Vaad - Short Stories | RekhtaGujarati

ખેતરમાં આવી પોપટે ચોફેર બૅટરીનો શેરડો ફેંક્યો. પછી મગફળીના ભેગા કરેલા છોડ પર શેરડો ફેંક્યો. હૈયાધારણ થઈ. બધું બરાબર હતું. વૈશાખ વદનો અંધકાર સીમને ઘેરી વળ્યો હતો. પવન પડી ગયો હતો. વાતાવરણમાં બફારો હતો. ધ્યાનસ્થ યોગિણી સમી સીમ શાંત હતી.

પોપટે ડાબા હાથની બરણી ખાટલા નીચે મૂકી. ખાટલામાં વાળીને મૂકેલી ગોદડી પાથરીને બેઠો. બૅટરી સાચવીને ઓશીકાના ભાગમાં મૂકવા જતો હતો, ત્યાં એણે પાસેના ખેતરમાં બોલાશ સાંભળ્યો. બે જણા વાતો કરતા હતા. પોપટે કાન સરવા કર્યા. ચોખ્ખું સંભળાયું નહિ. પડોશીનાં ખેતરો વચ્ચેની વાડની આડશને લીધે ખલેલ પડતી હતી. પોપટે અડસટ્ટો લગાવ્યો: મોહન અને એનો ખેડુ રામજી હશે. મોહને આજે મગફળીમાં થ્રેશર મૂક્યું હતું. ખળું ચોખ્ખું થયું નહિ હોય એટલે રામજીને સાથે લઈને વાસો આવ્યો હશે.

પોપટે બૅટરીનો પ્રકાશ વાડ ઉપર ફેંક્યો. વાડ મોટી થઈ ગઈ હતી. માથોડા કરતાંય વધારે. પાછી હતીયે ઘેઘૂર. પોપટે ખેડુને કહી મેલેલું: “શેંડુ તો પડવા ના દેતો, વેચાત!” વેચાતને ખભે ધારિયું મેલી ટહેલવાની ટેવ હતી. એટલે વાડને ઊની આંચ આવતી. સહેજ છીંડા જેવું ભાળી જાય તો ગમે ત્યાંથી થૂવેરનું ઢેંફુ કાપી લાવીને ઊભું કરી દેતો. વટેમાર્ગુ ટોળ કર્યા વિના રહેતા: અલ્યા પોપટ! તીં તો શેતી કરવા ખેડુ રાશ્યો છે કે વાડ કરવા? જ્યારે જુઓ વેચાતિયો થુવેરિયા ચોંટાડતો હોય છું! પોપટ ત્યારે હસીને ઉટપટાંગ જવાબ વાળી દેતો. જેની ને તેની આગળ ભાગવત ઉકેલવાનો શો અર્થ? લોકો તો મોઢામાં આંગળાં ઘાલીને બોલાવે. પારકી પંચાતમાં કોને રસ હોય?

પોપટે બૅટરી ઓશીકાના ભાગે મૂકવાને બદલે ખાટલા નીચે ઊભી કરી. પછી ખાટલામાં ચત્તો થઇને સૂતો. ઉઘાડી આંખે આકાશ નીરખી રહ્યો. આકાશ દરિયા જેવું ઊંડુ અને ગંભીર લાગ્યું. પવનનો હજુ સંચાર નહોતો. બાફને લીધે પોપટનું આકાશ-દર્શન ઝાઝું ચાલ્યું. બેઠો થઈ ગયો. સૂઝતાં બીડી સળગાવી. મોહનના ખેતરમાં કૂતરો ભસવા લાગ્યો. રામજી એને શાંત પાડતો હતો. પડોશમાં કૂતરો છે જાણી પોપટને સધિયારો મળ્યો. વાર્તામાં કૂતરું હોય સારું! માણસની આંખ ક્યારે મળી જાય એની સરત રહે. કૂતરાની ચોકી ને કોઈ પહોંચે. પોપટમાં સમજણ આવી પહેલાંથી બાપુજી સાથે ખેતરમાં સૂવા આવતો. બાપુજી પાસે વાર્તાનો ખજાનો હતો. નજર આકાશ ભણી ને કાન બાપુજીની વાતોમાં રાખીને પડ્યો રહેતો. અધૂરી વાતે પોપટની આંખ મળી જતી. સવારે જાગતો ત્યારે બાપાએ દાતણ-પાણી પતાવી લીધાં હોય!

