akinchan - Sonnet | RekhtaGujarati

બેઠો બજાર જઈને નિજની સમૃદ્ધિ

ખોઈ અકિંચન થવા : અહીં ભાવનાનાં

સાચાંજૂઠાં ધવલ મોતીની લૂમ રમ્ય.

ને પરાગભર પુષ્પ ચૂંટેલ કૈં જે

લોકના અનુભવો તણી કાંટમાંથી.

દેજો ક્ષમા, નવ ગૂંથી શક્યો હું માલા!

શોચ્યું : થશે ટપકતી મુજ અંગુલિથી

પુષ્પ સૌ સુરભિહીણું વિવર્ણ મ્લાન.

‘રે વાહ, તું અજબ દંભી લૂંટાવનારો!’

ટોળા મહીંથી વદ્યું કો મુખ રાખી નીચું.

‘પેલું, કહે, છૂપવી રાખ્યું કશું કપાટે?’

‘હા. એય અર્પવું ખરે - અણબોટ ઉર.’

સૌયે ગયાં વીખરી,આખર ખોલી બોલ્યો :

પીજો, ભલાં પણ ચંચુપ્રહાર દેજો.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 244)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