Vani Mari Koyal - Short Stories | RekhtaGujarati

વાની મારી કોયલ

Vani Mari Koyal

ચુનીલાલ મડિયા ચુનીલાલ મડિયા
વાની મારી કોયલ
ચુનીલાલ મડિયા

ગયે વર્ષે રવા પટેલને બરાબર મનગમતા બિયારણનો જોગ થઈ શક્યો એટલે હિંમત કરીને ચાર વીઘાંમાં શેરડીનાં બબ્બે આંખાળાં માદળિયાં રોપી દીધેલાં. પરિણામે, સાચા પેટાળની સરવાણીઓવાળી તરકોશીમાંથી પાણી ખેંચી ખેંચીને બે જોડ નાડાંનો સોથ વળી ગયો પણ નોરતાં ઊતરતાં તો ચાર ચાર આંગળના દળવાળા શેરડીના સાંઠા ક્યારામાં સમાતાં ત્રાંસા ઢળવા લાગ્યા અને દિવાળી ટાણે તો પડું પડું થતા લેલૂંબ માંડવાઓને ફરતી વાંસવળીઓની આડ બાંધવી પડી.

વેપારીઓએ રવા પટેલને બહુ બહુ સમજાવ્યા કે મૂઠીમાં સમાય એવી જાડી કાતરીવાળી શેરડીને રહેવા દિયો અને કાપીને પડખેના શહેરની શાક માર્કિટમાં વેચી આવો; પણ રવા પટેલે તો છેવટ લગી ચારેચાર વીઘાંને પીલવાનો આગ્રહ રાખ્યો.

શહેરની બજારમાં મળનાર દેખીતો નફો જતો કરીને ઘરઆંગણે ચાર વીઘાંના વાઢને ચિચોડે પીલવાનો જગન આદરવા પાછળ રવા પટેલના જઈફ, અંધ દાદા નેણશી ભગતની એક અંતરતમ મુગ્ધ એષણા સંતોષવાની નેમ હતી. નેણશી ભગતને રવા પટેલ સિવાય બીજું, કોઈ સંતાન નહોતું અને રવા પટેલની પણ અવસ્થા પાકટ થવા આવી અને ત્રણ ત્રણ ઘર કરી ચૂક્યા તોપણ પહેલાં ઘરવાળાંને પેટે અઘરણીની સંતી અવતરી. સંતીને સાત ખોટની દીકરી અને દીકરો બધું ગણીને સંતોષ માનવો પડ્યો હતો. નેણશી ભગતની બન્ને આંખોમાં કૂવા પડ્યા અને શરીર આખામાં બુઢાપો પ્રવેશી ગયો તોપણ પોતાના એકના એક દીકરા રવાને ઘેરે સંતીનાં ઘોડિયાં-લગન પછી મંગળ અવસર આવી નહોતો શક્યો. જે ગામની ભોંય ચૂમીને પાતાની કાયા ઘડાણી છે, અને પરસ્પર સહકારના પાયા ઉપર રચાયેલ સમાજરચનાનાં ડગલે ને પગલે વહોરવાં પડતાં અનેક ઋણનું જેના ઉપર ભારણ વધી ગયું હતું તે, સામાજિક ફરજોનો જાગરૂક આદમી, ઋણફેડનનો પોતાને ત્યાં અવસર નહીં સાંપડતાં પોતે ઋણ-ભારમાં ગૂંગળાતો હતો. બરાબર ટાંકણે રવા પટેલે વાઢ વાવી દીધો અને નેણશી ભગતે આવનાર વૈશાખને સંતીના મોટા આણાના પ્રસંગને ચિચોડો ફરવાના પ્રસંગ સાથે જોડી દીદો અને પુત્રવિહોણા રવા પટેલને ઘેર પુત્રલગ્ન જેટલી ધામધૂમ મંડાણી.

ચાર વીઘાંમાં પથરાયેલ શેરડીનાં લીલાંછમ પાંદડાંના પડથારમાં ઉત્તરદખ્ખણના વાયરા આવે ત્યારે એકમેકને આલિંગતા ઊભેલા સાંઠાઓના પોપટિયા રંગના સાગરમાં જાણે કે દરિયાઈ મોજાંની લહેરો ઉત્પન્ન થતી. જોનારા આદમીઓની આંખો ઠરતી અને કહેતા : “ધરતીએ પણ પેટ કાઢ્યું છે ને કાંઈ! ધૂળમાંથી ધાન પકવે છે! ભોમકાને કુંવારી અમથી નહીં કીધી હોય!”

રવા પટેલે મન મોકળું મૂકીને મહેમાનોને નોતર્યા હતા. કુટુંબના સૌ ભાયાતોનાં સગાંસાંઈ, વેવાઈ-વેલાઓને લોંઠકા જોઈને બબ્બે બળદો સાથે લેતા આવવાનું કહેવરાવ્યું હતું. ચાર બળદ ભેગા જોડે ત્યારે તો માંડ ચશ દીએ એવો તોતિંગ ચિચોડો માંડ્યો હતો. અને એમાંથી બે ધારે વરસતા મીઠામધ રસનો ગોળ રાંધવા માટે અડખેપડખેના પંથકમાં નામખ્યાત બની ચૂકેલ જુવાન ગોવા ગળિયારાને ભારે મોટું દનિયું ઠરાવીને બોલાવ્યો હતો.

