Vaayak - Short Stories | RekhtaGujarati

એકતારો હાથમાં લઈને રૂપાંદે પડસાળમાં આવી ઊભાં. બહાર જોયું તો આકાશમાં કાળાં ડિબ્બાંગ વાદળ ઝળુંબી રહ્યાં હતાં. પવન જોરશોરથી ફૂંકાતો હતો. પસાયતા માંડીમાં બેઠા બેઠા ગપાટા મારતા હતા. આશ્રમના અગ્રભાગમાં વખડાના થડ સાથે ઘોડી બાંધેલી હતી. થોડી પગ ઊંચાનીચા કરી, ચામડી પર ચરચરાટી બોલાવી વરસાદના છાંટાથી બચવા પ્રયત્ન કરતી હતી. રૂપાંદેએ તે જોયું, થોડું હસવા જેવું કર્યુ. પણ ઉચાટ દિલને કોરી ખાતો હતો, એટલે ચિંતામાં પડી ગયાં : ‘હવે અમરગઢ કઈ રીતે પહોંચાશે ?’ સારંગદેવેય ના આવ્યા. સાંજ તો પડી જવા આવી છે. શું કરીશું ?

ગપાટા મારતા પસાયતાઓ ભણી જોવા લાગ્યાં. પસાયતાઓને તો જાણે કોઈની પડી નહોતી. તો રૂપાંદેના આદેશની રાહ જોઈને બેઠા હતા. રૂપાંદેના ઉંચાટની એમને શી પડી હોય ? રૂપાંદેની આંખો રસ્તા પર મંડાયેલી હતી. હમણાં જોરદાર વરસાદ વરસી પડશે, નદીનાળાં ઊભરાવા માંડશે, પછી ? પણ તો અમરગઢ તો જલદી પહોંચવું હતું, સારંગદેવની રાહ જોવાતી હતી, રૂપાંદેને થયું કે હવે સારંગદેવ ના પણ આવે. સીધેસીધા ગયા હોય કદાચ... થોડાં ખસ્યા. પછી પડસાળમાંથી ડોકું કાઢીને આકાશ સામે જોવા લાગ્યાં. એકાએક ચમકારા મારતી વીજળીની ચમક એમની આંખોમાં વાગી.

અમરગઢથી રામદેવપીરની અગિયારસના પાટનું વાયક હતું. ઘણા બધા સંતો ત્યાં જવાના હતા. બધા સંતોને મળવાની અને પાટ ઓધરતી વખતે ગુરુની ચરણરજ લેવાની રૂપાંદેને તાલાવેલી લાગી હતી. આમે ગુરુનાં દર્શન કર્યે ઝાઝો સમય વીતી ગયો હતો. તેથી ગુરુના મુખેથી સત્ વચનો સાંભળવાનો લ્હાવો લેવો હતો. ગુરુદેવના આશ્રમમાં બધા શિષ્યો ભેગા થાય, અગમનિગમની વાણી કરે, આત્મા-પરમાત્માનાં ગૂઢ-રહસ્યો ખોલી આપે, અપરિચિત તત્ત્વોની શોધ કરવા સામસામા વિવાદો થાય - બધું રૂપાંદેને માણવું હતું એટલે તો અમરગઢ જલ્દી જવા માટે ઉતાવળ કરતાં હતાં.

એમણે પસાયતાઓ ભણી હાથ લાંબો કરીને ઊભા થવા ઈશારો કર્યો. પસાયતાઓ ઊભા થઈને પડસાળ તરફ આવવા લાગ્યા. રૂપાંદેએ એકતારો સહેજ સરખી રીતે પકડીને નજીક આવેલા પસાયતાઓની મોખરે ચાલતા જુવાન પસાયતા દૂધાજીને કહ્યું :

‘સારંગદેવ તો ના આવ્યા !'

‘તો કેમ કરીશું બા ?'

‘ગયા વિના ચાલે એવું નથી, ને સાંજ તો પડવા આવી.’

‘તો પ્રયાણ કરીએ માતાજી !'

સારંગદેવ આવ્યા તેથી રૂપાંદેનો જીવ સહેજ કોચવાયો હતો. ગુરુદેવના પટ્ટશિષ્ય હતા. રસ્તામાં એમની પાસેથી ઘણું જાણવા મળત. ‘કદાચ મારા નસીબમાં એમની વાણી સાંભળવાની નહિ લખી હોય !’ એમ બબડીને એમણે એકતારાના તાર પર હળવેથી આગળી ફેરવી લીધી. ઝડપભેર પડસાળમાંથી નીકળીને વખડાં નીચે આવ્યાં. થોડીવાર પહેલાં વરસેલાં ફોરાં વખડાનાં પાંદડાં પર બાઝેલાં હતાં, જે રૂપાંદેને મોતી જેવાં લાગ્યાં. બીજે બધે જમીન ભિંજાયેલી હતી. વખડાની નીચેનો ભાગ કોરોધાકોડ હતો. વખડાની નીચે રૂપાંદે આઘાંપાછાં થતાં હતાં. ફેંદાઈ ગયેલી ધૂળ પર એમનાં પગલાં ચોખ્ખાં તગતગતાં હતાં. પગ પર બાઝેલી ધૂળ જાણે ખંખેરતાં એમણે આકાશ તરફ જોયું. આકાશ જાણે હમણાં તૂટી પડશે તેવું રૂપાંદેને લાગ્યું.

