Vaav - Short Stories | RekhtaGujarati

“ધૂબાંગ્ગ્... કરતો એક અવાજ વાવમાંથી સંભળાય. દર વખતની જેમ જ. કોણ ગયું? કોઈ ઘરચોળું? કોઈ બાંધણી? કોઈ લેરિયું? કોઈ કાપડું? કોઈ દુપટ્ટો? ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત.... દર વખતની જેમ જ. કોણ ગયું? કણબીના ફળિયામાંથી.... પરમારોની પછીતેથી... ભરવાડોના નેસમાંથી... દરબારોની ડેલીએથી... વાણિયાની મેડીએથી... રબારીઓની ખડકીએથી એક હિબકુ, ધ્રાસકો ને પરબારી દોટ સીધી વાવમાં. ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ. પ્રાગડવાહે ધૂબકો આખા ગામમાં સંભળાય. પછી વાશીદા ટાણે આખો ધૂબકો બકડિયામાં ભરાઈ જાય અને ઉકરડે ઠલવાઈ જાય, તપેલીમાં તળિયે બળીને ચોંટી ગયેલી ચાની ભૂકીની જેમ કાંકરા ભેગો ઘસાઈને આખો ધૂબકો કદડામાં નીકળી જાય, નદીયે શીપર ઉપર ધબાધબ ધોકાથી ધોકાવાતા લૂગડાના ડોળ ભેગો નીતરી જાય ધૂબકો, ધૂડખાણ્યે તગારામાં ભરેલી ધૂડ્યના ફોતરાં ભેગો ઊંડી જાય ધૂબકો. પણ તોય ધૂબકો કેટલાય દિવસ સુધી ગામની બાયુંના મૂંગાપણામાં સંભળાતો રહે. વાવમાં આવી પડેલા ધૂબકાથી પાણી ઉપર વળેલ ફીણ દિવસો સુધી ગામની બાયુના મોઢા પર વળતા રહે. વાવમાં ધૂબકા પછીના બુડબુડિયાનો મૂંઝારો ગામની બાયુની આંખ્યુંમાં ગોરંભાયા કરે. ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ. પણ હવે ધીરે ધીરે આખી વાત નયણ્યા કોઠે ચા પીતા હોય એમ કોઠે પડી ગઈ હતી. હાલતા હાલતા ચપ્પલની પટ્ટી તુટી જાય અને ચપ્પલ ફેંકી દેવી પડે એટલી સામાન્ય. ચા કરતાં કરતાં મોરસ વધુ પડી જાય એટલી સામાન્ય. મમરી તળતી વખતે ગમ્મે એટલું ધારો તોય મમરીનો અમુક તમુક ભાગ દાઝી જાય એટલી સામાન્ય. કઢી કરતાં કરતાં મીઠા લીમડાના પાન નાંખવાનું ભૂલી જવાય એટલી સામાન્ય. જમતાં જમતાં જીભે બચકું ભરાઈ જાય એટલી હદે સામાન્ય. ધૂબકામાં જોકે ગામને મન ખાસ નવાઈ નોતી રહી. પણ તોય ડંકીએ પાણી ભરવા આવેલા બે બેડા અંદરોઅંદર મૂંગા મૂંગા ઓઈલીંગ કર્યા વિનાની ડંકીના ધન્ગધબ્બ્બ્ ધન્ગ્ ધન્ગધબ્બ્ ધન્ગ્ અવાજની વચ્ચેય ધુબકાની વાત કરીને કાંઠેથી થોડા છલકાઈ જાય. વાડીયે કપાસમાં ચાલતી દાતરડિયોય પોરો ખાઈને પરસેવા હારે ધૂબકાના નામનું નાહી નાખે. નદીએ એકબીજાના લૂંગડા ધોવાનો સાબુ માગવા લાંબા થયેલા હાથમાંથી સાબુની ગોટી ભેગો લપસી જતો ધૂબકો. ચાર રસ્તે ભેગા થઈ ગયેલા બે લેરિયામાંય થોડો ભીનો થઈ જતો ધૂબકો. ધુબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ.

મંજુને સમજાતું નહોતું કે વાવમાં એવું તો શું દાટ્યું છે કે બધ્યું ધોડી ધોડીને ન્યાં પોગે છે? એણે જોયેલું કે બા હારે વાડીયેથી રજકાનો ભારો લઈ ઘરે આવતી હોય ત્યારે જે જે બાયું રસ્તે મળતી બાયુંને બા વાતવાતમાં એમ પૂછે કે,

“બીજું તો બધું ઠીક મારી બેન, પણ છે તો તું મજામાને? અને જવાબમાં નર્યા હિબકાં ને દિવસો પછી હિબકાંનો વાવમાં ધૂબકો.

