મધુ રાય
Madhu Rye
હરિયો યુગવિમાનમાં બેઠો'તો.
યુગવિમાનની બક્ષિસ ઘણા ટાઇમથી મળેલી પણ ઘર-બારની જંજાળમાં મરવાનીય ફુરસદ નહોતી મળતી ત્યાં વળી વિમાનની પંચાત કયાં કરે. પણ હમણાંકથી વળી વિમાનનો અસરકો ચડેલો. એક દિવસ અંદર બેસીને ચાંપું વગેરે કયાં છે, બળતણ કેમ ભરાય છે, નકશો કયાં છે બધું જોઈ આવેલો. પણ માસ્ટરી હજી આવી નહોતી.
હવે એવાં જ કાંઈક ખાખાંખોળાં કરતો હતો ને ગધનું શું યે થયું કે કાંઈક ભળતા જ મુલકમાં આવી ચડ્યો. નકશો ખોલીને જોયું તો પોતે હતો ઊંટલોકમાં.
*
હજી તો વિમાન ઊભું રહે તે પહેલાં બે બાજુથી બે ઊંટ દોડતા આવ્યા અને હરિને ઉતાર્યો. સામાસામાં ગાળાંમાં ઘડીઆળ લટકતાં હતાં તેમાં જોઈને બંને ઊંટ કહ્યું, “ઊંવાંચે ઊં.” કોક કળથી હરિયો સમજ્યો કે બંને જણે ઊંટ ભાષામાં કહ્યું કે “ટામમસર ઊતર્યો.” હરિયે બહુ મેનત કરી સમજાવવાની, કે આ તો અકસ્માત મનુષ્ય લોકમાંથી ઊંટલોકમાં આવી ચડ્યો છે, પણ ઊંટોએ વાત પોતાની જ પકડી રાખી કે “ઊંવાંચે ઊં' !
ઊંટલોકોએ માણસની ચામડીના ડગલા પહેરેલા. હરિયાને બાંધીને એ લોકો લઈ ગયા પોતાના સેન્ટરમાં એ સેન્ટરમાં સિંહલોકો રીસર્ચ કરતા હતા, વરુઓ ચોકી કરતા હતા, વાઘ એન્જિનિયર હતા, હાથી રસોઇયા હતા અને વાંદરા કડિયા હતા. બધા અંદરોઅંદર પોતપોતાની બોલી બોલતા, પણ ઊંટોની સામે ઊંટ ભાષા. બધાં પ્રાણીઓએ માણસની ચામડીના ડગલા પહેરેલા.
સુરસિંહ નામે એક વૃદ્ધ સિંહે હરિને સામે બેસાડ્યો. ટેબલ માણસોના હાડકાંનું બનાવેલ હતું. સુરિસંહે હરિને કહ્યું, કે બે દિવસ પહેલાં અમે એક વિમાન છોડેલું, એમાં તને - હરિને - બેસાડેલો. એ વિમાન ઉડાડેલું સૃષ્ટિનો ભેદ સમજવા. સૃષ્ટિની માયા એવી છે કે અંતરીક્ષમાં ઉડાડેલું વિમાન વર્ષો, દાયકાઓ, યુગો સુધી ફર્યા કરે, એમાં રહેલો જીવ વર્ષો સુધી જીવે પણ વિમાન પાછું ઊંટલોકમાં ઊતરે ત્યાં કેવળ બે જ દિવસ અને અઢી ઘટિકા જ થઈ હોય. અંદર બેઠેલા જીવને થાય કે પોતે અકસ્માત આવી ચડ્યો છે, પણ એ બધું સિંહોએ કરેલી ગણતરી પ્રમાણે જ, “ઊંવાંચે ઊં”
ડી-બ્રીથિંગ એટલે ઊંટલોકના બે દિવસ, અઢી ઘટિકામાં વીતાવેલા યુગોમાં હરિયાના મગજ ઉપર શી - શી છાપ પડી છે તે સમજી, લખી એ તો મર્મ સમજવો, તે.
રી–ઓરિએન્ટેશન એટલે ઊંટલોકની ભાષા, રીત-રસમ વગેરે હરિયો ભૂલી ગયો છે, એટલે હરિયાને ફરીથી એ બધી વસ્તુઓથી માહિતગાર કરવો અને ફરીથી હરિયાને ઊંટલોકની જ્ઞાનપિપાસામાં ઉપયોગી કડી બનાવવો, તે.
સુરસિંહે કહ્યું કે એ બંને વસ્તુ જુદી-જુદી નથી. બંને વસ્તુઓ આમ તો એક જ પ્રક્રિયા છે. એની રીતિ છે, હરિયાને ઊંટલોકમાં છૂટો છોડી દેવો. એ જે-જે કરે તેની નોંધ રાખવી અને જે વિચારે તેનો રેકર્ડ રાખવો.