દૂધાજી ઘોડી છોડીને એમની પાસે લઈ આવ્યો. રૂપાંદેએ દૂધાજીને એકતારો આપીને ઘોડી પલાણી. બીજો પસાયતો ઘોડી દોરીને ચાલવા લાગ્યો. ઘોડી હૈચક હૈચક ચાલવા લાગી. કોણ જાણે આજે રૂપાંદેને ઘોડી પર બેસવાનું ગમતું નહોતું. ખુલ્લા આકાશ નીચે નદીના પટમાં થઈને અમરગઢ ચાલતા જવાનો એમનો વિચાર હતો. પણ સારંગદેવની રાહ જોવામાં મોડું થયું, જેમ બને તેમ જલદી પહોંચવાનું હતું એટલે ઇચ્છા નહોતી તો ઘોડી પર બેઠા સિવાય છૂટકો નહોતો.

આશ્રમ હવે દેખાતો બંધ થયો હતો. જાળાં-ઝાંખરાં વચ્ચે થઈને પસાર થતી કેડી પર બધાં ચાલવા લાગ્યાં. નદીનાં કોતરો હવે દેખાવા શરૂ થયાં હતાં. તે કોતરોની વચ્ચે થઈ નદીના પટમાં જવાનું હતું. રૂપાંદેને થયું, ‘આકાશમાં વીજળીના ચમકારા થઈ રહ્યા છે, ને અંધારાના ઓળા તો અમને ઘેરીને ઊભા છે. કેમ કરીને અંતર કપાશે ?’ બીક જેવું નહોતું તો રૂપાંદે ભાવિ ભયથી ફફડી ઊઠ્યાં. એમને આશ્ચર્ય થતું : ‘મને કયો ભય સતાવે છે ? હું કોનાથી બીવું છું ? ના ના હું શું કામ કોઈથી બીવું ? જેને ડરવું હોય તે મારાથી ડરે !' એમણે મન મક્કમ કરીને ઘોડીને એડી મારી.

નદીના કોતરોમાં હવે ખાડાખૈયા જેવો રસ્તો શરૂ થયો હતો. દૂધાજી ઘોડીની નજીક આવીને બોલ્યો : ‘નદીના સામા કિનારે વરસાદ પડતો હોય તેવું લાગે છે બા ! રસ્તો સારો નથી.'

‘તો શું કરીશું ?’

‘ઘોડી પરથી હેઠા ઊતરવું પડશે.'

લગામ પકડીને ચાલતા પસાયતાના પગ અટકી ગયા. એણે ઘોડીના ગળા પર હાથ ફેરવીને ઘોડી ઊભી રાખી. દૂધાજીએ રૂપાંદેને ઊતરવામાં મદદ કરી. દૂધાજીના હસુ હસુ થઈ રહેલા હોઠની પરવા કર્યા વિના રૂપાંદેએ એની પાસેથી એકતારો લેવા માટે હાથ લાંબો કર્યો.

‘લાવો.’

‘ભલે મારી પાસે રહ્યો માતાજી !’

રૂપાંદે પૂંઠ ફેરવીને આગળ ઝડપથી ચાલવા લાગ્યાં. નદીના કિનારે કિનારે હવે ક્યાંક કયાંક વૃક્ષો દેખાતાં હતાં. રૂપાંદેને વાતાવરણ રળિયામણું લાગ્યું, મનમાં કશાકનું સ્મરણ કરવા લાગ્યાં. એમનાં ભગવાં વસ્ત્રો હવામાં ફરર ફરર ઊડતાં હતાં. પ્રકૃતિમાં એટલાં બધાં રમમાણ થઈ ગયાં હતાં કે વસ્ત્રો સરખાં કરવાનું પણ એમને સૂઝયું, રળિયામણા વાતાવરણમાં પોતાનું અસ્તિત્વ ભૂલવા માંડ્યાં હતાં. સડસડાટ પસાર થતાં વાદળ, નદીના સામા કિનારા પર દેખાતાં વૃક્ષો, નદીનાં કોતરો વગેરેમાં જાણે પોતાનો વાસ છે, ને પોતે માત્ર રૂપાંદે નહિ, પણ સૃષ્ટિનું એક રૂપ છે તેવું એમના મનમાં થઈ આવ્યું, એમની ખુશખુશાલ દ્રષ્ટિ નદીના પટમાં પથરાઈ. જે કેડી પર ચાલતાં હતાં તેનાથી સહેજ દૂર પાણીના વહેળા જેવું હતું. તેમાંથી પાણી ખળખળ વહ્યે જતું હતું. રૂપાંદેને પાણી પીવાની ઇચ્છા થઈ. પણ અંધારું માથા પર ચકરાવા લેતું હતું ને જે દિશામાં જવાનું હતું ત્યાં વરસાદી વાતાવરણ જામ્યું હતું એટલે ઝડપથી નદીનો પટ વટાવવા માટે એમણે પાણી પીવાની ઇચ્છાને દબાવી રાખી.

