Vadhu ne Vadhu Sundar - Short Stories | RekhtaGujarati

વધુને વધૂ સુંદર

Vadhu ne Vadhu Sundar

કુન્દનિકા કાપડીઆ કુન્દનિકા કાપડીઆ
વધુને વધૂ સુંદર
કુન્દનિકા કાપડીઆ

બીજાં જુવાનોની જેમ તેમને એકલાં જુદાં રહેવાનો તો વિચાર પણ નહિ આવ્યો હોય. ઊલટાનું તે લોકો તો મકાન મળતાં ખુશ થઈને દોડતાં આવશે ને કહેશે : “મમ્મી, સરસ ઘર મળ્યું છે. તારે માટે એક જુદો મોટો રૂમ. તને ગમશે ને?”

એનો પુત્ર સરસ જુવાન છે, કોઈ પણ માને ગર્વ થાય તેવો ઊંચો, પહોળો ને સ્નેહાળ. એના બિડાયેલા હોઠમાં દ્રઢતા છે અને આંખોમાં સ્વચ્છતા. તેણે આવો પુત્ર ઇચ્છ્યો હતો. તે નહોતી ચાહતી કે તેનો પુત્ર ચંચળ, ઊર્મિલ, પોતાના ખ્યાલોમાં ડૂબી રહેનાર આત્મકેન્દ્રી માણસ બને.

તો પણ, એક વાર તેણે તીવ્રતાપૂર્વક ઇચ્છેલું કે પોતાને સંતાન હોય. તે જીવનને મોકલી રીતે જીવવા માગતી હતી. કશી ફરજિયાત જવાબદારીથી જીવનભર બંધાઈ જવું પડે તે તેને મંજૂર નહોતું. લગ્ન કર્યા ત્યારે તેણે મનમાં નક્કી કરેલું કે પોતે નોકરી કરીને જાતે કમાશે; આર્થિક રીતે સ્વાવલંબી રહેશે. અનિલ સાથે લગ્ન કરતાં પહેલાં તેણે વસ્તું સ્પષ્ટ કરી હતી. અનિલ નોકરી કરવાની ના પાડે તો એની સાથે લગ્ન કરવાં, તેમ પણ એણે વિચારેલું. પણ અનિલે કશો વાંધો લીધો નહોતો, ઊલટાનું તે ઉત્સાહથી નોકરી શોધી લાવ્યો હતો. તેને ખબર હતી, અનિલ સાંજે ઘેર આવે ત્યારે પોતે ઘેર હોય અને એને ગરમ ચાનો એક સરસ કપ આપે તો અનિલ બહુ પ્રસન્ન થાય. પણ આવા નાના આનંદો કરતાં, સ્ત્રીમાં અસ્મિતાનું ભાન જાગૃત થાય તે વસ્તુ તેને વધારે મહત્ત્વની લાગતી. અનિલે પોતે કદી કોઈ પ્રકારનો આગ્રહ રાખ્યો નહોતો. તે ભલો, સારો માણસ હતો. પોતાની ઇચ્છાઓ અને રુચિઓ વ્યક્ત કરવાની તેને બહુ આદત નહોતી. જીવન વિષેના તેના કેટલાક ચોક્કસ ખ્યાલો હતા, પણ એને જીવનમાં મૂર્ત કરવા માટેની ક્રિયાશક્તિ તેનામાં ઓછી હતી. એક મર્યાદિત માનસિક ભૂમિકા પર તે સરળપણે જીવતો અને તેની પત્નીને બહુ ચાહતો.

