aham - Sonnet | RekhtaGujarati

ગુહા અંતર્ કેરી ભરી ભરી અહંઘોષ સ્ફુરતો,

જવા વિશ્વે વ્યાપી અદકી વધતી આત્મની વ્યથા;

થતું હૈયાને જે સ્થલ સ્થલ કહું મારી કથા,

પ્રયાણાર્થે ઘેલો કદમ ભરવા પ્રાણ ઝૂરતો.

ચહે અંગો મીઠા સુમસુરભિના પુંજ લચતા,

અને શીર્ષે વાંછે મુકુટ ધરવા શૃંગ ગિરિનાં;

ઊડી ઊંચે,મૂઠી ઉડુની ભરીને માલ્ય રચવા,

લઘુ ચિત્તે મોટા ઉરછલકતા કોડ મચતા.

મહા વિસ્તારો અમિત વિહરે કાલસ્થલના,

ખચેલા સૌન્દર્યે; પણ હું-વિણ સૌ શૂન્ય-સરખા.

અહીં ઊભીને મેં કરી રચના ભાવિ-ભૂતની,

અને મારે જોયે સ્થલ સકલને જીવની મળી.

હતું સૌ : સાચું! હતી પણ ખરી હુંની મણા;

વિના હું બ્રહ્માંડે કવણ કરતે વિશ્વરમણા?

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 241)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