ગોવામાં માત્ર જુવાનીની રસિકતા અને રંગીલાઈ નહોતાં ભર્યાં, પણ સાવ તરુણ વયમાં સાધ્ય કરેલ ગોળરાંધણના અનોખા કસબની દીપ્તિ તેના સમગ્ર વ્યક્તિત્વમાં રંગ પૂરી જતી હતી. રસની કડાઈમાં ઘડા ભરી ભરીને રેડતો હોય, કે કોઈ વખત ચૂલામાં આંધણ થઈ રહેતાં સૂંડલો ફોફાં ઓરતો હોય, કે ચાકીમાં ઢાળેલો ગોળ અજબ આસાનીથી પાવળી વડે ઉખેડતો હોય, પણ એના એક્કેએક હલનચલનમાં રહેલી એક અચ્છા પાકશાસ્ત્રીની કસબજન્ય છટા મુગ્ધ કરતી હતી.

બંને આંખે આંધળા નેણસી ભગત શેઢા નજીકના ચાસટિયામાં ફાટ્યો-તૂટ્યો ખાટલો ઢાળીને ચોવીસે કલાક રામનામ લેતા પડી રહેતા. તેમને ગામના માણસો કહેતા : “ભગત, વાઢ તો સોળ આની ઊગ્યો, પણ આવો ગળિયારો જડ્યો હોત તો ધાનને ધૂળ કરીને ખાવું પડત.”

“ગળિયારો ઠાવકો જડ્યો છે, એમ કે?” ભગત વળતા પૂછતા.

“હા, ઠાવકો તો કેવો, કે ગોળ તમારે રવાદાર મેસૂબનેય ભુલાવે એવો રંધાય છે.”

“સારું સારું ભાઈ, ખાઈને માણસ દુઆ દેશે. ખાઓ, પીઓ ને આનંદ કરો, સીતારામજી! સીતારામજી!”

સંતી બાળપણથી ડોસાની સેવાશુશ્રૂષા કરવા ટવાયેલી હતી. ભગતને પણ બાળકીની ચાકરીનું વેરાગી અવસ્થામાંય એવું તો વ્યસન થઈ ગયેલું કે હવે તો સંતીનું મોટું આણું આવવાનું થયું અને સાસરે જવાની થઈ છતાં ભગતને એના વિના માળાનો બેરખો, પગનાં પગરખાં, હાથની લાકડી કે અફીણના અમલની વાડકી શોધવામાં મુશ્કેલી અનુભવવી પડતી.

સંતીને પણ રવા પટેલે દીકરી જાણતાં દીકરાની જેમ લાડચાગમાં ઉછેરી હોવાથી કોઈ કોઈ વાર વધારે પડતી છૂટ લેતી, તો એમાં કોઈ વાંધો ઉઠાવતું. તેનાં બાળપણનાં લાલનપાલન જોઈને ગામલોક કહેતાં કે સંતીને રવો પટેલ હથેળીમાં થૂંકાવે છે ને પડ્યો બોલ ઝીલે છે; પણ અસ્ત્રીની જાતને આવાં લાડચાળા કરીએ તો કોક દી એને વસમાં પડે. સંતીને મળતું સ્વાતંત્ર્ય ઘણા માણસોની આંખમાં આવતું અને એમાંનું કોઈ વાલેશરી બનીને રવા પટેલને વિશે અણસારો કરે ત્યારે રવા પટેલ લાપરવાહીથી કહેતા : સંતી મારી દીકરી નથી, તો વાની મારી કોયલ છે, કોઈ પૂરવભવની લેણાદેણી રહી ગઈ હશે તે મારે ઘેર ઊડી આવી છે. કમુરત ઊતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઊડી જાશે....”

રવા પટેલ આકાશ તરફ તાકીને છેલ્લા શબ્દો બોલતા ત્યારે કોઈ કોઈ વાર તેમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં. પણ બન્યું હતું એવું કે ગામલોકો રવા પટેલના વાત્સલ્યની નાજુકાઈ સમજી શક્યા અને કેટલાક વરણાગિયા જુવાનિયાઓ જેઓ પોતાની લાયકાત કે બિનલાયકાત જોયાકારવ્યા વગર લાંબા સમયથી સંતીનું સંવનન કરી રહ્યા હતા, તેમણે રવા પટેલના ભોળા ભાવે બોલાયેલા ‘વાની મારી કોયલ’ શબ્દોમાંથી ‘કોયલ’ શબ્દ લીધો અને સંતીના નામ સાથે જોડી દીધો.

