Vilopan - Short Stories | RekhtaGujarati

હાથમાં દાતરડું રાખીને માથે રૂમાલ બાંધતાં વાસના ઢાળે ઈસલો બૂમ પાડે છે : ‘અલ્યા દા'ડો માથેએ ચઢ્યો છઅ નઅ ઘરમાંથી કોઈ બા'ર નીકળ છઅ? કોઈનું મફત થોડું આવ છઅ હાળો, દાડીયે જવું નઅ પાછિયાં?' ગામ આખું સીમમાં હંકારી જવા જેટલો ઉત્સાહ અને ઉતાવળ ઈસલાના પગમાં હતો.

‘બપોરે વે'લો આવું તો બીજઅ.' મનમાં બબડીને ઈસલો બોલ્યો : ‘મફલા હાળા તુંય ઉતાવળો હેંડ નઅ, જલદી અવાયને.'

‘લે બીડી,' લાંબા હાથે મફલાએ બીડી આપતાં કહ્યું, ‘ઉતાવળ શી ?'

‘વે’લા અવાય તો...! અજુ બાપનું દેવુંયે...' ઈસલાના ચહેરા ઉપર દૈન્યતા છતી થતી હતી.

‘અલ્યા, મારી મા કે’છનઅ, આજે તો તારે માટે મેમાન આવવાના છઅ.’ મફલાએ તેની માએ કહેલી ખાનગી વાતની ચાડી ખાધી.

‘ઓવઅ, હું અને બીજીવાર પૈણું તો નઅ? પોરના બસો, અનઅ ઓણ સાલના દોઢસો... પાસા લગનના ચ્યાંથી લાવું? પછ બાપના ભરું શેમાંથી? વિયાજ તઅ તો છોડાય...' ઈસલો ખભે દાતરડું લટકાવી અટકીને બોલ્યો, ‘ઓણ સાલ તો મારી બૂનનું ઠેકાણું પડ્યું છઅ એટલે હારું થ્થું, પછ બીજું બધુંય...'

‘તુંય દિયોર, કરમનો કાઠો છઅ નઅ?'

‘ચ્યમ લાયા?’

‘ભણ્યો પણ નોકરી-બોકરીનું કૈં ઠેકાણું? ને બૈરું પાછું ભણેલું હતું ચ્યમ ખરું નઅ.'

‘હોવ્વ, હાળા એટલે તો ભોડાકટ થૈ નઅ, કે નોકરી મળ તો આવું પછઅ થાય હું? ને અવ, સાજનાનું આવઅ તે હુ' સુખ આપઅ.' ઈસલો ઘોર નિરાશામાં અટવાઈને જાણે બોલતો હતો.

‘હોવ્વ, કેછનઅ કે સરકાર આપણનઅ વે'લી નોકરી આપછઅ, પછઅ તાર હું થયું?'

હાળા, તો બધી વાતો. આપણા વાસમાં ચેટલા બધા ભણીનઅ રખડ છઅ? તું નથી ભાળતો? પછઅ હું ચેઈ વાડીનો મૂળો? આજ તો હઉ હઉનું કરી ખાય છઅ ને નામ આપણું પાડએ છઅ. અનામત વખત હંતાંણા'તા તે તું ભૂલી જ્યે છઅ? અવ તો આપણું નાંમ પડઅછઅ કે લોકો નાકનું ટેરવું ચઢાવ છઅ, હમજ્યો નઅ?' ઈસલો ઉશ્કેરાયો ને જોરથી બોલ્યો, 'હાળોંએ પેઢીઓથી લોહી ચૂસ્યું છઅન? અવય છોડતા નથી. હક્કનુંય આપવાનું ના પાડઅ છએ પછઅ દાંન-દયા તો હું કરઅ?' તિરસ્કારપૂર્ણ થૂંકીને, બીડી ફેંકી દેતાં, થોડુંક મરકી, કંઈ યાદ કરતો હોય તેમ, “આ વખત તો સરપંચેય માથઅ પડ્યો છઅ નંઈ 'લ્યા? એમાંય મારી પછવાડઅ તો... !' બોલતાં બોલતાં ઝડપથી ચાલ્યો.

