smarak - Sonnet | RekhtaGujarati

લઉં ફૂલછડી? સુગંધીમય પાંખડી? કે ઘડી

શિલા શકલને અબોલ વદને વાચા દઉં?

વિરાટ નભમાળથી ચકચકંત તારા લઉં,

ધરું ચરણમાં? પળેપળ રચું નવી દીવડી?

સહસ્ર કિરણાવલિરચિત દીપતી રાખડી

થકી ગ્રથિત વિશ્વમાં પરમ પંચતત્ત્વો સહુ

તણા અચલ ચિત્રની સ્મૃતિ એક તારી ચહું;

કિયું રચું કહે? અનંત યુગરાજથી યે વડી!

હતી રમતિયાળ તું -- સરલ શાંત ગંગોદક--

સદા પતિતપાવની, કમલરેખ શી વિસ્તરી,

વહી ઘનગભીર નિત્ય મુજ જીવને નિર્ઝરી,

ઊડંત જગતાતની અતિ વિશાળ કો કલ્પના

સમી, તુજ મસે કઇ નવીન હું રચું ભાવના?

‘ઇલા’ શબદ એક નથી ભવ્ય શું સ્મારક?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000