adhunik aranya - Sonnet | RekhtaGujarati

આધુનિક અરણ્ય

adhunik aranya

નિરંજન ભગત નિરંજન ભગત
આધુનિક અરણ્ય
નિરંજન ભગત

અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હિંસ્ર શા ઘૂમતાં;

શિલા શત, સિમેન્ટ, કાચ વળી કાંકરેટે રચ્યું;

ધરાતલ પરે ન ઇન્દ્રધનુ લોહનું હો લચ્યું!

વનસ્પતિ નહીં, ન વેલ, નહીં વૃક્ષ જ્યાં ઝૂમતાં;

વિહંગ નહીં, રેડિયો ટહુકતો પૂરે વૉલ્યુમે;

નહીં ઝરણ, શી સરે સડક સ્નિગ્ધ આસ્ફાલ્ટની;

ન પ્રેત, પણ આ ઇમારત વિચિત્ર કૈં ઘાટની;

પરીગણ ન, ટ્રામ કાર દિનરાત અહીં તહીં ઘૂમે;

સર્યા અતલથી નર્યા સજડ આમ થીજ્યા ઠર્યા

અહીં નરકનીકળ્યા મલિન ઉષ્ણ નિઃશ્વાસ? કે

કદીક નિજ સ્વપ્નબીજ અહીં વાવિયાં રાક્ષસે

વિશાલ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફાલ્યાં ફળ્યાં?

અરણ્ય? છલ આ! રહસ્ય? ભ્રમણે અટૂલો ચડ્યો

પુરંદર સ્વયં અહીં નહિં શું હોય ભૂલો પડ્યો ?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000