‘આ સરપંચ દિયોર તારી પછવાડ ચ્યમ પડ્યો છઅ લ્યા?' મફલાએ ઠાવકાઈથી પૂછ્યું.

‘ડોરા ડુંખરાવીનઅ ગાંમ પેલાં દાડી વઈ જવાં નઅ પાસા આપવામાં ઓણ-પોર કરઅ.' તૂટેલા ચંપલની પટ્ટીને વાંકા વળી સરખી કરતાં, ‘હાળા નઅ વેઠ કરાવવાની દોનત, પછઅ મજૂરીઓ વગર શેને જીવઅ? નઅ બે મણની પોટલી તેને ઘેર નાસી જવાની તો ખરી? ના કે' તે દુશ્મન, પણ હું તો મોઢા ઉપર આલું.'

‘આપણાં હરિજન સભ્ય છઅન, એને કાંઈ ટકરાંણી છઅ.' મફલાએ વચ્ચે ઉમેર્યું.

‘એટલે નઅ, આપણા સભ્યની સાથે રઉં છું નઅ, એટલે સરપંચને હવાતું નથી. આપણો પંચાયતનો સભ્ય બિચારો હાચું કેછઅ. ગામ સભામાં એકલા સાવકારો મળછઅ, પછઅ લોકો જે કે' તે કરવું પડઅ એવું અવ નાં ચાલઅ. પસાત વરગની બહુમતી છનએ એટલે આપણે કહીએ તે હઉનઅ કરવું પડઅ. નઅ આપણે હઈએ તે ગાંમ સભા, હમજ્યો?' ઈસલાના સૂરમાં સૂર પુરાવીને મફલો વચ્ચે બોલી ઊઠ્યો, ‘ખરું છઅ ભૈ, તો અવઅ, લોકશાહી છનઅ, પણઅ.... મથુરકાકા, કાયમના કેછઅ સરપંચ એટલે આખા ગાંમનું પરપંચ!’

‘કે'વાય નઈ પણ વાત નીકળી એટલે કઉં છું.' ઈસલો પૂંઠવાળી કોઈ સાંભળતું તો નથી ને, તે જોઈ, થૂંકીને બોલ્યો, “અમણા લોન મળી, વખતે મેળાવડાના ખરચને નામે કૈં ચવાણા...’

‘કોણ કેછઅ ’લ્યા.’ મફલાએ ઠાવકાઈથી પૂછ્યું.

‘હઉ કેછઅ, એટલઅ, આપણઅ ચ્યાં હાંભળવા કે જોવા જ્યાં સીએ?'

‘હાચી છઅ ’લ્યા તારી વાત તો હાંકઅ, આંમ તો સરપંચ ચ્યાં દુઃખી છઅ પણ પેલો ધનિયો કે'તો કઅ હું ગર પસવાડઅ રસોડું બાંધવા સરપંચ સાયેબની પરવાંનગી લેવા જેલો, તો કે' ઘર માટઅ લોલક લાવી આપએ તો તનઅ છૂટ આપું.' મફલો ચાડી ખાધેલી નજરને છુપાવી બોલતો હતો.

‘સરકારની મફત ઘરગાળાની યોજનામાંય દિયોરો પાણીન કોહમાં મોકલ છઅ આપણ નઅ તો... હરખી જમીન એમનાં ખળાં નઅ ઉકરડાં માટઅ.' ઈસલો વેગમાં આવીને બોલ્યો, ‘ને એમાંય મનઅ તો કે'છઅ તારઅ હું કરવો છઅ ગાળો?'

‘તે કરને અરજી, દિયોર બડબડ્યા કરતા.'

‘કંટાળ્યો.’ ઈસલો રોષપૂર્વક બોલ્યો. ‘સરકાર બાથરૂમ નઅ ચૂલા માટેય આપણનઅ સહાય આપ છઅ તેમાંયે...? વળી મનઅ તો સરપંચ કે' તું પે'લાં બાથરૂમ બનાવ પછઅ પૈસા. અવ બાથરૂમ તો બનાવ્યું પણ હાળો ટલ્લાવ છઅ. ઈંટો ઉધાર લાયો તો બાપો રોજ ઉઘરાણી કરછઅ, પણ લાવું ચ્યાંથી? પૈસા આપવાના છઅ નઅ એટલે સહીઓ કરો એમ કરીનઅ પાછી સઈઓ તો હાળાએ લઈ લીધી છઅ, ને અવએ અરજીઓ કરી છઅ તે કોણ હાંભળઅ?’

