પ્રભુદાસ પટેલ
Prabhudas Patel
ઓચિંતા માવઠાની જેમ જ તે ફરકી ગઈ. અ...ને કેટલા દિવસો પછી? અને એ ય કેવી દશામાં! તે માંડ છીંડું વટાવીને ખેતરમાં પ્રવેશી કે એક જણાએ બીજાઓનું ધ્યાન દોર્યું. સૌ છક્ થઈને તેના એક એક ડગ અને પ્રતિક્રિયાઓને તાકતા જ રહી ગયા. લઘરવઘર ઘાઘરો... લીરેલીરે ફગફગતું પોલકું... ને સાડલાનું તો નામનિશાને ય ક્યાં હતું! ધીમા સૂરે મોટો બોલ્યો, ‘નક્કી સઅ તો વાવુડી જ, પણ હાવ ફગી ગ્યું હોય તેવું લાગ સઅ.’ ભફફ દઈને હસી પડેલા વચેટે ઉમેર્યું કે, ‘ગૉડાં માતાજી તો ખરા ટેમે જ હાજર થઈ ગ્યાં લ્યો!’ તો નાનિયાને છાતીમાં બળતરા સાથે જ ઉદ્દગાર થઈ આવ્યો : ’ચેટલા દા’ડે દેખાંણી બચારી! ને ચ્યેવી હાલતમાં?’
આ પહેલાં તો તે છીંડું વટાવતી કે સડસડાટ વડલાવાળા દે’રે પહોંચતી. પ...ણ આજે? આજે તો ઢીલીઢફ ને લથડતી ચાલે પરાણે તે વડલાની જગ્યાએ પહોંચી. તેણે બેય હાથ ઘડીક કમરે ને ઘડીક ઢીંચણે ગોઠવી ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો પણ લથડી... અને મથીમથીને પાછી ઊભી થઈ, પરંતુ તે બેબાકળી આંખે જે જોવા માગતી હતી તે હતું જ ક્યાં? વરસોથી મૂળિયા જમાવીને જાણે વડવાઈઓ ઉપર જ ઊભો હોય તેવો વડલો તો ચાર જ દિવસમાં વઢાઈને સગેવગે ય થઈ ગયેલો. અને વડવાઈઓથી ઘેરાયેલું મા’દેવજીનું દેરું? આજુબાજુની ખડકાળ જગ્યામાં ભળીને સપાટ ભોંય બની ગયેલું. તેને ફરી ચક્કર જેવું થઈ આવતાં તે નીચે બેસી પડી અને ક્યાંય સુધી માથું દબાવીને બેસી રહી. થોડીવારે તેની નજર ખેતરમાં ઊભેલા જે.સી.બી. તરફ ગઈ. તેને થઈ આવ્યું : ’બે મોઢાળા જંગલી જનાવર જાણે ડોળા ફાડી ફાડીને તેને ઘુરકિયાં કરી રહ્યાં ના હોય! તે બેઠાં બેઠાં જ માટીમાં કશુંક શોધવા લાગી, અને ઓચિંતુ જ સૂઝી આવ્યું હોય તેમ, બરાડા સાથે જ ઊભી થઈ ગઈ ને જેસીબી તરફ ઢેફામારો ચલાવ્યો. છેવટે થાકી-હારી હોય તેમ ધીમેધીમે વાવ તરફ આગળ વધી. તેનો કકળાટ નદીના ભાઠા સિવાય કોઈ સાંભળતું ન હતું.
