Vethiya - Short Stories | RekhtaGujarati

વેઠિયાઓને આવતાં વાર થઈ એટલે આંબાના ઝાડ નીચે ઘોડા છોડીને અમે આડેધડ ફરવા લાગ્યા. રાજા તો ડેરાતંબૂમાં નિરાંતે ઊંઘતાં હશે. અમારા માથે જવાબદારી નાંખીને તો નફિકરા થઈ ગયા. અમારે જવાબદારી અદા કર્યા સિવાય છૂટકો નહોતો. કેમ કે વખતે તો રાણીઓય રાજાની સાથે ફરવા નીકળી હતી. આડો દિવસ હોત તો કદાચ રાણીઓ ઘોડાઓ પર બેસવાનું પસંદ કરે. પણ અત્યારે ગરમી અસહ્ય પડતી હતી. રાણીઓ પાલખીઓમાં બેસવાની હતી. ને રાજા આગળ રઢ લઈને બેઠી હતી કે હવે ગરમી વેઠાતી નથી, અમને જલ્દી રાજ્યમાં લઈ ચાલો. પણ પાલખી ઊંચકે કોણ ? વેઠિયા વિના ચાલે નહિ. પાલખીઓ ઉપરાંત બીજો માલસામાન પણ ઊંચકવાનો હતો. રાણીઓની કોમળ કાયા કરમાઈ જાય તે માટે રાજાથી માંડીને નાનકડા સૈનિકો સુધી બધા હલબલી ઊઠ્યા હતા. એકાદ-બે માણસોથી કામ પતે એવું હોત તો અંદરોઅંદર પતાવી દેત. પણ તો ખાસ્સા દસ- બાર વેઠિયાઓની જરૂર હતી. જે માણસો વેઠિયાઓને બોલાવવા ગયા હતા, તે અમારા અંદાજ મુજબ તો લગભગ પહોંચી ગયા હશે. ગામમાં સાદ પડાવીને ગામમુખી દ્વારા મેઘવાળોને હુકમ કરવાનો હતો. વેઠિયા તૈયાર થતા હશે. હવે બધા આવવા જોઈએ. અમે અહીં પાંચ હતા, ને બે જણ ઘોડા પર બેસીને વેઠિયાઓને બોલાવવા ગયા હતા. અમારો સાત જણનો રસાલો ગામથી થોડે દૂર સીમમાં જોઈને ડરપોક લોકોએ તો નાસભાગ મચાવી દીધી અમે સૈનિકોના પોશાકમાં હતા એટલે કાંઈ વાંકગૂનામાં આવી જવાય એની બીક તો બધાને હતી. પણ લોકોને કનડગત કરવાનો અમારો કોઈ ઈરાદો નહોતો. ધારો કો અમારા મનમાં એવી વૃત્તિ જાગે તોય અમારાથી એવું થાય એમ નહોતું. કેમકે એવું કરવા માટે અમારી પાસે સમય નહોતો. વેઠિયાઓને લઈને અમારે તો રાજા પાસે તાબડતોબ પહોંચવાનું હતું. અમે પાંચેય જણ સીમમાં ખેતરો જોતા જોતા સહેજ આગળ નીકળી ચૂક્યા હતા. પેલા ચાર તો જાણે બરાબરના થાક્યા હોય તેમ વારેઘડીએ ગામ ભણી જોયા કરતા હતા. પણ મને તો હૈયાધારણ હતી. સૌથી વધારે ઉચાટ તો હિંમતસિંહને હતો. અમારા સાતેયનો વડો હતો. હિંમતસિંહ જેટલો ઉચાટ મને થવો જોઈએ, કેમ કે હિંમતસિંહ પછી ટુકડીનો વડો હું થવાનો હતો. છતાં વેઠિયા દેખાયા તેની મને લેશમાત્ર ચિંતા હતી. હું તો ખેતરો જોવામાં મશગૂલ બની ગયો. હિંમતસિંહ ઉચાટ કરનાર બેઠો છો, પછી મારે શું ? હિંમતસિંહ તો થોડી વાર ખેતરોમાં ફરીને પેલા આંબાના ઝાડ નીચે જઈને ઊભો રહ્યો. મારી સાથે બીજા ત્રણ હતા તે એક ખેતરના શેઢે બેસીને અંદરો-અંદર વાતોએ વળ્યા હતા. મારે તો વગડો જોવો હતો. હું શું કામ બધું ના જોઉં ? જે બે સૈનિકો વેઠિયાઓને બોલાવવા ગયા હતા, તે મારા ખાસ માણસો હતા. એટલે જે પરિણામ આવવાનું છે, તેની શક્યતાઓ પરત્વે હું શું કામ શંકા પણ સેવું !