કેડી પર બધાં હારબંધ ચાલતાં હતાં. નદીના પટમાં તો શું વગડામાં ત્રણ પસાયતાઓ, એક ચેલો અને રૂપાંદે સિવાય ચકલું ફરકતું નહોતું, રૂપાંદેની નજર વારાફરતી પસાયતાઓ પર પડવા લાગી. બધા નદીનો પટ પાર કરવાની વેતરણમાં હતા. રૂપાંદેને ચાલતાં ઝોલો આવ્યો. એમણે પૂંઠ ફેરવીને પસાયતાઓ સામે જોયું : ‘આ બિચારા પસાયતાઓ બસ પોતાનામાં ખોવાયેલા છે. એમના દિલમાં કશો સ્વાર્થ નથી. મારો પડ્યો બોલ ઝીલવા ટાંપીને રાહ જોઈ રહ્યા છે. રાતનો સમય હતો તો મારી સાથે આવવા તૈયાર થઈ ગયા. હું તીસ વરસની બાલાજોગણ છું તો મારી આમાન્યા જાળવે છે બિચારા'. રૂપાંદેએ પાછળ નજર કરી. દૂધાજી એકતારો પકડીને એની ધૂનમાં ચાલતો હતો. એકાએક તાનમાં આવીને તો દૂહો લલકારી બેઠો. દૂહો વાતાવરણમાં ગાજવા લાગ્યો. ને તેનો મીઠોમધૂરો સૂર રૂપાંદેના કાન પર અથડાવા લાગ્યો. વાતાવરણ એવું શીતળ હતું કે દૂધાજીના દૂહાની રમઝટથી રૂપાંદે ડોલવા માંડ્યાં. ચારે દિશાઓમાં દૂધાજીના દૂકાના પડઘા પડવા લાગ્યા, ને રૂપાંદે એકાએક બોલી બેઠાં :

‘બંધ કરો હવે !’

બધા શિયાંવિયાં થઈને આઘાપાછા થવા લાગ્યા. વાંકગુનો તો કશો નહોતો, તો ‘બા' કેમ આમ કરી બેઠાં તેની દૂધાજીને નવાઈ લાગી. દૂધાજી રૂપાંદેથી ખાસ્સાં ડગલાં પાછો પડીને ચાલવા લાગ્યો.

નદીનો પટ વટાવીને બધાં સામે કિનારે પહોંચ્યાં. ખાસ્સો વરસાદ વરસી ગયો હોય તેવું લાગતું હતું. રસ્તામાં ઠેર ઠેર પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. કિનારેથી અમરગઢ જતા રસ્તા પર સાચવીને ચાલવા જેવું હતું, કિનારા પર પરખાયેલું મેઘતાંડવ હવે દૂરના જંગલ પર દેખાતું હતું.

રૂપાંદેને ઉચાટ થયો. અંધારું પૂર્ણપણે પથરાઈ ગયું હતું, હજીયે એકાદ જોજન જેટલું અંતર કાપવાનું બાકી હતું. રીતે મરતાં મરતાં ચાલવાથી કાંઈ અમરગઢ જવાતું હશે ? એમને પાટમાં જલદી પહોંચવાની ચિંતા હતી. ગુરુદેવનો સ્વભાવ જાણતા હતાં. કદાચ મોડા પડાય તો ગુરુદેવ ઠપકો પણ આપે. પણ સંજોગો ઊભા થયા છે તેને પહોંચી વળવું કેવી રીતે ? જલદી પહોંચવા માટે એમનું મન ઉછાળા મારવા લાગ્યું. ‘આ રસ્તો ક્યારે પૂરો થશે...’ એવી એમના મનમાં હતાશા ઊભરી આવી હતી. આગળ ચાલતા ચેલાને ઝડપથી ચાલવા માટે તેઓ કહેવા લાગ્યા. પણ ચેલો તો જાણે ગોથાં ખાતો હોય તેવું લાગ્યું. રૂપાંદેએ ઝડપ વધારી. સૌથી આગળ વધવા માટે મથવા લાગ્યાં. એકાએક પાછો પવન ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા શરૂ થયા ને વરસાદના છાંટા પડવા લાગ્યા. ચેલો ગભરાતો હતો. એનાં પગલાં પાછા પડતાં હતાં. ચેલાની સ્થિતિ પર રૂપાંદેને હસવું આવી ગયું.

‘થાકી ગયા કે શું ગંગારામ ? કે પછી... હું તમારી પાછળ છું. જોજો ગભરાતા !'

ચેલાને અંધારામાં અવનવા આકારો દેખાતા હતા પણ રૂપાંદેના શબ્દોથી એનામાં હિંમત આવી. ઝડપથી ચાલવા લાગ્યો.

અડધું અંતર કાપ્યું હશે ત્યાં એક પસાયતો ઘોડી લઈને આગળ આવ્યો.

‘બા, તમને થાક લાગ્યો હોય તો ઘોડી પર બેસી જાવ !’

‘ના, ના. હવે નથી બેસવું, ઊલટાનું મને તો ચાલવાની મજા આવે છે.’

‘નહિ બેસો તો પહોંચશો કેવી રીતે ? ચાલો, હું ઘોડીને દોરી લઉં છું.'

દૂધાજીએ એકતારો ચેલાને સોંપ્યો. ઘોડી ઊભી રાખી. રૂપાંદે ઘોડી પર ગોઠવાયાં. થોડીવાર બધા મૂંગામંતર થઈને ચાલ્યાં. ત્યાં વરસાદના ફોરાં તડાતડ પડવા લાગ્યાં. હવે આકાશમાં ગર્જના શરૂ થઈ હતી. હમણાં અનરાધાર વરસાદ તૂટી પડશે, ને બધું રસાતાળ થશે તેવું રૂપાંદેને લાગ્યું, બીજું બધું તો ઠીક પણ ઘોડી ભડકી જશે તો પતી ગયું ! રૂપાંદે મનોમન કશોક સંકલ્પ કરવા લાગ્યાં. પછી આકાશ સામે જોઈને એમણે બે હાથ જોડ્યા. કશોક મંત્ર ભણતા હોય તેવી મુખમુદ્રા કરીને મનમાં બોલી પડ્યાં : ‘હમણાં રોકાઈ જા બાપલા ! અમારે અમારા ગુરુદેવની ચરણરજ લેવી છે. અમે રહ્યાં નોધારાં, અમને વખા ના પાડો દેવ !' એમની આંખોનું તેજ આકાશમાં ચકરાવા લેવા લાગ્યું, ને જાણે ચમત્કાર થયો હોય તેમ ચમકારા મારતી વીજળી પશ્ચિમની ક્ષિતિજમાં અદૃશ્ય થઈ ગઈ. વાદળ નીચે ઢંકાયેલો ભાદરવા સુદ અગિયારસનો ચંદ્ર આકાશમાં ઊપસી આવ્યો. રૂપાંદે મનમાં આવ્યું તે ભજન ગણગણવા લાગ્યાં. ચંદ્રના પ્રકાશમાં રસ્તો ઝળાંહળાં થઈ ઊઠ્યો ને દૂધાજીએ ઘોડીની લગામ પકડીને દોડવા માંડ્યું જાણે ! રૂપાંદે ઘોડી પર ખધડૂક ખધડૂક કરતાં આનંદના હેલાળા લેવા માંડ્યાં. હવે બધું સમુંસૂતરું પાર પડશે તેવી રૂપાંદેને હૈયાધારણ બંધાણી.

