Vaas - Short Stories | RekhtaGujarati

તારીખ : ૯-૬-૮૮ (અધિક માસ : જેઠ વદ દશમ)

આદરણીય તંત્રીશ્રી, શંભુભાઈ યાયાવર સાહેબ,

આપને, સ્ટાફના સહુ ભાઈ-બહેનોને, આપના પરિવારના સહુ સભ્યોને, વાચક ભાઈ-બહેનોને સર્વેને જય શ્રીકૃષ્ણ.

આપની પત્રિકા જેવું નામ ‘ભાવના’ છે તે મેં વાંચી. સાહેબ સાચું કહું તો બધું મારે માટે અઘરું હતું. જોકે હું અભણ નથી. એસ.એસ.સી.માં હું ફેલ થયો છું. ત્રણ વાર ટ્રાયલ આપેલી, પણ બધી વાર બે કે ત્રણ વિષયમાં હું ઊડી જતો, ગુજરાતીના વિષયમાં તો દર વખતે પાસ થઈ જતો, એટલે ગુજરાતી વિષયમાં હું નબળો નથી.

મને કેટલીક કવિતાઓ પણ યાદ છે. જોકે આખેઆખી તો એક કવિતા યાદ છે : હરિનાં દર્શન :

મ્હારાં નયણાંની આળસ રે, નિરખ્યા હરિને જરી

એક મટકું માંડ્યું રે, ઠરિયાં ઝાંખી કરી.

તમારી પત્રિકામાં ભલે બધું હું સમજી ના શક્યો હોઉં, પણ રસપૂર્વક પહેલેથી છેલ્લે સુધી વાંચી ગયો છું. એસ.એસ.સી.માં ત્રણ વખત ફેલ થયો અને મારા ફાધરનું ડેથ થયું. એટલે નાછૂટકે મારે અમારી હેરકટિંગ સલૂનની દુકાન સંભળાવી પડી. થોડા દિવસ પહેલાં અમારી દુકાને એક ચશ્માંવાળાભાઈ આવેલા તે, એમનો નંબર લાગે ત્યાં સુધી, બેઠાબેઠા તમારી પત્રિકા વાંચતા હતાં. ભાઈ અમારી દુકાને પત્રિકા ભૂલી ગયેલા.

હવે મૂળ વાત પર આવું. તમારી પત્રિકાનું નામ ‘ભાવના’ છે, તેથી હું પત્ર લખી રહ્યો છું. આજકાલ સાહેબ કોઈને કશાની ક્યાં ભાવના રહી છે? મારા ફાધર મને કહેતા : ભાવના રાખીને બરાબર ભણ. પણ મેં ભાવના રાખી નહીં ને છેવટે મારે ફાધરનો હેરકટિંગનો ધંધો કરવાનો વારો આવ્યો. આશા વગર કર્મ કરવું જોઈએ. અમારી દુકાનમાં મારા ફાધરે એક સૂત્ર ચિતરાવીને મૂકેલું છે,

કામ સરસ :

પૈસા તરત.

સૂત્રની પહેલી લીટી પર હું તો ભાર મૂકું છું. હું સારી રીતે કામગીરી કરવામાં માનું છું. એક સ્પષ્ટવક્તા અને કાર્યશીલ વ્યક્તિની છાપ હું ઉભી કરી શક્યો છું. જોકે હમણાં કેટલાક સમયથી કામ કરતો નથી. મારો નાનો ભાઈ કામ કરે છે, પણ જ્યારે હું વાળ કાપવાનું કામ કરતો ત્યારે મશગૂલ થઈ જતો. એક વાર તમારા જેવા; તમારા જેવા એટલે ભણેલા, વિદ્વાન સાહેબ વાળ કપાવવા આવેલા. હું વાળ કાપવામાં તલ્લીન હતો. મનપૂર્વક તલ્લીન થઈને કાતર ચલાવતો હતો. એમાં સાહેબે મને ઓછા વધતા વાળ કાપવાની વચ્ચે સૂચના આપી. તન્મય અવસ્થામાં હું બોલી ગયો,

: મૈં બાલકો કાટતા નહીં હૂં. બાલ ખુદકો કટવા રહા હૈ. આપ બેફિકર રહિએ :