‘વાતોમાં ને વાતોમાંય, શેતર તો આયું.' મફલો બીડી સળગાવતાં બોલ્યો, ‘તું તો પા વીઘો કે'તો'તો નઅ, હાળા હઉએ જૂઠું બોલવા શીસ્યું છઅ, અડધો વીઘો છઅ. ચ્યારે પાર આવશઅ? આંમય શોષણ?’

‘મરવાનું તો મજૂરોનઅ નઅ?' કહેતો મોઢામાંથી બીડી ફેંકી દઈ ઈસલો કહે, ‘લે હાલ અવે, ઝપટ પાડ હમણાં પૂરું.'

ઘડીકમાં લહેરાતું ખેતર પોઢી ગયું. ખેતરના શેઢે રાઈના થોડાક છોડ ઊભા હતા. દાતરડાના ટેકે ઊભો થતાં, ‘અલ્યા ચેટલા વાજ્યા?' કહેતાં ઈસલો મેલા રૂમાલથી મોઢા પરનો પરસેવો સાફ કરવા લાગ્યો.

‘તૈણ થ્યા હશઅ.' મફલાએ ઊંચે જોઈ કહ્યું.

‘થાચ્યા.’ કહી કંટાળો વ્યક્ત કરતાં ઈસલાએ બગાસું ખાધું. ‘ઝટ ચાલ અવઅ. ઘેર જૈ પેલા મગનકાકાના શેતરમાં પાછું જવાનું છઅ.' ચંપલની પટ્ટી સરખી કરતાં ઘર તરફ ઝપટ કરી. ઈસલાએ થાકને તો ખેતરમાં ખંખેરી નાખ્યો હતો.

‘ચ્યમ 'લા ઝપટ રાંધી તો રાસ્યું હશઅ નઅ તારી માએ?' મફલાએ બગાસું ખાતાં કહ્યું.

‘હું ધૂળ રાંધઅ. મા બિચારી હું મરઅ લોટ નથી ત્યાં? મજૂરીના દાણાય દિયોરો કોઈ આપતા નથી. ભૂખે કાંમય ચ્યમ કરીનઅ કરવું? ખાવાનાં ખોખાં નઅ મજૂરી. પોરના દાણાય અજુ ગાંમમાં બાચી છઅ.' ઈસલો ટેવ મુજબ થૂંકવા જાય છે પણ ગળું સુકાઈ ગયું હોઈ, થૂંકવાનો પ્રયત્ન કરી બોલતાં કંટાળો વ્યક્ત કરે છે.

‘પણ લ્યા, મે'માનો આવશ્યઅ તો!'

‘તો તારઅ હું ચિંત્યા હાળા.' ઈસલો અકળાઈને બોલ્યો, ‘ઘરમાં પાણી નથી ત્યાં? પેલા નાગરિક સેવાસમિતિવાળાએ હાળા આપણા વાસની લાઈનનો કૉક બંધ કરી દીધો છઅ. તે છેલ્લા ચાર દિવસથી આપણા નળમાં પાણીનું ટીપુંય પડતું નથી. જનમારામાં ત્રાસ તો કાંઈ ઓછો છઅ?'

રસ્તામાં બીજા મજૂરોએ બૂમ પાડતાં કહ્યું, ‘અલ્યા બહુ ઝપટ.’

‘ઈસલાને ત્યાં મે’માન આવવાના છનઅ એટલે.' મફલાએ અધૂરું પૂરું કર્યું.

’28 વરસ થયાં અવય... પે'લી તો રઈ નઈ પણ બીજી...' સાથી મજૂરે કહ્યું.

ઈસલો માથે રૂમાલ બાંધતાં મરક મરક હસી પડ્યો.

‘ઘર-ગાળો મફત લેવો હોય તો પરણવું તો પડજનઅ.' મફલાએ ટોણો માર્યો.