ગામના જુવાનો કવિતા નહોતા કરતા છતાં, તેમને ન્યાય કરવા ખાતર કહેવું જોઈએ કે તેમણે કરેલા સંતીના નામકરણમાં ભારોભાર કાવ્ય ભર્યું હતું. વહેલી પરોઢે ખેતરે જવા નીકળી હોય, કે બપોરા ટાણે ભાત લઈને જતી હોય, કે સાંજે માથા ઉપર ભારી મૂકીને પાછી ફરતી હોય, પણ સંતીના પગરવે સીમનું યૌવન જાગી ઊઠતું. અંગેઅંગમાંથી અણબોટ્યું લાવણ્ય નિતારતી સુકુમાર દેહલતા આખી સીમના વાતાવરણને તાઝા-બ-તાઝા આહ્લાદ વડે ભરી મૂકતી. એક ચૈતર મહિને જ્યારે ખેતરે જતા રસ્તા ઉપરના આંબાવાડિયાના આંબા લૂંબઝૂંબ સાખો વડે લચી પડતા હતા અને કોયલોએ બાર બાર મહિનાનાં રખોપાં કર્યા છતાં મોર મોર્યા ટાણે ટાઢ આવી હોવા બદલ કુ...ઉ...ઉ... કુ...ઉ...ઉ...ના દર્દભરપૂર ફરિયાદટહુકા ગાવા માંડ્યા હતા ત્યારે નમતે પહોરે નેણશી ભગત માટે અમલનું અફીણ લેવા નીકળેલ સંતીથી આપમેળે ગવાઈ ગયું :

ચેતર ચંપો મોરિયો ને મોર્યાં દાડમ દ્રાખ;

કોયલડી ટ્હૌકા કરે કાંઈ બેઠી આંબાડાળ.

અને આંબાડાળે અવિરત ટહુકતી જતી કોયલડીને પજવવા સંતીએ જ્યારે કુ...ઉ...ઉ... ટહુકો કર્યો ત્યારે એને ખ્યાલ સરખો પણ નહોતો કે પાછળ લપાતોછુપાતો આવતો ગામનો ઊખડેલ ગણાતો આઝાદ છોકરો વીરિયો વાત ગામના ખસૂડિયલ કૂતરી સુધી ફેલાવશે અને ગામની રસિકતાએ કરેલું ‘કોયલડી’ નામકરણ સાચું ઠરાવશે.

*

ચિચોડો ચાલવા માંડ્યો ત્યારથી ખેતરનું વાતાવરણ દિવસ ને રાત ગહેકતું રહેવા માંડ્યું. ચાર એકઢાળિયાં તો ખેતરમાં હતાં જ, છતાં બીજાં નાના-મોટા પાંચેક માંડવા અને બે છાંયડાં ઊભાં કરવાં પડ્યાં. સારા સારા જાતવંતા બળદની દશેક જોડ ભેગી થઈ ગઈ હોવાથી ચિચોડો અવિરત ચાલ્યો જતો અને પરોઢિયેથી તે ગોરજ ટાણા સુધી પરવાહ લેવા આવનારાઓનો પ્રવાહ પણ ચિચોડાની જેમ ચાલુ રહેતો. નેણશી ભગત મૂળથી ‘રોટલેֹ’ ‘હોળા’ તરીકે પંકાતા, તેમાં રવા પટેલના પહોળા હાથ અને મળતિયા સ્વભાવે ફરતા પંથકમાં તેમને ‘દુલા રાજા’નું બિરુદ મેળવી આપ્યું હતું. આંખનીય ઓળખાણ વગરનો માણસ રવા પટેલની વાડીએ કોશ ચાલવા ટાણે અમથો ખંખોળિયાં ખાવા આવે તો કોળી ઝીંઝરા કે ડૂંડાંનો પોંક કે ખોબો ઓળા કે શેરડીનો સાંઠો ખાધા વિના ભાગ્યે પાછો ફરતો. પરિણામે, ચિચોડો ફરવા જેવો મહામૂલો અવસર આવ્યો ત્યારે તો રવા પટેલની વાડી અને ખેતર આલાભાઈના દરબારમાં જાણે કે પલટાઈ ગયાં.

માંડવો તો પરવાહ લેવા આવનારાઓથી ખીચોખીચ રહેવા લાગ્યો. રવા પટેલે મહેમાનો માટે તળાઈબંધા ઢોલિયા અને સંખ્યાબંધ ખાટલાઓ પથરાવી મૂકેલા. એટલું નહીં, પણ સારી એવી સંખ્યામાં સૂડીઓ પણ ભેગી કરી રાખેલી, જેથી મહેમાનોને ભાગે તો શેરડીનાં લઠ્ઠ માદળિયાં ફોલીફોલીને દાંત ચલાવવાનું રહે. ફોલી શકે એવાં માણસો માટે પિલાયેલા સાંઠાનો તાજો રસ પીવા સારુ છાલિયાં અને તાંસળીઓ હાજર હતાં, માથે ભભરાવવા સૂંઠનો ભૂકો તૈયાર હતો. માંડવામાં જ્યારે ચષચષ શેરડીનાં પતીકાં ચવાતાં હોય અને ગટાક... ગટાક રસછાલિયાં ગટગટાવાતાં હોય ત્યારે જીવતા જીવતા જીવોનો મેળો જોઈને રવા પટેલની આંખો ઠરતી. આંખે અંધ હોવા છતાં નેણશી ભગત આંખોના કૂવા વડે જાણે કે આખું દૃશ્ય પી અને અનુભવી શકતા અને સૌના વતી પોતે તૃપ્તિજન્ય ઉદ્ગારો કાઢતા : “પીઓ મારા બાપ! પીઓ! ધરવ કરીને પીઓ! ધરતીના પેટની બધી માયા છે. ધરતીનાં છોરુ એનો ધરવ નહીં કરે તો બીજું કોણ કરશે? ધરતીને ધવાય એટલું ધાવી લ્યો; કોને ખબર છે કાલની?”