જે.સી.બી.ના ડ્રાઈવરો કેબિનમાં આડા પડીને નિરાંતે ઘોરતા હતા. તો બોરની ઓરડીના છાંયડે બેઠેલા પટેલ જુવાનિયાઓમાં બે ચૂપચાપ તમાશો જોઈ રહ્યા હતા. તો ત્રીજો ગાંડીના વિચારે ક્યાંય ખોવાઈ ગયેલો... વાવુડીને પોતે ક્યાં અને ક્યારે પહેલપહેલી જોયેલી? હા... હા... એ સમય તો પોતે સાવ ટેણિયો, પણ દોસ્તારોને લીધે સીમ અને ખેતરોનો ભોમિયો થઈ ગયેલો. બંને ભાઈઓ તો નિશાળમાં એટલે દાદાના માટે નાનું-મોટું ટાંપા-ટૈયાનું કામ પોતાના જ ફાળે... એ દા’ડે પહેલપહેલું જ દાદા માટે ભાથું પહોંચાડવાનું કામેય... સૂરજ માથે આવી ગયેલો, કપાળ ને છાતીમાં રેલારેલા ને કોશ હાંકતા દાદાની નજર પડી ત્યારે? બળદ ઊભા કરી દર્દીને – ‘ઓ રે મારા નાંનિયા’ કહેતાં કેવો ઊંચકી લીધેલો? ને ગાલે ને કપાળે બચી! દાદા પથરા માથે બેસાડીને, થાળામાં જઈને હાથ-પગ ધોઈને ટહૂકો કરવા માંડેલા.
‘અરે શિવુડી હોં!’
‘શિ...તું?’
‘શિવુડી રે...! રોટો આવી ગ્યો બેટા.’
પોતે તો આજુબાજુ જોતો જ રહી ગયેલો. ને દાદાના ત્રણેક સાદ પછી તે વડલા તરફથી આવેલી. ને પોતે તો તાકતો જ રહી ગયેલો. તે કશુંય બોલ્યા વગર થાળા તરફ... ને હાથ-પગ ધોઈને દાદાએ આપેલો રોટલો ને ડુંગળી લઈને એક બાજુ બેસીને... પોતે તો... ત્યારે દાદાએ કહ્યું’તું : ‘બેટા નાંનિયા, ગભરાય સઅ હૂં? આ તો તારાં ફોઈના ઠેકાંણે સઅ’ અને હસી પડીને તેને પણ પૂછ્યું’તું : ‘શિવલી, હાચ્ચી વાત કે?’
જવાબમાં તેનું મોઢું લાલગલાલ...
પછી તો ત્યાં જવાનો કાયમી ચીલો... ને એ ક્યારેક દેરા સામે આંખો મીંચીને... તો વાવમાં રોતી-કકળતી... તો ક્યારેક ખેતરોમાં...
મોટાએ મમરો મૂક્યો કે નાનિયાના વિચારો અટકી ગયા.
‘આજ તો વાવુડીને કાંય જબરું ગાંડપણ ઉપડ્યું સઅ નઅ કોંય!’
‘હા, હા મોટા ભૈ. આજ વડલો ને દેરું ભાળ્યાં નૈ કે ચ્યેવી વકરાઈએ ચડી ગઈ એ જોયું?’
‘હા દલા, આ તો હવે ઢીલીઢસ થઈ ગઈ સઅ એટલે, બાકી આખુ ગૉમ ગજાવ્યું ઓત!’
‘પણ ચેટલાય દા’ડાથી ગરક થઈ ગ્યેલી આ ઓચંતી ચ્યાંથી પરગટ થઈ?’
‘હસે ઈ તો રાંમજાણે! પણ મું માંનુ કે ઈને આ ભોમ સંગાતે નક્કી કોક લેણદેણ!’
‘મોટા ભૈ... નઈ તો કામધંધો મેલીને એક દેવરા હામ્મે તાકીને બેસી રે’વું અને કોક દા’ડે વાવમાં જ ભરાઈ રે’વા નવરું કોણ?’
‘એટલે સ્તો લોક શિવુડીને હાટે વાવુડીના નામે ઓળખે...’