એક દિવસ બપોરે ટાણે બાબરની બાવલી હારે ડેલીએ બેઠી બેઠી સાસુ-થેલીમાં ભરત ભરતાં ભરતાં મંજુએ પૂછેલું કે,

“હેં બાવલી, વાવમાં હું હશે?

“સાવ ગાંડુ ખાતું છે મંજુ તારું તો. વાવમાં તો પાણી હોય ને. બાવલીએ 'મૈયરમાં મનડું નથી લાગતું' અક્ષરનો છેલ્લો દોરો દાંતથી તોડ્યો અને ઓશીકાનું ભરત સંકેલતા જવાબ દીધો.

“હા, હવે ગિલિન્ડર, તો ખબર છે પણ બીજું શું હશે એમ?” મંજુ સોયમાં દોરો પોરવતાં બોલેલી. બે ઘડી બાવલી મૂંઝાણી પણ જવાબ સૂઝ્યો એટલે કે,

“તું તો બાપા આવી સાવ ધડમાથા વગર્યની વાત્યું કરતી હોય છે. નિશાળે ભણતર પૂરું થયું કેડ્યે તો તારું સહકી ગ્યું.

મંજુથી દોરો સોયમાં પરોવાતો નહોતો એટલે ધૂંધવાણી,

“માય જા નીસમારીની. કવ છું કાંક હોવું તો જોવે જ, નકર બધ્યું ધોડી ધોડીને ન્યાં હું લેવા પોગી જાત્યું હશે? બધ્યુંના વાંધાના ઉકેલ વાવની માલીપાથી મળે?

મૂળે તો વાવ ગામની ભાગોળે આવેલી. આમ તો વર્ષોથી બંધ, એમાં પાણી છે કે કેમ પણ જોવા કોઈ જતું નથી. સહુને લાગ્યું કે આમ તો વાવનો કોઈ ઉપયોગ છે નહીં એટલે હવે એને પૂરી દ્યો. પણ પછી કોઈકે ના પાડી કે માલીપા જે જે જીવ હશે બધાને મૂંઝારો થશે તો પાછું ગામનું આવી બનશે. મંજુને થતું કે જો મુઝારો થાય છે તો બાયું શું કામ વાવમાં પડતી હશે? છેવટે ગામે એવું નક્કી કર્યું કે વાવને પૂરીએ નહીં તો કાંઈ નહીં પણ ફરતી ફરતી છાતી સમાણી ભીંત ચણી લઈએ. પછી તોય ગામમાં સત્યનારાયણની કથા કરી ગૌ મુત્ર છાંટીને વાવ ફરતે ભીંત ચણી લીધી. પણ તોય જાનારાના બાવડા કોઈ કેટણીઘણી ઝાલી રાખે? નસીબને તો કાંઈ નાડા બાંધીને ખેંચી શકાય નહી. ગામની વહુવારુ વાવ ફરતે છાતી સમાણી બનાવેલી ભીંત પર ચડીનેય ધુબકો લગાવી આવે. પછી તો ગામમાં એવી વાતું થઈ કે વાવ ભોગ માગે છે. વાવની આજુબાજુ આવળ, બાવળ, બોરડી, દેશી બાવળ અને ડાંડલા થોર ઉગેલા. ગામનું વેંત જેવડું છોકરુંય વાવ બાજુ ફરકે નહીં. નદીના કાંઠે વાવ અને સામાકાંઠે વડસાવિત્રીનો વડલો. વડલો પૂજવા આવે બધ્ધી છોકરીઓ વડલાને સૂતરના દોરાથી વીંટોળે ત્યારે વાવ સામે જોઈ રહે. મંજુને દિવસે દિવસે વાવમાં ડોકાવાની તલપ વધતી હાલી.

તે દિવસોમાં કુંટુંબની દિકરી સેજલ પગફેરો કરવા પિયર આવેલી. સેજલને બા નહોતી તો મંજુની બાને નાનપણથી બા જેવી ગણેલી. સેજલ ફળિયે બેહવા આવી ત્યારે મંજુ હરખાઈ ગયેલી. બા રસોડામાં ઘી ઉનું કરતી હતી. સેજલ સીધી ન્યાં બેસવા ગઈ. મંજુ પણ દોડીને ત્યાં પહોંચી ગઈ પછી ટી.વી.માંથી જોઈ જોઈને શીખી હોય એવા નખરા કરતી કરતી સેજુદીદી, જીજા કેમ છે? જીજા શું કરે? અમી તમારા લગનમાં એની હારે બોવ મસ્તી કરી'તી એવું બોલ્યા કરતી હતી. મંજુનું ધ્યાન ગયું પણ ગરમ થયેલા ઘી પર બાઝેલા કીટુંને સાંઠીકડાથી આઘું કરી ફૂંક મારતી બા સેજલની ડબડબ થતી આખ્યું દેખી ગયા. બાએ રસોડાની ગાર્યની પોપડી ખોતરતી સેજલને કીધું,