આમ કહી ભગત જમણા હાથની આંગળીઓ સૂંઘી જોતા અને સમસ્ત વાતાવરણની સ્વસ્થા પારખી, એવી ખાતરી કરીને ફરી હાથમાંનો બેરખો ફેરવવા માંડતા.

કેટલાક ભાવિકો ભગતને સાચક માણસ ગણતા. તેઓ સંસારમાં હોવા છતાં સાધુ જેવા રહેતા હોવાથી ઘણાં માણસોને તેમની સાચકતામાં શ્રદ્ધા બેઠેલી. આંખો ગઈ હોવા છતાં આંગળી સૂંઘીને માણસ પારખી કાઢવાની ભગતની આવડતે ઘણા નાસ્તિકોને પણ મુગ્ધ કરેલા.

ઓણ સાલ ઉનાળામાં જેવાં આકરાં દનિયાં તપ્યાં હતાં એવી અનરાધાર વરસાદની હેલીઓ પડી અને શિયાળામાં પણ માણસને થીજવીને ઠૂંઠવું કરી મૂકે એવાં સખત હિમ પડ્યાં, પણ રવા પટેલનાં ખેતરવાડી ધમધોકાર પ્રવૃત્તિની ગરમીથી એવાં તો હૂંફાળાં રહેતાં કે મકરસંક્રાતિના કાંધા ઠારવા સારુ પડેલા હિમને પણ કોઈએ ગણકાર્યું નહીં.

સંતીનું આણું વાળવા માટે એના સાસરિયાઓ ખાસ્સાં વીસ માણસોની ઢગ લઈને આવ્યા હતા એટલે ખાસ કામ સિવાય સંતીનો ખેતરે આવરો-જાવરો ઓછો થઈ ગયો હતો સિવાય કે ભગતની વાડકીમાં અફીણ થઈ રહ્યું હોય અને આપવા આવવું પડે, અથવા તો સાંજે વાળું મોડાં થયાં હોય અને સાથી વહેલો ચાલ્યો ગયો હોય. થોડા દિવસ પછી થનાર પિતૃગૃહના ત્યાગનો શોક અને શ્વસુરગૃહના મિલનના હર્ષની મિશ્રિત લાગણીઓના પ્રવાહમાં સંતી સેલારા લઈ રહી હતી.

આજે રવા પટેલે કથા બેસાડવાની હોવાથી રાતે ચિચોડો બંધ રાખવાનું નક્કી કર્યું હતું.

છેક સાંજે ભગતને ખબર પડી કે આજે અમલ મંગાવવાનું રહી ગયું છે, એટલે તેમણે એક દહાડિયા સાથે કહેવરાવ્યું. સંધ્યાટાણે સંતી ડોસાને અફીણ આપવા આવી ત્યારે ચિચોડો બંધ થવાની તૈયારીમાં હતો પણ એક ક્યારાના અર્ધા ભાગના સાંઠા વઢાઈ ગયા હતા અને અર્ધા બાકી રહ્યા હતા, એટલે આમેય મોડું અને આમેય મોડું ગણીને ક્યારો પૂરો કરવાનું નક્કી થયું અને દહાડિયાઓએ કામમાં ઝપટ કરવા માંડી. એક તરફથી ક્યારામાંથી ફડાફડ સાંઠા વઢાયે જતા હતા, બીજે ઠેકાણે વઢાઈ રહેલા ઢગલામાંથી આગળાંપૂછડાં કપાતાં જતાં. આ, ત્રીજી જગ્યાએ તૈયાર થયેલા કાતળાઓને મોગરી વડે ટીપી ટીપીને પોચા પાતળા ચિચોડામાં સહેલાઈથી પેસી શકે એવા બનાવવામાં આવતા હતા. સંતી પણ ઝટ દેતીકને ઘાઘરો સંકોરી, સાંઠા ટીપવા બેસી ગઈ.

સાથે કામ કરતી એક મજૂરણ સહિયરે સંતીને પૂછ્યું :

”કાં સંતીબહેન, આજે તો કાંઈ કોરો કડકડતો ઘાઘરો પહેર્યો છે!”

હરખઘેલી સંતીએ ખુલાસારૂપે કંઈ બોલવાને બદલે આદત પ્રમાણે ગાવાનું ઉચિત ગણ્યું :

ફૂલ ફગરનો ઘાઘરો સિવડાવ્યો શુકરવાર,

પહેર્યો ને વળી પહેરીશું કાંઈ સાસરને દરબાર

કે આણાં આવ્યાં રે મોરાં રે.

અજબ માર્દવભર્યા લહેકા સાથે ગવાયેલી લીટીઓએ પડખેના માંડવામાં ચૂલ ઉપરથી કડાઈ ઉતારીને ચાકીમાં ઠાલવતા ગોવા ગળિયારાના કાનને ચમકાવ્યા. ઉભડક થઈને એણે સંતી તરફ જોયું. તાજગીભર્યા લાલચટાક મોં ઉપર, સામી પીંપળમાંથી ચળાઈને આવતાં છેલ્લાં સૂર્યકિરણો ચકચક થતાં હતાં. ગોવા જેવા રસિયા જુવાન માટે તે દૃશ્ય અસહ્ય હતું. તેણે પણ એવી હલકથી ગાવા માંડ્યું :

મારા વાડામાં ગલ છોડવો કોયલડી રંગભીની!

