Upar Raheti Stree - Short Stories | RekhtaGujarati

ઉપર રહેતી સ્ત્રી

Upar Raheti Stree

ધર્મેશ ગાંધી ધર્મેશ ગાંધી
ઉપર રહેતી સ્ત્રી
ધર્મેશ ગાંધી

સવાર થઈ ને બારી-બારણાં ખૂલ્યાં. રાતભર અંદર ઘેરાઈ રહેલી હવા એક પરિચિત હવડવાસને લઈને પક્ષીઓના સંગાથે ઊડી ગઈ. આગળના રૂમમાં આવીને દેવસ્થાને બેઠી. મખમલી કપડા વડે ભગવાનની મૂર્તિઓને ચોંટેલી રજકણો સાફ કરી. રૂની દીવેટ બનાવી ઘીમાં બોળીને સળગાવી. બહારથી આવી રહેલી પવનની લહેરખીઓથી દીવાની જ્યોત ડગમગવા લાગી. એણે બંને હાથની આડશ કરી. પણ ક્યાં સુધી? વિચારી રહી. ઉપર ઊઠતી લહેરખીઓ ખૂબ તેજ હોય છે. અડીખમ સળગી રહેલી જ્યોતને પણ પળવારમાં હોલવી નાખે. દીવાસળી એણે હાથવગી રાખી મૂકી. ચંદનની અગરબત્તીઓ સળગાવીને મૂર્તિઓને અબીલ- ગુલાલનાં તિલકો કર્યાં. ચપટી સિંદૂર એણે પોતાની સેંથીમાં પણ પૂર્યું, પછી હાથ ખંખેર્યાં. આંખો બંધ કરીને એણે પિત્તળની ઘંટડી રણકાવી. ધીમા સ્વરે આરતી ગાવાનું શરૂ કર્યું.

ઘંટડીના તીણા રણકારમાં બાકોરું પાડતો હોય એમ બહારથી ‘ઠક... ઠક...’ અવાજ ઉદ્ભવ્યો અને દેવસ્થાન સુધી ફરી વળ્યો. સમય મળે છે એને પગથિયાં ઊતરવાનો! આરતી ગાતાં ગાતાં પણ એનાથી બોલાઈ જવાયું. એપાર્ટમેન્ટની સીડીના માર્બલ અવાજમાં પોતાનો એક વિશિષ્ટ લહેકો ઉમેરી રહ્યા હતા. થોડી ક્ષણોમાં પરફ્યુમની જલદ વાસ પણ ચંદનની અગરબત્તીની સુવાસ ઉપર હાવી થવા માંડી.

આવું બધું તે કંઈ ચાલતું હશે અહીં? ઘર-પરિવાર લઈને બેઠેલા લોકોની વસ્તીમાં તે વળી આવું શોભા દે? લોકો કેવી કેવી વાતો કરે! એણે બારી બહાર નજર કરી. બધા પોતપોતાની ધૂનમાં અવરજવર કરતા હતા. લોકોનેય શું? આંખો ફાડીને તાક્યા કરવાનું... મેક-અપથી ભરેલો ચહેરો, કમર લચકાવતી ચાલ, ટૂંકાં વસ્ત્રો, હોઠ દાબીને હસવું ખાળતી અદા... કાગડોળે સવાર-સાંજ એના આવવા - જવાની રાહ જોયા કરતા લોકો... કોણ ફરિયાદ કરે, ને કોને કરે? મનોમન બબડી. જોકે પાસ-પડોશના રહેવાસીઓ આમ તો નજરના ચોખ્ખા છે. પોતાની તરફ તો ક્યારેય આંખ ઉઠાવીને કોઈએ નથી જોયું. એને થયું, જોવાનું પણ શું હોય? તો આમેય પગથી માથા સુધી ઢંકાયેલી તો રહેતી. લોકો જાણે ને, તો ભગતની પત્ની... ભગત! હા, ભગત તો! એને ઘડીભર રમૂજ થઈ આવી. અનિકેતને નજીકના-દૂરના બધા ‘ભગત’ નામથી સંબોધતા. અને સંબોધે કેમ નહિ! દિવસ-રાત ભક્તિમાં તો લીન...