‘ગાળો હશઅ તો ખરું?'

‘ચ્યમ વળી તારો કાકો મૈને ઘેર રહેવા આવવાના છનઅ, પછી ચ્યાં રહીશ?’

‘બચારા એય શું કરઅ, મરઅ? બે બે વરસથી મિલ બંધ છએ પછઅ? પણ લ્યા મફલા, આંઈ આઈનઅ હું કરશે? ગાંમડાંમાંય ધૂળો મુકાયો છનઅ?' ઈસલાની આંખો સમક્ષ દારુણ ગરીબી અને બેકારી તરવરવા લાગી.

‘ભણેલો થૈનઅ એમાં મૂંઝાય છઅ હું?'

‘હમણાં બધાંય પોગળ બા'ર પાડું, પણ એકલો પડું છું, ઊણ સાલ, પંચાત’ના આપણા સભ્ય ને હું જોજેનઅ મંડળી ઊભી કરીએ તો?' ઈસલાની આંખોમાં વિદ્રોહ છતો થતો હતો.

ચાલતાં ચાલતાં જિજ્ઞાસાપૂર્વક મફલાએ વાત વધારવા આગળ કહ્યું, ‘પછઅ?’

‘લઘુતમ વેતન ધારાની વાત.’

‘પછઅ ગાંમવાળા હેરાન કરશે, ખબર છનઅ પછઅ?' મફલાના ચિત્તમાં ભૂતકાળના આવા અનેક પ્રસંગો યાદ આવવા લાગ્યા.

‘ગાંમવાળા હું કરશઅ? મલક આખો છનઅ?' ઈસલો શ્રદ્ધાપૂર્વક બોલી રહ્યો હતો.

‘પરમ દા'ડે જીવાકાકાને પેલા વચલી ફળીવાળા પચાસ ગાળો બોલી જ્યા - બાપાના પૈસા મૂચી દો, પણ બિચારા વખાના માર્યા કરએય હું?'

‘હાળા, મારી વાત કરું નઅ, ઘરમાં દાંણાય નથી નઅ પાણીય. પાસી મેમાંનની વાત.’ ઈસલો જાણે બધી ચિંતાઓ પાછળ ફેંકી દઈને દોડતો હોય ગતિએ ચાલતો હતો ને થોરની વાડનાં પાંદડાં તોડતો જતો હતો.

‘મૂઉં ગાંમ.’ છેકથી મૂંગા મૂંગા પાછળ ઢસડાતાં આવતાં અમથીકાકી બરાડ્યાં, ‘ગાંમમાં પાંણી હેડ્યું જાય છઅ નઅ આપણા વાસમાં ચકલીઓનાં ઠૂંઠાં ઊભાં કર્યાં તે ?.... પાણી આવતું નથી. મારા ભૈના દિયોર, નાગરિક સેવાસમિતિ ને સરપંચ બધાંયનાં કાવતળાં... બધી વાતે મરો, જાણે પરભુને પથરે ના માર્યા હોય! ના હખે જીવવાનું કે ના હખે મરવાનું... બધો અવતાર એળે જ્યો, ઈસલો ખરું કે'છઅ બિચારો, બળ્યો જનમારો જાતમાં - બધી વાતો અન્યાઈ અન્યાઈ નઅ અન્યાઈ... ભગવાંન અવઅ ફરીથી જનમ આલ તો હારું!'

ભૂખ, તરસ અને થાક છતાંય રમઝટ ચાલતાં ચાલતાં મફલાએ વચ્ચે ઉમેર્યું, ‘એમાં તો પેલા માંના કાકાનઅ પાંચ વરસ પે'લાં ઘર મૂકીને ભાગવું પડ્યું'તું ખબર છનઅ? તો ભાથી માણસ એટલે લડ્યો ને આપણે તો ભૈ હવાર થાય નઅ પાછા પારકા શેતરમાં, પણ 'લ્યા ઈસલા, તાર તો ઘયય...' બોલતાં બોલતાં મફલો તેના ઘર તરફ વળી ગયો.

