ajab dayite! - Sonnet | RekhtaGujarati

તમે નો'તાં ત્યારે, નયન મુજ નો'તાં નિરખતાં

કશું યે કલ્યાણી! તમ વિણ બધું નીરસ થતાં;

સુહાગી સૃષ્ટિની સમદ, શિવ, સૌન્દર્યલહરી

નચાવી નેત્રોને મુજ નહિ શકી વા નવ હરી.

તમે, કાં કે, એવાં હૃદય વસિયાં'તાં પ્રિયતમે!

કે નેત્રે બીજું કંઈ પણ તમારા વિણ રમે.

અને હો છો ત્યારે પણ નયનો કાંઇ નિરખે;

બધું, કાં કે, એનું ભવભવનું નિર્વાણ વિરમે

તમારા નેત્રો ને અધર વિકસાવન્ત સ્મિતમાં,

રુપાળી છાતીની ચડઉતર થાતી ધબકમાં,

શશી, તારા, પુષ્પો, ધનુ ઘનનું, પ્રત્યૂષ:સહુનાં

વસે જ્યાં સૌન્દર્યોં હસમુખ તમારા વદનમાં.

તમે યે કેવાં છે અજબ દયિતે! કે નયનમાં

અભાવે ને ભાવે પણ મુજ રમી એકજ રહ્યાં!

૧ર ઑક્ટોબર, ૧૯૩૮

સ્રોત

  • પુસ્તક : આરાધના (પૃષ્ઠ ક્રમાંક 5)
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1939