આંસુ
aansu
ઉશનસ્
Ushnas
ઉશનસ્
Ushnas
(વસંતતિલકા)
આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું :
લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો;
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું!
નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
આ તો નરી જ મઝધાર બધે! પ્રમાણું,
ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;
ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં;
ના કો નિશાન શમણાંની ડૂબી તરીનું!
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબદકોશ પૂરો ગળીને!
સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ : જૂન : ૨૦૧૦ (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