એ દરમ્યાન દાદા પાસે સાંભળેલું બધું નાનિયાને પણ કહેવાનું મન થઈ આવેલું - પણ એ જીભે ચડે તે પહેલાં તો પોતાની કોઈપણ વાતને મજાકનું સાધન બનાવતા ભાઈઓનો સ્વભાવ યાદ આવી જતાં તે ઠરી ગયો. વાવ પાસે પહોંચેલી વાવુડીના રોવા-કકળવાનો અવાજ ફરી શરૂ થયો. એ સહન ન થતાં નાનિયાએ નાછૂટકે ઘરની વાટ પકડી. ઘડીક તો ‘વાવુડીની વાત જૉણીને દાદા ચ્યેવા ખુશખુશાલ થૈ જાહે?’ ના ખ્યાલે નાનિયાની ઝડપ વધી ગઈ, પણ થોડુંક આગળ વધ્યો કે તેની પીઠ પાછળ ‘બૌવ ડાયો નઈ થઈ જાતો પાસો! આપડાં આ ખેતરાંના કૉમનો દાદાના કાને એક અખ્ખરે નઈ પડવો જોવે હમજ્યો?’ - શબ્દો અથડાયા કે ઢીલોઢફ્ફ થઈ ગયો.
*
દાદાને ફ્રેકચર થયું તે પહેલાં મોટે ભાગે તેઓ એકાદ આંટો સીમ અને ખેતરોમાં જરૂર મારી આવતા, પરંતુ થાપાનું ફ્રેકચર થયા પછી તો તેમનો સમય ઓરડીમાં જ વીતવા માંડેલો. શરુંશરુંમાં એ સ્થિતિ કઠતી. પછી તો આરામ, ભજન અને મા’દેવના સ્મરણમાં સમય ક્યાંય સરી જતો. નાનિયો ઘરે પહોંચ્યો ત્યારે પણ દાદા તો તેમના ભજનમાં મસ્ત હતા.
‘ઊંસી નેસી સરોવરિયા પાળ,
સંતોરે ભાઈ ઊંસી નેંસી સરોવરિયા પાળ.
નીસે વડલો રળિયામાણો રે.’
ને નાનિયાને કપાઈ ગયેલો વડલો, ભોંયમાં ભળી ગયેલું દેરું, વાવ પૂરવા માટે ખડકાયેલા ઢગલે ઢગલા નદીના ભાઠા અને રોતી-કકળતી વાવુડી - આ બધાનું સ્મરણ થઈ આવતાં તે ગળગળો થઈ ગયો. તેના મનમાં થઈ આવ્યું : ‘વખત સઅ ને એ બધું દાદાના કાને પહડે તા’રે ઇયોની હૂં દશા થાહે?’
તે ખાટલે બેસી પડ્યો. ત્યાં જ પાણી લઈને આવેલી હેતીએ પૂછ્યું.
‘તૈણ-સાર દનથી શ્યેના હાવ ઢેફલું ઢેફલું થઈ ગ્યા સો? ના, ના, એકની એક વાતે હું વસાર કર્યે જાવાના? પેલા બે ભાઈઓ નઅ સઅ તમારા જેવું કાંય? એવા કુલા ખંખેરીને ફર સઅ એ નથ દેખાતું કાંય!’
ધક્કો લાગ્યો હોય તેમ નાનિયાના હાથના લોટાનું પાણી હલી ઊઠ્યું, ને ગળામાં સોસ પડચો હોય તેમ અર્ધો લોટો પાણી ગટગટાવી ગયો, અને હેતી સામે લાચાર નજરે જોઈ રહ્યો, પણ હેતી અટકે તેમ નહોતી.
‘... ના, ના. આખુંય ગૉમ કઈ ઘયડાંને પૂંસી પૂંસીને પગ મેલતું અસે? કાલ પૂંઠેના વસ્તારનું કસ્સું નઈ વસારવાનું?’
નાનિયો ક્યાંય સુધી સુનમુન થઈને ઘરના મોભને તાકતો રહ્યો. તે ના-છૂટકે ફેફસાં ઉતરડીને આટલું જ બોલી શક્યો : ’હૈતી! બ...સ તું યે...? જો, દાદા હવે એટલા મઈના-દા’ડાના મૅમાન? આ કૉમ તો ઇના પૂંઠેય થઈ શક્યું ઓત!’
દરમ્યાનમાં હેતીના તોબરો ચડી ગયેલો.
