Zola Khato Manas - Short Stories | RekhtaGujarati

ઝોલાં ખાતો માણસ

Zola Khato Manas

હરીશ નાગ્રેચા હરીશ નાગ્રેચા
ઝોલાં ખાતો માણસ
હરીશ નાગ્રેચા

ચી...ન્મ...યી! અનાયાસે સરી પડેલા ઉદ્ગાર સાથે યશવર્ધન ઓસરતાં મોજાંની જેમ અંતર્મુખ થઈ ગયા. કામ્યાને થયું વળી ચિન્મયી કોણ છે? ઘરમાં કોઈ દેખાયું નહીં. એટલામાં યશવર્ધનની આંખો મીંચાઈ ગઈ. ડોકું આગળ ઝૂકી આવ્યું. મોં સહેજ ખુલ્લું રહી જતાં, હોઠ પરથી લાળ સરી. ઇન્ટરવ્યુ આપતાં યશવર્ધન અચાનક ઝોલે ચડી ગયા. સ્ટ્રેન્જ! કામ્યાને ઓછું આવ્યું. હું વાત કરતી સામે બેઠી છું ને...! કામ્યાએ ટેપરેકોર્ડર બંધ કરી દીધું.

હેલ વિથ ઇન્ટરવ્યુ. કામ્યાને બધું આટોપી લઈ ચાલ્યા જવાની પ્રબળ ઇચ્છા થઈ આવી. પણ અચકાઈ. નવી જૉબમાં એનું પહેલું એસાઇનમેન્ટ હતું, જેના પર એની કેરિયરનો મદાર હતો. યુ મસ્ટ ડુ ઇટ, કામ્યા, ધેર ઇઝ નો ચૉઇસ! કામ્યાને ખટક્યું: સિત્તેર વર્ષના વૃદ્ધ નોવેલિસ્ટ ઝોલે ચડી ગયા છે અને જાગે, એની માટે સ્ટુપિડની જેમ રાહ જોવાની છે! શિટ્!

કામ્યા સંખાઈ. ઊંઘતાં પુરુષને જોયા કરતાં બેસી રહેવું કામ્યાને અડવું લાગતું હતું. એને થયું હજી દસ મિનિટ બેસી રહેશે તો ડિપ્રેસ થઈ જશે. અકારણ મનમાં પ્રવેશતી ઉદાસીને ખંખેરવા એણે ટટાર થઈ નક્કી કર્યું: પલાળ્યું છે તે...! એણે યશવર્ધનને સંબોધ્યા: સર...! જવાબમાં યશવર્ધને ઝોલું ખાધું.

વીસ નવલકથાના સર્જકના મોભા, ગૌરવ-ગરિમાના આવા કથળેલા દીદાર કામ્યાને કઠ્યા. એણે ગાંઠ બાંધી: જેને ઝોલાં ખાતા જોઉં છું શું ખરેખર યશવર્ધન છે? યશવર્ધન ‘હર્ષ’ તો એમનું પેન-નેમ છે. દુર્બળ, નમણો, સફેદ વાળવાળો સામે બેઠેલો, ત્ર્યંબક જગન્નાથ જોષી કોણ છે? મારે વ્યક્તિની વિગતો નહીં, એમનું ભીતરી વાસ્તવ જાણવું છે. એમના સર્જનસ્રોતને ઓળખવો છે. તો ઇન્ટરવ્યુને માનવીય સઘન પરિણામ મળશે. માટે તારે રાહ જોવી પડશે. કામ્યાએ જાતને ટકોર કરી, બોલ, જોશે?

કામ્યા ઘરને જોઈ રહી. ઘર મોટું હતું, જૂનું, જર્જરિત. સહેજ અંધારિયું. પુસ્તકો-પેપરોના પથારાથી અસ્તવ્યસ્ત. ઘરમાં એક પ્રકારની અવાવરાપણાની ગંધ વરતાતી હતી, પણ યશવર્ધનની હાજરીને લીધે સ્પર્શતી નહોતી.

ક્યાં ગયો પેલો ડફોળ? કામ્યા અકળાઈ. એને આવેલી જોઈ ઘરનો નોકર, હમણાં-આવું-છું, કરતો ક્યાંક છૂ થઈ ગયો હતો તે હજી પાછો આવ્યો નહોતો. ઘરમાં ભરાઈ બેઠેલું મૌન કોહવાવા માંડ્યું હતું. કામ્યાના શરીરમાંથી એક કંપારી સરી ગઈ.

વાત કરતાં યશવર્ધન છેલ્લા કલાકમાં બીજી વખત ઝોલે ચડી, ભીતર સરી પડ્યા હતા. ક્યાં? કામ્યા વિચારમાં પડી ગઈ.

“ફીણ જેવા માણસો” યશવર્ધનની એકવીસમી નવલકથાના પ્રકાશન પ્રસંગે, “અસ્મિતા”ના તંત્રી જયમલ મોદીએ લેખકનો ઇન્ટરવ્યુ છાપવાનો નિર્ણય લીધો હતો, કામ્યાએ સામે ચડીને, હું કરીશ, કહીને ઝંપલાવ્યું હતું, ત્યારે કામ્યાને ખબર નહોતી કે યશવર્ધનને લોકો ખાસ જાણતા નહોતા, પણ ‘હુઝ-હુ’માં એમનું નામ હતું. લેખકના રેટિંગ વિશે કામ્યાએ જયમલને પૂછ્યું ત્યારે એણે ઊંચું જોયા વગર કહ્યું હતું: મિડિયોકર. સાંભળ્યા પછી કામ્યાને એમનું કંઈ વાંચવાની ઇચ્છા થઈ હતી, જરૂર લાગી હતી.