પણ પુષ્પાનો સ્વભાવ તો એકદમ તેજ, ચંચળ, ગતિશીલ હતો. તે જલદી રાજી ને જલદી નારાજ થઈ જતી, મનના ભાવ તીક્ષ્ણ રીતે વ્યક્ત કરતી, અને જેને ચાહે તેના પર અષાઢના મેઘની જેમ વરસી પડવા ઇચ્છતી. અનિલ તેને એટલો વેગપૂર્ણ ઉત્તર આપી શકતો નહિ, પણ તે તેને ચાહતો અને બધી રીતે સંભાળી લેતો. સાંજે પુષ્પા નોકરી પરથી ઘેર આવે ત્યારે, અનિલ તેની પહેલાં આવી ગયો હોય તો કૉફી કે ચા બનાવી રાખતો; અને પછી તે પીતાં પીતાં બન્ને મોડી સાંજ સુધી રૂમના જમણી તરફના ખૂણામાં બેસી રહેતાં. ત્યાંથી પશ્ચિમનું આકાશ અને ડૂબતા સૂરજનો આલોક દેખાતાં. અનિલને વાંચવાનો શોખ હતો - તે વાંચતો ને પુષ્પા સાંભળતી - જુદાં જુદાં પુસ્તકો.

“રોજેરોજ, ક્ષણેક્ષણે હું પ્રકૃતિમાં વધુ ને વધુ ડૂબતો જાઉં છું. ‘કંઈ હોવાનો’ આનંદ અનુભવી શકવાની અમૂલ્ય ભેટ મને મળી છે. કવિની શક્તિ તે તો નિરંતર કશુંક નવું શોધી કાઢવાની શક્તિ છે. કોઈક વાર મારો આનંદ એટલો તીવ્ર બની જાય છે કે હું તે વિષે બીજાઓને કહેવા તલસું છું. મારા આનંદને હું શી રીતે સદા હરિયાળો રાખી શકું તે કહેવા તલસું છું...”

અનિલનો અવાજ અને બીજા કોઈ લેખકના શબ્દોનો એક અદ્દભુત મેળ થતો. સમય વીતી જતો તેની ખબર પડતી નહિ. માત્ર આકાશ સોનેરી, ગાઢ લાલ ને પછી જાંબલી રંગોમાં સરતું સરતું શ્યામ બની જતું.

કોઈક વાર સાંભળતાં સાંભળતાં પુષ્પાની આંખો બંધ થઈ જતી. અનિલ વાંચવાનું બંધ કરીને પૂછતો, ‘ઊંઘી ગઈ પુષ્પવેણી?’ તે પુષ્પાને ઘણી વાર પુષ્પવેણી કહેતો, કદીક પુષ્પ અને ક્યારેક માત્ર ફૂલ. તેના પ્રેમની અભિવ્યક્તિ મંદ છતાં સ્નિગ્ધ હતી અને પુષ્પાને થતું કે પોતાના તેજ વ્યક્તિત્વને સ્નિગ્ધતા એક રક્ષણાત્મકતામાં લપેટી લે છે. તેનું હૃદય ભીનું થઈ જતું અને પરસ્પર સ્વભાવનો મેળ ઓછો હોવા છતાં તેનું સહજીવન આટલું સ્નેહપૂર્ણ હતું તે માટે તે ઈશ્વરનો આભાર માનતી.

હવે આ... દીપ અને વાસવી. તેમના સહજીવનની રીત તદ્દન જુદી હતી. અથવા એક પેઢી પછી આવતાં પરિવર્તનોને તે સ્વાભાવિક રીતે વહી રહ્યાં હતાં. તેઓ હજુ ઊગતા પ્રભાત જેવાં તરુણ હતાં ને ઘણી વાર, છત્રી હોવા છતાં જાણીને ભીંજાઈને તેઓ તોફાન કરતાં ઘરમાં દોડી આવતાં, ને વાસવી લાડથી પુષ્પાને વળગી પડીને કહેતી :“કૉફી નહિ પિવડાવો?” પુષ્પાને તે મા કે મમ્મી કહેતી નહિ. તે એને પુષ્પાબહેન કહેતી. દીપને તેણે કહેલું : “મારાં તારી સાથે લગ્ન થયાં હોત ને પુષ્પાબહેન સાથે મારે ઓળખાણ થઈ હોત તો તે મારાં વડીલ મિત્ર બનત.” અને ઘણી વાર તે પુષ્પાને કહેતી : “તમારી સાથે મારો કાંઈ સાસુ-વહુનો સંબંધ નથી. દીપ વગર પણ આપણો સંબંધ છે. મને તમે ગમો છો.”