“સેજલી, તને સરખાઈ તો છે ને? રસોડામાં ચૂલાના તાપથી કાળી પડી ગયેલી ભીંતના ઉખડી ગયેલા પોપડાને સેજલ ઘડીક એકીટશે જોઈ રહી અને પછી હેઠું જોઈ ગઈ. બાએ બળતું લાકડું આધાપાછું કરીને ચૂલાનું અજવાળું થોડું ઓછું કર્યું. રસોડામાં ગલોપની ફરતે કાળી મેશ બાઝી ગઈ હતી એટલે બળી ગયેલો પ્રકાશ રસોડામાં ખૂણે ને ખાંચરે બધ્ધે ઢોળાઈ ગયો હતો. ગલોપની ફરતે જીવડાં ગોળ ગોળ ફરતા હતા અને એક ગરોળી ગલોપની પાછળ લપાઈને બેઠી બેઠી આંખો પટપટાવતી હતી. મંજુને ઘડીક તો એવું લાગ્યું જાણે એને એકલીને બધું દેખાય છે. અચાનક એણે હિબકાં જેવું કાંઈક સાંભળ્યું. મંજુએ જોયું તો સેજલ હિબકે ચડી હતી. બા સેજલની સામું એકધારુ જોઈ રહ્યા. સેજલે આસું લૂછીને પોતાની ઘાઘરી ઉંચી કરીને બાને સાથળ સુધીના પગ બતાવ્યા. મંજુએ જોયું કે સેજલની પીંડીઓમાં અને સાથળમાં ખૂબ સોજા ચડેલા હતા. બાએ ત્યાં હળવેથી હાથ મૂક્યો. મંજુ બધું સમજવા મથતી રહી.

“ના નથી પાડી હકતી? મંજુને બાનો અવાજ બોદો લાગ્યો.

“જનાવર જેવો છે કાકી તો.... હું તો એને કાંઈ કે'તા કાંઈ.... સેજલ એટલું માંડ બોલી શકી અને એનો અવાજ ચૂલાના લાકડામાંથી ફટ્ટ અવાજ આવે એમ ફાટી ગયો. તરત બાએ ચૂલામાં એક લાકડું વધારે નાખી તાપ વધાર્યો. બાજુમાં વાસણોમાંથી નાની વાટકી કાઢી એમાં ઘી ભર્યું અને હીંગના થોડા દાણા નાખી વાટકી ગરમ કરી. તાપમાં બાનું લાલચોળ મોઢું મંજુ જોતી રહી. મંજુને લાગ્યું કે ગરોળીએ ઝપટ મારીને જીવડું મોઢામાં લઈ લીધું, જીવડું ફફડાટ કરતું રહે છે અને ગલોપનું બળેલું અજવાળું સહેજ સહેજ હાલકડોલક થયા કરે છે. સેજલે સાડીના છેડાથી નાક લૂછ્યું અને બા સામે જોતા બોલી,

“કાકી, તમી માર કાકાને ક્યને માર સાસરિયે.... સેજલની વાત અડધેથી કાપતાં બા બોલી,

“આ ઘીમાં હીંગ ફૂટે પછી ઉતારી લેવાનું ને હળવા હાથે માલીશ કરીશ તો સોજો ઉતરી જાશે. પછી બાએ તરત ફુંક મારીને ચૂલાનું છેલ્લે વધેલું ઘટેલું અજવાળુંય ઓલવી નાખ્યું. મંજુ જેટલું પણ સમજી હતી એટલી વાતે પણ એનો જીવ ચુંથાતો હોવાનું એને લાગ્યું, એને થયું કે વાવમાં પડ્યા પછીય આવો જીવ ચુંથાતો હશે? તરત રસોડાની બહાર નીકળી ગઈ અને બાવલીના ઘર બાજુ ચાલતી થઈ. શેરીમાં નાકે પુરીમા બેઠા બેઠા માળા ફેરવતાં હતાં એણે નેઝવું કર્યું અને સાદ પાડ્યો,

“કોણ મંજુડી કે? લેને બટા, નળ આયવા છે..... મા પાણિયારું ભરી દેને માર પેટ.... આજ કેડ્ય બવ દુખેસ, નકર તો વાંકાં વાંકાય હું ભરી લવ.” પુરીમા વર્ષોથી એકલા રહે. મંજુએ મોઢું બગાડ્યું,