પહેલી નજરે કામ્યાને યશવર્ધન ખડૂસ લાગ્યા હતા. દસ મિનિટમાં પાંચસાત સવાલ પૂછી ઇન્ટરવ્યુ આટોપી લેવા ઇચ્છતી હતી. પરંતુ જે સહજતાથી યશવર્ધન પોતાની નિષ્ફળતાની, જે પ્રામાણિકતાથી પોતાની મર્યાદાની વાત કરતા હતા એથી કામ્યા અભિભૂત થઈ રહી હતી. એને થયું વ્યક્તિ પાસે નિજી દર્શન છે, જે એના ઇન્ટરવ્યુને આઉટસ્ટેન્ડિંગ બનાવી શકે. ઇટ્સ વર્થ વેઇટિંગ ફૉર, પણ કામ્યા ધૂંધવાઈ. બટ હાઉ લોંગ? ધૂંધવાટ ખંખેરવા કામ્યા ઊભી થઈ, કબાટ તરફ ફરીને યશવર્ધનનાં પુસ્તકોનાં ટાઇટલ્સ વાંચવા લાગી: ‘મૂંઝારો’, ‘કોણ-છે-ભીતર’, ‘ઝંઝા’, ‘વળતો જવાબ!’

એકાએક કામ્યાની નજર બાજુના ટેબલ પર પડી. કાર્ડ્સ! કામ્યાને આશ્ચર્ય થયું: સર પત્તાં પણ રમે છે? કોની જોડે? ચિન્મયી જોડે? કાર્ડ્સ મોટી સાઇઝનાં હતાં, ટેરો-કાર્ડ્સ જેવાં, સર, ભવિષ્ય પણ વાંચે છે? પૂછીશ. કામ્યાએ પત્તાં ઉપાડ્યાં. કાર્ડ્સનાં... ચિત્રો પર સફેદ કાગળ ચીટકાડી એના પર ટાંચણો કર્યાં હતાં. કૌતુકમાં કામ્યાએ ટાંચણો પર નજર માંડી.

‘સ્ત્રી માટે પુરુષ અનિવાર્ય હોઈ શકે, પતિ નહીં.’ ‘પુરુષ’ અને ‘સ્ત્રી’નાં શરીર પ્રકૃતિનાં કાર્યક્ષેત્રને ઓળખવા આત્માએ પહેરેલા ગણવેશ છે. ગણવેશ સાપેક્ષ ગુણવત્તાના આંકતી’, ‘હોઈએ સ્વીકારવું અકુદરતી છે. જે અકુદરતી હોય કેટલું ટકે? તું તારી જાતને ક્યારેય નકારતી નહીં. ‘સ્વાદનું સુખ સાચવવા મા દીકરીને રસોઈની ઢગલાબંધ ટિપ્સ આપે છે, પણ જીવનનો સ્વાદ સાચવવા દીકરીને માટે કેમ ક્યારેય કોઈ ટિપ્સ આપવી જરૂરી સમજતી નહીં હોય? પૂછજે તારી માને.’

કામ્યા સ્તબ્ધ થઈ ગઈ. શું છે? યશવર્ધનના વિચારો? માણસ મિડિયોકર કેમ હોઈ શકે? સ્ત્રી તરીકે મને ટોચતા પ્રશ્નોને હજી સુધી હું શબ્દોમાં મૂકી નથી શકી, એના માણસે આગોતરા જવાબ ટાંચી રાખ્યા છે? બ્રિલિયન્ટ! કામ્યાને યશવર્ધન પર ખૂબ વહાલ ઊભરાયું. બધું સરે કોના માટે લખ્યું છે? ચિન્મયી માટે? કોણ છે? કામ્યાને ચિન્મયીની ઈર્ષા આવી.

કાર્ડ્સ બાજુ પર મૂકી, યશવર્ધનને જોતાં કામ્યા અનુમાને ચડી: વ્યક્તિ સંવેદનશીલ છે, પણ દણાયેલી; અતિશય ખાનગી; રખેને કોઈ ઉતારી પાડે, જાહેર જીવનથી દૂર સુરક્ષિતતા અનુભવતી. આત્મવિશ્વાસના અભાવ પર કામ્યાને ચીડ ચડી. સાથે માસૂમ દેખાતા યશવર્ધનના હોઠ પરથી સરકતી લાળને લૂછવાની એને ઇચ્છાય થઈ આવી. ટિશ્યુ પેપર શોધવા એણે પોતાનું પર્સ ખોલ્યું. પર્સમાં મોબાઇલ વાગતો હતો. કામ્યાએ ફોન કાઢી કાને ધર્યો.

- હેલો!

- હું જયમલ છું. શું થયું ઇન્ટરવ્યુનું? કાલે છાપવાનો છે!

- તો?

-રાતે દસ પહેલાં મને તારી કૉપી મળી જવી જોઈએ. ક્યાં સુધી પહોંચ્યું?

- ઝોલાં સુધી. સર, યશવર્ધન અત્યારે ઝોલે ચડી ગયા છે. હી ઇઝ ટૂ ઓલ્ડ ઍન્ડ સિક, સફરિંગ ફ્રોમ સુપ્રા-ફટિગ-સિન્ડ્રોમ. હું એમના જાગવાની રાહ જોઉં છું.

- રાહ જો. જગાડ એમને. ઇન્ટરવ્યુ કાલે છપાવવો જોઈએ...

- પણ સર...

- નો સર. ગેટ ઇન્ટરવ્યુ બાય ટેન, ઑર ગેટ લોસ્ટ.

ફોન બંધ થઈ ગયો. કામ્યાએ યશવર્ધન તરફ જોયું. ખચકાઈ. એક માખીને એમના ખુલ્લા મોંમાં જવું-જવું કરતી જોઈ કામ્યાએ ઝટ પેપર ઉપાડી જોરથી હવામાં વીંઝ્યું. ઝાપટથી માખી દૂર ફંગોળાઈ. સાથે શ્વાસ ઓનાળી થઈ જતાં યશવર્ધન હીબકામાં જાગી ગયા.