દર્પણમાં એમના પ્રતિબિંબ સાથે સેકન્ડ વાર અમારી આંખ મળી. સાહેબની આંખમાં મેં ચમક જોઈ જોઈ અને કામમાં મશગૂલ થઈ ગયો. ટૂંકમાં કુદરતને યાદ રાખી નીતિનિયમો પાળી જીવન જીવવામાં માનું છું. મને બીડી તમાકુ કે કોઈ જાતના વ્યસનની આદત નથી. કોઈ મોટા આડા-અવળા ધંધા નથી કરતો. એકંદરે હું સારી પર્સનાલિટી, પ્રતિભા ધરાવું છું. ઉચ્ચ વિચારો પણ ધરાવું છું. હું મારા જીવનને દિપાવવા માગું છું. પણ મારી એક બીમારીને કારણે નાસીપાસ થઈ જાઉં છું. બીમારીને કારણે દિવસે દિવસે મિત્રોમાં, ઘરાકોમાં, કુટુંબમાં હું કદાચ તિરસ્કારપાત્ર બનતો જાઉં છું. આમ લખતાં લખતાં મારી આંખો ઊભરાઈ જવાથી મારે અટકી જવું પડ્યું. આંખો લૂછીને, કોરી કરીને ફરી લખવા બેઠો છું.

: શોક-મોહના અગ્નિ રે તપે,ત્હેમાં તપ્ત થયાં :

: નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.

: હરિનાં દર્શન : કવિતાથી મનને શાંતિ મળે છે. ઘણી વાર આંખમાંથી આંસુ સરકતાં હોય અને ગાતો હોઉં, પણ હવે મારી બીમારીની વાત પર આવું. મારા શરીરમાંથી એક પ્રકારની વાસ આવે છે, ગંધ. કોઈ વાર બગલમાંથી, ગળાના પાછળના ભાગમાંથી જેને આપણે બોચી કહીએ છીએ ત્યાંથી, મ્હોમાંથી,. પેશાબમાંથી, મળમાંથી, નાકમાંથી, કાનમાંથી, આંખમાંથી, ચામડીના રુંવાડે રુંવાડામાંથી, માથાના વાળ, ખોપરીમાંથી, સાહેબ, વાસ આવે છે, ખરાબ. બેડ સ્મેલ.

તમે નહીં માનો, હું સારામાં સારી પેસ્ટથી દિવસમાં ત્રણ વાર દાંત સાફ કરું છું અને ઊલ ઉતારું છું. રીતસર ખંખાળીને-ગણીને કોગળા કરું છું દર વખતે. મેં નિયમ રાખ્યો છે કે પચીસ કોગળા તો દર વખતે કરવા. એક કોગળો વધારે થાય, પણ ઓછો નહીં. રોજ બે વખત સારો સુગંધી સાબુ ચોળીને નાહું છું. મોંઘો પડે છે. પણ શું કરું? કોઈ હિસાબે ખરાબ વાસ નીકળે છે? રોજ માથું ચોળું છું. સુગંધી સારા તેલનો ઉપયોગ કરું છું. બગલ વગેરે ખરાબ સ્થાનમાંથી વાળ કાઢી નાખું છું. સારો સુગંધી પાવડર છાંટું છું. પણ વાસ જતી નથી. મારું અંતર અંદરથી રડ્યા કરે છે. હું બધી રીતે ઓલરાઇટ છું. ગીતાનો પાઠ કરવાનું ચૂકતો નથી. મારે જીવનને દિપાવવું છે. પણ એક બેડ સ્મેલ મને પાછો પાડી દે છે. મને હતાશ કરી દે છે. એકલો પડું છું અને મારું શરીર હું સૂંઘ્યા કરું છું. નાહી-ધોઈને ચોખ્ખોચટ થઈ, પાવડર છાંટી હું મારું શરીર સૂંઘું છું. ક્યારેક એમ લાગે કે બગલ, બોચી, ગુહ્યભાગોમાં હવે સ્મેલ નથી રહી. પણ મને વિશ્વાસ નથી બેસતો. એક વાર મારી પત્નીને મેં પૂછ્યું :

: તને વાસ આવે છે, ખરાબ? :

: વાસ? : એણે નાકનું ફોયણું ફફડાવ્યું.