ઈસલો ઝડપભેર વાસનો ઢાળ ચઢતાં વાંકા વળી ચંપલની પટ્ટી સરખી કરી થૂંકે છે. બીડી સળગાવી, માથાનો રૂમાલ ખભે કરતાં ઘરનું બારણું બંધ છે તે જોઈ લે છે. ફરી પાછું મગનકાકાના ખેતરમાં જવાનું તેને યાદ આવ્યું. ઝડપથી લાંબા હાથ કરી ઊંબરામાં મૂકેલી ચાવી લઈ તાળું ખોલ્યું. તેના ઘરમાં આંખો ફરી વળી ને ઘરની પાછલી બારીએ ઈસલો ‘હાશ’ કરીને બેસી ગયો. જૂના જમાનાની ખાલી કોઠીઓનો ભંગાર તેની નજરે ચઢ્યો. એક મોટું બગાસું ખાઈ લાઈટર વડે તેણે બીડી સળગાવી. મ્યાઉં મ્યાઉં કરતી બિલાડી કોઠીઓ વચ્ચે બેસીને ઈસલા સામે ટગર ટગર જોઈ બગાસું ખાવા લાગી. થોડેક દૂર ભજિયાંની વાસ આવતી હતી. વાહનનો અવાજ કાને પડતાં ઈસલાને મહેમાનોનું સ્મરણ થઈ આવ્યું. પેન્ટ પૂંઠેથી ફાટેલું છે તે યાદ આવ્યું. બીડી ફેંકીને એકદમ ઊભો થઈ પ્યાલું પકડ્યું, પણ ગોળામાં પાણી નથી તેનો ખ્યાલ આવતાં તે એકદમ પાછો આવીને બેસી ગયો. માથું ખંજવાળી, ફરી બીડી સળગાવી પીવા લાગ્યો. બહાર અવાજ થતાં ઈસલાએ વાંકા વળીને જોયું તો ફાટેલા સાડલાનો છેડો માથે સરખો કરતાં, લાકડાની પોટકી આંગણામાં એક બાજુ મૂકતાં, તેની મા બબડતી હતી, ‘ભૈના દિયોર આયા એવા બીડીઓ ડસવા માંડ્યા છઅ, દાંણાબાંણાનું તો હૂજતું નથી, શું તારો હોસલો રાંધીને આપીશ... ખા હવઅ.'

ઈસલો હાથમાંની બીડીનો એક વધુ કશ ખેંચીને ફેંકી દઈ જુએ છે તો તેની મા ડોલમાં પડેલું પાણી ચંબામાં લઈ ઉઘાડે પગે બોલતી બોલતી ઝાડે જતી દેખાય છે... ‘ગાંમનો દિયોર સરપંચ નવાઈનો આયો છઅ તે પાંણીએ છોડતો નથી. એમના બાપાંનઅ તો હાંઝ-હવાર ને આંય દેવતા બળ્યા છઅ! હું હારું કરવાના? મત લેવા તો ચેવું કગરતા'તા? ભૂખ વેઠાય, પાંણી વના ચ્યમ રવાય? મુઓ ભગવાંનયે અવ તો મોત આપ તો હારું... વઈધરમાંથી તો છૂટીએ...'

ઈસલાએ ઊભા થઈ જોયું તો એની મા દૂર દૂર જાજરૂ જઈ રહી હતી. બળબળતી ગરમીમાં તેના પગ ઉઘાડા હતા તે તેને ધ્યાને ચઢ્યું. બીડી ફેંકી દઈ બીજી સળગાવતાં ઈસલાએ મોટું બગાસું ખાધું. ટેવ પ્રમાણે થૂંકવા ગયો પણ ગળું સુકાઈ ગયું હતું ત્યાં તો 'ચાર વાગવા આયછએ.' મગનકાકાએ બૂમ પાડી ‘અલ્યા ઈંસલા પછઅ શેતરમાં ચ્યારઅ જઈશ, દા'ડો બૂડે પછઅ હું તારું ભોડું વાઢીશ?'

‘હમણાં હેંડ્યો.’ ઈસલાએ મગનકાકાને વિદાય કરતાં કહ્યું, ‘તમતમાર જાઓ, કાકા.’