તો ફાલ્યો લચકાલોળ કોયલડી રંગભીની!

સામી પાર સૂરજે ડૂબકી મારી ત્યારે ફુલ્લઝપટ દહાડિયાં ચાલ્યાં ગયાં હતાં. ગોવો હાથમાં પાવડી લઈને ગોળને ચોકીમાં પાથરતો હતો.

સંતીના દિમાગમાં ‘કોયલડી રંગભીની’ લીટીઓ રમતી હતી. વાતાવરણમાં આથમતી સંધ્યાની માદક ઉત્તેજના હતી. માદકતાથી પ્રેરાઈને સંતી તરકોશી પડથાર ઉપર થઈ ઊભી અને હોઠે આવેલું ગીત ગાવા માંડ્યું :

કૂવાને કાંઠે ઊગ્યો કેવડો, ગળિયારા!

કેવડો મહરકે મીઠો, ગળિયારા!

કેવડો લળી લળી જાય રે, ગળિયારા!

ગોવાના હાથમાં પાવડી થંભી ગઈ. દૂર દૂરનું ઘર, જુવાન પરણેતર બધું યાદ આવી ગયું અને બદલામાં પારકું ગામ, પારકાં ખેતર-વાડી, પારકા આદમી બધું ઘડીભર ભુલાઈ ગયું. લાગણીઓને એણે બેલગામ છૂટી મૂકી :

રંગભીનાં રે! અમે પરદેશી પોપટા,

રંગભીનાં રે! તમે ઢળકતાં ઢેલડી,

રંગભીનાં રે! અમે કળાયેલ મોરલા

રંગભીનાં રે! તમે છો સરવર-નીર.

રંગભીનાં રે! અમે પરદેશી પંખીડાં,

રંગભીનાં રે! પંખીડાંની ન્હોય પ્રીત,

રંગભીનાં રે! પંખીડાં ઊડી ઊડી જાય,

રંગભીનાં રે! ઊડે એના ન્હોય ઓરતા.

દૂર શેઢા નજીક ખાટલામાં પડેલા ભગતે સંતી માટે ઉપરાઉપર બે-ત્રણ બૂમો મારી. જવાબ મળવાથી તેઓ અસ્વસ્થ થયા અને આદત પ્રમાણે આંગળીઓ સૂંઘવા માંડી.

સંતી ડોસાનો અવાજ સાંભળી શકે એટલી નજીક નહોતી અને નજીક હોત તોપણ ગીતો ગાયા આડે કશું સાંભળવાની એને ક્યાં નવરાશ હતી?

ચાસટિયે ચડીને રે મેં ટોયાં પંખીડાં,

ગંઠેલ ગોફણિયે રે મેં ટોયાં પંખીડાં.

ગાતાં ગાતાં સંતી ગોવાના માંડવા નજીક પહોંચી ગઈ હતી,

ગોવો તો થોડી વાર પહેલાં છેલ્લાં સૂરજ-કિરણોએ ગુલાલ છાંટી મૂકેલ ઘાટીલા ફૂલગુલાબી મોંની તંદ્રામાં ઊભો હતો.

પછવાડે બૂંગણનો છેડો ઊંચો કરીને સંતીએ ટહુકો કર્યો :

“એકલા એકલા ગોળ રાંધો છો ને? એકલપેટા!”

ગોવાએ પાછળ જોયું. એને ક્ષોભ થયો. શું બોલવું સમજાયું. અટાણે બધા મજૂર, દહાડિયા, સાથી વગેરે વાળુ કરવા ચાલ્યા ગયા હતા. ઘડી વાર પહેલાં માણસોથી ખદબદતું ખેતર અટાણે ખાલીખમ્મ લાગતું હતું. માત્ર શેઢા તરફથી ભગતની ઉધરસનો અવાજ આવતો હતો. ગોવાએ વિનય ખાતર પણ મર્મભર્યો ઉત્તર આપ્યો :

“એકલ માણસ તો એકલપેટો હોય ને? બીજું પેટ ક્યાંથી કાઢે?”

સાંભળીને સંતી એવી તો શરમાઈ ગઈ કે અજાણ્યા આદમી પાસેથી દોડીને દૂર ખાટલો ઢાળીને પડેલા દાદા પાસે પહોંચી જવાનું મન થઈ આવ્યું. તેની ગભરુ છાતીમાં ફડકફડક ફડકા થવા લાગ્યા. પવનપાંખે ઊડતું હરણ-બચ્ચું ઓચિંતું સામે શિકારને જોતાં ફફડી ઊઠે એમ ગોવાની હાજરીમાં સંતી ફફડી ઊઠી. જગ્યાએથી ઝટઝટ ચાલ્યા જવા માટે ઘાઘરો સંકોરીને ચૂલ પર ઊકળતી કઢાઈ અને નજીક ઊભેલા ગોવાની વચ્ચેથી ક્ષોભ અને સંકોચસહ પસાર થવા ગઈ ત્યારે વાંભ એકનો લાંબો તવીથો લઈને ઊભેલા ગોવાનો હાથ સંતીની ખુલ્લી કેડ સાથે ભટકાયો અને સંતી ધ્રૂજી ઊઠી. ફફડાટ અને ધ્રુજારી ઓછી કરવા કરવા, સામી ચાકીમાં ઠરતા ગોળ તરફ જોઈને, જાણે કે બોલવા ખાતર બોલી : “ગોળ તો રૂપાળો સોનાની વીંટી જેવો રાંધ્યો છે ને!”