- ચિનુ... યશવર્ધન બાવરી આંખે જોઈ રહ્યા: તું સામે બેઠી છે તોય...

- સર, હું કામ્યા છું, ઇન્ટરવ્યુ લેવા આવી છું. કામ્યાએ ટેપરેકોર્ડર ઑન કર્યું.

- વાત કરતી’તી તે! યશવર્ધન સહેજ સભાન થયા. સૉરી, બધું મિક્સ-અપ થઈ જાય છે, ઉંમર થઈને...

કામ્યાને થયું સર ઝોલે નહોતા ચડી ગયા, ચિનુ પાસે હતા.

- તે શું પૂછ્યું’તું?

- સર, તમને જીવનમાં કોઈ ખોટ સાલે છે?

- ચિનુની... હા પાડવા યશવર્ધને સહેજ માથું નમાવ્યું, આંખ બંધ કરી પાંપણની ભીતર કોઈને જોતા હોય તેમ યાદ કરવા લાગ્યા, સિત્તેર વર્ષે હજીય હું સાંભળું છું. ભણકારા એના, લાડમાં મને ધમકાવાના...

“તમે સાવ ગાંડા છો, પોપ્સી! આટલું બધું માઠું લગાડાય? એય લોકોનું? લોકો તો હોય એવા! આમ રિસાઈ જાઓ તો કેમ ચાલે? મેં તમારી ચિન્મયીએ, ચિનુએ તમને કંઈ કહ્યું? તો પછી? આમ જીવ બાળવા કરતાં, જે લખ્યું હોય તે સંભળાવોને મને, ચિનુને...”

પુરુષ તરીકે હોવો જોઈએ એટલો હું સંવેદનશીલ છું. નબળો, આસક્ત, કવચઢાલ વગરનો વલ્નરેબલ. ઘાસની ગંજી, તણખો પડે એટલી વાર, તરત દાઝું.

જીવનમાં દાઝ્યાના અનેક પ્રસંગોએ મારી બાંય પકડી, મારા ખભા પર માથું ઢાળી “તમે-સાવ-ગાંડા છો”નો વહાલસોયો ઠપકો આપતી મેં મારી ચિનુને અનેક વાર સાંભળી છે. મારી એકલતાને એકાંતમાં ફેરવતી મેં એને અનેક વાર અનુભવી છે.

પુખ્તગી એક કિલ્લેબંધી છે. તમે તમારી સભાનતાના નજરકેદ હો છો. કેદમાં તમે સહજતાના શ્વાસને શોધો છો. ચિન્મયી મારી સહજતા છે. મારી ભૂલો, નબળાઈઓ, અસંતોષની હું એની જોડે વાતો કરતો હોઉં છું. ચિત્તુ જોડે વાત કરવી મને ગમે છે. દરેક અભાવની અવેજીમાં ચિનુ હોય જાણે! ઘણી વખત હું જે કરું છું ચિનુને ગમશે એમ ધારીને કરું છું. અહલ્યા માટે રામ, મારા માટે મારી ચિનુ.

એની પાસે હું મા-બાપની, પત્નીની, મિત્રોની, સંજોગોની, જગતની રાવ ખાતાં અચકાતો નથી. નાનમ, છોછ કે ગિલ્ટ અનુભવતો નથી. મને એથી રોષ કાઢ્યાની રાહત મળે છે. ચિનુ મારી રાહત છે. રિજેક્શન અનુભવું, હારી જાઉં, નાસીપાસ થાઉં, ઉપેક્ષા પામું, અંતર્મુખ થઈ જાઉં ત્યારે “તમે-સાવ-ગાંડા-છો-પોપ્સી” કહેતી અંતરમાં ઊપસી આવે છે. ચિન્મયી મારી પાકી સહિયર છે.

- પણ સર, છે ક્યાં તમારી સહિયર? દેખાતી કેમ નથી?

કૌતુકમાં કામ્યાએ વાતને વળાંક આપવાનો પ્રયત્ન કર્યો. યશવર્ધન નમાયું ફિક્કું હસ્યા.

- એની રૂમમાં, રિસાઈ ગઈ છે, તું આવી છે જાણી, તોબરો ચડ્યો છે. યશવર્ધન ચિનુના ઓરડાને ચીંધે એની કામ્યા રાહ જોઈ રહી. પણ તો બોલતાં બોલતાં કામ્યાની હાજરી ભૂલી ગયા હતા.

હું અતિશય ખાનગી માણસ છું. ઘણી વસ્તુઓ હું મારાથીય છાની રાખું છું. અજ્ઞાત મનમાં, જ્યાં મને પ્રવેશ નથી. ચિનુને છે. એનાથી કંઈ છૂપું નથી. મને રાખવું ગમતુંય નથી. એની હયાતી આનંદ છે. એના અહેસાસમાં અહમ્ મીંદડી થઈ જાય છે. ચિનુના જોંસા, વઢ, ગુસ્સો મને ગમે છે. મારા માટે એનો જીવ બળે એમાં મને ચિનુના પ્રેમની પ્રતીતિ થાય છે. ચિનુ સતત સામે ને સામે તરવર્યા કરે છે.