ખાસ્સું અંતર કપાઈ ગયું હતું. સહુ સહુની રીતે આનંદમગ્ન અવસ્થામાં હતાં. રૂપાંદેની નજર સામે સંતો, ગુરુદેવ અને પાટ પર દેખા દેતાં હતા. જલ્દી પહોંચવા માટે તેનું મન તળેઉપર હતું ત્યાં એકાએક થોડે દૂર વૃક્ષોના ઝૂંડમાં કોઈ રાની પશુની ત્રાડ સંભળાઈ. ને ઘોડી હણહણાટી બોલાવતી થંભી ગઈ. પછી પગ ઊંચાનીચા કરીને ઠેકડા મારવા લાગી. દૂધાજી ઘોડીની લગામ ખેંચી રાખીને એને કાબૂમાં રાખવા મથતો હતો. પણ થોડી તો મોં આઘુંપાછું કરીને આગળ વધવા નારાજગી વ્યક્ત કરતી હતી. રૂપાંદે નિઃસહાય થઈને ઘોડીની પીઠ સરસાં ચોંટી ગયાં હતાં. ઝાડીમાં ખખડાટ વધી પડ્યો હતો. આવી વિકટ સ્થિતિમાં રૂપાંદેએ સૌથી આગળ ચાલતા પસાયતાને મુઠ્ઠીઓ વાળીને ભાગતા દીઠ્યો. હવે બધી જવાબદારી દૂધાજી પર આવી પડી હોય તેમ જીવ સટોસટ આવી ગયો હતો. એણે બળપૂર્વક ઘોડીની લગામ ખેંચી રાખીને રૂપાંદેને કહ્યું :

‘તમે કૂદી પડો બા !'

રૂપાંદે સતર્ક થઈ ગયાં. દૂધાજીએ હાક મારી એટલે પાછળ ઊભેલો પસાયતો અને ચેલો દોડીને એમને મદદ કરવા લાગ્યા.

પસાયતાએ હવે દૂધાજીના હાથમાંથી લગામ લઈ લીધી હતી. દૂધાજી ઘોડીની પીઠ પાસે આવ્યો. ઘોડીની પીઠ સરસાં ચોટેલાં રૂપાંદે હવે ઘોડીની ધમાલને લીધે પીઠ પરથી સરકવા લાગ્યાં હતાં. દૂધાજીએ રૂપાંદેની હાલત જોઈને પળનો વિચાર કર્યા વિના એમના આખેઆખા દેહને ઊંચકીને ભોંય પર મૂકી દીધો. રૂપાંદેને જાણે બ્રહ્માંડ ડોલતું દેખાયું, ચક્કરવક્કર ઘૂમવા લાગ્યાં. જાણે દૂધાજીએ એમના ખભા પર હાથ રાખીને એમને સ્થિર રાખી દીધાં.

દૂધાજીનો હાથ પોતાના ખભા પર મૂકાયેલો જોઈને રૂપાંદે પરસેવે રેબઝેબ થઈ ગયાં. દૂધાજીના હાથનો ભાર એમના અસ્તિત્વને જોખમમાં મૂકતો હતો. પેલા બે પસાયતા અને પેલો ચેલો દશ્ય જોઈને થોડીવાર ઊભા રહી ગયા. રૂપાંદેનો દેહ ભયથી થરથર કાંપવા લાગ્યો. ઘડીભર તો વિહ્વળ થઈ ઊઠ્યાં. શું કરવું એની સમજ પડતી નહોતી. ‘મારા ખભા પર એક પુરુષનો હાથ ?’ રૂપાંદે કાનની બૂટ પકડીને મનમાં કશાકનું સ્મરણ કરવા મંડી પડયાં. દૂધાજીને હાથ લેવાનું કહી શકતા નહોતાં ને દૂધાજી એમને સ્થિર રાખવા માટે ખભા પરથી હાથ લેતો નહોતો. ઘડીવારમાં તો જબરો તાલ રચાયો. એકાએક રૂપાંદેનું આખું શરીર ક્રોધથી ધ્રૂજવા લાગ્યું. આવેશમાં આવીને દૂધાજીને ધક્કો મારવા જતાં હતાં, ત્યાં દૂધાજીની અમીઝરતી આંખો જોઈને પળવાર મૂંઝાઈ ગયાં. એમની નજર દૂધાજીની નજર સાથે ભળી, ‘અહાહા, હું કેવું આચરણ કરી બેઠી...’ હાથ ધડકતી છાતી પર મૂકાઈ ગયો. દૂધાજી સાથે કરેલો દુર્વ્યવહાર દેહમાંથી દદડી રહ્યો હોય તેવું એમને લાગ્યું. બધાથી સહેજ દૂર ખસીને ચારેય દિશાઓ જોઈ વળ્યાં, ‘હું નોંધારી છું નહિ !' એવું મનમાં કશું ધસી આવ્યું, ને ભીતરમાં એમને સંદેહ જેવું કશુંક કળાયું, ને પોતે જાણે પોતાને ટોકવા લાગ્યાં. ‘ના, ના હું બહુ મોટી બાલાજોગણ થઈ ગઈ છું નહિ ?’ સ્થિર ઊભાં રહી ગયાં. ખભા પર થોડું રાહત જેવું લાગ્યું, રાનીપશુની ત્રાડ તો ક્યારની યે શમી ગઈ હતી. હળવેથી એમણે દૂધાજીનો હાથ ખભા પરથી ખસેડી લીધો. પછી એવું નિખાલસ હસ્યાં કે વાતાવરણ હળવું થઈ ગયું.