ખેતરમાં સંધ્યા આથમ્યા પછી સામી દિશાએથી દોડી આવેલ ચંદ્રનો આછો ઉજાસ સંતીનાં ખુલ્લાં હાથ-મોં ઉપર રમતો હતો.

ગોવાએ તેના કેફમાં કહ્યું : “ખાનારાં ક્યાં ઓછાં રૂપાળાં છે, તી ગોળ રૂપાળો રંધાય?”

વીજળીનો આંચકો ધક્કો લાગ્યો હોય એમ સંતી ચાર તસુ પાછળ હઠી ગઈ. એક ભયજન્ય, તીવ્ર ધ્રૂજ એના પેટ સોંસરવી પસાર થઈ ગઈ. ગોવાના શબ્દો સાંભળીને સ્વાભાવિક રીતે જ, સંતીએ પોતાના હાથના કાંડાથી કોણી લગી છૂંદેલાં છૂંદણાં ઉપર એક કૌતુકભરી નજર ફેરવી.

“છૂંદણાંમાં શેનાં શેનાં ચિત્તર ચિતરાવ્યાં છે?” ગોવાએ હાથ ઉપર નજર ઠેરવીને પૂછ્યું.

આવો સ્વાભાવિક પ્રશ્ન સાંભળતાં સંતીના પેટનો ફફડાટ, ગભરામણ બધું શમી ગયું અને તેણે ભોળે ભાવે જવાબ આપ્યો : “ઈ તો હું નાની હતી તંયે ચાર જણાંએ થઈને મને પરાણે પકડી રાખીને કૂંજડીનું ચિત્તર ત્રોફાવ્યું’તું. ત્રોફવાવાળી વાઘરણ એના ભાલા જેવા અણિયાળા સોયા મજીઠમાં બોળીબોળીને એવા તો સળ સળ ખૂંચાડતી’તી!” એટલું કહેતાં તો સંતીના મોંમાંથી આછી સિસકારી નીકળી ગઈ.

ગોવાએ થોડું સામીપ્ય અનુભવતાં કહ્યું : “સોયની અણીય ખમી શકે એવી પોચી પારેવડી ક્યાંથી થઈ?”

સંતીએ ખુલ્લા દિલે કહ્યું : “હા બાપુ, હું તો ધરથી એવી પોચી પારેવડી જેવી રહી છું. ત્રોફવાવાળી સબોસબ સોય ભોંક્યે જાતી’તી, પણ હું તો જોર કરીને મારી આંખ્યું બીડી ગઈ. પછી મારા હાથપગ છોડ્યા તંયે આંખ્યું ઉઘાડીને જોયું તો આખા હાથ ઉપર લોહીના ટશિયા ફૂટી આવ્યા’તા. હાથ ઘંહીને લોહી લૂઈ નાખ્યું તો અંદર મજાની નાનકડી કૂંજડી બેઠી’તી!”

સંતી ગોવાની નજીક ગઈ, હાથ લંબાવીને છૂંદણાનું ચિત્ર બતાવ્યું.

ગોવાએ કુતૂહલથી હાથ નજીક ખેંચીને ચાંદાના અજવાળિયે છૂંદણાનું ચિત્ર જોયું.

મકરસંક્રાંતની ટાઢનો થીજવી નાખતો ઠાર વરસવો શરૂ થઈ ગયો હતો. હજી હમણાં ચાંદો ઊગ્યો હોવા છતાં, શિયાળુ રાતની લંબાઈને લીધે મધરાત જેવો સોપો પડી ગયો હોય એવું વાતાવરણ હતું.

ગોવો પોતાના હાથના પોંચા ઉપર ત્રોફેલ ત્રાંજવાં સંતીને બતાવતો હતો.

ભગતનો અમલ લેવાનો સમય વીતી ગયો હોવાથી એમની નસો તૂટતી હતી, માથું ફરતું હતું. સંતીને ઉપરાઉપરી સાદ દેવા છતાં કોઈ સાંભળતું હતું. શેઢાના રખોલિયાઓ તો મોડે મોડે રાત ભાંગ્યા પછી આવતા; પણ ખેતરમાં કાયમી વાસો રહેનારા વસવાતીઓય હજી વાળુપાણીથી પરવારીને આવ્યા હતા. ભગતને સંતી વિશે ભય લાગ્યો અને તેમણે બંને આંગળીઓ નાકે મૂકી, આખા વાતાવરણનો તાગ લેવા માંડ્યો.

રવા પટેલને ત્યાં છેક સાંજે લાપસી ભરડાવા માંડેલી એટલે રંધાંતાં વાળુને બહુ વાર લાગી; તેમાં વળી, આણાની ઢગનાં જાડાં જણ જમાડવાનાં હોવાથી, મહેમાનોને ચળુ કર્યા કેડે ઘરના માણસો અને એમના જમી ઊઠ્યા પછી વેવાઈના ગાડાખેડુઓ, સાથી, વસવાતી વગેરેને પીરસતાં તો બહુ મોડું થઈ ગયું.

