anakrantonan ijan - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અનાક્રાન્તોનાં ઇજન

anakrantonan ijan

ઉશનસ્ ઉશનસ્
અનાક્રાન્તોનાં ઇજન
ઉશનસ્

વહે છે આજેયે હજી ગિરિતણી પાર નદી તે

ઉછળંતી છોળો અચરજની નામો વગરનાં;

રહે છે આજેયે સરિતતટ સુંદર પરી

પ્રતીક્ષંતીઃ ક્યારે અહીંથી લઈ જાઉં અપહરી.

પહાડોમાં મારા થનગની રહે પ્રાણ કુતકે,

ફૂટે જાણે પાંખો, ઊડઊડ કરે ટૂકથી ટૂકે,

જવા ઠેકી ચાહે સકલ વ્યવધાનો મુજ હય,

અનાકાન્તો કેરાં ઇજન ગ્રહી લે આકળી વય.

‘જતા પ્હાડો જ્યાં નભમળી ત્યહીં દૂર અદીઠે

નદી કો વ્હે છે રે, ઝૂરતી ત્યહીં કો રાજકુંવરી...'

—મને પાસેનું સઘળું અળખું ઝેર અવ તો,

હવે તો હું ન્હૈં કે નહિ ક્ષિતિજ જે રહે અપસરી.

અગાઉથી પામું પુલતણી શ્રેણી પદપદે

સુદૂરસ્થે! તારી અનહદતણી સરહદે.

(૬-૧-૬૬, ૭-૧-૬૬, ૭-૯-૬૬)

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 343)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996