પણ જુવાન અને રમતિયાળ તેમ આનંદી લોકો ગંભીર પણ હતાં. તેઓ ઊંડા વિષયોમાં પરોવાયેલાં હતાં, ને પોતાના કામ પ્રત્યે તેમને નિષ્ઠા હતી. દીપ ‘ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ’માં વૈજ્ઞાનિક હતો. વાસવી મેથેમેટિક્સમાં પીએચ.ડી. કરે છે. વાસવીના ટેબલ પર પુષ્પા ઘણી વાર વિખરાયેલાં કાગળિયાંમાં તરેહતરેહની ફૉર્મ્યુલા અને સમીકરણો જુએ છે, તેને એમાંનું કશું સમજાતું નથી - તે બી.એ. સુધી ભણી છે તો પણ. તેના વખતમાં તો ઘણું કહેવાતું. અનિલ એને પરણીને પોતાને ગામ લઈ ગયો ત્યારે પડોશીઓ બી.એ. ભણેલી વહુને જોવા આવેલાં, અને તે નોકરી કરે છે જાણી ઘણાં સગાંઓ નારાજ પણ થયેલાં.

પણ દીપ ને વાસવીની વાત જુદી છે. તેમના જીવવાની રીત પણ જુદી છે. પોતે ને અનિલ તો હંમશાં બધે સાથે તાં. તેને ફિલ્મ જોવાનું મન હોય ને અનિલ આવે તો તે પણ જતી નહિ. બધા કાર્યક્રમોમાં, બધાં સંબંધીઓને ઘેર તેઓ સાથે જતાં. પણ દીપ તો ઘણી વાર વેસ્ટર્ન ક્લાસિક્લ મ્યુઝિક સાંભળવા જાય છે ત્યારે વાસવી ઘેર હોય છે, અને વાસવી હાઈકર્સ ક્લબના સભ્યો સાથે પહાડ ચડવા જાય છે ત્યારે દીપ તેની સાથે નથી હોતો. પહેલાં પહેલાં તો પુષ્પાને મનમાં શંકા થયેલી કે તેઓ શું એકબીજાને ઊંડાણથી ચાહતાં નહિ હોય? પણ તે જોતી કે બન્ને સાથે હોય ત્યારે તેમનાં નાનાં બાલિશ તોફાનોમાં પ્રેમની પ્રસન્નતાનો એક ધોધ ફૂટી પડતો. પછી પુષ્પા સમજી હતી કે દાંપત્યજીવનના પોતાના ખ્યાલ કરતાં જુદા ખ્યાલો દુનિયામાં હોય છે, પોતાની જીવનરીતિ કરતાં જુદી જીવનરીતિ હોય છે, પોતાના આનંદ કરતાં જુદા પ્રકારનો આનંદ હોય છે.

ઘણી વાર તે દીપ ને વાસવીના ખંડ પાસેથી પસાર થતાં તેમને સાંભળતી. વાસવી કહેતી : “દીપ, તું મને ખૂબ ગમે છે!”

દીપ કહેતો : “તું મને જરા પણ ગમતી નથી.” વાસવી બોલતી : “ઓ દીપ, તું તદ્દન મૂર્ખ છે.”

“મારા કરતાં તું વધારે.”

પછી આનંદના અસ્ફુટ અવાજો સંભળાતા. તેઓ એકબીજા સાથે કેવી રીતે લડતાં હશે ને એકબીજાને કેમ મનાવતાં હશે તેની કલ્પના તે કરી શકતી. તેને ગમતું. તેણે પોતે પણ તુચ્છ વસ્તુઓમાં રહેલા માધુર્યની પ્યાલી પીધી હતી, નાનાં નાનાં તોફાનો રુદન વચ્ચે અચાનક ફૂટી પડતું હાસ્ય, મનામણાં... હજારો વાર ઉચ્ચારાતું ને છતાં સદાયે તાજી આકર્ષતાથી ફોરતું વાક્ય : ‘તું મને બહુ વહાલી છે, ફૂલ!’