સાંજે ઉપરવાળી સ્ત્રી આવે એટલી વાર, એણે મનોમન બબડાટ કર્યો, સીધી એના ફ્લેટ ઉપર પહોંચી જઈને સંભળાવી દેશે શું ધંધા માંડ્યા છે? જોકે બે દિવસ પહેલાંની સાંજે પણ, એને યાદ આવ્યું, એવો નિર્ધાર કરીને બેઠી હતી. દરવાજો ઉઘાડીને ઘરના ઉંબરે ઊભી હતી. ઉપરવાળી સ્ત્રી મોડી સાંજે એપાર્ટમેન્ટનાં પગથિયાં ચઢી. એણે સાવ નજીકથી એને પસાર થતી જોઈ હતી. ઉઘાડી પીઠ! સપાટ ગોળાકાર નાભિ! સ્લીવલેસ બ્લાઉઝ! અને કમરની છેક નીચે સુધી પહેરેલી સાડી! ગરદનના વળાંકમાં ત્રોફાવેલું પતંગિયાનું ટેટૂ! ગરદનનો ઝાટકો મારીને એણે નજર ફેરવી લીધી હતી. ત્યાં ઊભી રાખીને એને ખખડાવી નાખું એવું થઈ આવેલું. પેલી તો ગીત ગણગણતી સડસડાટ કરતી ઉપર તરફ જતાં પગથિયાં ચઢી ગયેલી. પોતે પગ પાછા વાળી લીધેલા. ઘરનો દરવાજો ધડામ દઈને વાસી દીધેલો. પણ એને અડીને પસાર થઈ ગયેલી માદક વાસને ઘરમાં ધસી આવતાં રોકી શકી હતી.

આયના સામે ઊભી રહી ગઈ હતી. કમરેથી સાડીનો છેડો થોડો સરકાવીને જોયું તો એનું નાભિકમલ ક્યાંક ગુમ થઈ ચૂક્યું હતું. હાથના કાંડા સુધીની બ્લાઉઝની બાંય એના શરીરને જકડી રહી હતી. પાછળની દીવાલે લટકતા કેલેન્ડર ઉપર નજર પડી. ઈજિપ્તના પિરામિડમાં પોઢેલા મમીના ચિત્રને ક્ષણભર તાકતી રહી. સહેજ ડોક ફેરવી જોઈ. ગરદન પાછળ કાનની બૂટ નીચે રુવાંટી સિવાય કશું નજરે ચઢ્યું. ટેટૂ ત્રોફાવ્યું હોત તો પણ ઢંકાઈ ચૂક્યું હોત. આઈના તરફ પીઠ કરી. સૂકા હોઠ ઉપરથી એક ધગધગતો નિશ્વાસ ખરી પડ્યો. પીઠનો એક-એક સુંવાળો અણુ આખા ગળાના કોલરવાળા બ્લાઉઝમાં દટાઈ ગયો હતો. એક સમય હતો જ્યારે સહેલીઓ વચ્ચે સ્પર્ધા જામતી કોની પીઠ ઉપર સૌથી વધુ તલ! જીતી જતી.... પછી ઘરે આવીને આયના ભણી પીઠ ઉઘાડી કરીને વિજયી તલને જાણે કે તિલક કરતી હોય એમ નીરખ્યા કરતી... એને હસવું આવી ગયું. કેવી નાદાન હતી પોતે! આજે આયનો કહી રહ્યો હતો અરી ભગત-પત્ની, તને એવાં મેક-અપ અને ટૂંકાં વસ્ત્રો શોભે? લોકો શું કહેશે?