“હા માડી હા.... પણ આખ્ખું નહીં ભરું હોં? મારી સિરિયલ ચાલું થઈ જાહે બાવલીના ઘરે. મંજુએ ફટાફટ પાણિયારું ધોઈને ગોળો ભરી દીધો. પુરીમા બહાર ઓટલેથી આવીને ઓશરીની કોરે બેઠા પછી તુટી ગયેલા ચપ્પલની પટ્ટીને લીરાથી બાંધવા લાગ્યા. મંજુએ ઓશરીની લાઈટ ચાલુ કરી અને એની પાંહે બેઠી પછી ધીરેથી બોલી,

“હેં પુરીમા, ગામની વાવમાં તો હું હશે? ડોશીએ હળવા દાંત કાઢ્યા અને પછી બોખા મોઢામાંથી પડતી લાળને બજરિયા સાડલાના છેડાથી લૂંછી.

“વાવમાં તો હું હોય... એટલું બોલીને પુરીમાએ અંધારા સામે મોઢું ઉંચું કર્યું. મંજુએ જોયું કે પુરીમા નાકને આગળ પાછળ ડાબે જમણે મરોડી રહ્યા છે, ઘડીક તો એવું લાગ્યું કે પુરીમા વાવની લીલવાળી ભીંતો સુંઘી રહ્યા છે.

“....વાવમાં તો હું હોય.. ગંધાતુ પાણી... લીલ.... કદડો... કાંટાળા ડાંળખા ને અનગળ અંધારા.... એટલું બોલ્યાં ત્યાં પુરીમાનો શ્વાસ ચડી ગયો. ઓશરીમાં લાગેલા બલ્બના અજવાશમાં મંજુએ ધ્યાનથી પુરીમાનું મોઢું જોયું. એને લાગ્યું કે પુરીમાની આખ્યું વાવ જેટલી ઊંડી ઉતરી ગઈ છે, આખ્યુંમાં ગંધાતા પાણી તગતગતા દેખાણા, આખ્યુંના બેય છેડે લીલ જેવા શીપડા બાઝ્યા હતા અને ફિક્કાશ ભરેલી કીકીઓના ડાળખામાંથી અંધારું ઉલેચાયને આખ્યુંની બહાર નીતરી રહ્યું છે. સીધી ભાગી. પુરીમાની ખડકીની બહાર અંધારામાં સુતેલી કુતરીની પુંછડી પર ભૂલથી પગ દઈને બાવલીના ઘર તરફ ભાગી. કુતરીના કાવ્વ... કાવ્વ.... કાવ્વમાં મંજુને પુરીમાના વાક્યો સંભળાતા રહ્યા.

“.... વાવમાં તો હું હોય... ગંધાતુ પાણી... લીલ... કદડો... કાંટાળા ડાંળખા ને અનગળ અંધારા...

બાવલીના ઘેર બેસીને સિરિયલ જોવામાંય જીવ ચોંટ્યો અને રાત્રે લૂસલૂસ ખાઈને બા સાથે ખાટલે આડી પડી. રાત્રે બા સાથે સૂવે અને બા પણ મંજુ એની સાથે સૂવે એવો વધારે પડતો આગ્રહ રાખતી એવું મંજુને લાગ્યા કરતું. આકાશમાં કાળા વાદળાઓએ ઘેરો ઘાલ્યો હતો એટલે ક્યાંય તારોડિયાનો અજવાસ કળાતો નહોતો. રાત્રે નવેક વાગ્યાના સુમારે લાઈટ જતી રહી હતી. બાએ ઓશરીમાં બત્તી ચાલુ કરી પાણિયારે ટિંગાડી. સવારે બત્તી ચાર્જ કરવાનું બા ભૂલી ગઈ હશે એટલે બત્તીમાંથી ખૂબ ઓછું અજવાળું નીકળતું હતું. બત્તીના આછા અજવાળાનો ગોળ ચંદો પાણિયારે ઉખડી ગયેલી ચૂનાની પોપડીઓ પર પડતો હતો. મંજુ એકીટશે પાણિયારે બત્તીના આછા અજવાસના ચંદાને જોતી હતી. એને થયું કે અજવાસના ચંદામાં ઓગળતું અંધારું છે તો વાવ જેવું જ. બા વાસણ ધોઈને મંજુની બાજુમાં સુતી. ધીમો ધીમો વરસાદ શરૂ થયો. વચ્ચે વચ્ચે વીજળીનો ચમકારો થતો, મંજુ બાપુના મોબાઈલમાં ફોટા પાડતી વખતે ક્લીક કરે અને ઝબૂક લાઈટ થઈ ઓલવાઈ જાય એમ. પવન ફૂંકાતો હતો અને બત્તી પાણિયારે જ્યાં ટિંગાડી હતી ત્યાંથી હલ્યા કરતી હતી. બત્તી હલતી હતી એટલે આછું અજવાસ ભર્યું માંદલ ચાંદરણુંય હલ્યા કરતું હતું. મંજુને લાગ્યું કે જાણે વાવમાં બધું હિલોળે ચડ્યું છે. થોડીવાર મંજુએ આંખો બંધ રાખી અને બત્તીની સ્વીચ બંધ થવાનો અવાજ સંભળાયો. મંજુએ આંખ્યું ખોલી. અંધારામાં સરખું કશું દેખાતું નહોતું. અંધારામાં એક ઓળો બા પાસે આવ્યો. મંજુએ આંખ્યુંને થોડી ખોલી અને ઓળાને ઓળખવા મથતી રહી. ઓળામાંથી અવાજ આવ્યો

