સુધીર દલાલ
Sudhir Dalal
દિવસોથી મૂંઝવતો પ્રશ્ન ઊકલી ગયો, મોડું મોડુંય ચોમાસું બેસે એમ, કનકને વર્ષગાંઠની ભેટ આપવાનો. બત્રીસમી વર્ષગાંઠ, પાંચ વર્ષનું લગ્નજીવન, - ખાસ્સાં પાંચ વર્ષનું.
તારીખ 7-2.’63. એ વહેલી ઊઠી; -રોજ ઊઠે જ છે, આજે કદાચ એટલા જ વાગ્યે ઊઠી હશે-એટલા જ વાગ્યા હતા વળી-સાડા છ. પણ ઊઠતાં જ મનમાં થઈ ગયું, ઓ બાપ રે! સાડા છ વાગી ગયા! કનક હજુ ઘોરતો જ હતો. વર્ષને વચલે દહાડે-નહિ, પહેલે દહાડે, ઊંઘશે નહિ તો ક્યારે ઊંઘશે?
ઝટપટ બેઠી થઈ. વાળ ઠીકઠાક કર્યા, ગરમ કાર્ડિગન ચડાવ્યું. અને પાછું કાઢ્યું. આજે તો જરા ય ઠંડી નથી. વસંતનું આગમન થઈ ગયું છે. દાતણ લઈ બહાર બાગમાં બાંકડે બેઠી. કેટલો પ્રફુલ્લિત દિવસ ઊગ્યો છે! એની જિંદગીમાં પહેલી જ વાર આટલાં બધાં પંખી એણે સાંભળ્યાં. આકાશ પક્ષીઓથી અને કલરવથી છવાઈ ગયું હતું. સૂર્યમુખીથી ડહાલિયા પર, ડહાલિયાથી કાંચનાર પર નાનકડાં કાળાં-જાંબલિયાં પક્ષી ઠેકડા મારતાં હતાં અને એમની લાંબી વાંકી ચાંચથી રસ ચૂસતાં હતાં. એક તો વળી એક ફૂલ નીચે પાંખ ફફડાવી હેલિકૉપ્ટર જેમ સ્થિર થઈ ગયું. ચિવિટ, ચિવિટ ચિવિટ! કનકને પૂછવું પડશે, આ ક્યાં પક્ષીઓ? મીઠો પવન વાયો. એના શરીર પરનાં રૂંવાડાં ખડાં થઈ ગયા, શીમળાના કાંટાની જેમ. ઓહ, કેવું રળિયામણું પ્રભાત! જિંદગીમાં પહેલી જ વાર એને સંપૂર્ણ સુખનો અનુભવ થયો. ચિવિટ્, ચિવિટ્, ચિવિટ્!
દાતણ કરતાં વાર લગાડાય એટલી લગાડી. પછી ચા મૂકી. ત્યાં કનક ઊઠ્યો. ‘જય શ્રીકૃષ્ણ!’ કનકને જોઈ મોં મલકાવી એ બોલી. ‘ઓહ! તું વળી ક્યારની જય શ્રીકૃષ્ણ કરતી થઈ? મંદિરબંદિરમાં જાય છે કે શું? ગુડ મૉર્નિંગ ગુડ મૉર્નિંગ!’
‘છટ્! વર્ષગાંઠને દિવસે તો જય શ્રીકૃષ્ણ કહે!’ ચાનો કપ કનક આગળ ધર્યો.
‘કેટલી ચમચી ખાંડ નાખી છે?’
‘પીને હવે; થોડીક ગળી હશે. થોડી વધારે પડી ગઈ.’ આંખો નચાવતી એ બોલી.
‘આજે તું કૈં બહુ લહેરમાં લાગે છે! છે હૈં? કે પછી નવી સાડી ખરીદવાની
પ્રસ્તાવના?’
‘વર્ષગાંઠ છે તારી; કેમ, ઓછું છે?’