ઘોડીની ઊછળકૂદ ઓછી થઈ એટલે બધાં ચાલવા લાગ્યાં. મુઠ્ઠીઓ વાળીને ભાગેલો પસાયતો પણ બધાની સાથે જોડાઈ ગયો હતો. વખતે સૌથી પાછળ હતો ને સૌથી આગળ દૂધાજી એકતારો પકડીને ચાલતો હતો. તેની પીઠ તાકી રહેલાં રૂપાંદેનું મનઅંતર પાછું ગડમથલમાં પડી ગયું. એમણે હળવેથી ખભો પંપાળ્યો. એમના હૃદયમાં ક્રોધની એક ટશર ફૂટી. વખતે કશીય વાતચીત કર્યા વિના એમણે દૂધાજીના હાથમાંથી એકતારો આંચકી લેવા જેવું કર્યું.

દૂધાજી ઓશિયાળો થઈને રૂપાંદેની પાછળ ખસી ગયો. રૂપાંદેની આંખોમાં રહેલો ક્રોધ પારખી ગયો હતો. પાછળ ખસતાં ખસતાં એની નજર તો રૂપાંદે ભણી હતી. રૂપાંદેનો દેહ હજીયે ધ્રૂજી રહ્યો હતો. રૂપાંદે કેમ આટલી હદે ક્રોધિત થઈ ઊઠ્યાં છે, તેની દૂધાજીને સમજ પડતી નહોતી. વારેઘડીએ પોતાના પર ક્રોધિત નજર ફેંકતાં રૂપાંદેથી કઈ રીતે બચવું ? ઘોડીની આડશે સંતાવાનું કરતો હતો ત્યાં અમરગઢ ચંદ્રના પ્રકાશમાં દેખાયું, પોકાર પાડી ઊઠ્યો.

‘બા, બા ! અમરગઢ આવી ગયું.’

રૂપાંદેના પગ એકાએક અટકી ગયા. રાત એમની આસપાસ પથરાઈને પડી હતી ને એના પથરાટ પર રૂપાંદે હળવેથી પગલાં માંડતાં હતાં. એકાએક રૂપાંદેને ઉકળાટ થયો. વૃક્ષો પર દૃષ્ટિ નાંખી. પવન સાવ પડી ગયો હતો. એમના હૃદયમાં કશીક આળપંપાળ ચાલી. ચાલતાં ચાલતાં એમણે આકાશ સામે જોયું, આકાશમાં વાદળો ઘટાટોપ થઈને ઝળુંબી રહ્યાં હતાં. બધું બ્રહ્માંડ જાણે સ્થગિત થઈ ગયું હોય તેમ આકાશમાં કશી હલચલ વરતાતી નહોતી. બ્રહ્માંડ જાણે સાવ સૂનસૂનાકાર ! નભોમંડળ ભારેખમ થઈ ગયું હતું. એનો ભાર ઊંચકીને ચાલવું રૂપાંદે માટે અસહ્ય થઈ પડ્યું, આચરણ જાણે એમને ચટકા ભરવા લાગ્યું. ‘બા’ શબ્દ એમના અંતરમાં પડઘાવા લાગ્યો. દૂધાજી પર નજર ફેંકીને ઝડપથી ચાલવા લાગ્યાં.