‘હા, હા. થાવું’તું એ થઈ ગ્યું... અવે હૂં? અને બૌવ વચાર્યા વગર છાંનામાંના નાવણિયે જઈને નાઈ લો’ - ત્યારે નાનિયો ના-છૂટકે ઊભો થયો.
નાનિયો દાદાની ઓરડીમાં આવ્યો ત્યારે દાદા મા’દેવના સ્મરણમાં લીન હતા. ‘દાદાને ખલેલ પડશે’ - એ વિચારે તેણે પૂંઠ ફેરવી ત્યાં જ દાદા બોલી પડ્યા : ચ્યમ પાસો ફરી ગ્યો બેટા?... ઑમ આય... ઑમ આય...’
દાદાની બાજુમાં બેસીને તે દાદાની પીઠ પસવારવા માંડ્યો ને ક્યાંય સુધી પોપચાં ઢાળીને સંતોષભાવે મૂંગા થઈ રહેલા દાદાએ ચૂપકી તોડતાં કહ્યું.
‘બે...ટા! જોઉ સુ કઅ તું બે-તૈણ દાડાથી મારી પાંહે આબ્બાનું ટાળતો હોય તેવું... પેલા બે તો એવા જ સ’ભાવના... પણ તું ય...!’
નાનિયો નીચું જોઈ ગયો. તેણે કચવાતા મને ‘ના, ના દાદા. એવું હોય કઈ! એ તો અમથી અમથી ખેતરાંની ધમાલ’ કહેતાં માંડ નજર મેળવી. ત્યાં જ તેને વિચાર થઈ આવ્યો કે ચ્યાંક નવાજૂનીની દાદાને ગંધ તો ના આઈ ગઈ હોય?’ પણ તેણે જ જવાબ વાળ્યો : ‘ઘરનાં બૈરાંય ચ્યાં નથ જૉણતાં કે દાદાને ગંધ આવશે તો નક્કી... સોકરાંય તૈણેય ઘરનાં નેનાં એ અબૂધ... વળી ગૉમમાંય હવ કોઈ એવાજ કૉમમાં લાગી પડેલા. કૂણ નવરું સઅ?’
દાદાએ બેય હાથેથી પોતાના ઢિંચણેથી ધોતિયું ઠીક કર્યું અને એ ભાગ દબાવી, ઊંડો શ્વાસ લેતાં કહ્યું : ‘બેટા, એક વાત પૂંસૂ?’
‘પૂસો, હું વાત સઅ દાદા?’
‘બેટા, તમે તૈણે ભઈ ખેતરમાં જાવ સો ને આંય બૈરાં ગુસપુસ કરે સઅ... તે કાંય ગોટાળો પડ્યો સઅ?’
નાનિયો બરાબરનો લેવાઈ ગયો. ઘડીક તો બધુંય કહી દેવા તેની જીભ સળવળી ઊઠી, પણ નજર સામે ભાઈઓના લાલઘૂમ ચહેરાઓ તરવરી ઉઠતાં તે નરમઘેંસ થઈ ગયો અને તેની જીભે ભળતો જ જવાબ વાળી લીધો.
‘એ તો... એ તો દાદા એવું સઅ કઅ ગૉમમાં સરકારી ખેત તલાવડી હાટું સાધન આયાં સ... તે આખુંય ગૉમ એમાં... એનું જ કૈક અસે.’
અ...ને દાદાના મૌનને સંતોષ ધારી લઈને પોરસાયેલા નાનિયાની જીભે વાવુડીની વાત સહજપણે જ રમતી થઈ ગઈ.
‘દાદા, દા...દા, આજ તો કૈ’ દા’ડે મેં વાવુડીને જોઈ!’