તોપણ દીપ-વાસવીની વાત જરા જુદી હતી. તેઓ વધારે ખુલ્લાં હતાં. બહાર આવતાં ત્યારે જાણે વંટોળથી ઘરને ભરી મૂકતાં. પોતાની સામે એકબીજાને નેહથી ન્હવડાવી રહેતાં, ને કદીક બે વચ્ચે ઝઘડો થાય ત્યારે વાસવી લાડથી પોતાને પૂછવા આવતી. પોતે આર્થિક રીતે સ્વાલંબી બની. હતી, પણ વાસવીમાં કશુંક વધારે હતું. તે આત્મનિર્ભર હતી. તે સ્વતંત્રપણે સંબંધ બાંધી શકતી. પોતે અનિલનાં કોઈ સગાં સાથે સ્વતંત્ર રીતે આત્મીયતાનો સંબંધ બાંધ્યો નહોતા, અનિલની મા તેને માટે માત્ર સાસુ બની રહી.

સાસુની યાદ ઘણી વાર આવે છે. દેહે દુર્બળ, સદાયે ખાંસતી રહેતી અત્યંત જર્જર વૃદ્ધ સ્ત્રી મોટા ભાગનો વખત પથારીમાં સૂઈ રહેતી. પહેલાં તો એકલી તેમના નાના ગામમાં રહેતી, પણ તબિયત બગડવા માંડી ત્યારે અનિલ તેને લઈ આવેલો. પુષ્પાને જરા પણ ગમેલું નહિ. વૃદ્ધ માંદા લોકો સહાનુભૂતિને પાત્ર છે, તેમ તેની બુદ્ધિ કહેતી, પણ તેને હંમેશાં પોતાને માથે લદાયેલી વધુ જવાબદારીનો ખ્યાલ આવતો. વૃદ્ધ ને બીમાર માણસ! સ્વભાવ કેવોય ચીડિયો થઈ ગયેલો. જમવામાં કેટલી આળપંપાળ! હવે મોકળી રીતે હરીફરી શકાય નહિ. રાતના અગિયાર વાગ્યે અચાનક તરંગ ઊઠે તો દરિયાકિનારે ફરવા જઈ શકાય નહિ. કાચુંકોરું ખાઈને ચલાવી લેવાય નહિ. સાસુને વળી ઉંમરેય કેટલાં વ્રતધરમ! એમને માટે જુદી રસોઈ બનાવવી પડે; કાંદા-લસણ ચાલે નહિ.

નાનકડા ઘરમાં મુખ્ય ખંડમાં સાસુની પથારી પાથરેલી રહે. ઉપર ઊપટી ગયેલા લીલા રંગની મેલી ચાદર. ઘરમાં પ્રવેશ કરતાં દર વેળા પુષ્પાને થતું : ‘આ કેટલું ખરાબ લાગે છે! દીવાલ પરના સુંદર ‘ડવ ગ્રે રંગ સાથે ગંદી ચાદરનો કેમે કરી મેળ મળતો નથી.’ તેને ઘર સજાવવું ગમતું, પણ સાસુની મેલી પથારી, નજીકમાં પડેલી દવાની શીશીઓ, થૂંકવાનો વાટકો બધું જોઈને તેનું મન કડવું થઈ જતું. તેની સખીઓ તેને બહાર જવા માટે બોલાવવા આવે ત્યારે કદીક કટાક્ષથી, તો ક્યારેક નિ:શ્વાસ નાખીને તે કહેતી : “શી રીતે આવું? આખો દિવસ નોકરીમાં ગયો, હવે બા પાસે બેસવું જોઈએ ને?”