સાલ અફવા જોરમાં હતી. બે-ત્રણ વરસથી વરસાદ સરખો નહોતો. એટલે ઉનાળામાં બૂમો પડતી. નાની-મોટી લૂંટફાટ શરૂ થઈ જતી. છાપાંમાંય રોજેરોજ અવનવી વાતો ચગતી. ટોળાં જમાવીને બેસતા ખેડૂતો વાતો કરતા: ‘એક ચડ્ડી-બનિયાનધારી ટોળકી ફરે છે. ખેતરમાં કોઈ એકલદોકલ ભાળે એને ઝૂડી નાખે છે! ડરનારા ડરતા, ડરાવનારા ડરાવતા. પોપટ ખેતરે આવવા નીકળ્યો ત્યારે બાએ કહેલું - એવું હોય તો રેહવા દે ભઈ! મળીને કોય ખાઈ નઈ જાય! બે દનમાં તો લેવાઈ જશે ને! પત્નીએ એમાં સૂર પૂરાવેલો: વાહોનું તો એક નોંમ છં, બાકી દહ જણા હામટા આવે તો ઈમને એક ચ્યાંથી પોંચી વળે, કે'જો?

પત્નીની દલીલ સાચી હતી, પણ અફવાની બીકે વાસો જાય તો બીજાં તો ઠીક, જાતને પોતે કેમેય માફ નહિ કરી શકે. ઉતાવળમાં લાકડી લેવાનું ચૂકી ગયેલો! અત્યારે પોપટને બીક નહોતી પણ પહેલાંની જેમ વાહો રમત જેવોય નહોતો લાગતો: હાળું કાઠું તો ખરું? ખેતરથી ડામર રોડ બઉં આઘોય નથી પાછો.

પોપટે બીડીનું ઠૂંઠું નાખી ઉપર પગ દાબી દીધો. મગફળીના ગંજ ઉપર નજર કરી ઊભો થયો. લાકડી લાવ્યાનો વસવસો હતો. એણે વાડ તરફ ચાલવા માંડ્યું. કોઈ ઝાડની ડાળી ભાંગીને કામચલાઉ સોટી બનાવવાની ગણતરી હતી. વાડ પાસે આવ્યો. કશું ધ્યાનમાં આવ્યું. ઝાડ ઘણાં હતાં. પોપટને એમાંનું કશું પસંદ પડ્યું. એક બાવળિયો હતો પણ વગર ધારિયે એની ડાળી કાપવી કેમ કરી? નકરા કાંટા. એને એક પળ હાક મારીને મોહનનું ધારિયું માગી લેવાનું મન થયું. પણ બોલવા-ચાલવાનો થોડોય વેવાર હોય એવા માણસનું રાસળું કેમ કરીને મંગાય?

પોપટે મન વાળ્યું. લાકડી નથી, શું વાંધો છે? તો ચડ્ડી-બનિયનધારીનો ખોટો ભોં પેસી ગયો છે. નકર વાહો તો કંઈ નવી નવાઈ છે?

આટલાં વર્ષોમાં કોઈ ખેડૂતને ચોરટાઓએ ખેતરમાં મારી નાખ્યો હોય એવું ક્યારેય થ્યુ નથી. ચીભડાચોર નાની સરખી ચોરી ચપાટી કરે. ખેડૂતના નસીબની બલિહારી એતો: મોર ખાય, ચોર ખાય ને ઢોર ખાય પછી વધેલું ભાગે આવવાનું હતું ને! જગતનો તાત અમથું બનવા મળે? ખેડૂત હોવાનું અભિમાન પોષતો પોપટ ખાટલા ભણી વળી ગયો. પણ અભિમાન લાબું ટક્યું.