આશ્રમનાં દ્વાર આગળ ઊભા રહીને રૂપાંદેએ ચોમેર દ્રષ્ટિ ફેંકી. આશ્રમમાં બધુ શાંત દેખાતું હતું. રૂપાંદેને આશ્ચર્ય થયું : ‘કેમ બધું સૂનકાર છે ? મારા અસ્તિત્વ આગળ મને કેમ બધું ધૂંધળું દેખાય છે ?’ હાંફળાંફાંફળાં આશ્રમના પ્રાંગણમાં પ્રવેશ્યાં. ફૂલોની સુગંધ આવતી હતી. અગિયારસના પાટનો ખંડ બરાબરનો સજાવ્યો હતો. ફૂલોની સુગંધ માણતાં માણતાં રૂપાદે તે ખંડ તરફ વળ્યાં. ખંડની બહાર કશા વિચારમાં જરા રોકાયાં. તે દરમિયાન તેમની સાથે આવેલા પસાયતાઓ વિશ્રામગૃહમાં જવાનું કરતા હતા. રૂપાંદેની નજર તે તરફ મંડાઈ. સ્હેજ ખચકાયાં ને પાટવાળા ખંડમાં જવા માટે પીઠ ફેરવવા ગયાં. એમને કશી શંકા પડી. એમણે જોયું તો દૂધાજી હસતો હસતો એમની પાછળ પાછળ આવતો હતો. રૂપાંદેના ચહેરા પર નફરત વ્યાપી ગઈ. જાણે દૂધાજીને ધૂત્કારતાં હોય તેવી ચેષ્ટા કરવા લાગ્યાં. પણ દૂધાજી પૂરા આવેગથી બાજુ આવતો હોય તેવું લાગતાં ઊભા રહી ગયાં. એમણે દૂરથી દેખાતા દૂધાજી સામે ધારી ધારીને જોયું, ‘અરે, તો ગંગારામ છે. હું ભ્રમણામાં ભળવા લાગી કે શું ?' ગાલ પર શરમના શેરડા પાડતાં, ખંડના દ્વાર ભણી વળ્યાં. રૂપાંદેને જોઈને દ્વારે ઊભેલા ગુરુદેવના આશ્રમના સેવકોએ રૂપાંદેને આવકાર્યાં. રૂપાંદે મોં હસતું રાખી સેવકોને આશીર્વાદ આપી દ્વાર ઓળંગી ખંડમાં પ્રવેશ્યાં. એક પછી એક ચાદરના પડદા વટાવતાં વટાવતાં એમનું અંતર નિર્મળ થતું જતું હતું. પાટ ઓધર્યો હતો ત્યાં પહોંચ્યાં, ત્યારે પાટમાં પધારેલા સંતો હારબંધ પાટલા પર બિરાજ્યા હતા. જેમની રાહ જોવામાં રૂપાંદેને મોડું થયેલું સારંગદેવ પણ પાટલા પર બેઠા હતા. રૂપાંદેએ એમની સામે જોયું, સારંગદેવે મોં હસતું રાખીને રૂપાંદેને સત્કાર્યાં. ગુરુદેવ આંખો બંધ કરીને બેઠા હતા. પાટની પ્રારંભની વિધિ ચાલતી હતી. રૂપાંદે ગુરુની ચરણરજ લઈને જરાય ખખડાટ કર્યા વિના એક પાટલા પર બેઠાં.

એકાએક ગુરુદેવ આંખો ખોલીને ખંડની ચારે દિશા જોઈ વળ્યા. એમની નજર રૂપાંદે પર સ્થિર થઈ. ગુરુની આંખોમાં રહેલો ઠપકો રૂપાંદે જીરવી શક્યા નહિ. સહેજ સંકોચાઈને ધ્યાનમગ્ન થયાં પણ ધ્યાનમાં મન પરોવાતું નહોતું. રહી રહીને એમનો હાથ ખભા પર જતો હતો. ગુરુદેવ મંત્ર ભણીને ક્રિયામાં રમમાણ થયા તે દરમિયાન રૂપાંદે જરા સ્વસ્થ થયાં. એમની દૃષ્ટિ ખંડની વચ્ચોવચ્ચ ગોઠવેલા પાટ ભણી હતી. નારિયેળની આજુબાજુ ગોઠવેલા ચાર દીવડાની જ્યોત આકાશને આંબવા મથતી હતી. તે જ્યોતની સાથે નજર બાંધીને રૂપાંદેએ સુરતા રાખી.

ગુરુદેવ આંખો ખોલીને ‘ૐ નમઃ શિવાય’ બોલ્યા. બધા સંતોની આંખો ખૂલી ગઈ હતી. ગુરુદેવે સારંગદેવ સામે દૃષ્ટિ ફેંકી. સારંગદેવ એકતારો સરખો કરી પાટલા પર સરખા ગોઠવાયા. એમણે એક પછી એક ભજન ગાઈને વાતાવરણ જીવંત બનાવી દીધું. સારંગદેવનાં ભજનો સાંભળતાં રૂપાંદે અંતરમાં ઊંડે ને ઊંડે ડોકિયું કરવા લાગ્યાં. સારંગદેવે પાંચેક ભજન પૂરાં કર્યા, ને ગુરુદેવ એકાએક બોલી ઊઠ્યા, કેમ પાટમાં પહેલીવાર આટલો બધો ઉકળાટ થયો છે?'

‘વરસાદ બંધ થઈ ગયો છે તેમાં…’ તબલચી બોલ્યો.

‘કેમ આમ થયું ? કોણે વરસાદ બાંધ્યો છે ?'

રૂપાંદે એકદમ ચમકી ગયાં. રસ્તામાં પોતાના સંકલ્પબળથી વરસાદ બંધ થઈ ગયેલો. ત્યારે પોતે કશું નહોતાં. દેહનું ભાન નહોતું, માત્ર સુરતા રાખેલી, વરસાદ તે વખતે બંધ થઈ ગયેલો. વખતે તો પોતે વાદળ ખસતાં પણ જોયેલાં. પવનનો સૂસવાટો આવ્યો હતો. બધું નિર્મળ નિર્મળ લાગતું હતું. હવે વાદળ ઝળુંબી રહ્યાં છે તો વરસાદ કેમ વરસતો નથી ? હવે વરસાદ ભરપુર વરસી પડે તો વાતાવરણ હળવું થાય નહિ, તો નક્કી કંઈ અનર્થ થશે.

રૂપાંદે પાટલા પર પલાંઠી વાળીને ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠાં, મનમાં બોલ્યાં : મારા વાલીડા, તેં અમારી પત રાખી છે. જો અમે તો સુખરૂપ પાટમાં પહોંચી ગયાં હવે તું છૂટો છે દેવ !’ એમણે આંખો ખોલી નાખી. ગુરુદેવ સામે જોઈને નીચું જોઈ ગયાં. ગુરુ એકાદ-બે પળમાં હોઠમાં મરકીને બોલ્યા :

‘રૂપાંદે તમે ભજન ગાવ !’