‘વાવુડી’ નામ સાંભળતાં જ દાદાની આંખો ચમકી અને ચહેરાની કરચલીઓમાં લાલાશ ભરાઈ આવી. નાનિયો એટલા માટે ખુશ કે દાદા હવે પટારો ખોલશે અને વાવુડીની કૈં કૈં જૂની વાતો જાણવા મળશે, પણ દાદા તો અચરજભાવે બોલી પડ્યા:
‘હૂં કીધું નાનિયા? વા...વુ...ડી...! વાવડી જીવે સઅ? ને પાસી આઈ? હારું થ્યું ભૈ... એ બિચારી છોડીને...! અ...ને જૂના પટારામાં ખોવાઈ ગયા. ને નાનિયો દાદાના મોઢાના ભાવ વરતીને ચૂપચાપ જોતો જ રહી ગયો.’
દાદાના ભીતરમાંથી હલક ઊઠી ‘ચ્યેવા ચ્યેવા એ શાંતિના દા’ડા ને ચ્યેવા એ હખ? ચ્યેવા વાર-તે’વારો ને ચ્યેવા ચ્યેવા એ મનેખ?’
શ્રાવણિયો સોમવાર હોય કે શિવરાત્રી. ગામેગામનું લોક ટોળેટોળામાં એ મા’દેવના દેરે ઉમટતું ને મા’દેવને ખોળે ધરીને ફાલ્યો-ફૂલેલો એ વડલો? ઘડીક પાંદડાં ફરકાવીને હરખ હરખ થઈ જતો, ને ઘડીક શાંતિમાં ડૂબી જઈને કેવી ગરવાઈ પ્રગટ કરતો! આખોય શ્રાવણ સવાર-સાંજ બાવાજી દ્વારા થતી અગિયાર દીવાની આરતી... ડુંગરો ગજવતાં એ મોડી રાતનાં ભજનો... તંબૂરાના તારે ક્યાંય ખોવાઈ જતો કાળિયો ભીલ... તબલાને થાપ આપતાં ઝૂમી ઉઠતો વિઠલો... ને બૈરામંડળમાંથી ભજન ઉપાડી, કરતાલના તાલે રાત ગજવતી શિવુડી...
શિવુડી અને વિઠલાની એ બાળજોડી?
પહેલપહેલાં બાપ કાળિયા અને ભીખલાની આંગળી જાલીને... પછી તો મા’દેવ ને વાવ જ તેમનું ઘર ન હોય! તેમનાં નિર્દોષ તોફાનોને રમતોથી માંડી મા’દેવના દરેક ટાણે હારોહાર અને કોશ હાંકતાં - ખેતરમાં કે નવરાશે ‘પટેલ બાબા... ‘પટેલ બાબા’ના એ મીઠા કલ્લોલ...’
દેશી નવરાત્રિમાંય મા’દેવજીનું કેટલું માન? કાળિયો માતાજીનો ભોપો. ભોપોને સાધકો પહેલા મા’દેવને દર્શને પછી માતાજીની સાધના ને ધૂણવું... ઠેકવું. ઠઠેઠઠ લોક... મોડી રાત સુધી ધૂણવું ને ગાઈને ઠેકવાનું... આગળ ધૂણતા નવરાતિયા ને પાછળ મોરપિચ્છના હલકારે ધૂણતો કાળિયો. જાણે ગાયોનો ગોવાળ! મેં નવનવેલો સાધક બનેલો ‘અહે... અહે’થી આકાશ ગજવતો વિઠલો અ...ને ઠેકતી વેળા નાચ-ગાનથી બધાયનું ધ્યાન લૂંટતી શિવુડીને વિઠલાની જોડી! એ દહાડાઓમાં આખાય દહાડાનો થાક જાણે ચપટીમાં કેવો ભૂલાઈ જતો?
પણ વિઠલો અકસ્માતે વાવમાં પડી જતાં મોતને ભેટ્યો ત્યારે?
દાદાના હોઠ સહજપણે જ ફફડી ઊઠ્યા : ‘વાવનું ઝાડવું કાપવા ચડ્યો જ ના ઓત તો? ‘મા’દેવ... મા’દેવ... ચ્યેવું એ જોડું તૂટી ગ્યું? સગી આંખે જોતાં જીવ તૂટી ગ્યો ને બચારી જોતી જ રહી ગૈ! પસઅ એવી દશા ચ્યમ ના થાય?.... ગાંડી થઈ નઅ વાવમાં જ બેસઅ કે બીજું? હોં કે લોક શિવુડીને સાટે વાવુડી કૈં ને ઓળખે. ઈને હૂં?’