“અય.... કવ છું ઉભી થા હાલ્ય.

“હાશ.... સૂવા દ્યોને... આજ બવ થાકી ગઈ સવ.

“ઉભી થાને... કીધુંને તને એકવાર... મંજુને થયું કે વીજળીની ઝબૂક લાઈટ નો થાય તો પાડ માતાજીનો.

“ધીરેલી બોલો.. મંજુડી જાગી જાહે કવ સુ.

“હાલ્યને સાનીમાની.

“શરમ કરો હવે ઉંમરની કાંઈક મરજાદ.. છોકરાવય તે હવે તો મોટા... અંધારામાં એક ઝાપટ બાના ગાલ પર પડી.

“ઓયમાં મારી આંખ્ય... હાશ...

“મોડું નો કરતી. મંજુએ જોયું તો ઓળો અંદર ઓરડામાં જતો રહ્યો. થોડીવાર સુધી બા ખાટલામાં બેઠી રહી પછી મંજુ સામે ધારી ધારીને જોઈ રહી. મંજુએ જોશથી આંખો મીંચી રાખી. બાએ અંધારામાં આંસુ લૂંછ્યા. સાડીનો છેડો ખૂલો કરી વાળ છોડીને અંધારામાં અંદર ઓરડામાં ઓળા પાછળ ઓગળી ગઈ. મંજુની બંને હથોળીઓમાં પરસેવો વધવા લાગ્યો. એને લાગ્યું કે શ્વાસ લેવામાં એને તકલીફ પડી રહી છે. વરસાદ વધ્યો, વીજળીના અવાજો વધ્યા. ગોદડાને કસકસાવી મંજુ નેવેથી નીતરતા પાણીને વીજળીના અજવાસમાં જોતી રહી. થોડીવારે અંધારામાંથી ઓળો બહાર આવ્યો ડેલી બાજુના ઢોલિયે જતો રહ્યો. મંજુ બધું ઉકેલવા મથતી રહી. બત્તીની સ્વીચ ચાલુ થવાનોઅવાજ આવ્યો એટલે મંજુ સમજી ગઈ કે બા આવી ગઈ. બા સીધી મંજુના ખાટલે બેસી ગઈ. આખી હાંફતી હતી, પરસેવે રેબઝેબ. બાએ સાડલાથી પરસેવો લૂછ્યો. બાના હિબકા મંજુની છાતીમાં ઉગ્યા. ઘડીક તો મંજુને લાગ્યું કે બા પેલી ભમ્મર અંધારી વાવમાંથી નીતરીને બાર્ય આવી છે. રાતે મંજુને સપનુંય એવું આવ્યું કે વાવમાંથી કોઈ લાંબા ઢાળે ગીત ગાઈ રહ્યું છે અને ઝાંઝરનો અવાજ તાળીઓના ટપાકા સાથે આખા ગામમાં સંભળાય છે. ઝબકીને જાગી ગઈ અને જુવે તો સવાર પડી ગઈ હતી.