ગાઉનની જેમ મારું શર્ટ પહેરીને પાંચેક વર્ષની ઘરમાં અલપઝલપ સંતાતી ફરતી દેખાય. ઘણી વખત એવું બને કલમ અટકી જાય. આગળ કંઈ સૂઝે, જો સૂઝે તો ગમે નહીં. આવા રાઇટર્સ-બ્લોકની સ્થિતિમાં બેઠો હોઉં ત્યારે, પોપ્સી, કરતી ઓચિંતી ડોકાય. ‘હું-લખું, હું લખું’ કરતી ખોળામાં ગોઠવાઈ જઈ મારા અડધા લખેલા કાગળ પર બે-ચાર લીટા દોરી, થઈ-ગયું, કહી રમવા દોડી જાય. મારો બ્લોક તૂટી જાય. ક્યારેક રમતાં રમતાં એકાએક એની નાની રતુંબડી હથેળી ધરી સામે ઊભેલી દેખાય. મારે હથેળીમાં વિના કારણ ઇનામ રૂપે હબુકિયાં કરતાં બકી ભરવાની, પછી મોતી પકડ્યું હોય તેમ મૂઠી વાળી દોડી જાય. આવી-ને-ગઈના પ્રમાણરૂપે આસપાસ એની મહેક રૂમઝૂમ્યા કરે, ભલભલા મૂડને રણઝણાવતી. પણ મનસ્વી. મારી નહીં, એની મરજીથી આવે, પૂછતી: પોપ્સી, ક્યાં છો?

ક્યારેક રેડ ચેક્સવાળા સ્કૂલ યુનિફોર્મમાં ફૂટપાથ પર ઊભેલી દેખાય, સ્કૂલ બસ આવતાં દોડી જાય: બાય પોપ્સી! એનો હવામાં હિલોળતો હાથ મારી કીકીઓમાં ઝૂલતો રહે જ્યાં સુધી હું સાંજે સાંભળું નહીં: હાય પોપ્સી! સ્કૂલે જતાં મારા ટેબલ પરથી અણી કાઢેલી પેન્સિલ કે મારી ફેવરિટ પેન લઈ જાય - કહ્યા વગર. કૉલેજ જતાં મારો મોબાઇલ કે કબાટમાંથી કોઈ દુર્લભ પુસ્તક લઈ જાય - કહ્યા વગર. સાંજે મને મારી ગુમ થયેલી ચીજો શોધતો જોઈ વીલી વીલી ચિનુ ચીજ સામે ધરતી ભીંત તરફ મોં ફેરવી લે: પોપ્સી, વેરી બૅડ ગર્લ ચિનુ. એને રિસાયેલી જોઈ હુંય રડમશ એને મનાવતો વહાલ કરું: કંઈ નહીં બચ્ચા, પણ કહીને વસ્તુ લઈ જાય તો પોપ્સી શોધે નહીં ને! મને એનાં આંસુ દેખાય એટલે કોટે વળગી પડે.

મોટી થઈ, સ્વતંત્ર, વ્યસ્ત તોય ચિનુ ગમે ત્યાંથી મારા માટે ટાઈમ કાઢે, છાનોય રાતે હું મોડે સુધી જાગી, કૃતિ પૂરી કરીને સૂતો હોઉં. બીજે દિવસે મોડો ઊઠું. ચિનુ કામ પર પણ જતી રહી હોય. ચા પી ટેબલ પર જાઉં ત્યાં તો જાદુઈ છડી ફરી ગઈ હોય. રાતે ઉતાવળે લખેલી કૃતિ, ચિનુ વહેલી ઊઠી સુંદર અક્ષરોમાં લખી ગઈ હોય. સરસ છે પોપ્સી, પોસ્ટ કરી દેજો. રાતે કરેલો ટેબલનો હોબાળો વ્યવસ્થિત થઈ ગયો હોય, બેસવું ગમે એવો. હુકમ કરતો: કરી દો બીજી કૃતિ શરૂ. ચિનુ પરી જેવી લાગે. અહોભાવમાં ડૂમો ભરાઈ આવે. બાવરા થઈ જવાય. ચિનુ ક્યાં? અને જોવાનો વલવલાટ જાગે.

યશવર્ધન ચૂપ થઈ ગયા. કામ્યાને ધ્રાસકો પડ્યો: પાછા ઝોલે ચડી જાય. જાગતા રાખવા કામ્યાએ એમનો કરચલીવાળો હાથ પસવાર્યો. યશવર્ધન ધીરેથી ઊઠ્યા. કામ્યાને થયું ડગુમગુ ક્યાં ચાલ્યા! ચિનુના ઓરડે, એને બોલાવવા? કામ્યા અધીરાઈમાં જોઈ રહી. યશવર્ધન બાથરૂમ ગયા.

કામ્યાએ મોં ફેરવી લીધું. એના જીવમાં હજી કાર્ડ્સ પરનાં ટાંચણો ભૂરાયાં થઈ ભટકતાં હતાં. ‘સ્ત્રી માટે પુરુષ અનિવાર્ય હોઈ શકે, પતિ નહીં. આવું એણે અનેકવાર અનુભવ્યું હતું, પણ યશવર્ધનને ક્યાંથી સૂઝ્યું? વધુ ટાંચણો જોવાની અધીરાઈ કામ્યા રોકી શકી. એણે ફરી કાર્ડ્સ ઉપાડ્યાં: ‘સંજોગોનો સામનો કરજે, સંજોગને વશ થતી, થઈશ તો છેતરાઈશ.’ ‘તારા પરનો મારો અધિકાર હું તને સોંપીશ, કન્યાદાન કરી મારે કોઈ મોક્ષ જોઈતો નથી.’ ‘સાસરે સુખ હશે એમ માનવું મૃગજળ પીવા જેવું છે. સાસરે સુખ નહીં સ્વામી મળે ને જ્યાં સ્વામિત્વ હોય ત્યાં સુખ કેવું? હું તારી સ્વામી રહેજે.’ ‘જે ઘરમાં તું જન્મી છે ઘર તારા બાપનું છે, લગ્ન પછી તારું થઈ જશે. ભૂલેચૂકે તારો વર તને ધુત્કારે-ચાલ, જા તારા બાપના ઘરે ત્યારે તને એક ક્ષણ પણ ભોંય ભારે પડવી જોઈએ.’