ઉપરવાળીને તે શું લાજ-શરમ? વિચારી રહી. એને ક્યાં પતિ છે! કોઈને પણ પતિ બનાવી લેવાનો, એક રાત માટે! મારે એના જેવું ઓછું છે! ઘર છે, પતિ છે, એનું જોવાનું. લોકો શું કહેશે વિચારવાનું. મારાથી તે વળી એના જેવા થવાય? તે દિવસે પણ કેવી લાલી-લિપસ્ટિક કરીને નીકળી પડી હતી! અને વસ્ત્રો તો... ઘૂંટણથીયે સાવ ઊંચે! મારાથી કંઈ એવું પહેરીને નીકળાય? ભલેને પગ દૂધ જેવા ગોરા હોય, પણ એમ કંઈ ઉઘાડા રાખીને ઓછા ફરાય! સાપણ જેવી લીસી પીઠ હોય, પનિહારી જેવી પાતળી કમર હોય, પણ બધી કોલેજકાળમાં મળેલી ઉપમાથીયે શું? અંગોનું આમ પ્રદર્શન કરતાં ફરવાનું? ના, ના... લોકો કેવા તાક્યા કરે! બધું ઉપરવાળીને શોભે, એક ભગત-પત્નીને નહિ. એના શબ્દો તૂટવા માંડ્યા... અગરબત્તીનો એકધારો ધુમાડો એનાં ફેફસાંમાં ભરાઈ જવાથી એણે ગુંગળામણ અનુભવી.

ઊભી થઈને એણે કબાટમાંથી જૂની વસ્તુઓ ઉથલાવવા માંડી. છેલ્લાં ત્રણ વરસથી સંગ્રહી રાખેલી વસ્તુઓ... શું કામ છે બધી નકામી વસ્તુઓનું? એને અણગમો થઈ આવ્યો. બધું કેટલી જગ્યા રોકી રહ્યું હતું! લગ્ન પહેલાંના એના પ્રવાસના ફોટાઓ, જૂનું મેક-અપ બોક્સ, તૂટી ગયેલી ફ્રેમવાળાં ગોગલ્સ, ફેન્સી- એન્ટિક આભૂષણો... વરસોથી બંધ પડેલું ડ્રોઅર ઉઘાડતાં એક પરિચિત મહેક પથરાઈ ગઈ. ડ્રોઅરમાં ઢોળાઈને અડધી ઉપર ખાલી થઈ ચૂકેલી પરફ્યુમની બાટલીઓને એણે હાથમાં લીધી અને ફરીથી અંદર મૂકી દીધી. ત્રણ વરસની બંધિયાર વાસ સમેટીને લોંદો વળી ગયેલાં કેટલાંક વસ્ત્રો... ચૂંથાયેલાં વસ્ત્રોમાંથી એકની ગડી ઉઘાડી. ડેનિમ-જીન્સનું શોર્ટ્સ મૂર્છિત થઈને પડ્યું હતું. ‘સાઇઝ ટેગ’ ઉપર નજર પડતાં એક નિસાસો સરી પડ્યો. કમર માટે હવે ટેગ બંધબેસતું નથી, કપડાથી ઢંકાયેલી કમર ઉપર હાથ ફેરવતાં એનું મન બોલી ઊઠ્યું... જૂનાં વસ્ત્રો પોતાની વય ગુમાવી ચૂક્યાં હતાં. ઢગલામાં પડેલું સ્લીવલેસ ટી-શર્ટ એની સામે લાચારીથી તાકી રહ્યું હતું. એની ઉપર લટકતું કોઈક બ્રાન્ડનું લેબલ હજીયે અકબંધ હતું. એના કુંવારાપણાની હાલત દર્શાવી રહ્યું હતું. સમજું છું હું તારી એકલતા, ટી-શર્ટને તાકતાં બોલી, ખરીદતી વખતે તો પહેર્યું હતું તને! પછી ક્યાં એવો કોઈ પ્રસંગ નીકળ્યો! વિચારેલું... હનીમૂન ઉપર કોઈક હિલસ્ટેશને... પછી વિચાર્યું, દરિયાકિનારે. પણ, તારું નસીબ; કે કમનસીબ?

