ame kawi? - Sonnet | RekhtaGujarati

અમે કવિ?

ame kawi?

કોલક કોલક
અમે કવિ?
કોલક

હવે ગગનગુમ્બજે કદિ મીટ માંડી રહું,

ઝગે નભશિરે ભલે તગરપુષ્પ શા તારલા,

શશી બદલતો રહે રસિક શશિના હારલા;

હવે નયન ઠારવા કશી વ્યોમ લક્ષ્મી ચહું.

શમે હૃદયમાં સહસ્ર કંઈ ઊર્મિ ઊઠી વહી,

ભલે અનુપ કલ્પના પ્રકૃતિમંદિરો બાંધતી

ઊડે નયનથી મહા વીજ સમી કલા સાધતી,

છતાં દઈશ કોઈ ને કવિપિછાન મારી નહીં.

મને “કવિ” કહું? કો કવિ જગે થયો નિર્મળોઃ

અનંત ભુવને યુગોયુગથી જે કવે એકલો

મહા જીવનસ્રોતની અગણ ઊર્મિભાવે ગ્રહી.

અખૂટ રસપ્રેરણા, અમર વિશ્વકાવ્યો રચી;

અમે સહુ તરંગ તે ચિર પ્રવાહ કેરા અહીં

જરી ઉછળી ભાંગિયે, ‘કવિ’ રહ્યા અમે કયાં પછી?

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2