ને હોઠ ફફડાવતાં અસ્પષ્ટ સંભળાતા શબ્દોનો કૈંક તોડ કાઢવા નાનિયો મથી રહ્યો’તો ત્યાં જ આંખો ખોલતાં દાદાએ કહ્યું : ‘બે...ટા, તું વાવુડીને જુએ તો એકવારકું ઑય ના લઈ આવે?’ અને દાદાનો અજંપો નાનિયાના ‘કાલ્ય જરૂર...’ શબ્દોમાં સમાઈ ગયો.
*
તે ભાનમાં આવી ત્યારે વાવના થાળામાં હતી. ઘડીભર તો તે બધું અજાણ્યું અજાણ્યું હોય તેમ બધે તાકતી જ રહી ગઈ. તેને સ્મરણમાં આવ્યું કે ઢળતા બપોરે તે અહીં રોતાં-કકળતાં જ... અને રડવું ય કેમ ન આવે? આ થાનકની ઘણી વસ્તુઓ સાથે તેની કેટલીય યાદો સંકળાયેલી હતી. આ થાળું ય તેને ક્યાં ક્યાં લઈ ગયું હતું? છેક... પટેલ બાબો બળદિયાઓને ‘બાપુડા’નું સંબોધન કરી ડચકારો કરેકે ‘કેહૂક... કેહૂક’ પૈડું ને ગરગડી રણકી પડતાં, ને ‘ફાંઆંઆં’ દઈને કોશ ઠલવાતો કે ખોબો ધરીને પાણી પીવાનો મજોજ કંઈ ઓર હતો. પહેલ પહેલા બાપા સાથે દેરે આવેલા ત્યારે વિઠલોય સાથે હતો. વિઠલો કેવો તોફાની ને મશ્કરો? પોતે તો ઠલવાતા કોશને ખોબલો ધરીને ઘટક ઘટક પાણી પીવામાં... ને પહેલી પાણી પીએ એ દાઝમાં તેણે બૉચીમાં ગલી કરેલી ને માથા પર છાંટા ઉડાડેલા પછી પોતાને ય હૂર ઉપડે જ ને! ‘હાહરા વિઠલા, તું યે લે’ કહેતાં એવો ઠેલો માર્યો કે સીધો થાળાના પાણીમાં.
નિસાસો નાખતાં ય તેની છાતીમાં બળું બળું થઈ ઉઠ્યું. તેણે ઘડીક ખોદાયેલી જગ્યા તરફ નજર કરી તો ઘડીક ખેતરમાં ઉભેલા સાધનો તરફ. તેને ફરી ઢેફાં લઈને તૂટી પડવાનું થઈ આવ્યું પણ તેમ ન કરતાં લથડતી ચાલે વાવનાં પગથિયા તરફ આગળ વધી. અગાઉ ‘છમ્... છમ્’ કરતાં લંગડી રમતી હોય તેમ ચડતી-ઉતરતી તે પગથિયાં આજે તેને આકરાં થઈ પડ્યાં. એક એક એમ લથડિયાં ખાતાં માંડ ધારેલા પાંચમે પગથિયે તે અટકી પડી. એ બનાવ પછી તો આ જ પગથિયું તેનો કાયમી પડાવ બની ગયેલું, જ્યાં બેસી તે કાકલૂદી કરતી, મનોમન વાતે ચડી જતી, ક્યારેક ગીતોમાં તો છેવટે રોવામાં.
આજે તો છાતીમાં કૈંક ભરાયેલું હતું તે આવતા સાથે જ વિઠલાને કહેવા માંડી.
‘જોને વિઠલા, આજનાં આ પટલાંને ભૂખ ઉઘડી હે ઈ તો જો.’
‘અરે! તય નીં દીઠું? વડલો ખાઈ ગિયા... દેરું યે... ને ને વા... વા...’