અધમૂઆ થઈ ચૂકેલા ટી-શર્ટમાં એકાએક જાણે કે જીવ આવ્યો. એની અંદર એને પોતાનું શરીર સમાઈ રહ્યું હોવાની અનુભૂતિ થઈ આવી. ટી-શર્ટના ગળામાંથી એક ચહેરો ઊપસી આવ્યો. ત્રણ વર્ષ પહેલાંનો એક ખુશનુમા ચહેરો! ખાદીનું બ્લાઉઝ ઉતારીને ફેંક, ચહેરો બોલી ઊઠ્યો. સ્તબ્ધતાથી જોઈ રહી. શું તું છે જે અગરબત્તીના ધુમાડામાં ધૂંધળી પડી ગઈ છે? ચહેરો જાણે કે એનો ઉપહાસ ઉડાવી રહ્યો હતો. શરીર તો મારું છે, બોલી, પણ હું ક્યાંયે જડતી નથી. ક્યાં શોધું હું મને? ઘરમાં? મંદિરિયામાં? અનિકેત પણ ઘરમાં તો છે, છતાં પણ ક્યાં મળે છે મને! એણે ટી-શર્ટ હાથમાં લઈને ક્યાંયે સુધી પસવાર્યા કર્યું. ધડકતા હૃદયે ગળામાં નાખ્યું. પણ ગળામાં અગરબત્તીનો ધુમાડો બાઝ્યો. બીજી ક્ષણે ટી-શર્ટનો ડૂચો વાળીને એણે ખૂણામાં ઘા કરી દીધો. કબાટ ફરીથી બંધ થઈ ગયો, સજ્જડપણે!

એક દિવસ એની નજર ઉપરવાળીની પીઠ ઉપર પડેલા લાલ ચકામા ઉપર પડી ગઈ. એના શરીરમાં સળવળાટ શરૂ થયો. રાત પડે ને એક આગવી અદામાં બેડરૂમમાં લેટેલી હોય. અનિકેત તરફ તાકી રહી હોય. અનિકેતના હોઠ ઉપરથી સરી રહેલું સ્તુતિ-ગાન સમાપ્તિને આરે હોય. માળા ઉપર આંગળીઓ સરકી રહી હોય. સૂતાં પહેલાંની દિનચર્યાથી વાકેફ એણે ગણતરી માંડી... એકસો-આઠ વખત માળા ફેરવવા માટે, મંત્રોચ્ચાર માટે, અને અંતે દસેય દિશાઓમાં અગરબત્તીની ધૂમ્રસેર પ્રસરાવવા માટે અનિકેતને લાગતો અંદાજિત સમય વિચારી લેતી. હજુ પચ્ચીસ-ત્રીસ મિનિટ ખરી, બબડતી. આખા દિવસના કામકાજે થકવી નાખેલાં એની આંખોનાં પોપચાં ઢળી પડવા માટે જોર લગાવી રહ્યાં હોય. એમને વીનવીને રોકી રાખતી. પડખાં ફેરવવાનું એનું સાતત્ય જળવાઈ રહેતું. આંખ મટકું મારી દે બીકે ઊભી થઈ જતી. એવી કોઈ ખાસ જરૂર હોય નહિ, છતાં બાથરૂમમાં જઈ આવતી. શક્ય એટલો વધુ સમય વેડફીને ‘ફ્રેશ’ થઈને બહાર આવતી. થોડી થોડી વારે ઘડિયાળ ભણી નજર કરી લેતી. રસોડામાં જઈને ગેસનાં બટન તપાસી લેતી. રાતનું વધેલું ખાવાનું ફ્રિજમાં મૂક્યું છે એની ખાતરી કરી લેતી. મુખ્ય દરવાજાને આગળો-સ્ટોપર માર્યાં છે પણ ચકાસી લેતી. આગળના રૂમમાં ગોઠવેલા દેવસ્થાન ભણી એની નજર જતી. સવારે સળગાવેલી અગરબત્તીની વિખેરાઈ રહેલી રાખ એની નજર સાથે ચોંટી જતી.

