aa gaman pachhi - Sonnet | RekhtaGujarati

આ-ગમન પછી

aa gaman pachhi

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ
આ-ગમન પછી
મણિલાલ હ. પટેલ

પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે

અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી -

કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી :

રડી હર્ષે હું વા વિરહ દુઃખ? - જાણી નવ શકી!

તમે આવ્યા ત્યારે મૂક રહી, કશું યે નવ કથ્યું;

ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી...

હતું હૈયે એવું કર પકડશો, કૈક પૂછશો...

ઉવેખી લજ્જાને સ્વજન વચ એ યે નવ થયું!

વિના બોલ્યા, ચાલ્યા? કશું પણ કથ્યું નૈ નજરથી?

તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એ ય શમણું!

સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં

થઈ સાચાં મારા વિરહકૃશ પાદે ચચરતાં;

રડી આંખો ધોઉ, શિશિરઋતુમાં અંગ સળગે

તમે? ના...ના, સૂના પથનજરને આવી વળગે!

(૧૯૭૦)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000