andharun - Sonnet | RekhtaGujarati

પ્રવેશ્યું અંધારું પદતલ વીંધી સોય સરીખું

ચઢી ખાલી; થોડી ઝણ ઝણ, પછી ઘૂંટી પ્રસર્યું

નળાઓમાં આવ્યું, સીસું બની ગયું, ઘૂંટણ ચડયું

હવે બે જાંઘોને સજડ કરતું લોહ-ચૂડથી!

પડ્યું ઝાઝા વેગે ઉપર ચઢી આવી ઉદરમાં

ધસારે એનાથી સકલ અવકાશો ધમધમ્યા

બધા આખે આખ્ખા હલબલી ગયા પીઠમણકા

કલેજું ડૂબાડ્યું, યકૃતય ડૂબ્યું, આંતરડું યે!

ચઢ્યું છાતી આવી હૃદય કચડ્યું, ફેફસું ય તે

ગળે આવ્યું ત્યાંથી અસહ બળથી મસ્તકભર્યાં -

ઊંડાં પોલાણોમાં ત્વરિત અથડાયું ધડૂસથી.

ભર્યું મોં બેસ્વાદે ફટ દઈ તૂટ્યા કાનપડદા!

અને અંતે આવ્યું ઉપર ચઢી આંખે, તરત ત્યાં

કડાકો, અંધારું ઊડી ગયું કશા વીજઝટકે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : રાજેશ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012