પછી અનિકેતને ઘરના ખૂણાઓમાં અગરબત્તીની ધૂમ્રસેર પ્રસરાવતો જોઈને બેડરૂમ તરફ પગરવ માંડતી. ઊંઘને માત આપીને સમયને સરકાવી દેવાની ભરપૂર કોશિશ કરતી. રાત્રીનો ખાસ પોશાક પહેરતી. પણ અનિકેત... પૂજાવિધિ પૂર્ણ થતાં લાઇટ પણ બંધ કરી દેતો. એની આંખો સામે અંધકાર છવાઈ જતો. આછા પ્રકાશમાં બેડ ઉપર પોતાના શરીરનો ઘા કરતી. ‘આજે અગિયારસ છે... મોટી રાત!’ અનિકેતના શબ્દો કાનમાં ઘસરકો પાડી ઊઠતા. ક્યારેક બોલાયેલા શબ્દો પણ સાંભળી લેતી, અનુભવી લેતી- ‘આજે તો સોમવતી અમાસ... આજે તો મહા-પૂર્ણિમા... આજે તો.... વર્ષમાં આવા સંયોગો બહુ ઓછા આવે!' બંધ આંખે પોતાની અંદર સળવળી રહેલા કોઈક અણુને પૂછી લેતી શું ખરેખર આવા સંયોગો ઓછા આવે? થોડી વાર પહેલાં બિડાવા માટે દબાણ કરી રહેલાં એની આંખોનાં પોપચાં હવે બંધ થવા માટે આનાકાની કરી ઊઠતાં; જીદે ચઢતાં. અને રાત પણ એક સંયોગની જેમ, એક કાળ-ચોઘડિયાની જેમ પડખાં બદલતાં બદલતાં રૂંધાતી-રિબાતી પસાર થઈ જતી.

આજે રાતે તો અનિકેત પણ ઓફિસના કામ અર્થે બહાર છે. હવામાં ઝૂલતા કેલેન્ડરને તાકી રહી. રાતે સીધી ઉપરવાળીના ફ્લેટમાં પહોંચી જશે. કોને ખબર એના ઘરમાં કેવાં વસ્ત્રોમાં હોય! કદાચ સાવ આંતરવસ્ત્રો જેવું જ... ભલેને હોય! એની ઉપર હું મારી દૃષ્ટિ ટકાવી શકું તો આડે મોઢે વાત કરી લઈશ. ઉપરવાળીને ત્યાં જશે; જો કોઈક પુરુષ શું કહેવાય લોકોની ભાષામાં? હા, ‘ક્લાયન્ટ’ પેલીના ઘરમાં હાજર હશે તો પોતે આખા એપાર્ટમેન્ટને ભેગું કરી નાખશે! આવા સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણમાં વળી એવી જિવાતોને સ્થાન હોય? ઉપર રહેતી સ્ત્રીને ‘રંગે-હાથ’ પકડશે; અહીંથી એનો નિકાલ કરાવીને જંપશે.

આખરે સૂરજ ડૂબ્યો. ‘આવો, બહેન! તમે તો પહેલા માળવાળાંને!' એને પોતાના દરવાજે ઊભેલી જોતાં ઉપરવાળી સ્ત્રી બાજુ પર ખસી ગઈ.

પેલી સ્ત્રીએ કરી આપેલી જગ્યામાંથી ધીમે ધીમે આગળ વધી. ઘરના ચારેય ખૂણે એની નજર ફરી વળી. સફેદ રંગની દીવાલો આંખોને ઠંડક આપી રહી હતી. ફર્નિચર ખપ પૂરતું જ... સોફો, પ્લાસ્ટિકની બે ખુરશીઓ, કાચની ટિપાઈ. દૂધિયો પ્રકાશ રેલાવતી એક ટ્યુબલાઇટ. એણે ધારેલા એવી લાલ-પીળી રોશની ફેલાવતા કોઈ બલ્બ નહિ. તો કોઈ રંગીન વાતાવરણ કે કોઈ કામુક ચિત્રો. બારીઓને કાચ ખરા, પણ પારદર્શક. બધું આરપાર જોઈ શકાય એવું. પડદાનું નામોનિશાન નહિ. કદાચ સંતાડવા જેવું સ્ત્રી પાસે કશું હતું નહિ.

‘બેસોને!’