: મારા શરીરમાંથી? :

ખડખડાટ હસી પડી. હું ડઘાઈ ગયો. બાથરૂમમાં જઈને બ્રશ કર્યું. ઊલ ઉતારી. કોગળા કર્યા. દર્પણમાં મૂંઝાઈને તાકી રહ્યો. મનોમન ગાઈ રહ્યો :

પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યો

નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યો

લખતાં સંકોચ પામું છું સાહેબ, પત્ની સાથે હું સૂઈ શકતો નથી. મારી વાઇફ ભલી છે. પણ મને બીક લાગે છે કે ખરાબ વાસથી મારો તિરસ્કાર કરશે તો? ગ્રાહકોના વાળ કાપવાનું કે દાઢી કરવાનું પણ હું ટાળું છે. બે કારીગરો છે. વળી હવે તો મારો નાનો ભાઈ પણ કામ કરે છે. જોકે હું રોજ અમારા ‘શ્રીકૃષ્ણ હેર કટિંગ સલૂન’માં જાઉં છું. પૈસાની લેવડદેવડનું કામ કરું છું. પણ ગ્રાહકોથી દૂર રહું છું. આપણી ખરાબ વાસથી શા માટે કોઈને ત્રાસ આપવો જોઈએ? ગીતાનો પાઠ કરું છું અને કૃષ્ણ ભગવાને અર્જુનને આપેલા ઉપદેશ પર વિચાર પણ કરું છું. એમાંથી મારી ખરાબ વાસની સમસ્યાને ઉકેલ મળતો નથી.

એક વાર બેડ સ્મેલ વિશે વિચાર કરતો હું બગીચાના બાંકડા ઉપર બઠો હતો. લોકોની અવરજવર હતી. પણ આમ શાંતિ હતી. અચાનક ઝબકારા જેવો વિચાર આવ્યો. મેં આંખો બંધ કરીને અંદર, મારી અંદર, ઊંચે ઊંચે અંદર સૂંઘવા માંડ્યું અને ઝબકારા જેવો વિચાર મને સાચો લાગ્યો. ખરાબ વાસ અંદરથી, ઉપરથી, ખોપરીની વચ્ચેથી, મગજમાંથી આવે છે. રીતસર ખરાબ વાસ મગજમાંથી આવતી હતી. એસ.એસ.સી.માં મારે ફિઝિયોલોજી એન્ડ હાઇજિનનો વિષય હતો. એમાં ચોપડીમાં મગજ વિશે સચિત્ર સમજણ આપવામાં આવેલી. મેં ગોખી નાખેલી. મોટું મગજ લંબગોળ, મોટા પિંડ જેવું છે. તે ખોપરીના ઉપરના અને આગળના-પાછળના બધા ભાગને રોકી લે છે. મોટા મગજના પાછળના તેમ નીચેના ભાગમાં નાનું મગજ ‘સેરિબીલમ’ આવેલું છે. આંખો મીંચીને હું પ્રયત્નપૂર્વક અંદર ઊંડે ને ઊંડે છેક ઉપર સૂંઘતો હતો. બન્ને મગજમાંથી રીતસરની ખરાબ વાસ આવતી હોય, બન્ને મગજ સડતાં હોય, કોહવાતાં હોય અને એમાંથી એકદમ ખરાબ વાસ આવતી હોય તે વાત ચોક્કસ લાગી. મને ખાતરી થઈ ગઈ કે મગજ સડે છે.

બીજાં પ્રાણીઓની સરખામણીમાં માણસના મગજનો ભાગ બહુ મોટો હોય છે. એમાં બહુ અગત્યનાં અને વિવિધ લાગણીઓ તથા કાર્યોનાં ઘણાં જ્ઞાનતંતુ-કેન્દ્રો આવેલાં છે. કેન્દ્રોમાં બધું સડી રહ્યું છે, ત્યાંથી ખરાબ વાસ બગલમાં, ગુહ્યસ્થાનોમાં, મોંમાં, આંખમાં, નાકમાં, કાનમાં, ચામડીના રુંવેરુંવેથી બધેથી બહાર આવે છે. બીડેલી આંખે હું બેચેન બની ગયો. મારા મગજમાં સડો છે.