સવારમાં જાગીને વડસાવિત્રીના વ્રતની પૂજાથાળી તૈયાર કરવા લાગી. સવાર પડી ગઈ તોય વાતાવરણ સાંજ જેવું હતું. વાદળાઓએ આકાશ ઢાંકી રાખ્યું હતું. ધીમો ધીમો પવન વાઈ રહ્યો હતો. રાણી કલરના ચણિયાચોળી પહેરીને પૂજાની થાળી અને તાંબાનો લોટો લઈ બાવલી, આશલી, ગવરી અને હરસુડી સાથે વડલો પૂજવા ગઈ. આખી પૂજામાં મંજુ નદીના સામા કાંઠાની વાવને ધારી ધારીને જોયા કરતી હતી. પ્રવીણ મહારાજ છોકરીઓને વડપૂજા કરાવતા કરાવતા કહેતા હતા હવે અબીલ-ગુલાલ-કંકુથી વડદેવતાને વધાવો... બે હાથ જોડીને કૂળદેવીનું નામ બોલો... પછી વડદેવતાને પ્રાર્થના કરો કે હે વડદેવતા, અમે તનમનધનથી વ્રત કર્યા છે... જેમ તમે સાવિત્રીને ફળ્યા એમ અમનેય..... બાવલીને વહેમ પડ્યો કે મંજુનું ધ્યાન નથી. એણે જોયું તો મંજુ વાવ સામે જોયા કરતી હતી. બાવલીએ હડદોલો માર્યો,

“એય મંજુડી, આંય પૂજામાં ધ્યાન દેને બાપા... ન્યાં હું દાટી સે કે ટગર ટગર જોયા કરે સ. મંજુ જવાબ દીધા વિના થાળીમાં કમળકાકડી રમાડતી રહી. પૂજા પૂરી થઈ એટલે પ્રવિણ મહારાજ બોલ્યા,

“સોડિયું, બટા હટ ઘરે પોગજો.... મે અંધાર્યો છે. બધ્યું કલબલ કલબલ કરતી ઘર ભણી હાલતી થઈ. મંજુએ બાવલીને થાળી પકડાવી અને બોલી,

“બાવલી, તું ઘરે પોગ્ય, હું આવું હમણે મંજુને વાવ બાજુ જતા જોઈને આશલી બોલી,

“એલી અય મંજુ, આંય વાવ બાજુ નો બેસતી... થોડી આઘે જઈને બેસજે અને થૂંકીને બેસજે મંજુએ તો જાણે કશું સાંભળ્યું નથી, વાવ બાજુ ચાલતી રહી. બાવલીનો જીવ મૂંઝાણો,

“મંજુડી... બવ આઘી જા મા. ન્યાં હનુમાનદાદાનું નામ લઈન બેહી જા. થોડીવારે બાવલીને સમજાઈ ગયું કે મંજુ હળવીભારે થવા તો નથી જાતી. એની છાતીના ધબકારા વધી ગયા. મંજુ બાવળિયાના ડાળખા અને કાંટાને ઠેકતી આગળ વાવ બાજુ ચાલવા લાગી.

“મંજુડી પાછી વળ્ય.... તાર બાપુને કઈ દશ હો.... આમ જો મેહ ખરેખરનો અંધાર્યો છે. બાવલી પોતાની ચણિયાચોળી કાંટામાં ભરાઈ જાય એવું ધ્યાન રાખતી પોતાની અને મંજુની થાળી સંભાળતી ડરતી ડરતી મંજુ પાછળ આવી. ધીમે ધીમે છાંટા પડવાના ચાલુ થઈ ગયા. વાતાવરણમાં વરસાદનો ગડગડાટ વધ્યો. બાવલીએ મંજુ પાછળ દોડવાની ઝડપ વધારી

“મંજુ... મારી મા.... પાછી વળ્ય... મને બોવ બીક લાગે છે. એણે જોયું કે મંજુ વાવ પાસે પહોંચી ગઈ.

મંજુ વાવ પાસે પહોંચી ગઈ હતી. એણે જોયું તો છાતી સમાણી ભીંતમાં જ્યાં જ્યાં ટેકો લઈ બાયું વાવમાં પડી હશે બધા ટોસાઈ ગયેલા ભાગમાં પીપળા ઉગ્યા હતા. મંજુએ ટોસાયેલા ભાગ પર અંગુઠો ગોઠવ્યો અને ભીંત પર ચડી. બાવલીનો જીવ ઉંચો થઈ ગયો. મંજુએ ભીંતનો આધાર લીધો અને વાવ તરફ નમી. બાવલીએ રાડારોળ્ય મચાવી,