ખાટલામાં બેસતાં પોપટે નિશ્વાસ નાખ્યો. જાતને નિર્દોષ સાબિત કરતો હોય એમ ગણગણ્યો: ‘ચ્યાં નાની વાત હતી? મોહનિયાને કાયમીકથી ટેવ હતી. ઘરનું ટ્રેક્ટર હોય એટલે શું શેઢાની પત્તર ફાડવાની? ખેડતી વખતે મોસમ લેવાની ના હોય પણ દહાડે તો એણે માઝા મૂકી દીધી હતી. રીતસરનો શેઢો ચીરી નાખેલો. એવું તે કંઈ ચાલે? મોટો હોય તો એના ઘરનો! ભેંશનાં શીંગડાં ભેંશને ભારે, મારે શું? જો કે, પોતે દિવસે વધારે પડતું બોલી ગયેલો વાતે પોપટને અત્યારે પસ્તાવો થતો હતો. મોહનેય ત્યારે ક્યાં ચૂપ હતો? તો વળી ઉઘાડી ગાળો ભાંડતો હતો. પછી બન્ને ઝપાઝપી પર ઊતરી ગયેલા. વેચાતે છૂટા ના પાડ્યા હોત તો એકાદનું માથું ફૂટત-માથું નહિ તો છેવટે હાથ-પગ તો તૂટ્યો હોત!

બીજે દિવસે પોપટે રામસિંહ સર્વેયરને બોલાવ્યા હતા. સાક્ષીમાં બે જણા એના, ને બે મોહન લાવેલો. શેઢો સરખો થઈ ગયો. ત્રીજે દિવસે પોપટે વાડનું કામ હાથ પર લઈ લીધેલું. બાપાએ એને ઘણો વાર્યો. બીજા એક-બે સમજુ માણસોએ ટોક્યો ‘પાડોશી હોઈએ તે બાઝવાનું થાય. એમાં વાડ કરવાની શી જરૂર? ખુલ્લું હોય તો એકબીજાની હૂંફ રહે. બધા દહાડા કંઈ સરખા હોય છે? પણ પોપટને માતા આવી હોય એમ એક વાતની રઢ લઈને બેઠો: વાડ કરવી એટલે કરવી. શું મારા દિયોર, રોજ ઊઠીને એની બબાલ! વેચાતને વળગાડી દીધેલો. દોઢ દહાડામાં તો વાડ ઊભી. જોતજોતામાં વાડે સારું ગજું કાઢેલું. માથોડું-દોઢ માથોડું વધી ગયેલી. વાડ કોને કહીએ? થુવેરિયાની જાત એવી. કાળ વરસમાંય લીલી ને લીલી!

અત્યારે પોપટને લીલીછમ વાડ દશમન કરતાંય ભૂંડી ભાસતી હતી. વાડ કરી હોત તો કદાચ મોહન સાથેનો ઘરોબો ફરીથી લીલો થઈ ગયો હોત. ખેડૂત માણસને હાલતાં-ચાલતાં એકબીજાનો ખપ પડે. કાં પાવડો-કોદાળી જેવું રાસળું, કાં બોર બગડ્યો હોય, પાણી પીવા બીજાના બોરે જવું પડે! છેવટે કંઈ નહિ તો ચાર લેવા ગયેલાં બૈરાંને ચડામણનીય ગરજ રહે જ!