નાથ ગગન જેવા રે, સદા મ્હને છાઈ રહે

નાથ વાયુની પેઠેં રે સદા મુજ ઉરમાં વહે.

જમણા પગના અંગૂઠાને કંઈક અડકતાં મારી આંખો ખૂલી ગઈ. એક મોટો ફુગ્ગો મારા અંગૂઠાને અડકતો પડ્યો હતો. એક બાળક દોડતું આવ્યું અને એક ક્ષણ મને તાકી રહ્યું. મેં ફુગ્ગો ઉપાડીને એના હાથમાં આપ્યો. મનોમન પ્રાર્થના કરી : ગગન જેવા છાઈ રહેલા નાથ! મારા મગજનું તો જે થયું તે ખરું, પણ બાળકના મગજનું રક્ષણ કરજો.

મને મનમાં ને મનમાં, કે કોઈ વાર જરાક મોટેથી ગાવાનો શોખ છે, શોખ કરતાં ટેવ છે. ટેવ કરતાં ગાવાની મને જરૂર પડે છે એવું હોય. વાસથી બેચેન બની જાઉં ત્યારે હું ગાવામાં ડૂબી જાઉં છું. ત્યારે પળભર વાસ જાણે બંધ થઈ જાય છે. જોકે હંમેશાં એવું નથી બનતું. સમી સાંજે ઓટલા પર બેઠો બેઠો કંઈક મોટા અવાજે હું ગાતો હતો :

સ્વામી સાગર સરિખા રે, નજરમાં માય કદી

જીભ થાકી ને વિરમે રે : વિરાટ : વિરાટ : વદી

ગાતાં ગાતાં વાસ આવતાં હું ટકી ગયો. આંખો મીંચીને અંદર, ઉપર ને ઉપર સૂંઘવા માંડ્યો. મારી બા મને જોઈ રહી હશે. હું તો આંખો બંધ કરીને અંદરને અંદર સૂંઘ્યા કરતો હતો. નાકમાંથી સૂંઘવાનો અવાજ પણ આવતો હશે.

: એલા, શું સૂંઘે છે? :

હું બા સામે ટગર ટગર તાકી રહ્યો.

: તારું મગજ તો ઠેકાણે છે ને? :

: ઠેકાણે છે બા. પણ સડે છે, ગંધાય છે. :

: શું ગંધાય છે? :

: મારું મગજ. :

બાએ નાના ભાઈને ઘાંટા પાડીને બોલાવ્યો. પછી નાનો ભાઈ ભણાવાનું છોડી દુકાને આવવા માંડ્યો. મને માનસિક રોગ નથી. આમ છતાં ઘરના લોકો મને એક વાર માનસિક રોગના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે મને ઘણું પૂછ્યું. હું સાચાબોલો છું. મેં સત્ય વાત કહી.

: મારું મગજ સડે છે. એમાંથી વાસ આવે છે. વાસ મારી બગલમાંથી, ખરાબ સ્થાનોમાંથી, મ્હોંમાંથી, કાનમાંથી, નાકમાંથી, આંખમાંથી બધેથી આવે છે. ચામડીના રુંવેરુંવેથી ખરાબ વાસ નીકળે છે. બોલું છું કે ગાઉં છું તોયે ખરાબ વાસ આવે છે. ગીતાનો પાઠ કરું છું તોયે સડેલી વાસ આવે છે. આમ અંદર ઊંચે ને ઊંચે સૂંઘું છું તો કહોવાતાં મગજની રીતસર વાસ અંદરથી પણ આવે છે. : આંખો બંધ કરીને મેં વખતે સૂંઘવા માંડ્યું. પછી આંખો ખોલીને ડૉક્ટરને કહ્યું :

:આ અત્યારે બી અંદર સડતા મગજની વાસ આવે છે. :

ડૉક્ટરે લખી આપેલી ટિકડીઓ હું રોજ નિયમિત લેતો હતો, પણ કશો ફેર પડ્યો નહીં. વાસ તો આવતી હતી. છેવટે ડૉક્ટરે મને વીજળીનો શોક આપવાનું નક્કી કર્યું. મને ખબર પડી એટલે મેં ડૉક્ટરને કહ્યું.