ગોરે કહ્યું હતું કે આણું વળાવવા માટે પરોઢિયે એક ચોઘડિયું સારું છે, એટલે રવા પટેલ વેવાઈનાં ગાડાંગડેરાં અને ઢાંઢાઓને સાબદાં કરતા હતા. પરોઢે થનાર પુત્રીવિયોગની ગ્લાનિ તેમના મોં ઉપર ફરી વળી હતી. ઢગવાળાઓ જમીકારવીને ફળિયામાં તેમને માટે બબ્બે ધડકી નાખીને ઢાળેલ ખાટલાઓમાં જરા આડે પડખે થયા હતા.

ઘરમાં અટાણે સંતીનાં આણાનાં કપડાં સંકેલાતાં હતાં. એક ખાસ, મોંઘાપાડું ઓઢણું હજી નહોતું સંકેલ્યું,. કારણ કે સંતીની બહેનપણીઓએ સૂચવ્યું હતું કે પરોઢિયે ગાડે બેસાડતી વખતે પહેરાવવું છે. ઓચિંતી એક સહિયરે સંતીની પૃચ્છા કરી અને ત્યારે ખેતરના વસવાતીએ કહ્યું કે, સંતીબહેન તો ભગતને અમલ આપવા ખેતરે ગયાં છે.

સાંભળીને ઘરના માણસોને પહેલાં તો જરા અચંબો ઉપજ્યો પણ રવા પટેલે એનો જરૂરી ઘટસ્ફોટ કર્યો : “સંતીને ઘરમાં સહુ માણસ કરતાં આતાનો હેડો વધારે છે. આજ બિચારી પેટ ભરીને ડોસાને મળી હશે. કાલ આવા ટાણે તો કોને ખબર છે, મારી કોયલ ઊડીને ક્યાંથી ક્યાં પહોંચી હશે... તો વાની મારી કોયલ છે.”

સાંભળીને સંતીની જુવાન સહિયરો સામસામા જોઈને છૂપું હસી પડી. એક જણીએ તો રવા પટેલ સુધ્ધાં સાંભળે એવી રીતે કહી પણ નાંખ્યું : “કાલે આવા ટાણે તો બે’નબા એ... ને મજાનાં... તમે તો કોઈ યાદેય નહીં આવતાં હો ત્યાં...”

રવા પટેલે વાતનો વિષય બદલીને ખેતરે વાસો રહેવાવાળાને ખેતરે મોકલ્યો અને ઝટઝટ સંતીને ઘેરે મોકલવાનું કહ્યું.

વસવાતી રોજના નિયમ મુજબ ગોવા માટે વાળુ લઈને ખેતરે જવા નીકળ્યો છે.

નીતરતી ચાંદનીમાં અટાણે આખું ખેતર પ્રશાંત લાગતું હતું. સંતી માટે બૂમો મારવા છતાં કે જવાબ મળવાથી ભગત પણ મૂંગા થઈ બંને આંગળીઓ વારાફરતી નાકે મૂક્યે જતા હતા. સમી સાંજે કલબલાટ કરતાં પંખીઓ અટાણે ચૂપચાપ માળામાં પેસી ગયાં હતાં. સાંજે મરચીને પાણી પાઈ રહ્યા પછી તરકોશીના થાળા પર નીંગળાવા મૂકેલો કોશ પણ હવે નીતરી રહ્યો હતો. અને વાવમાં પડતાં ટપાક ટપાક ટીકાંનો અવાજેય બંધ થયો હતો. રતાંધળાં છીપાં પણ તરકોશીના બે માથોડા ઊંડા બંધાણનાં બાકોરાંઓમાં એકમેક સાથે ગોઠવાઈને બેસી ગયાં હતાં. માત્ર વાવનાં નહીં પણ જાણે કે આખાં ખેતરવાડીનાં જળ જંપી ગયાં હતાં.

ઉગમણે ખોડીબારે, કોઈએ ખોંખારો ખાધો અને પછી પગરવ સંભળાયો ત્યારે સંતી સફાળી ઊભી થઈને ભગત પાસે જવા દોડી. હવે તેને ઓસાણ આવ્યું કે પોતે જે વસ્તુ આપવા સારુ અહીં આવી હતી અફીણનો ગાંગડો તો પોતાના કમખા વચ્ચે રહી ગયો છે! ઝટપટ તેણે પડીકું બહાર કાઢીને ભગતની અમલની વાડકીમાં મૂક્યું અને આપવા સારુ નજીક ગઈ.

અંધ ભગતને આજે સંતીમાં કંઈક આકસ્મિક ફેરફાર થયો લાગ્યો. નવપલ્લવિત બટમોગરાની કળી શી તેની અણબોટી દેહલતામાંથી કોરી ધરતી ઉપર વર્ષાછાંટ થયા પછીનો આછોઆછો મીઠો પમરાટ મહેકવાને બદલે ભગતને પહેલી વાર પરસેવાની ખાટી વાસ આવી.

તેમણે ફરી આંગળીઓ નાકે મૂકી. વસ્તુસ્થિતીનો તાગ લેવા કરી જોયું.