“એય મંજુડી.... ઉભી રે મારી મા... એય તું માલીપા પડી જાશ... તાર બાપુને કહી દઈશ... ધોડો... ધોડો... મંજુ વાવમાં જાય છે... મંજુનું અડધા ભાગ ઉપરનું શરીર વાવમાં નમેલું હતું. ધારી ધારીને વાવના અંધારાને જોવા લાગી. ઘડીક તો કાંઈ સરખું દેખાયું નહી. અચાનક મંજુને લાગ્યું કે કોઈ બાઈ વાવ બાજુ ધોડતી આવે છે... બાઈના ઝાંઝરનો અવાજ અને હિબકા મંજુના કાનમાં ઉભરાઈ ગયા. મંજુએ પાછળ ફરીને જોયું. મંજુને રાડો પાડતી બાવલી દેખાણી પણ સાચ્ચે ખૂબ ઝડપથી દોડી આવતી બાઈ દેખાણી. મંજુ ફાટી આંખે બાઈને ઓળખવા મથતી રહી. બાઈ કાંટામાં દોડતી હતી, હિબકાં ભરતી હતી, એનું મોઢું રાણી કલરના લેરિયાના ઘુમટામાં ઢંકાયેલું હતું. બંને હાથમાં કાચની લીલા રંગની બંગડીઓ હતી, બાઈના પગના જાડ્ડા ઝાંઝરનો અને એકબીજા સાથે અથડાતી બંગડીઓનો અવાજ વાદળાઓની ગડગડાટીમાંય મંજુને સંભળાતો હતો. એના લાંબા વાળ ઘુંમટામાંથી બહાર ડોકાઈ રહ્યા હતા. હાંફતી હાંફતી વાવ બાજુ દોડી આવતી હતી. વરસાદ એકદમથી વધી ગયો અને મોટા મોટા છાંટા પડવા લાગ્યા. બાઈ પોતાની તરફ દોડી આવતી હતી જોઈ મંજુએ વરસાદે ઉભા કરેલા અંધારામાં બાવલીને શોધી. ચહેરા પર વરસાદથી ભીંજાઈને ચોંટી ગયેલી લટને ખસેડી એણે બૂમ પણ પાડી,

“બાવલી, આમ જો કોઈ બાઈ ધોડી આવે છે.... બાજુ.. વાવ પાંહે જો... બાવલી બેબાકળી બનીને મંજુ જે દિશામાં હાથ ચીંધતી હતી દિશામાં જોવા લાગી પણ ત્યાં કશું દેખાતું નહોતું. વરસાદ એકદમથી ખૂબ વધી ગયો.. પવન ફૂંકાવવા લાગ્યો. બાવલીના ચણિયાચોળી બોરડીના ઝાળામાં ફસાઈ ગયા. ધૂંવાપૂંવા થઈ ગઈ.

“મંજુડી, હવે બોવ થ્યું હો.. વાવમાં જોઈ લીધું હોય તો આંય પાછી ગુડા... કભારજા, તું મારો જીવ લઈ લેવાની આજ તો.... હેઠી ઉતર કવ સવ.... બાવલીએ ફરી મંજુ જે દિશામાં આંગળી ચીંધતી હતી દિશામાં જોયું પણ કશું દેખાતું નહોતું, પણ તોય મંજુ ફરી ફરીને બાવલીને કહેતી હતી,

“જો જો બાવલી... કોઈ બાઈ દોડતી બાજુ આવે છે. મંજુને ક્યાંય બાવલી દેખાઈ નહીં. પેલી બાઈ એકદમ વાવની નજીક આવી ગઈ. એના હિબકાંનો અવાજ એકદમથી વધી ગયો. બાઈએ વાવની ભીંત પર પગ મૂક્યો અને વીજળીનો કડાકો થયો, વીજળીના ઝબકારામાં મંજુને બાઈનો ચહેરો દેખાયો. પવનની લહેરખી આવી અને બાઈનો ઘુમટો ઉડી ગયો. મંજુને એકદમથી ધ્રાસકો પડ્યો કે બાઈને તો હું ઓળખું છું... બાઈને ક્યાંક મેં તો જોઈ છે... હજુ વિચારીને કશું યાદ કરે પહેલા બાઈએ વાવમાં સીધો ભૂસકો લગાવ્યો. મંજુથી કાળી ચીસ નીકળી ગઈ. મંજુનો ચહેરો ફિક્કો પડી ગયો. ગળું રંધાઈ ગયું. એને કશું સંભળાતું નહોતું. બધું સુન્ન થઈ ગયું. વરસાદનો અવાજ... વીજળીના કડાકા.... વાદળાઓનો ગડગડાટ... બાવલીની ચીસો... બધું શાંત... એને માત્ર પોતાના ધબકાર સંભળાતા હતા.. મંજુએ વધારે નીચા નમીને વાવના તળિયે જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ... મોઢું આશ્ચર્યથી પહોળું થઈ ગયું...