પોપટે બીજી વાર બીડી સળગાવી. ઉપરાઉપરી દમ મારવા માંડ્યો. વાયરાનું સંગીત. સાથે સીમનાં ઝાડવાંનું વૃન્દગાન શરૂ થયું. પોપટને હજી ટાઢક થતી નહોતી. બીડી કંઈક વહેલી ફેંકી દઈ એણે પહેરણ કાઢી નાખ્યું. બફારાને લીધે શરીર ચીકણું થઈ ગયું હતું. પરસેવાની ખારી ઊસ ગંધ ખેતરની ચોખ્ખી હવામાં ભળી ગઈ. પહેરણનો ડૂચો વાળી પોપટે ઓશીકાના ભાગે ઠૂસ્યું. પછી ખાટલામાં લાંબો થયો. આડા થયે લાગ્યું થાકી ગયો હતો. ઉનાળાના લાંબા અને ઊના દહાડા. એણે સવારથી સાંજ લગી ખેતરમાં કામ કૂટ્યું હતું. તારામઢ્યું આકાશ જોતાં આંખ ક્યારે મળી ગઈ, સરત રહી. મધરાતે મોહનના ખેતરમાં કૂતરો ભસવા લાગ્યો કે પોપટથી જાગી જવાયું. ઊંઘ બગડવાની ધાસ્તીથી બીડી પીવાનું ટાળ્યું. આંખો મીંચી પડ્યો રહ્યો. થોડી વારે માણસોનો બોલાશ સંભળાયો. મોહન અને એનો ખેડુ વાતો કરતા હશે એવું અનુમાન ખોટું પડ્યું. અવાજ ગામ ભણીના નાળિયામાંથી આવતો હતો. પોપટે પડ્યે પડ્યે કાન સરવા કર્યા. ચોખ્ખું સંભળાયું. સંતરામપુરિયાં મજૂરો બાજરી વાઢવા નીકળ્યાં હશે એમ મન મનાવી પડ્યો રહ્યો: મજૂરો કામે જવા નીકળે તો પરોઢિયે નીકળે, આટલાં વહેલાં? પછી શંકાશીલ મનને ભાંગ્યું: ‘તારી કને ઘડિયાળ ઓછી છે? કદાચ, ચાર વાગ્યાય હોય! મન મનાવવા છતાં પોપટની ચિંતા પળેપળ વધતી જતી હતી. પાસે સમ ખાવા પૂરતી ડાંગ તો ઠીક સોટીય નહોતી. ચીભડાચોર હોય તો ઠીક છે. પણ પેલા ચડ્ડી-બનિયનધારી હશે તો? સમજો આપણા રામ રમી જવાના! વિચાર સાથે પાછલાં પહોરની ઠંડકમાંય પોપટને પરસેવો વળી ગયો: ‘હુઈ જ્યો લાગં છં, નંઈ?’ પોપટને વખતે ચોખ્ખું ને ચાંદી જેવું સંભળાયું.

- ધીમે બોલ, લ્યા! એય તું ભારો બાંધવા માંડ! એકી પાથી!

પોપટનો ગભરાટ વધી ગયો હતો. સાથે-સાથે એટલી ખાતરી તો થઈ ગઈ, મહેમાનો ચડ્ડી-બનિયાનવાળા તો નથી જ! છે કોઈ ભૂખ્યા ભાથી અને એય ગામના જ! કાં બાજુના ગામના! એકી બૂમે નાસી છૂટવાના. તોયે પોપટે બૂમ પાડવાની ઉતાવળ કરી. નથી ને મારા વહાલીડા ત્રણ કરતાં વધારે હોય તો! ત્રણ કે ચારનું તો જાણે સમજ્યા, પણ હથિયાર?

મોહનને વહારે ધાવા બૂમ પાડવાનો વિચાર બળપૂર્વક દાબ્યો. હું એને બોલાવું? મરી જાઉં પણ નમું નંઈ! વધારે જણા હશે તો મોહનેય શી ધાડ મારવાનો હતો?

બીજી બાજું જીવ કપાતો જતો હતો: ‘દિયોર! ચ્યેટલું બાંધશે? માંડ ખાધા જેટલી મફળી પાકી છે. એમાંય ભાગ પડાવવાના, અક્કરમીઓ! બેઠા થઈ રહેવાતાં એણે ડારો દઈ દીધો: કુણ છો લ્યા? આયા છો એવા પાછા વળી જાઓ. નકર હારાવાટ નંઈ રે! તમારા બાપનો માલ છં તેં બાંધાં છોં?’

- એલા તો જાગતો છં!

- તે શો વાંધો? તું તારે ધકાવ. આઘો આવે ત્યારે વાત છં, ટાંટિયાંમાં ઊંધું ધારિયું મેલું કે નંઈ!

- અલ્યા, કઉં છું હુંભળાય છે કે નંઈ! કે આવું ધારિયું લઈને? પોપટે બીક દેખાડી. મહેમાનો ગાંજ્યા જાય એવા નહોતા. સામું સણસણતું સંભળાવી દીધું: ‘ચ્યમ? ધારિયું તારા એકલા કને હશે? આંય ધારિયાં નંઈ, ભાલાય છં! આઘો તો આય એક વારકો. ટશકઈ મેલું છું કે નંઈ?... પોપટને લાગ્યું. હવે ચૂપ રહેવામાં સાર છે. સાજા હશું તો મગફળી તો પૉરેય ક્યાં નથી વવાતી? અત્યારે ખોટી ફિશિયારી કર્યામાં નથી ને ક્યાંક કથોલું વાગી જાય તો - લેવાના દેવા પડી જાય કે બીજું? એના કરતાં તો ટૂંટિયું વાળી પડ્યા રહો! આમેય આવ્યા છે તે બાંધ્યા વના ઓછા રહેશે?

