રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
આભાર
aabhar
ઉશનસ્
Ushnas
અમે તો આકાશો ભણી પીઠ કરી’તી ભીંત ચણી;
અરે, સારું છે કે હજી પણ અમારા ઘર મહીં
ઘણે ઊંડે ઊંડે ઊડતી ઊડતી આવી ભીતરે
ગૂંથે છે માળાઓ કબૂતર, કપોતો, ચકલીઓ;
લઈ આવે થોડું ગગન ઘરમાં એ મિષ વળી;
અમો સૌનાં ઋણી : નભતી ઘરમાં જેથી નભતા;
હજી સારું છે કે શિર પર રસોડે તણખલાં;
ઝીણી ચીંચીં, ટ્હૌકા, મલમલી પીંછાઓ ખરી રહે;
હજીયે આવે છે વનની લીલી ક્હેવા પરીકથા
હવામાં આઘેનું પરણ મનમાં છેક ખરતું;
હજી તો સારું છે : ભીંત-તરડમાં માથું ઊંચકી
વિના પૂછ્યા-ગાછ્યા તૃણ નીકળતું ફુક્ક કરીને;
ભલું કે મિટ્ટીમાં હજી વન તણાં આદિમ મૂળો;
તજી વાડા-છોડે નથી ઊઘડતાં પ્લાસ્ટિક ફૂલો.
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં (પૃષ્ઠ ક્રમાંક 52)
- સંપાદક : નિરંજન ભગત
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1980