એકાએક ઘોડાની હણહણાટી સંભળાઈ. મને થયું કે આંબાના ઝાડ નીચે ઊભેલા કોઈ ઘોડામાંથી એકાદ હણહણ્યો હશે. પણ ના, જણને ગામમાં મોકલ્યા હતા તે આવી રહ્યા હતા. હું ધ્યાનભંગ થઈ ગયો. પેલા ત્રણ શેઢા પરથી ઊભા થઈને મારી રાહ જોવા લાગ્યા. હું ઝડપભેર ચાલીને, પેલા ત્રણની સાથે થતો ઝાડ નીચે આવ્યો. વેઠિયાને જોવા માટે અમે પાછળ લળી લળીને જોવા લાગ્યા. પણ પાછળ તો વેઠિયા જેવું કશું દેખાતું નહોતું. મેં પેલા બે સૈનિકો સામે નજર નોંધી. હોઠ પર સહેજ સ્મિત લાવીને બન્ને તો ઓશિયાળા બની ગયા. મેં બે હોઠ દબાવીને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી. ઘોડા પરથી ઊતરીને અમારી સામે આવીને ઊભા રહ્યા. પણ તો બન્ને સાવ સિવાઈ ગયા હતા. અમે આંખના ઈશારાથી શું બન્યું તે વિશે પૂછતાછ કરતા હતા. તો અમારી ઈશારાની ભાષા પણ ભૂલી બેઠા હોય તેમ મૂંગા મૂંગા નીચું મોં ઘાલી ગયા. એમની આવી રીતભાત જોઈને હિંમતસિંહ કાળઝાળ થઈ ઊઠ્યો. પેલા બન્નેની છેક નજીક જઈને ગર્જ્યો :

- તમારાં મોં કેમ બંધ છે ?

પેલાઓ તરફથી કશો પ્રત્યુત્તર મળ્યો. હું હિંમતસિંહ સામે જોઈ રહ્યો હતો. પેલા બે સામે સખત નારાજ જણાતો હતો. એક જણનું મોં ઊંચું કરીને બોલ્યો :

- તમે ડરી ગયા છો ? વેઠિયા લીધા વિના પાછા કેમ આવ્યા ?

- કોઈ આવવા તૈયાર થયું.

- રાજાનો હુકમ વેઠિયાઓએ અવગણ્યો તોય તમે કશું બોલ્યા ?

- અમે કહેવામાં કશું બાકી રાખ્યું નથી

- તો પકડીને આંહી લાવવા હતા !

- એવો તો અમને ક્યાં હુકમ હતો ? અમે તો મુખીને જઈને કહ્યું, મુખીની સાથે અમેય મેઘવાળ વાસમાં ગયેલા. મુખી મેઘવાળોને વેઠ ઉપાડવા માટે આવવાનું કહેતા હતા, પણ કોઈ માન્યું નહિ.

મુખીએ કેમ સખ્તાઈ વાપરી ?

- વાપરી હતી. પણ એય શું કરે ? વેઠિયા બધા આડાં લઈને મુખીને ઘેરી વળ્યા હતા.

- લોકોમાં આટલી બધી હિંમત કેવી રીતે આવી?

- તો ખબર નથી. પરંતુ મેઘવાળોએ મુખીને રોકડું પરખાવી દીધું કે જે થાય તે કરી લ્યો. અમે વેઠ ઉપાડવા આવવાના નથી. એટલે ઢીલા થઈને મુખીએ અમને કહી દીધું કે ગામમાંથી વેઠ કરવા કોઈ નહિ આવે.