એની નજર આમતેમ ફંગોળાતી રહી. બારી નજીક રાખેલા એક નાના શો- કેસ ઉપર જઈને અટકી. એમાં ‘શો’ની કોઈ વસ્તુઓ નહિ, ફક્ત પુસ્તકો હતાં!

‘અને હા, થેંક યુ!’ ઉપરવાળી સ્ત્રી બોલી, ‘તમારા ‘ફ્લોર’ આગળ હું રોજ સવારે બે મિનિટ થોભું છું. તમારા ઘરમાંથી આવતી ચંદનની અગરબત્તીની સુવાસ... ઘંટડીનો આછો રણકાર... એક આહ્લાદક વાતાવરણ ખડું કરે છે!' પેલી સ્ત્રીએ આંખો બંધ કરીને ખુરશીમાં પીઠ ટેકવી.

એની નજર ઘરના એક ખૂણામાં સ્થિર થઈ. ખીંટીએ નાનકડું મંદિરિયું લટકી રહ્યું હતું. ઇલેક્ટ્રિક દીવો કાયમ ઝબૂકતો રહે એવી એમાં વ્યવસ્થા હતી. ગણેશજી અને મા સરસ્વતી બિરાજમાન હતાં. એને ગુમસુમ જોઈને પેલી સ્ત્રી બોલી, ‘તમે નસીબદાર છો. ઘર છે; પરિવાર છે. પોતાનું કહેવાય એવું કોઈક છે!' એણે પોતાની નજર ફેરવી લીધી.

એને પણ કશુંક કહેવું હતું... બહારની ઠંડી લહેરખીઓ એને પણ પસંદ હતી. ચોમેર ઊડતાં પતંગિયાંઓ એને પણ આકર્ષતાં હતાં. મુક્ત મને ખુલ્લા આકાશમાં ઉડાન ભરવી એનું પણ સપનું હતું. પણ... કશુંક બહાર નીકળી શક્યું નહિ; હંમેશની માફક અંદર ને અંદર ચૂંથાતું રહ્યું. પેલી સ્ત્રી ઊભી થઈ અને મંદિરિયા પાસે ગઈ. ઇલેક્ટ્રિક દીવાની લગોલગ તાજા ઘીનો દીવો પ્રગટાવ્યો.

હાંફી રહેલા વિચારોને એકત્ર કરી બહાર નીકળી ગઈ. પોતાના ઘરમાં પ્રવેશતાં ફરી પેલી બંધિયાર હવા એના શ્વાસમાં ભળી જવા માટે બેબાકળી થઈ ઊઠી. હવડવાસમાં વધુ એક રાત વીતી ગઈ.

*

‘શી વાત છે?’ બીજી સવારે અનિકેતે ઘરમાં પ્રવેશતાં પ્રશ્ન કર્યો, ‘ઘણા દિવસોથી તારા ચેહરા ઉપર કોઈ હાવભાવ નથી વર્તાતા. એવું લાગે છે જાણે કે ચહેરા ઉપર કોઈક મહોરું પહેરી રાખ્યું હોય!’

‘ગૂંગળામણ હવે વધતી જાય છે!’ બોલી, ‘અહીંની વસ્તી પણ તો...’

‘વસ્તી? અરે, તું પેલી ઉપરવાળીની વાત કરે છે?’ અનિકેત જાણે કે વાતનો તંતુ પારખી ગયો હોય એમ અવાજમાં ઉત્તેજના ભેળવતાં બોલ્યો, ‘એ તો જતી રહી... હંમેશ માટે! કોઈને કશુંયે જણાવ્યા વગર! પેલો દુકાનવાળો બોલતો હતો, રાતોરાત સામાન સમેટીને તો ઊપડી ગઈ!’

એનો હાથ એકાએક કબાટના હેન્ડલ ઉપર થીજી ગયો. સ્થિર આંખે અનિકેતનો ચહેરો તાકી રહી.

‘ઉપરવાળાના આશીર્વાદ. આવી સ્ત્રીઓને ઘર-પરિવારવાળી વસ્તીથી દૂર રાખે!’ ભગવાન સમક્ષ હાથ જોડતાં અનિકેત બોલ્યો, ‘ચાલ, દીવો સળગાવી દે!’