ગુરુદેવે જેવું ગાવાનું કહ્યું કે તરત રૂપાંદેના અંતરમાં આશ્ચર્ય છલાંગો ભરવા લાગ્યું. દસ દસ વરસથી પાટમાં જેમને વાયક મળતું હતું તેવા ઘણા સંતોને ગાવાનું હજી બાકી હતું, જ્યારે રૂપાંદે તો સાવ નવાંસવાં હતાં. એમને બે-ત્રણ વરસથી પાટમાં આવવાનું વાયક મળતું હતું. રૂપાંદેને પાટમાં ગાવાનો વારો ભાગ્યે આવતો. નકકી કરેલા સંતો અગમનિગમની સંતવાણી કરે પછી સમય મળે તો ગાતાં. જયારે વખતે તો ગુરુદેવે સામેથી ગાવાનો આદેશ કર્યો હતો. સારંગદેવ પછી તરત રીતે ગુરુદેવ પોતાને ગાવાનું કહેશે તેવી રૂપાંદેને કલ્પના પણ નહોતી. હવે ? ગુરુદેવનું વચન ઉથાપી શકાય. એમણે ઝડપથી એકતારો હાથમાં લીધો. એકતારાના તાર પર આંગળી ફેરવી. ગળું ખોંખાર્યું ને ભજન પૂર્વેની સાખી ગાવા જ્યાં મોં ખોલે છે ત્યાં એમના ખભા પર વેદના થઈ આવી. એમણે ખભો પસવાર્યો. ને એકતારાના તાર પર આંગળી ફેવરતાં હતપ્રભ થઈ ઊઠ્યાં.

ગુરુદેવે હાથ લાંબો કરીને એમને રોકી લીધાં.

‘કેમ એકતારો બેસૂરો વાગ્યો રૂપાંદે ?’

રૂપાંદે કશુંક છુપાવતાં હોય તેવું લાગ્યું. એકતારાના તારને સરખો કરવા રોકાયાં. પણ કશો ભલીવાર પડતો નહોતો. ઢીલો બાંધો તો અને કસકસીને બાંધે તોય, દરેક વખતે એકતારો એના મૂળ સ્વરની ચેષ્ટાઓ ભૂલી બેઠો હતો. ખંડમાં એકદમ બફારો થયો ને ગુરુદેવના લમણા પરથી પરસેવાના રેલા નીકળતા હતા. રૂપાંદે ભયવિહ્વળ થઈ ઊઠયાં, ‘કદી નહિ અને આજે મારા ગુરુદેવની દશા !' નિઃસહાય થઈને થોડીવાર બેસી રહ્યાં. પોતાના દેહની હાજરી સતત એમને પીડવા લાગી. ‘કેમ મારાથી અગોચર તત્ત્વો સાથેનું જોડાણ વેર-વિખેર થઈ ગયું છે ?' બબડીને એમણે સંતો પર દૃષ્ટિ ફેરવી. સંતો આકળવિકળ થઈ ઊઠ્યા હતા. બધાં જાણે ગરમીમાં નહાઈ રહ્યાં હતાં. ગુરુના ચહેરા પર બાઝેલા પરસેવાના બુંદ શિષ્યોના પ્રસ્વેદબિંદુ સાથે મળતાં આવતાં હતાં.

ગુરુદેવે એકદમ રૂપાંદેને કહ્યું :

એકતારો મેલી દ્યો રૂપાંદે !

વજ્રાઘાત, જબરજસ્ત વજ્રાઘાત હતો રૂપાંદે પર. એકતારો હેઠો મૂકતાં પહેલાં એકવાર મનમાં થઈ આવ્યું : ‘ના, ના હું ગાઈ દેખાડું !' પણ ગુરુદેવની કડક મુખમુદ્રા જોઈને એમણે એકતારો હેઠો મેલી દીધો. જાણે કશું દેહમાંથી ઊતરડી નાખવા માંગતા હોય તેમ દેહને વલૂરવા લાગ્યાં. એમ કરતાં કરતાં ઢીંચણ વાળીને અડધાં બેઠાં થઈ ગયાં. હવે આવેશમાં આવી ગયાં હતાં. હાથને ચક્કરવક્કર ફેરવી, સહેજ ઊંચો કરી ખભા પર જોરથી થાપટ મારતાં બબડ્યાં : ‘ખસી જા કહું છું ખસી જા !' રૂપાંદેએ આંખો બંધ કરી. નજર સામે વાદળાંથી ઝળુંબી રહેલું આકાશ દેખાયું, એક તસુભાર વાદળ ખસતાં નથી. બધે ઘોર અંધકાર વ્યાપી ગયો છે ‘આ વરસાદના બંધ કેવી રીતે છૂટે ?' રૂપાંદેના મનમાં પ્રશ્ન થયો ફરીવાર એમણે વરસાદને આવાહન આપ્યું, થયું કે હમણાં વરસાદ વરસી પડશે. એમણે કાન સરવા રાખીને બહાર વાદળોનો ગડગડાટ સાંભળવા જેટલી ધીરજ રાખી. પણ વ્યર્થ ! ઉકળાટ તો વધતો જતો હતો. એમણે આંખો ખોલી નાંખી. એમની નજર સીધી ગુરુદેવની આંખો સાથે મળી. ગુરુની આંખો વ્યથાપૂર્ણ હતી. ગુરુદેવ દાઢી પસવારવા લાગ્યા. એકાએક એમની આંખો લાલઘૂમ થવા માંડી. એમણે જોયું તો આજુબાજુ બાંધેલા ઝીણી ચાદરના પડદા દવાલની જેમ જડાઈ ગયેલા દીસ્યા. કોઈ નુગરા માણસની હસ્તી વરતાતી નહોતી તો ગુરુદેવે પાટમાં નજર દ્વારા તપાસ આદરી. પૂરી ખાતર કરી લીધા પછી ગુરુના ચહેરા પર સખ્તાઈ આવીને બેસી ગઈ. ગુરુદેવે રૂપાંદેને સાહજિકતાથી પ્રશ્ન કર્યો :

‘રૂપાંદે ! તમે રૂપાંદે છો કે બાલાજોગણ ?’