હિંમતસિંહના અંગેઅંગમાં ક્રોધ વ્યાપી ગયો. એના મોં પર સખ્તાઈ આવી ગઈ. જાણે ચહેરા પર યમદૂત આવીને બેસી ગયા હોય તેવું લાગ્યું. પેલા બે ફફડવા લાગ્યા. મારી નજરમાં બન્નેનો ફફડાટ સમાયો. ને હું ત્રાંસી આંખે હિંમતસિહના ચહેરા પર એકાએક ઉપસી આવેલી રેખાઓને ઉકેલવા મથવા લાગ્યો. વેઠિયા આવ્યા તેથી મારા પેલા ત્રણેય સાથીદારો ક્રોધે ભરાયા હતા. પણ મેં એમને હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવા જણાવ્યું. કેમ કે હિંમતસિંહ અમારા વતી બધું વ્યક્ત કરતો હતો પછી અમારે ડહાપણ કરવાની જરૂર શી ? છતાં પેલા બેઉને ઠપકો આપતાં આપતાં હિંમતસિંહ અમારી સામે ચૂપકીથી જોઈ લેતો હતો. તેવે વખતે અમારે ગંભીર થઈ જવું પડ્યું. હિંમતસિંહની વાતેય ક્યાં ખોટી હતી ? જિંદગીમાં આવું તો પ્રથમ વાર બન્યું હતું. આટલાં વર્ષોમાં વેઠિયાઓએ વેઠ ઉપાડવાની ના પાડી નથી. કોઈ ગામમાં રાજાના હુકમનું પાલન થયું હોય તેવું તો ક્યારેય બન્યું નહોતું. રાજ્યના સૈનિકો રાજાના હુકમની છાપ દેખાડે ત્યારે મુખી વેઠિયાઓની વ્યવસ્થા કરી આપે. મુખી ના હોય તો રાજાના સૈનિકો જોઈને વેઠિયાઓને ખબર પડી જાય કે અમારી જરૂર પડી છે. એટલે એમની મેળે હાજર થઈ જાય. જ્યારે તો ઊંધું બન્યું. ખુદ વેઠિયાઓએ સામે ચડીને ના પાડી. રીતે રાજાના હુકમનું ઉલ્લંઘન કરીને એમણે પોતાના પગ પર કુહાડો માર્યો હતો. શું થશે ? કદાચ હિંમતસિંહ અમને લઈને ગામમાં જશે. પછી જે થવાનું હતું તેની તો હું કલ્પના પણ કરી શકતો નહોતો.

હિંમતસિહે મારી સામે જોયું. હું ગંભીર થઈને એની પાસે ગયો. મને હિંમતસિંહ પાસે ઊભેલો જોઈને બીજા ત્રણ સૈનિકો પણ મારી બાજુમાં આવીને ઊભા રહી ગયા. હિંમતસિંહનો દેહ ક્રોધમાં ધ્રૂજી રહ્યો હતો. પેલા બે તો વાઢો તોય લોહી નીકળે તેવા થઈ ગયા હતા. મેં એમની સામે જોયું પણ તો મારી સામે જોવાનું નામ લેતા નહોતા. મને અચરજ થતું હતું. વેઠિયા આવ્યા, હિંમતસિંહની નજરોમાંથી બચવું અઘરું હતું. મને તો બધી બાજી ઊંધી પડી જતી લાગી, હિંમતસિંહ સહેજ મારા પરથી નજર હઠાવે તો મારે પેલા બે સામે ઝીણવટપૂર્વક જોવું હતું. પણ હિંમતસિંહ મને બન્નેની સામે ઝીણવટપૂર્વક જોવાનો મોકો આપતો નહોતો. હિંમતસિંહે એમાંના એક પાસે ઝાડ નીચેથી ઘોડો મંગાવ્યો. ઘોડો આવ્યો કે તરત એના પર છલાંગ મારીને હિંમતસિંહ ચઢી બેઠો.

- બધા ચાલો મારી સાથે.

અમે બધા ઝપાટાબંધ ઘોડા છોડીને છલાંગ મારીને ઘોડા પર ચઢી બેઠા. હિંમતસિંહનો ઘોડો તો પૂરઝપાટે દોડતો હતો. અમેય એની પાછળ પાછળ ઘોડાને દોડાવતા હતા. ગામ દેખાયું, ને હિંમતસિંહ ઘોડો જરા ધીમો પાડીને અમારી સાથે થયો. હવે જે બનવાનું હતું તે વિશે વિચારીને હું તો મનમાં ડરવા લાગ્યો હતો. કેમ હું આટલો બધો ડરપોક થઈ ગયો ? ઘોડાના ડાબલામાં મારી બીક પડઘાતી હતી. અમે ચોરામાં આવ્યા. ગામ આખું અમને જોઈને જાણે ભયના દબાણ નીચે શ્વાસ લેતું લાગ્યું. હિંમતસિંહ ઘોડા પરથી છલાંગ મારીને નીચે ઊતરતાં બોલ્યો :

- મુખીને પકડી લાવો.