તેનો તીવ્ર અણગમો અનિલ સમજતો, પણ તે કશું બોલતો નહિ. હવે ઘણી વાર સાંજે પુષ્પાને પુસ્તક વાંચી સંભળાવવાને બદલે તે મા પાસે બેસતો, અલકમલકની વાતો કરતો, ને તેના અસંખ્ય કરચલી પડેલા સાવ સુક્કા લાકડા જેવા હાથ પર વહાલથી હાથ ફેરવતો. લાકડા જેવા હાથ કોઈક વાર કોમળ હશે. નાનકડા હાથોએ પાટીમાં કક્કો ઘૂંટ્યો હશે, ઢીંગલીનું ઘર સજાવ્યું હશે, યુવાન થયે કોઈક પુરુષને હ્રદયનો વિશ્વાસ અર્પ્યો હશે. મોટા થયેલા, ઘણું કામ કરતા, ભરાવદાર નરમ હાથોએ સ્નેહપૂર્વક રસોઈ બનાવી પતિને જમાડી હશે, પતિ અસ્વસ્થ હોય ત્યારે તેણે એના કપાળ પર, વાળમાં આંગળાં ફેરવ્યાં હશે, તે વખતે એમાંથી અસીમ સ્નેહ ટપક્યો હશે. પોતાનાં બાળકોને હાથમાં લેતી ને હું - લાવતી વખતે તે હાથ માખણ જેવા સ્નિગ્ધ રહ્યા હશે. પણ હવે હાથ બરછટ, શક્તિહીન, કાળા પડી ગયેલા છે. પુષ્પાને શું હાથના ઇતિહાસની ખબર હતી? તે તો એટલું જાણતી કે “માના હાથ ધ્રૂજ્યા કરે છે. વાસણ બરોબર પકડી શકતા નથી. આજે કાચનો વાટકો તેમના હાથમાંથી પડીને કૂટી ગયો.”

અનિલ પુષ્પાને કશું કહેતો નહિ. એનામાં કોઈ દિવસ કોઈને ઠપકો આપવાની વૃત્તિ નહોતી. માત્ર એક વાર તેણે પુષ્પાને કહેલું : “આપણે એમ માનીએ છીએ કે સ્વતંત્ર રીતે હરીફરી શકવું, મિત્રો સાથે મોજમજામાં ભાગ લેવા, મનમાં ઇચ્છા ઊઠે તે પ્રમાણે કરવું - તે આપણી સમૃદ્ધિ છે. પણ જેઓ દુ:ખી, ઉપેક્ષિત, નિરાધાર છે, તેમના પ્રત્યે હૃદયમાં સ્નેહ ને અનુકંપા હોવાં આપણી વધારે સાચી સમૃદ્ધિ છે.” પુષ્પા સમજતી, પણ તેનાથી તેની અણગમાની લાગણી પર કાબૂ મેળવી શકાતો નહિ. સાસુનો શા માટે, નાનકડા દીપનોયે તેને બોજ લાગતો. માતૃત્વને આટલું બધું ગૌરવ કેમ અર્પવામાં આવ્યું હશે, તેને તેની નવાઈ લાગતી. માતા બનવામાં પોતાની ભૂલ થઈ છે તેમ લાગતું. તેના હૃદયને બીજા પ્રકારની તૃપ્તિ જોઈતી હતી. નિર્બંધ રીતે દેશદેશાવર ઘૂમવાની ઝંખના તેનું રોમેરોમ તલસતું એકાંત, મુક્તિ, નીરવતા માટે તેનું મન ઝંખ્યા કરતું. નાના દીપની ચીસો ને રુદનથી તે અતિશય અકળાઈ જતી.

પછી એકદમ પરિવર્તન આવ્યું તેના પર એક વજ્રાઘાત થયો.

શનિવારે અડધો દિવસ કામ કરી તે ઘેર આવી ગઈ હતી ને અનિલની રાહ જોતી હતી. તેઓ બન્ને એક ફિલ્મ જોવા જવાનાં હતાં. તેમને જતાં જોઈને દીપ રડે નહિ તે સારુ થઈને, તે એને પડોશીને ઘેર મૂકી આવી હતી.

અનિલ બે વાગ્યે આવવાનું કહી ગયો હતો, પણ ચાર વાગ્યા સુધી આવ્યો નહિ. પુષ્પાનું મન વ્યગ્ર થઈ ઊઠ્યું. તેણે મન પરોવવા એક પુસ્તક હાથમાં લીધું.

તે વખતે અનિલના એક મિત્રે આવીને કહ્યું : “અનિલને અકસ્માત થયો છે. એક મિત્રની સાથે સ્કૂટર પર આવતો હતો. ને ઝડપથી વળાંક વળવા જતાં સ્કૂટર ઊથલી પડ્યું.”

પુષ્પાનું હૃદય જાણે ધડકતું અટકી ગયું. “અસ્માત? અનિલને? પણ તેને બહુ તો નહિ વાગ્યું હોય. નથી વાગ્યું ને?” તેણે પૂછ્યું.