કામ્યાના શરીરમાંથી ઓશિયાળાપણાની એક કંપારી સરી ગઈ, ત્યાં યશવર્ધન પાછા ફર્યા. કાર્ડ્સ સમેટી મૂકતાં, કામ્યાએ જોયું એમનું માથું વિચારના લયમાં ડોલતું હતું, બેખબર, વાસ્તવની કોઈ અલગ સપાટીએ એમના હોઠ ફફડતા હતા:

શરૂઆતમાં અમને બહુ મન થતું જોવાનું, જાણવાનું, બેબી કેવું હશે? ત્યારે અમે, હું અને માયા, એને સ્વપ્નામાં જોતાં, સ્વપ્ના સાથે મારા મનમાં એક દહેશતેય જાગતી. બાબતમાં જરૂર અમારાં પતિપત્ની વચ્ચે મેજર મતભેદ પડશે. સંતાન દીકરો હોવો જોઈએ કે દીકરી એના વિશે નહીં, પણ દીકરીના ભવિષ્યને માયા સુરક્ષા-સલામતી સાપેક્ષ જોશે ને હું સ્વાતંત્ર્ય સાપેક્ષ.

મારા પરિવારમાં હું દીકરીઓની લાચારીનો મૂક સાક્ષી રહ્યો છું, ગુનાહિત અનુભવતો, ત્યારે અચૂક મને શ્રી અરવિંદ ઘોષના શબ્દો સંભળાયા છે: “કોઈ આત્મામાં ઉન્નતિની આકાંક્ષા જાગે, ઈશ્વરની નિષ્ફળતા છે, પણ જો કોઈ આત્માની ઉન્નતિની આકાંક્ષાને ટૂંપી દેવામાં આવે તો ઈશ્વર તરફ કરેલો ગુનો છે.” ગુનો હું કેમ કરી શકું? સ્વાતંત્ર્ય વિના ઉન્નતિ કેમ સંભવે? પણ માયાનો કોઈ વાંક નહોતો.

યશવર્ધન બારી બહાર જોઈ રહ્યા, જાણે ત્યાં કોઈ ઊભું હોય. પાછા ક્યાંક-ભૂલા-પડી-ન-જાય એની સાવચેતીમાં કામ્યાએ હાથમાંનું પર્સ પડતું મૂકી, ખલેલ પાડી. પોતાની ધૂનમાં યશવર્ધને પર્સ ઉપાડી કામ્યાને આપ્યું.

પચાસ વર્ષ પહેલાં હું અને માયા નોકરીને નિમિત્તે અનાયાસે મળી ગયાં. એક ક્ષત્રિય, એક બ્રાહ્મણ. એક થવાનો નિર્ણય અમારો, એટલે પરિવારોને કોઈ પણ પ્રકારે ક્ષુબ્ધ કર્યા વિના સંસાર શરૂ કરવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધેલી. કૉલેજનું ભણતર પૂરું કરી નોકરીએ લાગ્યાં હતાં. પોતપોતાનો પગાર ઘરે વડીલોને આપી દેતાં એટલે લક્ષ્ય સાધવા વધુ દ્રવ્ય-ઉપાર્જન અનિવાર્ય હતું. નોકરી ઉપરાંત બંનેએ નાનાં-મોટાં કામો, ટ્યુશનો કરી જે મળે એમાંથી સહિયારું બેંકમાં બચતખાતું ખોલવાનું નિર્ધાર્યું. જે લક્ષ્ય વર્ષે પાર પડ્યું.

દરમિયાન સ્વપ્ન સાકારતાં ઘણું વેઠ્યું, ખાસ માયાએ-છોકરી, દીકરી હોઈ. ઘણું દુભાયાં-દુણાયાં. હામ રાખી, ધીરજ ખોઈ, સંજોગ સામે લડતાં અમારા વચ્ચેય સંઘર્ષ થતા રહ્યા, સમાધાન થતાં ગયાં. અણનમ રહ્યાં. લક્ષ્ય ગુમાવ્યાની પ્રામાણિકતાની પૂંજી પર સંસાર મંડાયો.

લગ્ન પછી નિરાંતની પળો સહિયારતાં માયા ઘણી વાર કહેતી: ‘આપણી દીકરી હશે તો હું રાહ નહીં જોઉં. ઉંમરલાયક થતાં સારું-સુખી ઘર, સુંદર સંસ્કારી વર શોધી વેળાસર એને વળાવી દઈશ. મારી જેમ સંસાર માંડવા એને અસહ્ય વેઠ વેંઢારવા નહીં દઉં. મને માઠું લાગતું. સંભવિત કડવી વાસ્તવિકતા સાથેના નિરર્થક સંઘર્ષ સામે એનું માતૃવાત્સલ્ય ઢાલ બનવા આગોતરું વલવલતું હતું. અનુભૂતિજન્ય માયાનો અભિગમ હતો. મેં જીવનને સ્વાતંત્ર્ય સાપેક્ષ પોખ્યું હતું. મતભેદ અનિવાર્ય હતો પણ આગોતરો નિરર્થક.

કામ્યાએ નોંધ્યું યશવર્ધન સ્વગત જાતને જાણે સમજાવી રહ્યા હતા.