હિંમતસિંહે મારી સામે નજર કરી. મેં તો પેલા બે સૈનિકો સામે જોઈને આંખનો ઈશારો કરીને મુખી ક્યાં છે તે સંદર્ભે પૂછ્યું. પેલા બે સૈનિકો દોડીને મુખીને બોલાવી લાવ્યા. સૈનિકો અને મુખીને હળેલાભળેલા જોઈને હું મનમાં હરખાયો. મુખી હાથ જોડીને હિંમતસિંહની સામે ઊભો રહ્યો. ઓટલા પર ગાદલા પાથરી દીધા. અમે એના પર બેઠા. મુખી હિંમતસિંહની લાલ આંખ જોઈને ધ્રુજતો હતો.

- મુખી ! તમે ગામમાં કેટલા વખતથી મુખીપણું કરો છો ?

- બાર વરસથી ભૈસાબ !

- રાજાના હુકમનો ક્યારેય તમે અનાદર કરેલો ?

- ના. તો તો માર્યો જાઉંને મા-બાપ !

- તો આજે વેઠિયાને કેમ ના મોકલ્યા ?

- ના આવે તો હું શું કરું...

- કેમ, તમારી સત્તા મેઘવાળો પર નથી ચાલતી કે શું ?

- ચાલે છેને બાપા !

- તો જાઓ વેઠિયાઓને અબઘડી બોલાવી લાવો !

એટલું કહીને હિમતસિંહે તો મૂછો આંબળી.

મુખી અને એમના મળતિયા તાબડતોબ મેધવાળવાસમાં દોડતા જવા માંડયા. દેખાતા બંધ થયા કે અમે અંદરોઅંદર ગુસપુસ શરૂ કરી. હિંમતસિંહ તો રોફમાં ને રોફમાં મૂછો પર હાથ ફેરવીને અમારી સામે વારેઘડીએ જોતો હતો. બધા તો એના રૂઆબ આગળ મીંદડી થઈને બેઠા હતા. પણ હું ઝાલ્યો ના રહ્યો. મેં તો હિંમતસિંહને કહી દીધું :

- તમને કેવું લાગે છે ? વેઠિયા આવશે ?

- ના આવે તો ચોરા વચ્ચે લાવીને એમની ચામડી ઉખેડી નાંખું.

- ચામડી ઉખેડી નાંખો, છતાંય માને તો ?

હિંમતસિંહ મારી સામે શંકાશીલ નજરે જોવા લાગ્યો. મારી સામે ઝીણી આંખો કરીને કશીક ગડમથલમાં પડ્યો. એણે પછી બધાની સામે નજરે જોયું. બધા બીકના માર્યા ગુસપુસ છોડીને, જે રસ્તે થઈને મુખી અને તેના મળતિયા ગયેલા તે તરફ જોવા લાગ્યા. ખાસ્સો સમય વીત્યો હતો. વેઠિયા આવતા નથી. ને મુખીનો સંદેશો લઈને કોઈ આવતુંય નથી. હિંમતસિંહ છણકભણક કરવા લાગ્યો. હું મનમાં હરખાતો હતો. ઠીક લાગ હતો. મારા મનમાં એકદમ ઝબકારો થયો. હું ઊભો થઈ ગયો, હિંમતસિંહ મારી સામે જોઈને હાંફભેર બોલ્યોઃ

- શું થયું ? કાંઈ સનકારો ઊપડ્યો કે શું ?

- કાંઈ નહિ ! મુખીને વાર થઈ. અમે બેત્રણ જણ જઈ આવીએ. કોઈના ભરોંસે ક્યાં સુધી રહેવું !

- રાજાના સૈનિકો કાંઈ સસ્તા નથી સમજ્યા ? બેસો હેઠા !

