીચે જઈ ઠર્યું,

અને રોમાંચોનું તતડી નીકળ્યું જંગલ નર્યું.

ગઈ ભીની ભીની અડકી શીળી જયાં વાયુલહરી!

થતું જ્યાં ચૈતન્ય સ્થગિત ક્ષણ કે ઉર્વર ધરા!

વિશે હું રોપાતો તરુ સમ - પગે કૈં ગલીગલી,

ઊગું - મૂળો ઊંડા પૃથ્વીગૃહની પાર નીકળી

રહે કંપી શૂન્ય જીવનરસવેગે તરવર્યા;

મને ચારે બાજુ શિરથી, કરથી, સ્કંધથી ફૂટે

ભૂરાં આકાશોની જટિલ વિટપો શૂન્ય વીંઝતી

જતી ઊંચી ઊંચી વિહગ રવથી આકુલ થતી

ખચી તારાઓની બળબણથી જયોતિર્મધુપુટે!

અનાદિથી જાણે સમયપટ ઘેઘૂર પીંપળો

ઊભો છું રાતોડી- કીડી ઊભરતી - પોપડીભર્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000