બાકી રહેલી છેલ્લી બીડી સળગાવતાં, લાઈટરમાં કેરોસીન પૂરવાનું યાદ આવ્યું. થૂંકીને બારી પકડી ઈસલો એકદમ ઊભો થયો. ભીંતે ટીંગાડેલી તેના સ્વ. બાપુજીની છબી ધડાક દઈને માથે અથડાઈને નીચે પડી. વાંકા વળીને હાથમાં છબી લેવાનો પ્રયત્ન કર્યું, પણ ચૂરેચૂરા થયેલા કાચ હાથમાં વાગતાં લોહી ટપકવા લાગ્યું. આંખે અંધારાં આવ્યાં. કેરોસીનના દીવા તરફ તેની નજર ગઈ. લાઈટરમાં કેરોસીન નથી તે તેને યાદ હતું. દીવો હાથમાં લીધો પણ ખાલી હોઈ પાછો મૂકી દીધો. ઈસલાએ પૂંઠ વાળી આગળપાછળ જોઈ લીધું, ભીંતે લટકાવેલા કેરોસીનના શીશા ઉપર તેની નજર પડી. તેના ચિત્તમાં ઝબકારો થયો, ઘડીભર શૂન્યમનસ્ક બની ગયો, બપોરની બસ આવ્યાનો અવાજ સંભળાયો, તેણે શીશો હલાવી કેરોસીન જોઈ લીધું. ફરી પાછું થોડુંક આડુંઅવળું જોઈ કોણ જાણે કેમ ક્ષણમાં તેણે કેરોસીનનો શીશો પોતાની ઉપર ઢોળી દીધો. લાઈટર પેટાવ્યું... અને જોતજોતાંમાં તો ઈસલો ભડકે બળતો બૂમો પાડવા લાગ્યો... ‘બચાવો... બચાવો...' પણ હવે બચવું તેના હાથની વાત નહોતી. દુનિયાનો દાવાનળ તેની ઉપર ફરી વળ્યો હતો. ભડ ભડ આગનો અવતાર બની ભભૂકતો હતો. ઈસલો ઠેકડા મારતો, ઊભો સળગતો હતો ને બેસુધ બની બરાડતો બહાર દોડી આવ્યો.

કોઈકે બૂમ પાડી, ‘અલ્યા દોડજો.... દોડજો ઈસલો સળગ્યો'

‘હેં ઈસલો, હા... આ... લા... દોડજો ઈસલો... અર... ઓ... સળગ્યો’. કોલાહલ કરતા વાસના લોકો દોડી આવ્યા.

ક્ષણ બે ક્ષણમાં તો લોકોએ બૂમબરાડા મચાવી ગોદડાં વડે જલતા જ્વાળામુખીને ઢબૂરી દીધો.

ચારે તરફ રડારડ થઈ રહી હતી, ભૂંજાઈને ભડથું થઈ ગયેલો ગોદડાંમાં દટાયેલો ઈસલો, ‘પાણી... પાણી...'ની બૂમો પાડતો હતો. જીવતો માણસ જલી રહ્યાની ગંધ ચોમેર પ્રસરી રહી હતી. વાસના લોકો મૂઢ બનીને ફાટેલી આંખે ધુમાડાના બાચકાઓમાં ઈસલાનું વિલોપાતું અસ્તિત્વ શૂન્યમનસ્ક જોઈ રહ્યા હતા. નિઃસહાય અને નિરુપાય !

વાસમાં સર્વત્ર સન્નાટો છવાઈ ગયો હતો -- ‘ઓ, મારા ઈસલા... બાપુ...'ની દૂરથી તેની માની બૂમો સંભળાતી હતી. તેનો પાળેલો કાળિયો કૂતરો, સ્તબ્ધ બની ગયેલા ટોળા વચ્ચે ઈસલાને કણસતો... તરફડતો જોઈ, ‘હઉઅ... અહુ ઉં...' કરતો આજુબાજુ ફરતો ગામ આખાને ચાડી ખાતો જાણે કહેતો હોય ‘ઈસલો હવે ક્યારેય માગશે નહિ પાણી, મજૂરીના દાણા, બાથરૂમની સહાય કે મફત ઘર-ગાળો...!'

('ગુજરાતી દલિત વાર્તા'માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 217)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999