: હું કાંઈ ગાંડો માણસ નથી. મારું મગજ સડે છે. મોટું અને નાનું :

ડૉક્ટર કંઈ બોલ્યા નહીં, એમણે ખાલી મારા ખભા પર હાથ મૂકીને દબાવ્યો. મને બે વખત વીજળીના શોક આપવામાં આવ્યા. તેમ છતાં મારી સમસ્યા તો એવી ને એવી ચાલુ રહી. એક વાર ખભા પર, બરડા પર પંપાળીને ડૉક્ટરે મને કહ્યું.

: તમને કોઈ રોગ નથી. બધું સ્વીકારી લો. બધાના મગજમાંથી વાસ તો આવે છે. મારા મગજમાંથી પણ વાસ આવે છે. ફૂલો જેવી સુવાસ નથી આવતી. ફૂલોમાંથી વાસ આવે છે, તે તો સુગંધ કહેવાય. :

: ફૂલોને કોઈ બીમારી નથી. જ્યારે મારાં તો બન્ને મગજ સડે છે. :

:માણસનાં, બધા માણસનાં મગજમાંથી એવી વાસ આવે છે. :

: એનો ઉપાય તો કાંક હોયને? :

: ઉપાય કાંઈ નહીં. સ્વીકારી લેવું ઉપાય. :

આમ કહીને અંગ્રેજીમાં બોલ્યા : ‘એક્સેપ્ટન્સ ઇઝ ક્યોર.’ અંગ્રેજી શબ્દો મારી પાસે ડૉક્ટરે બે વખત બોલાવડાવ્યા અને સમજાવ્યા. હું ડૉક્ટર સામે ટગરટગર જોઈ રહ્યો હતો. અચાનક ડૉક્ટરે સૂંઘતા હોય એવી નાકની ચેષ્ટા કરી. પછી બોલ્યા,

: મને પણ વાસ આવે છે. :

: મારા મગજની? : મેં પૂછ્યું.

: ના, મારા મગજમાંથી વાસ આવે છે. :

: ખરાબ વાસ ? :

એમણે માથું હલાવીને હા પાડી. મને વિશ્વાસ ના બેઠો, મને તરત સમજાઈ ગયું કે ડૉક્ટર મને ફોસલાવે છે, પટાવે છે અને ખોટું બોલે છે. શા માટે આવું ખોટું બોલવું જોઈએ? ઘરે પણ, મારી હાજરીમાં, હું જોઉં રીતે બધા નાકથી સૂંઘવાની ચેષ્ટા કરે છે. બધાને હું પૂછું તો જવાબ આપે : મગજમાંથી ખરાબ વાસ આવે છે. ડોક્ટરે બધાને આમ કરવાનું કહ્યું હશે. મને કોઈના પર વિશ્વાસ નથી બેસતો. બધાં નાટક કરે છે.

હવે પત્ર લખવાની મૂળ વાત પર આવું. હું ગીતાનો પાઠ કરું છું ત્યારે મને વાસ આવે છે. ગીતામાંથી વાસ આવતી હશે કે મારા મગજમાંથી? મને તો ખાતરી છે કે મારા મગજમાંથી વાસ આવે છે. ‘ભાવના’ વાંચતાં વાંચતાં પણ મને વાસ આવતી હતી. હમણાં લખતાં લખતાં મેં ‘ભાવના’નો અંક ઉપાડીને સૂંઘી જોયો. રીતસર ખરાબ વાસ આવી, વાસ મારા મગજની પણ હોય. આમ છતાં મને ક્યારેક એવો વિચાર પણ આવે છે કે કદાચ ડૉક્ટરની વાત સાચી હોય. બધા માણસના મગજમાંથી વાસ આવતી હોય. ક્યારેક હું મૂંઝાઈ જાઉં છું. મને કશી ગમ પડતી નથી. શું સાચું હશે? ડૉક્ટરે મને એક અંગ્રેજી શબ્દ વાપરીને કહ્યું હતું : તમે વધારે પડતા સેન્સિટિવ છો. પછી અર્થ સમજાવતાં બોલ્યા : તમે વધારે પડતા સંવેદનશીલ છો. તેથી તમને વધારે પડતી વાસ આવે છે. આટલા બધા સંવેદનશીલ થવાની જરૂર નથી. અરે પણ મારે ક્યાં સંવેદનશીલ થવું છે? હું તો મારા જીવનને દિપાવવા માગું છું.