‘તે એમાં ખુશ શું થવાનું? એકત્રીસ પછી બત્રીસ આવે છે, બત્રીસ પછી એકત્રીસ નહિ.’
‘તું મારો દિવસ નહિ બગાડ. આજે હું ખૂબ હર્ષમાં છું.’ ને દોડીને એ નહાવા બેસી ગઈ. પાણીની ધાર, ડોલ-લોટાનો ખખડાટ અને એ વચ્ચે એનો ઝીણો સૂર. દસ વર્ષ જૂનું ગીત ગણગણતી હતી: પહેલાં ધીમેથી, પછી મોટેથી લલકારીને. એનો આનંદ માતો નહોતો.
નાહીને બહાર નીકળી ત્યાં કનક અથડાયો. ગાલ પર એક વહાલ ચોડતાં તે બોલી: ‘સાંજના બધાંને આમંત્રણ આપી દીધું છે ને?’ સાંજના જ્યાફત હતી, જન્મોત્સવની અને જવાબ મળે એ પહેલાં એ દોડી. આજે એનાથી ઊભાં જ રહેવાતું નહોતું ને! બહાર બાગમાં ગઈ, થોડાં ફૂલ લાવવાં. ભગવાનને ચડાવવાં. એના પગ એનું કહ્યું નહોતા કરતા. પગ ઉપાડતી તો ઠેકડો મરાઈ જતો; ઊભી રહેતી તો થનગન્યા કરતી. પેલું દસ વર્ષે યાદ આવેલું ગાયન હજુ ચાલુ જ હતું-થોડું સ્વગત, થોડું મોટેથી, જાણે લાઉડસ્પીકરમાં!
ફૂલ તોડતાં ડાળીઓ ડોલી ઊઠી-કુરકુરિયું પૂંછડી પટપટાવે એમ. હોજમાં આંગળી બોળી લિસોટો તાણ્યો. તરંગો હૉજની પાળીને ભેટવા દોડી નીકળ્યાં. થોડી વાર એ જોઈ રહી. એક ઉપર એક, એક પાછળ એક. એના ઉપર પણ ફરી વળ્યા, આલિંગતા, ગૂંગળાવતા, મીઠું રિબાવતા-સુખના, સંપૂર્ણતાના તરંગો!
સેવા કરી. રાંધ્યું. કનકને જમાડ્યો. ઑફિસે પહેરી જવાના બૂટ પૉલિશ કરી આપ્યા. કનક ઑફિસે ગયો. કામવાળીને વાસણ ઊટકવાનાં સોંપ્યાં. એક તપેલીમાં થોડું ખાવાનું આપ્યું: ‘મરશે; ક્યારે ય આપ્યું નથી. એને ય જીવ છે ને! પેટ ભરશે. પાછા દિવસ છે!’
રસોડામાંથી દીવાનખાનામાં ચોપડી વાંચવા બેઠી. બે પાનાં વાંચ્યાં. મન ના ચોંટ્યું. છાપું ખોલ્યું. નેહરુ, કૃશ્નેવ, કેનેડી, -એનું એ! ઊઠી પથારીમાં પડી. થોડી વાર ડાબે પડખે, વળી જમણે પડખે. ચેન ના પડ્યું. દિલમાં સુખનો આફરો ચડ્યો. શરીરમાં આનંદની ગલીપચી થતી હતી. ઘડીમાં રૂંવાટાં ખડાં થઈ જતાં, ઘડીમાં પેટમાં ગોટાળા વળતા હતા. છેવટે કનકને ફોન કર્યો: ‘કોણ?’
‘કનક.’
‘શું કરે છે?’
‘કામ; કેમ?’
‘આવે છે?’
‘કેમ? હજુ તો ત્રણ જ વાગ્યા છે!’
‘આવ ને!...’ બધી મૃદુતા, બધી આજીજી એ બે શબ્દોમાં.
‘પણ કેમ કંઈ થાય છે? તબિયત...’