બચ્ચું ઊડવા જતાં પડી જાય એવી સલામતી-સુરક્ષાની ધાસ્તીમાં પંખી જો બચ્ચાને ઊડતાં શીખવે, ચિંતામાં માળામાં ગોઠવી, ગોંધી રાખે તો પસંદગીના આનંદથી, ઉડ્ડયનના ઉમંગોથી, આકાશની અસ્મિતાના વૈભવ માણવાના અવસરથી બચ્ચાને વંચિત રાખે ને! એમ કરવાનો હક્ક ખરો? આમાં કેટલો ન્યાય? કેટલો પ્રેમ? મરજીની મોકળાશ વિનાના જીવનનો શો હેતુ? અર્થ? પાંખો તો ફૂટવાની જ, પાંખોનો ભાર લાગે એટલે ફફડવાની જ, પાંખોની અજમાયશ પણ થવાની જ, ક્યારેક કૌતુકવશ વાવાઝોડામાંય બચ્ચું અડબડિયુંય ખાવાનું. એની ભૂલ. આવી ભૂલ સામે તમે બચ્ચાને બીવડાવી ચેતવ્યુંય હોય. છતાં, એનાથી ભૂલ થઈ જાય ત્યારે તમે એનાથી નારાજ છો, એના પર ગુસ્સે હો તોય બિનશરતે બચ્ચાની પડખે ઊભા રહેવામાં મા-બાપપણું ને? ફક્ત સફળ-નિષ્ફળ, સુખ-દુઃખ, નામ-નાલેશીના મહત્ત્વથી જીવન જીવવું અહમ્, નહીં? સ્વાતંત્ર્ય અનુભવવાનો અવસર બચ્ચા માટે ઊભો કરવો પ્રેમ નહીં! બચ્ચાના ખિલખિલાટ-કલ્લોલના જો સહભાગી હોઈએ તો એનાં વિષાદ-વેદનાનાં કેમ નહીં? મારું યથાર્થ ચિન્મયીને પડખે ઊભા રહેવામાં હતું.

પણ ચિનુએ દ્રોહ કર્યો, પોપ્સીને દગો દીધો. એકાએક ચાલી ગઈ. રેલવે ક્રોસિંગ પર એને અકસ્માત નડ્યો. એમ માયાએ કહ્યું. જૂઠું. ચિનુએ આપઘાત કર્યો. વીસ વર્ષની ચિનુ જોડે શરીરસંબંધ બાંધી આદિત્ય જતો રહ્યો. ચિનુને થયું છેતરાઈ ગઈ, પણ તમે ત્યારે છેતરાવો જ્યારે તમે સંજોગને વશ થઈ એના ભોગ બનો. ચિન્મયીએ સંજોગનો સામનો કરવાની જરૂર હતી, ભોગ બનવાની નહીં. હું, પોપ્સી બેઠો નહોતો, એની ઢાલ!

મેં કેટલીવાર ચિનુંને સમજાવી હતી, જીવ ક્યારેય એવી ભૂલ કરતો નથી જે કુદરતને ક્ષમ્ય હોય. દેહ સામે ક્યારેક જીવ પરવશ થઈ જાય. સહજ છે, માટે થોડું ભોગવવું પડે, તે સ્વેચ્છાએ આવકારી લેવું, પણ ચિનુએ, છુટકારા માટે, ભોગ દઈ સંજોગને સમર્થન આપ્યું, શું કામ? એક વખતના સંબંધ સામે તેં આખા જીવનનું કંઈ મૂલ્ય આંક્યું? લોકો શું કહેશે એથી તું ડરી ગઈ કે તું તારી નજરમાંથી ઊતરી ગઈ! તું તારી નજરમાંથી એટલે ઊતરી ગઈ ચિનુ, કે તેં દેંહના ઉન્મેષના આવિર્ભાવમાં ખોટ જોઈ, ભૂલ. માણસ સિવાય કંઈ યોનિમાં ક્ષણોને ભૂલ ગણે છે? કયું પશુ-પક્ષી આત્મહત્યા કરે છે? તેં શું કામ કર્યું?! ચિનુ, પોપ્સી તારે પડખે ઊભો રહેત, વિશ્વાસ નહોતો?

યશવર્ધને એકાએક કામ્યા તરફ જોયું: ચિનુની જગ્યાએ તું હોત તો તું શું કરત? ગોફણની જેમ ફંગોળાયેલા પ્રશ્નથી કામ્યા ડઘાઈ ગઈ.

ચિનુ ગઈ, પછી માયાય જતી રહી, રહી ગયો હું ને ચિન્મયીને મેં ભેટ આપેલાં કાર્ડ્સ, જે લેખે લાગ્યાં.

આમતેમ શોધતાં યશવર્ધને આંગળી ચીંધી: જો, ત્યાં પડ્યાં છે, આપ તો! કામ્યાની ઇંતેજારી વધી ગઈ. એણે કાર્ડ્સ ધર્યાં. યશવર્ધન જોઈ રહ્યા: શું છે ખબર છે? ચિનુના બર્થ-ડેને દિવસે, આવું એક કાર્ડ, દાયજાની જણસો રૂપે હું એને ગાંઠે બંધાવતો. પંદરમી વર્ષગાંઠે આપેલું. યશવર્ધન કાર્ડ્સ વાંચવા માંડ્યા: ‘આનંદ જીવનનો ધ્યેય છે. માટે લગ્ન તો એક માત્ર વિકલ્પ છે. પરાવલંબી સુખ કરતાં સ્વાવલંબી આનંદ માટે મરજીની મોકળાશ કેળવજે.’ ‘વ્યક્તિ જોડે મન-મેળ-ન જામવો બે ઉછેર વચ્ચેનો અકસ્માત છે, ડૂબી મરવા જેવી નાલેશી નહીં. ઢસરડાની જેમ જીવવું અન્યાય છે.’ ‘તું સમાજમાં પ્રવેશ કરશે ત્યારે, સ્ત્રી તરીકે બે વસ્તુઓ તને પડકારશે, પહેલાં દમન અને શોષણ, એનો જો પ્રતિકાર કરશે તો પછી એકલતા. એની સામે ટકી રહેવા, મનગમતા કામમાં પરોવાજે. તને ક્યારેય એકલી પડવા નહીં દે.’