વાડની પેલી મૅર મોહન અને એનો ખેડુ સળવળ્યા. કૂતરો તો ક્યારનોય ભસવા લાગી ગયો હતો.

- મોંનો ના મોનોં પણ પોપટભાઈના શેતરમાં કાંક ડેંડવોંણું થ્યુ લાગં છં, પપ્યોલ!

- હશે! આપડે શું! મોહને બેપરવાઈ બતાડી: ‘પડ્યો રે', તું તારો!’

પણ થોડીવાર પછી એને થયું... પોપટ ભલે મને બોલતો હોય... પણ મારો દશમન તો નથી જ... ગમે એમ તોય આપણો શેઢા પાડોશી. એનું ખરાબ તાકીએ એમાં ભગવાન રાજી ના રહે...! મોહન પછી તો ઊભો થઈ ગયો. ખેડુને ઉદ્દેશીને બોલ્યો ‘રામજી ઊભો થા હેંડ!... મોહનનો નિશ્ચય જોઈ રામજીએ પછી મોડું કર્યું. પળવારમાં ધારિયું લઈ લીધું. આગળ થયો. પણ તરત સામે વાડ મોં ફાડીને ઊભેલી જોઈ જાણે કે પાછો પડી ગયો.

- વાડ?

કડિયાળી ડાંગ લઈ પાછળ વાવાઝોડાની જેમ ધસી આવેલા મોહનનો વખતે પિત્તો ગયો ‘ટશકઈ મેલ! ઈમાંય શિખવાડવાનું? છેંડું પાડતાં વાર ચ્યેટલી?

પછી તો રામજીએય છીંડું તો છીંડુ. રીતસરની જાણે કે ગાડાવાટ પાડી દીધી. બરાબર વખતે પોપટે મોટેથી બૂમ મારી: ‘મોહનભઈ! ધાજો એ! ખાટલામાંથી ઊભો થઈ ગયો હતો. મોહન અને રામજી ને આવતા જોઈ એનામાં હિમ્મત આવી ગઈ.

- ઊભા રેહજો! તમારી માના ધણીઓ! મોહનનો પડકારો સીમમાં દૂર સુધી ફેલાઈ ગયો.

- નાહોં લ્યા! કોક કાળનો ભરેલો આવતો ભાળું! થોડી વાર પહેલાં ટશકઈ મેલવાની વાતો કરતા ચોરો ઘરની પછેડીઓ મેલીને નાઠા. મોહન અને રામજી તો ઠેઠ નાળિયા લગણ પાછળ દોડ્યા. શૂરાતન ચઢ્યું હતું પછી.

પોપટ અવાચક લીલા નિહાળી રહ્યો હતો. મોહને આવીને એના હાથમાં ધારિયું પકડાવ્યું: ‘હાહરા ભાગી જ્યા! લે રાખ પોપટ! અમે જઈએ. મારે તો ભરેલા કોથલા હૂના છં! રામજીને મેલતો જઉં?’

પોપટે માથું ધુણાવી ના પાડી.

- તું તારે નિરાંતે હૂઈ જા. ફેરવારકો કોય બાપોય નંઈ આવે! રામજીની સાથે મોહન અંધારામાં ઓગળી ગયો. મોહને ભલે ઊંઘવાનું કહ્યું પણ બનાવ પછી ઊંઘ આવે? પોપટ ટૂંટિયું વાળીને પડ્યો રહ્યો. છેક મળસકે આંખ મળી. જાગ્યો ત્યારે જોયું તો ત્યારે તો રામજી-

- શું કરે છે, રામા?

- છેંડું બૂરું છું! જુવોંને ભઈ! રાતે મીં રઘવાટમાં આખી ગાડાવાટ પાડી દીધી એ!

- કાંય બૂરવું નથી. મેલ છાલ! છો રયું! પોપટે એને વાર્યોઃ ‘મું તો વેહલી તકે વાડે ટશકઈ મેલવાનો,!

સ્રોત

  • પુસ્તક : વાડ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : કલ્પેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન
  • વર્ષ : 2008