તો ડૉક્ટરે સમજાવેલું તે લખું છું. પણ એમની કોઈ વાત મારા ગળે ઊતરતી નથી. હું તો મારા મગજમાંથી વાસ આવે છે સડવાની એમ સમજું છું. ડૉક્ટર કે ઘરનાં માણસો પર મને વિશ્વાસ નથી. તેથી સાહેબ, કંઈ ખોટું લખાઈ જાય તો પહેલેથી માફી માગી લઉં છું. મારે તમને એટલું પૂછવાનું છે કે સાહેબ, શું તમારા મગજમાંથી તમને ક્યારેય કોઈ ખરાબ વાસ આવે છે? ખોટા જવાબ આપશો, શંભુભાઈ. સાચો જવાબ આપજો. બને તો તમારા સ્ટાફના કે ઘરના બેચાર સભ્યોને પણ પ્રશ્ન પૂછશો, મારા વતી? ભાવના રાખો છો તમે સંધાની તો મૂંઝાતા, પીડાતા, વલોવાતા એક બેચેન માણસને સાચો જવાબ આપવાની મહેરબાની નહીં દાખવો? બાકી બીજું તો શું? વાસથી ત્રાસી જઉં છું ત્યારે ગણગણું છું કે ગાઉં છું :

પેલા દિવ્ય લોચનિયાં રે પ્રભુ! કય્હારે ઊઘડશે?

આવાં ઘોર અન્ધારાં રે પ્રભુ! કય્હારે ઊતરશે?

ગણગણવાથી કે ગાવાથી કશો ફેર પડતો નથી. ખરાબ વાસ તો આવ્યા કરે છે. જવાબની આશા સાથે જય શ્રીકૃષ્ણ.

લિ. અ.

તારીખ : ૧૩-૬-૮૮ (અધિક માસ : જેઠ વદ ચઉદસ)

વહાલા આદરણીય શ્રી શંભુભાઈ યાયાવર સાહેબ,

જય શ્રીકૃષ્ણ આપને અને સહુને.

મારા પત્રનો આપે વિના વિલંબે જવાબ આપવાની ભાવના દાખવી તેથી ભવોભવનો ઋણી રહીશ. અરે, પ્રભુ! હજી કેટલા ભવ બાકી હશે? કે છેલ્લો ભવ હશે? ભવની વાત હજુ પૂરી થઈ નથી ત્યાં બીજા ભવની ચિંતા કરવાનો શો અર્થ? શંભુભાઈ, સાહેબ તમારો જવાબ વાંચીને મારી આંખો છલકાઈ ગઈ. તમે તમારા તરફથી અને સહુને પૂછીને ‘હા’ માં જવાબ આપ્યો છે. અરેરે, બધાનાં મગજ સડે છે અને ગંધાય છે? (આનો અર્થ તો થયો કે માણસ માત્રનાં મગજ સડી રહ્યાં છે. તમે તો શંભુભાઈ સાહેબ,લખ્યું છે. સદીઓથી સડી રહ્યાં છે.) અરે, તો વહાલા સાહેબ સડતાં, કહોવાતાં મગજનું કરવું શું? તમે તો સહુ ભણેલા, ગણેલા, વિદ્વાન માણસો છો. કવિ છો, લેખક છો, વાર્તાઓ લખો છો. ભાવના નામની પત્રિકા કાઢો છો. અરે સાહેબ, પણ શેની ભાવના? અને હું કહું છું ભાવના રાખાનારું મગજ સડી રહ્યું છે તેનું શું? લખતાં લખતાં શંભુભાઈ સાહેબ, ભમી જવાય છે. એટલે કંઈ વધારે લખતો નથી. ટેવવશ ગાઉં છું :

નાથ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા,

નેનાં! નિરખો રે ઊંડેરું રે, હરિવર દરસે સદા.

લિ.

(‘ગદ્યપર્વ’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 500)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999