રૂપાંદે સ્થિર થઈ ગયાં. આંખો સામે એમના અસ્તિત્વના જુદા જુદા આકાર રચાવા લાગ્યા. મનમાં કશુંક ગોઠવાતું નહોતું. ગુરુદેવને ઉત્તર આપવા માટે અસમર્થ બની બેઠાં. ફાંફાં મારતા હોય તેમ ગુરુદેવની મદદ મેળવવા માટે ગુરુદેવ સામે હતાશ નજરે જોવા લાગ્યાં. પણ ગુરુદેવે તો આંખો મીંચી દીધી હતી. રૂપાંદે ધ્રૂજવા લાગ્યાં. પાટની જ્યોતની ચારે બાજુ ગોઠવાયેલા સંતો ભણી એમણે જોયું, સંતો અસહાય થઈને નીચું ઘાલી ગયા હતા, ત્યારે રૂપાંદેને પોતાની ઉપેક્ષા થતી લાગી. એમને જગતથી વિમુખ થવાનું મન થયું, આંખો પુનઃ બંધ કરી. જેમ જેમ એમણે જગતથી વિમુખ થવાનો પ્રયત્ન કર્યો તેમ તેમ એમના પર બાહ્ય આવરણો વધુ ને વધુ લદાવા લાગ્યાં નજર સામે દૂધાજી આવીને ઊભો ઊભો અટ્ટહાસ્ય કરતો હોય તેવું લાગ્યું. ઘડીભર તો થયું કે હથેળીમાં જળની અંજલિ લઈને મંત્ર ભણે. પણ જાણે બધી વિદ્યા ભૂલી બેઠાં હોય તેવું રૂપાંદેને થતું હતું, પોતાની હયાતી સિવાય એમને કશું દેખાતું નહોતું. દૂધાજીનો દેહ વિકરાળ રૂપ ધરીને એમની સામે ધસી રહ્યો હતો. રૂપાંદેના દેહમાં પાછો ફફડાટ વધવા લાગ્યો. એકતાન થઈ શકાતું નહોતું, ક્ષણે ક્ષણે એકાગ્રતા તૂટતી જતી હતી, ‘હું રૂપાંદે છું ?’ એવો એમના મનમાં પ્રશ્ન થયો. હૃદય ‘ના’ પાડતું હતું, ‘તો શુ હું બાલાજોગણ છું ?' વખતે રૂપાંદેનું હૃદય જોરશોરથી ધડકીને એમનો પ્રતિકાર કરી બેઠું. ‘આ પહેલી વખત એમને કયા ભવનાં પાપ નડી રહ્યાં છે ?' રૂપાંદે યાદ કરવા મથ્યાં ‘ના, મેં કદી ક્યાં મારા અહમ્ ને પંપાળ્યો છે ?' તે સાથે એમની આંખો ખૂલી ગઈ. ગુરુદેવ સામે જોયું. ગુરુદેવની આંખોમાં સહેજ આસ્થા જેવું દેખાયું. પાછી રૂપાંદેએ આંખો બંધ કરી. એકદમ નજીક ધસી આવેલા દૂધાજીના વિકરાળ દેહ સામે હાથ લાંબો કરીને રૂપાંદેએ પૂરા સંકલ્પબળથી એને સન્માન આપ્યું તે સાથે પાછી રૂપાંદેની આંખો ખૂલી ગઈ. પૂર્ણપણે ખૂલેલી તેમની આંખો સામે જોઈને દાઢી પસવારતાં ગુરુદેવ હસવા લાગ્યા. બહાર વાદળનો ગડગડાટ થયો. વીજળીના ચમકારા થયા. બારે મેઘ ખાંગા થઈને હમણાં પડશે તેવું વાતાવરણ રચાયું, ને પવનની એક ઠંડી લહેર, પાટની જ્યોતને થરકાવતી ગુરુદેવના પ્રસ્વેદબિન્દુ સાથે એકાકાર થવા મથતી હતી. તે જોઈને રૂપાંદે પોતાની જાતને પૂછી બેઠાં : ‘ઓહોહો, મારા સંકલ્પબળનો પ્રતાપ છે ?' એમના દિલમાં ઉમંગ ઝગારા મારવા લાગ્યો, ને ચહેરા પર ગર્વ દોટમદોટ કરવા લાગ્યો. એમણે ગુરુદેવ સામે જોયું, ગુરુદેવ તો હજીયે મરક મરક હસી રહ્યા હતા. ગુરુદેવને ડોલાવી દેવાના ઈરાદા સહ એમણે એકતારો હાથમાં લીધો. તાર પર આંગળી અડાડીને જ્યાં એકતાન થવા ગયાં ત્યાં તારના કટકેકટકા થઈને એમની આજુબાજુ વેરાઈ ગયા.

સ્રોત

  • પુસ્તક : ઉજાણી (પૃષ્ઠ ક્રમાંક 190)
  • સંપાદક : સુમન શાહ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2004