અપરાધીનો અપરાધ ખુલ્લો પડતાં એને જે જાતની ભોઠામણ, પશ્ચાત્તાપ અને ગભરાટ થાય એવી ભોઠામણ, પશ્ચાત્તાપ અને ગભરાટ અત્યારે સંતી અનુભવતી રહી. યંત્રવત ડગલું હઠી ગઈ.

ભગતે અફીણ લેવા હાથ લંબાવ્યો પણ ત્યાં સંતી નહોતી. તેમણે ફરી આંગળીઓ નાકનાં ફોળણાં ઉપર મૂકી.

સંતીનો ગભરાટ અનેકગણો વધી પડ્યો. તેનું પેટ ચૂંથાવા લાગ્યું. ડોસાની હાજરીમાં નાસીપાસ થઈ ગઈ.

ભગતે જરા આગળ વધીને અફીણ માટે હાથ લંબાવ્યો. પણ સંતી વધારે પાછળ હઠી. ભગતને આજે કંઈ સમજ નહોતી પડતી. તેમણે આંગળીઓ સૂંઘવા માંડી.

સંતીને માટે અસહ્ય હતું. તેણે ખાટલાના પાયા નજીક પડેલી ભાંભલીમાંથી થોડું પાણી કાઢ્યું અફીણનો ગાંગડો એમાં પલાળી દીધો.

થોડી વારે ભગતે પૂછ્યું : “સંતી, બેટા! અમલ લાવી છો ને?”

સંતીની આંખોમાં એક સમજાય એવી ચમક આવી અને ચાલી ગઈ. એને જીવનનો રસ્તો સૂઝી ગયો. તેણે હિંમતપૂર્વક જવાબ આપ્યો : “આતા, અફીણ લઈ આવવાનું તો હું સાવ ભૂલી ગઈ છું.”

આટલું કહીને દૂર ઊભાં ઊભાં જ, ઓગળેલા અફીણની વાડકી હોઠે મૂકીને ગટગટાવી ગઈ, અને એક અક્ષરેય બોલ્યા વિના ખાલી વાડકીનો ઘા કરી, ઝટપટ ઘર તરફ ચાલી ગઈ.

વળતે દિવસે ગામલોકોને એક નહીં, બે નહીં, પણ ત્રણ-ત્રણ આશ્ચર્યો અનુભવવાં પડ્યાં.

પરોઢને શુભ ચોઘડિયે રવા પટેલની સંતી આણાનું ઓઢણું ઓઢીને ઝૂલાળા બળદ જોડેલ માફાળા ગાડામાં બેસીને પાદરીમાંથી નીકળશે એમ સૌએ ધાર્યું હતું; તેન બદલે ચાર આદમીઓને ખંધોલે ઊંચકાઈને, આણાના ઓઢણામાં વીંટલાયેલો સંતીનો મૃતદેહ નનામીરૂપે નીકળ્યો અને પાદરમાંથી ઓતરાદે શેઢે પ્રસ્થાન કરવાને બદલે આથમણી દિશામાં સ્મશાન ભણી વળ્યો.

રોંઢા ટાણે સીમમાંથી પાછી ફરતી ભથવારીઓએ આવીને વાતો કરી કે અંધ નેણશી ભગતના તો કોક અવળે ચોઘડિયે રથ ફરી ગયા છે. રાત આખી ઊંઘ્યા નથી ને બોખલું ફાડીને ખિ ખિ ખિ કરે છે. ઇન્દ્રલોકની ને અપ્સરાની ને દેવદેવીઓની વાતો કર્યા કરે છે. પડખેના ખેતરના વસવાતીઓ ભગતને મોંએ સંતીનો ખરખરો કરવા ગયા ત્યારે ભગતે પોતાના ફરી બેઠેલા રથના તોરમાં વાત કરી કે, ”આ મૃત્યુલોકમાં ઇન્દ્રરાજાની અપ્સરા જોગણીઓને ભેગી લઈને ક્રીડા કરવા ઊતરી. કંકુની પૂતળી જેવી અપ્સરાનું તેજતેજના અંબાર જેવું રૂપ જોઈને મનખા દેહવાળો કોઈ માનવી અંધો બનીને ભૂલથી એના છેડાને અડી ગયો. ને એના અડતાંવેંત કંકુની પૂતળી રાખની ઢગલી થઈને છૂટી પડી! ખિઃ ખિઃ ખિઃ સાવ ધોળી રાખ. ભભૂત જોઈ લ્યો! મસાણમાં ચેહ બળી રહ્યા પછી મડાનાં ફૂલવાળી રાખ જોઈ લ્યો! હે! હે! હે! સાવ, રોગી રાખ જ!”

જાણકાર માણસોએ ભગતની લવારી સાંભળીને ચુકાદો આપ્યો કે સંધ્યાના રથ ફરવા નીકળ્યા હશે વેળા ડોસાનો ઓશીકાફેર થઈ ગયો લાગે છે.

બીજા કૌતુકમાંથી ગામલોકો હજી પૂરો છુટકારો મેળવે પહેલાં તો ત્રીજા સમાચાર તૈયાર હતા કે ગોવા ગળિયારાનો ક્યાંય પત્તો નથી!

સ્રોત

  • પુસ્તક : કથાભારતી ગુજરાતી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : યશવંત શુક્લ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા
  • વર્ષ : 2000