એની નજર આયનામાં જડાઈ ગઈ. એનું પ્રતિબિંબ મંદ મંદ હસી રહ્યું હતું. અને આમ આખો દિવસ એની સામું જોઈને હસતું રહ્યું. જાણે કે એને કહેવાની કોશિશ કરી રહ્યું હતું ભલે જતી રહી. ઉપર રહેતી સ્ત્રી તો હું છું; તારી ઉપર રહેતી સ્ત્રી... હું ક્યાંયે નહીં જાઉં.

સવાર થઈ ને ફરી બારી-બારણાં ખૂલ્યાં. દેવસ્થાને બેઠી. આંખો બંધ કરીને ઘંટડી રણકાવી. ઘંટડીના તીણા રણકારમાં ફરી એક વખત બાકોરું પાડતો હોય એમ બહારથી ‘ઠક.. ઠક..’ અવાજ ઉદ્દભવ્યો. એના હાથમાંથી ઘંટડી છટકી ગઈ. ઝડપભેર ઊભી થઈને એણે ઘરનું મુખ્ય બારણું ખોલી નાખ્યું. આસપાસ નજ૨ ફેલાવી. એની નજર કશુંક શોધી રહી હતી. પણ ક્યાંયે કશું નજરે ચઢ્યું. ધીમા પગલે ફરીથી ઘરમાં પ્રવેશી ગઈ. થોડી વાર સ્થિર ઊભી રહી. દરવાજો બંધ કરતાં પહેલાં ફરી એક વખત એણે બહાર નજર કરી લીધી.

અગરબત્તીની ગંધ ઘરમાં પ્રસરી રહી હોવાની એને અનુભૂતિ થઈ આવી. આયનામાં રહેતું એનું પ્રતિબિંબ હજીયે સ્મિત રેલાવી રહ્યું હતું. આગળ વધીને એણે ફરી એક વખત કબાટમાં સંગ્રહી રાખેલી વસ્તુઓ તરફ દૃષ્ટિ માંડી. સ્લીવલેસ ટી-શર્ટ તથા ડેનિમ-જીન્સના શોર્ટ્સ પરની કરચલીઓને હળવે હળવે દૂર કરવાની કોશિશ કરી. આયના સામે માથું ઊંચું કરીને એણે છાતી ટટ્ટાર કરી. પોતાના સંપૂર્ણ વ્યક્તિત્વને ઢાંકી રહેલાં ભારે આવરણોને એક પછી એક શરીર ઉપરથી અળગાં કર્યાં. પોતાની જાતને તાકી રહી, એકીટશે... થોડી ક્ષણો માટે એને વ્યક્તિત્વ પોતાનું હોવા અંગે શંકા ઉદ્ભવી. પણ પછીની ક્ષણે એણે ગૂંથાયેલાં વસ્ત્રોની ગડી ખંખેરીને શરીરને હવાલે કર્યાં. પછી ક્યાંયે સુધી ચારેય દિશાઓમાં ફરી ફરીને એણે બદલાયેલા પ્રતિબિંબને જોયા કર્યું. લગભગ ખાલી થવા આવેલી પરફ્યુમની બોટલમાંથી બેચાર ફુવારા શરીર ઉપર છોડ્યા. ત્રણ વર્ષથી વણપહેર્યાં ‘પેન્સિલ હીલ’ સેન્ડલ સરખાં ગોઠવીને એણે એમાં પગ નાખ્યા.

એની ધીમી પરંતુ મક્કમ ચાલ દરવાજા ભણી આગળ વધવા માંડી. સાથે ‘ઠક-ઠક’નો એક પરિચિત અવાજ ઉદ્દભવ્યો. ચંદનની અગરબત્તીની ગંધ ઉપર મંદ પડી રહેલી પરફ્યુમની મીઠી સુવાસ ધીમે ધીમે હાવી થવા માંડી.

સ્રોત

  • પુસ્તક : એતદ્ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : કમલ વોરા, કિરીટ દૂધાત
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2021