હું તો કશું બોલ્યા વિના હેઠો બેસી ગયો. હવે અમારે કશું બોલવાનું નહોતું. ઈધરઉધર ઘૂમી રહેલા ગ્રામજનોની ગતિવિધિઓ જોવામાં અમે પરોવાયા. તોય વેઠિયા આવ્યા નથી તેનો ઉચાટ તો હતો. વેઠિયા તો ભારે નીકળ્યા. આવતા નથી. ક્યાં કોકડું ગૂંચવાણું હશે ? પેલા બે સૈનિકો તો અમે કહેતા હતા કે મુખી વેઠિયા આગળ ઢીલા પડ્યા હતા. તો પછી આપણેય શા માટે મુખીને દબાણ કરવું ? હેઠો બેઠા પછી જે વખત વીત્યો, તેની ગણતરી હિંમતસિંહે કરી હોત તો કદાચ ધીરજ ગુમાવી બેઠો હોત. રાજા તો બેઠા બેઠા ઉત્પાત કરતા હશે. ને અહીં તો વેઠિયાનું કશું ઠેકાણું નથી. સંભવ છે કે રાજા સેનાપતિને મોકલે પણ ખરા. મારી શંકા સાચી પડી. ચોરામાં ઘોડાના ડાબલા પડઘાઈ ઊઠ્યા. જોયું તો સેનાપતિ ખાસ્સા રસાલા સાથે આવી પહોંચ્યા હતા. અમે તો બધા ટપોટપ ઓટલા પરથી ઊભા થયા. સેનાપતિ હજી તો ઘોડા પરથી ઊતર્યા પણ નહોતા. અમે બધા એમને દંડવત્ પ્રણામ કરી બેઠા. સેનાપતિએ અમારા દંડવત્ પ્રણામને લેખામાં લીધા વિના ફરમાન છોડ્યું :

- વેઠિયા ક્યાં છે ?

- મુખી બોલાવવા ગયા છે.

- તો તમે અહીં શું કરો છો ?

સેનાપતિ હિંમતસિહને ધમકાવતા હતા. હિંમતસિહ ડગુમગુ થઈ રહ્યા હતા. મેં હિંમતસિંહ સામે જોયું. હિંમતસિંહ મારી સામે આંખ મિલાવ્યા વિના સેનાપતિની સામે ઊભાઊભા એના હુકમની રાહ જોવા લાગ્યો. સેનાપતિની આંખોના ડોળા અડધા બહાર નીકળી ગયા હતા. એમણે હિંમતસિંહને કહ્યું :

- તમે હજી ઊભા છો. વેઠિયાઓને લેવા માટે તમે કેમ જતા?

અમે તો તાબડતોબ દોડ્યા. મેઘવાળવાસમાં આવ્યા. હિંમતસિંહ હાંફી રહ્યો હતો. એનો ચહેરો ઊતરી ગયો હતો. હિંમતસિંહ સામે જોવાની મને ફુરસદ નહોતી. કેમ કે મારે મુખીની રીતભાત જોવી હતી. વેઠિયા મુખી સામે રકઝક કરતા હતા. ને મુખી એમની સાથે સમાધાન કરવા માંગતા હોય તે રીતે વાતોએ વળ્યા હતા. એકાએક અમને દોડતા આવેલા જોઈને આખો મેઘવાળવાસ શિયાંવિયાં થઈ ગયો. અમને જોઈને મુખીનું આખું રૂપ બદલાઈ ગયું. મોં પર સખ્તાઈ લાવીને એકદમ એણે વેઠિયાઓને હુકમ છોડ્યો :

- આવો છો કે નહિ ! જો નહિ આવો તો ચોરા વચ્ચે લઈ જઈને તમને રગદોળી નાંખીશ.

હું તો ઘડીકમાં મુખી સામે, તો ઘડીકમાં વેઠિયા સામે જોવા લાગ્યો. હિંમતસિંહ મારી પાસે આવીને નિઃસહાય અવસ્થામાં ઊભો રહ્યો. મેં મુખી અને વેઠિયાઓ પરથી નજર ખસેડીને હિંમતસિંહની નિઃસહાય અવસ્થાની નોંધ લીધી. હિંમતસિંહની પરિસ્થિતિ જોઈને મને મારાં અંગો વિકસિત થયેલાં ભળાયાં, હિંમતસિંહના પડી ગયેલા મોં સામે જોઈને મને થયું કે કદાચ મને ધમકાવે પણ ખરો. છતાં એવું તો નહિ બને એવી ધારણા સાથે મુખી અને વેઠિયાઓ વચ્ચે ચાલતો સંઘર્ષ જોવા હું રોકાયો. એકાએક વેઠિયાઓની રીતભાત મુખી સોંસરવી મારામાં પેઠી. મેં હાથ ઊંચોનીચો કરીને તે હિંમતસિંહ પર ખંખેરી. ત્યારે મને થયું કે વેઠિયા આવવાની ના પાડે તો કેવી મજા પડે ?

(પરબ, જૂન 1993)

સ્રોત

  • પુસ્તક : કુંભી (પૃષ્ઠ ક્રમાંક 123)
  • સર્જક : મોહન પરમાર
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશ
  • વર્ષ : 123