એના મિત્રે ડોકું ધુણાવ્યું : “ના ના, ખોટું બોલવાનો કાંઈ અર્થ નથી. અનિલ મૃત્યુ પામ્યો છે.”

જે દુર્ભાગ્ય માટે પુષ્પા જરાય તૈયાર નહોતી, તે તેના પર અચાનક તૂટી પડ્યું હતું. દિવસો ને રાતો અંતહીન રૂદનમાં એકાકાર બની ગયાં. આકાશમાંથી બધા તારા જાણે એકસાથે આથમી ગયા.

અનિલનો મૃતદેહ ઘેર આવ્યો ત્યારે માની શકી નહોતી કે સેંકડો વાર જેણે પોતાના હળવા-શા સ્પર્શનો પણ સજીવ પ્રત્યુત્તર વાળ્યો હતો તેનું આજે, ગાઢપણે વળગી પડવા છતાં, રોમ સુધ્ધાં નહિ ફરકે.

‘એવું શી રીતે બને? એવું બને શી રીતે?’ દિવસો સુધી તેણે પ્રશ્ન નિયતિને પૂછ્યા કર્યો હતો.

અનિલના મૃત્યુ પછી એક મહિને તેની મા પણ મૃત્યુ પામી, ત્યારે પુષ્પા વળી વધુ એકલવાઈ બની ગઈ. અને ત્યારે તેને ખ્યાલ આવ્યો કે પોતે જેને હાડચામનું માળખું કહીને અવગણતી હતી. તેની હાજરીમાં પણ એક પ્રકારનું આશ્વાસન રહેલું હતું.

હવે દીવાનખંડની દીવાલોના સુંદર રંગની પડેછે ગંદી લાગતી, ઊપટી ગયેલા લીલા રંગની ચાદરવાળી પથારી નહોતી. વાતાવરણને ભરી દેતો ખોંખોંનો અવાજ નહોતો. દવાની બાટલીઓ અને થૂંકવાનો વાટકો નહોતાં. કશું બંધન હવે તેને નહોતું. તે ઠીક લાગે ત્યાં ફરી શકે, મન પડે તે પ્રવૃત્તિ કરી શકે, દૂર સુધી પ્રવાસે જઈ શકે, ઇચ્છે તેટલાં પુસ્તકો વાંચી શકે. હવે બધી સ્વતંત્રતા હતી.

પણ હવે તેને કશું કરવાનું મન થતું નહિ. અનિલના પ્રેમની યાદમાં તે જીવ્યા કરતી. તેણે દીપને મોટો કરવા પાછળ પોતાનું સર્વસ્વ રેડી દીધું. આધારે તેને કદાચ તેને સમજાવ્યું હતું કે પોતે જેને સ્વતંત્રતા માનતી હતી તેના કરતાં બીજી એક વસ્તુ ઘણી મોટી હતી - અને તે સ્નેહ; જેને ચાહતાં હોઈએ તેમની હયાતીની એક હૂંફ. તે હવે વસ્તુ સમજી હતી પણ સમજણ પ્રાપ્ત કરવા તેને ઘણો મોટો ભોગ આપવો હતો. તે હવે પ્રૌઢ થઈ હતી. યુવાસ્થાનાં ઉદ્દામ આંદોલનો અનુભવતું તેનું હૃદય શાંત અને આવેગરહિત બન્યું હતું. દુ:ખના તીવ્રતમ ઝાટકાઓ હવે શમી ગયા હતા. જીવન વિષે તેને એક ઊંડી સમજ મળી હતી. તેણે જાણ્યું હતું કે દેહ તો જીવનની એક અભિવ્યક્તિ છે, અને બધા સંજોગોમાં શ્રેષ્ઠ રીતે જીવવું તે જીવનનો સાચો અર્થ છે. લોકો દુ:ખી થાય છે, કારણ કે જુદી જુદી દિશાએથી તેઓ એક કેન્દ્રો ભણી દોડે છે - આત્મસંતોષના કેન્દ્ર ભણી. કેન્દ્રમાંથી જો બહાર નીકળી શકાય, સ્નેહ વડે પોતાનો વિસ્તાર કરી શકાય, તો જીવન એકાકી બની રહે.