પણ મને એકલો પાડીને ચિનુ જતી રહી.

યશવર્ધનનો ગુનાહિત - ભાવભર્યો અવાજ ઓસરી ગયો. એમણે કાર્ડ્સ બાજુએ મૂક્યાં ત્યારે કામ્યા એમના અવાજમાં પોતાના ડેડીનો અવાજ સાંભળવા ફાંફાં મારી રહી હતી.

- તું સાંભળે છે? આટલું પૂછતાં તો યશવર્ધનનો અવાજ ગળગળો થઈ ગયો. કામ્યાએ બે હાથે સધિયારામાં યશવર્ધનના હાથ પંપાળ્યા.

- સર, તમે નારીવાદી છો?

- નારી માનવ નથી? કામ્યા તાકી રહી, મારી ચિનુ આજે સેદેહ નથી, છતાં મારી પાસે જેટલી છે, જેવી છે, ઓછી નક્કર નથી. આઈ ફીલ હર ઑલ ટાઈમ, આઈ હિયર હર ઑલ ટાઈમ. થાય હમણાં કોઈક ખૂણેથી ટહુકશે: પોપ્સી!

- સર, તમારા કોઈ ભ્રમ વિશે કંઈ કહેશો?

વર્ષોથી મારા ચિત્તમાં એક અતાર્કિક લાગણી ઘર કરી બેઠી છે કે મને ‘સ્ત્રી’ સમજતી નથી. લાગણી સાપેક્ષ દીકરી હોત-તો-મને-સમજત-ના સધિયારામાં મારો વિશ્વાસ ને શ્વાસ ટકી રહ્યા છે. નથી મારી માને, નથી બહેનોને કે માયાને મારી સર્જનઘેલછાની સમજ-કદર કે સ્વીકૃતિ. સર્જનના આનંદ માટે નથી ક્યારેય જોયાં એમની નજરુંમાં માન કે આદર. એક ઉપેક્ષા: ચાલો લખ્યું, સમય વેડફ્યો, તેથી મળ્યું શું, ગણી શકાય એવું? લોકો ખોટાં નથી. દુનિયાદારીના સંદર્ભે સર્જનનો નિજાનંદ પરિવારને શું કામનો?

અકબરના મહેલમાં ટમટમતા દીવાને જોઈ, દિલ્હીની કડકડતી ઠંડીમાં દૂર પાણીના હોજમાં ઊભા બાળકે ઉષ્મા અનુભવી રાત કાઢી નાખી હતી તેમ દીકરીની ઉષ્માના જોરે મારી કલમ ચાલતી રહે છે. આશામાં કે એ-હોત-તો મારી સર્જનઘેલછા સહિયારત, સમજત. મને ખબર નથી. ખરેખર સમજત કે પછી માયાની જેમ...! ખેર, નથી એટલે મારા ભ્રમનું સુખ જળવાઈ રહ્યું છે. જેને કોઈ તોડી કે ચોરી શકે એમ નથી. ચિન્મયી રૂપે સ્ત્રી મને સમજત ભ્રમભર્યું આશ્વાસન જીવવા માટે ઓછું શ્રેયસ્કર છે!

ચિન્મયી નથી. પણ મારી નવલકથાઓની નાયિકાઓ, માનસપુત્રીઓમાં અનેક રૂપે પ્રગટે છે. એના સંઘર્ષમાં હું પડખે ઊભો હોઉં છું, પછી ‘મૂંઝારો’ નવલકથાની સોનાલી હોય, ‘કોણ છે ભીતર’ની સમિધા હોય, ‘ઝંઝા’ની સંજના હોય કે ‘પદભ્રષ્ટ’ની ગાર્ગી. સૌ સાથે હું જીવ્યો છું, એમના વિષાદનો સહભાગી થઈને, વાયક્યેરસ્લી પામ્યો છું ચિન્મયીને.

માનસપુત્રીઓ મારો પીછો છોડતી નથી. પૂછ-પૂછ કર્યા કરે છે: અમારા મનની મૂંઝવણ, વ્યથા, વિષાદ અમને સમજાતાં નથી તો તમને કેમ સમજાય છે? આમ પૂછતી એમની આંખોમાં છલકતા કૌતુકમાં હું મારા સર્જન માટે અનન્ય આદર, રિકગ્નિશનનું ગૌરવ જોઉં છું, જે મેં મારા પ્રિયજનોની આંખોમાં ક્યારેય નથી જોયું. સમૃદ્ધિ ઓછી છે?

બાકી વાત રહી ચિનુની. જીવનમાં અનેક સંબંધો હોય છે. બધામાં કંઈક ને કંઈક ખૂટતું હોય છે. સંબંધોમાંનું ઊણાપણું દીકરીના એક સંબંધથી સભરભર્યું થઈ જાય છે. સિત્તેર વર્ષે હું મારી ઉંમરથી થાકી જાઉં છું ત્યારે મને બાળક બની, તોબરો ચડાવી, કજિયો કરવાનું મન થાય છે ત્યારે ચિનુ બહુ યાદ આવે છે, વહાલ કરતી, પટાવતી, ધમકાવતી, સાન ઠેકાણે લાવતી. ત્યારે માઠું લાગે, મજા આવે, કૂકે રમતા હોઈએ એવી. અભિધા વિનાનો શબ્દ, દીકરી, એટલે પ્રેમના કોઈ પણ પાસાનો પર્યાય.

- સર, જીવનમાં કોઈ અફસોસ? કામ્યાએ આત્મીય બનવાનો યત્ન કર્યો.