‘ના, ના; એવું કંઈ નહિ. આવે તો ફરવા જઈએ. મોટરમાં થોડે દૂર જઈએ. તારી વર્ષગાંઠ છે ને?’
‘પણ અહીં ઑફિસનું કામ...’
‘સારું ના આવતો...’ રાધાજીનું રૂસણું!
‘આવું છું. ચાલ, પાએક કલાકમાં.’
મોટરમાં નીકળી પડ્યાં, માઈલો દૂર જવા. એ છેક બારણા પાસે ના બેઠી; જરાક પાસે, કનકની જરાક પાસે. સમાજ વાંધો ન ઉઠાવી શકે એટલી. સિમેન્ટના રસ્તા ઉપર મોટર સરકતી રહી. રસ્તાની ફાટના થડાક, થડાક, એકસરખા, એક જ લયે. પાછલા શિયાળાની બપોરનો તડકો શિયાળુ પાકથી ભરચક ખેતરો ઉપર રેલાતો રહ્યો. કપાસનાં સફેદ ટપકાં, ચણાનાં પીળાં ફૂલો, તંબાકુનાં લીલાં પાન, ક્યાંક પૂળાના શંકુઓ, સ્વચ્છ રહસ્યમય ભૂરું આકાશ, એમાં ચકરાવો લેતી સમડીઓ, ધીર ગંભીર ડગ ભરતાં સારસો, નહેરોમાં વહેતું પાણી, રૂના ભપલા ભરેલાં ગાડાં, ક્યાંક રૂના સફેદ ઢગ, આખું જગત સુંદર હતું. નિતાન્ત રમણીય બપોર. હવે સાંજ. એ ખૂબ સુખી હતી, ખૂબ ખૂબ સુખી. કનક સામે જોઈ એ હસી પડી: ‘આટલા માટે જ તો તને ઑફિસમાંથી પકડી લાવી.’
સાંજના સાત. સમોસાની સુવાસ. જલેબીનાં ગૂંચળાં. ઊંધિયાની ખુશ્બો. એક ટેબલ ઉપર શ્વેત ટેબલ-ક્લૉથ ઉપર હારબંધ ગોઠવેલી ડિશો, પ્યાલાઓ, ચમચીઓ, ચમચાઓ.
‘હલ્લો કનક! કૉન્ગ્રેચ્યુલેશન્સ!’ ‘અભિનંદન કનકભાઈ.’ ‘મૅની હૅપી રીટર્ન્સ ઑફ ધ ડે.’ વળી કોઈક ટીખળી: ‘શતં જીવ શરદ: કનક.’
મોંઘી સાડીઓનો સરસરાટ; અસ્રીદાર પૅન્ટની ઊભી ધાર; અત્તર, સેંટ, શેવિંગ લોશન; તાજી દાઢીની ચમક; ચપ્પટ વાળ; કોઈકનાં જુલ્ફાં. ‘બ્રાઇલક્રીમ નાખો અને જુઓ તફાવત! જુઓ પેલા, ફલાણું હેરઑઇલ નાખે છે; એમના ધંધાની સફળતાનું એ જ રહસ્ય છે.’ સિનેમા રેડિયોની જાહેરખબર. સસ્તું હાસ્ય. વાંચેલા રમૂજી ટુચકાઓ. થોડી ચાંપલાશ, થોડું ટીખળ, થોડો ધંધો. ‘સમોસા લેશો? એકાદ? ભાવ્યાં નહિ?’ ‘અરે હોય? સીતારામનાં સમોસાને ય આંટી મારે એવાં.’ ‘તમે કઈ રીતે બનાવો છો? અમે તો...’ ‘જલેબી, તમારે?’ ‘બિચારાના મોઢામાં જ છે એ તો ઊતરવા દે! આ તો ગરોળીએ પતંગિયું ઝડપ્યું હોય એવો લાગે છે!’
‘કનક. જરાક ડિશ પાસ કરને?’