રાતોની રાત જાગીને તે આકાશ સામે જોઈ રહેતી. સપ્ટેમ્બર મહિનામાં સાંજ આથમતાં પશ્ચિમના આકાશમાં જે તારો સહુથી વધુ ઝળકી ઊઠે છે તે સ્વાતિનો તારો છે. તેણે ને અનિલે તારાઓ ઘણી વાર સાથે જોયા હતા. લગ્ન પછી શરૂના દિવસોમાં તેઓ રૂમની બત્તી બુઝાવી મોડે સુધી જાગીને વાતો કર્યા કરતાં અને તારાઓથી ખીચોખીચ ભરેલું સુંદર આકાશ અંધારા ખંડમાં ઊતરી આવતું, ત્યારે પોતે સ્વર્ગમાં છે એમ લાગતું.

હવે તારાઓ હતા, અને આકાશ પણ હતું, પણ પોતાના જીવનનો એક અધ્યાય પૂરો થયો હતો. છતાં બીજા સ્વરૂપે - દીપ અને વાસવીના સ્વરૂપે - જીવન ચાલુ રહેશે. તે જોઈ શકતી હતી કે વાસવી પોતાના કરતાં વધારે સારી હતી. પોતે અનિલની મા માટે અણગમો સેવ્યો હતો, પણ વાસવી પોતાનો એવો અનાદર નહિ કરે.

આમ થવું જોઈએ. જીવન ચાલુ રહેવું જોઈએ - વધારે સારા રૂપે ચાલુ રહેવું જોઈએ. અચાનક તેને માતૃત્વના ગૌરવનો અર્થ સમજાયો. માત્ર માના બાળક માટેના નિ:સ્વાર્થ કહેવાતા સ્નેહનું ગૌરવ નહોતું. પોતાના કરતાં વધુ સારા જીવનના સર્જન માટેના પ્રયત્નનું ગૌરવ હતું.

હવે કોઈ પણ દિવસે દીપ ને વાસવી આવીને કહેશે : “મકાન મળી ગયું છે, મોટું છે, આપણે તેમાં રહેવા જઈશું ને?”

ના, જૂના લોકોએ નવા લોકોના જીવન પર બોજ નહિ નાખવો જોઈએ, માત્ર વાત્સલ્યની છાયા પાથરવી જોઈએ. કોઈક દિવસ પોતાની સ્થિતિ પોતાની સાસુના જેવી કદાચ થશે. હાથ નિર્જીવ અને લાકડા જેવા સખ્ત બની જશે. આંગળાં કદાચ આખો વખત ધ્રૂજ્યા કરશે. એક ક્ષણ પુષ્પા કંપી ગઈ. પછી તે હસી. તેની સાસુ કરતાં તેનામાં વધારે સ્વસ્થતા હતી, એકલાં ને આનંદથી કેમ રહી શકાય તે તેને આવડ્યું હતું.

પોતાના કરતાં વાસવીમાં વધુ માનવભાવ છે. બુઢ્ઢાં બીમાર લોકો સાથે કેમ સહજ સ્નેહભાવથી રહી શકવું તે જાણે છે.

વળી વળીને તે વાત પર પહોંચતી હતી. દરેક પેઢીએ જીવન વધુ ને વધુ સુંદર બનતું જવું જોઈએ. માનવજાતની દિશા છે, એની ગતિ છે. વિશ્વ-આત્માનો નિગૂઢ સત્ય સંકલ્પ જાગૃત થાઓ, ક્રિયાવાન થાઓ, પૂર્ણ થાઓ.

ગાઢ દુ:ખ વેઠીને તે સમજ પર પહોંચી હતી. દીપ અને વાસવી તેમના સહજ ઉલ્લાસમાં સમજને પામે - એથી વધુ હવે પુષ્પાને કશી ઇચ્છા નથી.

સ્રોત

  • પુસ્તક : વધુ ને વધુ સુંદર (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સર્જક : કુન્દનિકા કાપડિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013