....વાવમાં તળિયે ક્યાંય પાણી નહોતું, કોઈ લીલ નહોતી, કોઈ ડાળખા નહોતા, નર્યો અજવાસ વાવના તળિયે પથરાયેલો હતો. મંજુની આંખો અંજાઈ ગઈ. એણે આંખો બંધ કરી દીધી. એને ધીમે ધીમે ગીત સંભળાવવા લાગ્યું, તાલબદ્ધ તાળીઓ સંભળાવવા લાગી,

“સૈયર મોરી વરસ્યો જોને શ્રાવણ અનરાધાર રે

આખી પલળી તોય કોરી ઓઢણાની કોર રે...!

એણે આંખ્યું ખોલી તો કેટલી બધી બાયું તળિયે બેસેલી હતી. કોઈ બંગડીઓ પહેરતી હતી, કોઈ ઉભડક બેસીને પગના નખ રંગતી હતી, કોઈ લાંબા વાળમાં કાંસકો ફેરવતી હતી, કોઈ સાડીના છેડાની પાટલી વાળી કમરમાં ખોસતી હતી, કોઈ કોડિયે ને પાંચીકે રમતી હતી, કોઈ ખોળામાં અરીસો રાખી વાવની ભીંતનો ટેકો લઈ આંખોમાં મેશ આંજતી હતી, કોઈ નિરાંતે કપાળે ચાંદલો લગાવીને ધારી ધારીને ચાંદલો રમાડતી હતી, કોઈ બેઠી બેઠી આંબલિયા ખાતી હતી, કોઈ ભરત ભરતી હતી. અજવાસમાં બાંધણી, લેરિયા, કાપડા, ઓઢણા, દુપટ્ટાનો રંગ બાયુંના ચહેરાને ઢાંકી દેતો હતો. મંજુએ માંડ માંડ ગળે થૂંક ઉતાર્યું. તળિયે અજવાસ વધવા લાગ્યો. મંજુએ ધારી ધારીને બાયુંને જોઈ... એના અચંબાનો કોઈ પાર રહ્યો... એને બા દેખાણી, સેજલ દેખાણી, પુરીમા દેખાણા. એક આછી કંપારી મંજુના શરીરમાંથી છૂટી ગઈ. ધીરે ધીરે બાવલી, ગવરી, હરસુડી, આશલી બદ્યું વાવમાં દેખાણી. ગીતો ગાતી હતી... આંબલિયા ખાતી હતી... ભરત ભરતી હતી... ઠીકરીથી રમતી હતી.. પેલી જે હમણાં વાવમાં પડી હતી બાઈ બધાની વચ્ચે બેસેલી મંજુને દેખાઈ. બધી બાયું એને ઘેરીને બેસેલી હતી. મંજુ બાઈને ફરી ધારી ધારીને જોવા લાગી. પેલીએ માથા પરથી સાડીનો છેડો ખસેડ્યો અને વાળ છૂટા કર્યા. અજવાસ વધવા લાગ્યો. પેલી બાઈ પગ લાંબા કરીને બેઠી. વાવમાં બધી બાયું જોરજોરથી હસવા લાગી. એકબીજાને તાળિયો આપવા લાગી. હસવાના અવાજ વધવા લાગ્યા. પેલી બાઈએ હસતા હસતા ઉપર મંજુ સામે જોયું. બાઈની અને મંજુની આંખો એક થઈ. હસવાના અવાજો વધવા લાગ્યા. અજવાળું વાવની બહાર નીકળી ગયું. બાઈને મંજુ ઓળખી ગઈ. મંજુ હબક ખાઈ ગઈ.. એની જીભ તાળવે ચોંટી ગઈ હોય એમ એનો અવાજ નીકળતો બંધ થઈ ગયો. માંડ એટલું બોલી શકી,

તો હું સવ.....

એના ધબકારા એકદમથી વધી ગયા. વીજળીનો પ્રચંડ કડાકો થયો. વાવમાંથી હસવાના અવાજો બહાર નીકળી ગયા એવું મંજુને લાગ્યું. એણે બાવલીને શોધવા આજુબાજુ નજર કરી પણ વરસાદમાં એને કાંઈ દેખાયું નહીં. એણે ઉપર નજર કરી તો કાળા ડિબાંગ વાદળાઓ નીચે ઝૂકી રહ્યા હોય એવું એને લાગ્યું, એણે ફરી વાવમાંથી આવતા અજવાસમાં તરફ જોયું. મંજુને થયું કે હેઠ્યે તો નર્યું અજવાળું છે... અંધારું તો મારી ઉપર તોળાઈ રહ્યું છે!

સ્રોત

  • પુસ્તક : મહોતું (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સર્જક : રામ મોરી
  • પ્રકાશક : ફ્લેમિંગો પબ્લિકેશન
  • વર્ષ : 2016