- જગત રચતી વખતે રહી ગયેલી ઈશ્વરની ખામીઓને સુધારવાની એક તક, એટલે દીકરી. જે મને મળી, મળવા જેવી.

- કોઈ ઇચ્છા બાકી? કામ્યાએ આટોપવા માંડ્યું.

- કહે છે, બાપ જો ત્રણ કન્યાદાન કરે તો તેને મોક્ષ મળે. પણ મને કન્યા હોઈ મારો કોઈ મોક્ષ નથી. માએ જન્મ આપ્યો. પત્નીએ સથવારો. દીકરી હોત તો મોક્ષ અપાવત મારા અંતિમ સંસ્કાર કરીને. જો મારો પુનર્જન્મ થશે તો એનો હેતુ હશે મારી અંતિમ ઇચ્છા, જન્મની હું રાહ જોઈશ.

એકાએક બન્ને વચ્ચે નીરવતાની આમાન્યા બંધાઈ ગઈ. રહીને જ્યારે કામ્યાને પ્રશ્ન સૂઝ્યો, સર તમારામાં ચિનુ જીવે છે કે તમે ચિનુમાં, અને પૂછવા એણે ઊંચું જોયું ત્યારે યશવર્ધન પાછા ઝોલે ચડી ગયા હતા. ડોકું નમી ગયું હતું, લાળ સરવા માંડી હતી. કામ્યાના પેડ પર હજી બે સવાલ હતા. એને થયું ઇન્ટરવ્યુ અધૂરો છે, પણ આથી વધુ પૂર્ણ હોઈ પણ શું શકે? કામ્યાએ ટેપ-રેકોર્ડર બંધ કર્યું.

*

બીજે દિવસે ‘અસ્મિતા’નો અંક પ્રગટ થયો. જયમલ મોદી અભિનંદનના ફોન કૉલ્સ લેતો ફુંગરાતો હતો. સામે બેઠી કામ્યાના ચિત્તમાં યશવર્ધનનાં ટાંચણોએ આતંક મચાવ્યો હતો: પુરુષ અનિવાર્ય, પતિ નહીં, સાસરે સ્વામી મળે, સુખ નહીં; સંજોગને વશ થતી, છેતરાશે. ફરી ફોન વાગતાં કામ્યા જાગી. જયમલે લીધો. ફિક્કા પડતા ચહેરા પરથી કામ્યાને લાગ્યું સામે છેડે કોઈનો અવાજ ઉકળતો હતો. ડઘાઈ જઈ ફોન મૂકતાં જયમલ વિફર્યો: ઊહાપોહ! બદનક્ષીનો દાવો! માય ફૂટ! કામ્યાએ સાશંક પૂછ્યું:

- શું થયું, સર!

- યશવર્ધનના ભાઈનો ફોન હતો, કહે છે ઇન્ટરવ્યુમાં તેં જે લખ્યું છે જૂઠાણું છે, ઊપજાવી કાઢેલું.

- વૉટ!

- યશવર્ધન બેચલર છે, અન-મેરિડ. તો ચિનુ ક્યાંથી આવી?

- સર...

- મજાકમાં યશવર્ધને તને કોઈ કથાનો પ્લોટ તો નથી કહ્યોને? સાચું કહેજે, જૉબ માટે મને ઇમ્પ્રેસ કરવા તેં ઇન્ટરવ્યુ ફેબ્રિકેટ તો નથી કર્યો ને?

- ફૅબ્રિકેટ? બુલ-શિટ્! કામ્યા હળાહળ પી ગઈ, સર, મારી પાસે ટેપ છે. એમનો અવાજ, એમના શબ્દો છે! સત્યની પ્રતીતિ માટે શું ઓછા છે?

- જો કામ્યા, વાત વધુ ચૂંથાય, ચર્ચાય પહેલાં સેફટી ખાતર તું મને તારો માફીપત્ર આપી દે.

- શા માટે? ફૉર ટેમ્પરિંગ વિથ ફૅક્ટ્સ.

- હાઉ કેન હિઝ ફૅક્ટ્સ બી મોર સુપિરિયર ધેન હિઝ ટ્રુથ? જયમલ, સત્ય અને વિગતોનો ફરક સમજો. યશવર્ધનનું ખરું નામ, જન્મસ્થળ, તારીખ, પિતાનું નામ, પત્નીની ઉંમર, એમની પુત્રી ચિન્મયી હતી કે નહીં, બધી વિગતોનું મહત્ત્વ છે કે એમના જીવનમાં ઊભી થયેલી દીકરીની અનિવાર્યતામાંથી ઉત્પન્ન થતી રહસ્યમય સર્જનશક્તિનું? જો ફૅક્ટ્સ રિયાલિટી હોય તો ફૅક્ટ એમની ઇનર રિયાલિટી છે. બિલીવ મી. માનો કે ચિનુ હકીકતમાં નથી. યશવર્ધન જીવે છે, ફૅન્ટસીના કોશેટામાં એમના સર્જનનું રેશમ વણાય છે. એમનું સત્ય છે, વાસ્તવ, એમની કૃતિઓનો શ્વાસ છે. જૂઠ, ફૅન્ટસી જ, સાચા યશવર્ધન છે, પોપ્સી. મેં લખ્યું છે. કમ વૉટ મે, હું માફી-પત્ર નહીં આપું.

- તો રાજીનામું આપી દે.

કાચના ગ્લાસમાં પડતા આઈસક્યુબની જેમ જયમલનો ઠંડો અવાજ ખણક્યો. માફીપત્ર અને રાજીનામા વચ્ચે કામ્યા ઝોલાં ખાઈ રહી.

સ્રોત

  • પુસ્તક : એક ક્ષણનો ઉન્માદ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સર્જક : હરીશ નાગ્રેચા
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2007