aawo - Sonnet | RekhtaGujarati

ઘરે આવો પાછા, સમજણ લઈને સફરની

ઘરે પાછા આવો ગમગીન બનીને સફરને

ન લંબાવો! પંથે ક્ષિતિજ ઢળતી જોઈ સતત

અને સંભારીને સતત નમતી વેળ...અટકે!

ન શું ફોરી ઊઠે ઘર, ફડિયું ને ગામ શમણે?

વસેલાં હૈયાની નિકટ ધૂળિયા પંથ સીમના,

અને માળે બાંધ્યા કલરવ ભર્યું ખેતર ઊડે

નહીં શ્વાસે શ્વાસે-સ્મરણ બનીને? પંથ તમને

કદીયે ના ચીંધે નીરવ રવનું ગાન નભનું :

અહીં શેઢે બેસી નિત નીરખતાં જે ભળકડે?

વળી સંધ્યાટાણે ધણ રણકતું ઝાલર સમું

વળે ખીલે પાછું...વિવશ ન કરે કોઈ તમને?

આવો ત્યારે કહીશ નહિ આવો, પધારો અતિથિ!

—ઊભી હું તો અગણિત યુગોથી અહીં રાહ જોતી!

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