‘તું બોલતો કીમ નહ? આજ તો બોલવું સ પડહે.’
‘વિઠલા રે! નઈ બોલવું ઓય તો લઈ જા તારી પાંહે!’
‘હાં... હાં... તું ઈ દા’ડાનું વેર લીએ હે ઈમને?’
એક વખત વિઠલોય સવાલો પૂછી પૂછીને થાકી ગયો હતો ને પોતે મૂંગી- મીંઢી થઈને બેસી જ રહેલી એ પ્રસંગ તેના મનમાં ફરકી ગયો.
‘શિવુડી, આપડે અવે નેનાં પહૂડાં નહ! હમજી જા!’
‘તું ક્યાં હુધી જિદેલી થેઈને રે’શ? એવું તો નીંસ થાય.’
‘તું મારું કે’યું મૉન... મૉની જા બાપુડી... આપડે હૂં બાકી રાખ્યું હે?’
‘તું એક શબદ તો બૉલ માર વા’લકી! તું હૂં કરવા માંગે?’
‘તું નૈ સ બોલે ઈ...મ? જા, આજથી તું... ને મું...’
અને એ બનાવ આજે જ બન્યો હોય તેમ, ઝટિયાં વિંખી નાખતી ને છાતી ફૂટતી વાવુડી ‘તું મું થી રિહઈને કિયાં ગિયો રે...’નો સાદ કરતાં રોકકળે ચડી ગઈ.
*
ક્યાંક મગરી તો ક્યાંક ઝાડવાં ક્યાયે જાતાં’તાં. ઘેરથી ચા લઈને નીકળેલો નાનિયો રઘવાયો રઘવાયો પહોંચ્યો કે તેને ફડક પેઠી : ‘એક બાજું આ જે.સી.બી. કૉમ પૂરું કરવામાં, તો પેલ્લાં ખેતરોમાં ટોળું શ્યેનું? નક્કી કૈંક દાળમાં કાળું... કે પછે કોઈને કઈ થઈ ગ્યું કે હૂં? તે હાંફળો ફાંફળો ટોળા પાસે પહોંચ્યો. ટોળામાં વાતો ચાલુ હતી.’
‘જે જ્યેનાં નસીબ ભૈ. તા’ણે હૂં કરીએ?’
‘હમ્મ... નઈ તો ચેટલાય દા’ડાથી ખોવાઈ ગ્યા પૂંઠે આંય જ પાસી પરગટ થઈ બોલો! ઈને એ જ કે’વાય કઅ?‘
‘ભૈ હવહવનાં અંજળપૉણી! પેલા માધોકાકો મઈનો આખો મોટા દીકરા પાંહે-શૅરમાં રઈને ઘેર આ’યા, કૂણે વચાર્યું તું કે આવ્યા એ દા’ડે જ...!’
‘હા ભૈ... ઈનું નોમ જ અંજળપૉણી કે બીજું...?’
ને ટોળામાં આગળ વધી લાશ સામું જોતાં જ નાનિયાના ડોળા અધ્ધર રહી ગયા : ’ઓહ વાવુડી!’
તેને જુદું જ દૃશ્ય દેખાઈ આવ્યું. વાવને મા’દેવની જગ્યાએ ધૂળના ગોટેગોટા ઉડ્યા. ઉડતા જ રહ્યા. પછી તો જમીન ને આભનો કઈ ફરક ભૂંસાવા માંડ્યો. ને ડુંગરો, મગરી, વાવ-વાવુડી બધુંય ગોટેગોટામાં અદૃશ્ય થઈ ગયું. પોતે બેભાન હાલતમાં અને દાદા પૂછે : ‘બેટા, વાવુડીની કાંય ભાળ મળી?’
(શબ્દસૃષ્ટિ – ડિસેમ્બર – 2019)
સ્રોત
- પુસ્તક : દેવચકલી (પૃષ્ઠ ક્રમાંક 39)
- સર્જક : પ્રભુદાસ પટેલ
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન
- વર્ષ : 2021