‘કનક, તેં તો યાર કમાલ કરી, આંગળાં ચાટી ચાટી ચામડી ઊતરવા માંડી.’
જમ્યા પછી થોડાક અસભ્ય ઓડકાર. પગ લાંબા, અસ્ત્રીદાર પૅન્ટ પર તેલનો ડાઘ. ઊંધિયું ખાધાની ચાડી. હવે વાત કૈંક ગંભીર. થોડી ધંધાની, થોડી ખૂનકેસની, તો વળી કયું બાળમંદિર સારું એની...
‘કનક હવે બહુ થયું. પરણે પાંચ વર્ષ તો થયાં. હવે કર કંકુના!’
‘અમે બાળબચ્ચાંવાળાઓ સાથે તું હવે શોભતો નથી.’
‘શોભતો નથી કે શોભું છું?’ કનકે કહ્યું: ‘અમારો તો સાત વર્ષનો પ્લાન છે.’
‘કનક, હવે કૉફી મંગાવું?... ક્યાં સાંભળે છે? એની વાતોમાં જ.’ મનમાં એ મૂંઝાઈ: ‘કનક, ઓ કનક! કહું છું, કૉફી...?’
‘લાવ, લાવ;... તમારા જેવાઓથી જ આપણો દેશ બગડ્યો છે. સુરેશ, તું ક્યારે પરણ્યો? ચાર વર્ષ પહેલાં. કેટલાં છોકરાં? બે. તું કાલિંદી? ત્રણ વર્ષ પહેલાં, કેટલાં? એક, અને બીજાની તૈયારી હશે. તું...’
‘કહું છું, કનક, જરાક મદદમાં આવે છે? ત્રણ ટ્રે લાવવાની છે.’ એ વચમાં જ બોલી. ‘નહિ સાંભળે. કનકનું આ જ દુઃખ છે. બીજાની છોલે છે તે તેં ક્યાં ઓછી બાધા-આખડી રાખી છે? મારું માદળિયું શાનું છે? સુરેશ ને કાલિંદીની વાતો કરે છે... કનક! તું ઊઠીશ?’
‘જુઓ અમે કેવાં લહેરથી ફરી શકીએ છીએ? ગયા વર્ષે આખું દક્ષિણ ભારત. વળી આવતા વર્ષે ઉત્તર ભારત...'
‘કનક...’
‘છોકરાંઓની લપ્પનછપ્પન આપણને...’
‘ક...ન...ક! હવે આ બોલતો બંધ થશે!’
રાત્રિના સાડાનવ. દીવાનખાનું પાછું ખાલી. પડ્યાં છે માત્ર ખરડાએલી ડિશો, પાપડનો વેરાયેલો ભૂકો, ઊંધિયાના તેલના ડાઘા, સિગારેટનાં થોડાં ઠૂંઠાં, એક ભુલાયેલો લેડીઝ રૂમાલ. મહેક, ખુશબો; અન્નની, અત્તરની, બત્રીસમી વર્ષગાંઠની. કનક ખુરશી પર થાક્યો-પાક્યો લંબાયો છે.
‘કનક.’
‘હં.’ અન્નનો આફરો ચડ્યો છે, કનકને.
‘આજે તારી વર્ષગાંઠ છે.’ ઉલ્લાસનો, એને.
‘તે?’
‘શું આપું?’
‘કહું?’ ગાલ પર એણે આંગળી ચીંધી.
‘કનક, તને ખ્યાલ છે આવતી વર્ષગાંઠે તું શું હોઈશ?’
‘વળી પાછો કોયડો! જંપ ને. તેત્રીસ વળી.’
‘ના, ચાર મહિનાનો પપ્પો!’
સ્રોત
- પુસ્તક : વ્હાઈટ હોર્સ (પૃષ્ઠ ક્રમાંક 100)
- સર્જક : સુધીર દલાલ
- પ્રકાશક : નવજીવન
- વર્ષ : 2023