સુરસિંહે પોતાનો ગદા જેવો પંજો કેશવાળીમાં ફેરવ્યો. દાખલા તરીકે આ “માથામાં હાથ ફેરવવી” એ ક્રિયા છે. એ જોઈને હરિને શું યાદ આવે છે ? હરિએ કહ્યું કે એ જોઈને “માથામાં હાથ ફેરવવાની ક્રિયા' યાદ આવે છે. મનુષ્યલોકમાં માણસો એવું કરે છે. સુરસિંહે કહ્યું, કરેક્ટ માણસો અહીંની ઘણી વસ્તુઓની નકલ કરે છે. પણ એ બીજા યુગની, બીજા લોકની, બીજી વાતો છે.
હરિએ યાદ રાખવું કે એના મગજ ઉપર એનો અધિકાર નથી. ઊંટલોકની સમસ્ત ચેતના તે એક પ્રચંડ સમૂહ છે. આખ્ખી ચેતના એક મોટો પિણ્ડ છે, અને એ પિણ્ડ સામૂહિક રીતે વિચારે છે. હરિની અંગત ચેતના એને મન અંગત અને અનન્ય છે, પણ એ હરિનો ભ્રમ છે. એની ચેતના ખૂબ જ સૂક્ષ્મ રીતે મુકાએલા ગણિતના દાખલાના ઉત્તરની જેમ, જે રીતે એના મગજમાં ગોઠવાઈ છે, એ જ રીતે વિચારે છે, અને આ ક્ષણે એના મગજમાં આવતા વિચારો એના કારણે જ આવે છે. સુરસિંહે મોટું બગાસું ખાઈ ગર્જના કરી. હરિઓ સમજ્યો કે મુલાકાત પૂરી થઈ છે.
*
ઊંટલોકમાં સૌ પશુઓ સંપીને પોતપોતાનું કામ કરતાં હતાં. ઊંટ કરતાં જિરાફ ઊંચું હતું પણ કોઈ હોંસાતુંસી નહોતી. એક જ અજબ વાત એ હતી કે માણસોનો ઘોર દુરુપયોગ થતો હતો. દરેક પશુને ઘરે એક પાળેલો માણસ હતો.
એ પાળેલા માણસને પશુ વળી કપડાં પહેરાવતાં, પણ માણસોના વાડામાં તો માણસો નિર્વસ્ત્ર રહેતાં, માથે પાંચ ફુટ અને ત્રણ આંગળી ઊંચું છાપરું રહેતું એ છાપરાને લીધે માણસોના શરીરનો વિકાસ એથી ઊંચો ન થતો. બરાબર પાંચ ને ત્રણ આંગળનો, ન નાનો, ન મોટો, માણસ રિસર્ચ માટે સારો ગણાતો. બાકીનાંનો ઉપયોગ ભોજનમાં થતો, અને એમનાં ચામડાં, દાંત, નખ, હાડકાં વગેરે વિધ-વિધ ઉપયોગમાં આવતાં હરિયો બરાબર પાંચ ફૂટ ને ત્રણ આંગળનો હતો. એટલે બચી ગયેલો.
અંતરિક્ષમાં ફરી આવેલો એટલે હરિયાનો મોભો હતો. એ કપડાં-લત્તાં પહેરે એથી કોઈ હસતું નહીં. અને ફાવે ત્યાં જવાની છૂટ હતી. ફાવે તેની સાથે વાત કરવાની અને ફાવે તે ખાવાની છૂટ હતી. બાકીના માણસોને અનાજ નીરવામાં આવતું. હરિયો સ્પેશલ કેસ હતો.
ઊંટલોકમાં મનુષ્યો હરિયા સાથે બહુ ભળતા નહીં. હરિયાને સ્પેશલ ટ્રિટમેન્ટ મળતી તેથી કોઈ ચિઢાતું નહીં. પણ હરિયાને કોઈ ઝાઝું મોં આપતું નહીં એટલે હરિયો મોશ્ટલી સિંહો કે ઊંટોની સાથે ફરતો.
*
એ રીતે એક દિવસ એ ચન્દ્રસેન નામે ઊંટની પડખે ચડી ગયો. ચન્દ્રસેન ઊંટલોકનો મોટો ગાયક હતો. કોક કારણસર ચન્દ્રસેનને સુરિસંહ સિંહ ગમતો નહીં. હરિયાને ચન્દ્રસેનનું ગાયન બહુ કાંઈ અપીલિંગ નહોતું લાગતું પણ વાતો કરવા માટે ચન્દ્રસેન ઠીક હતો. એટલે હરિયો ચન્દ્રસેનનો ગોઠિયો બનેલો. હરિયો બેઠો હોય ત્યારે ચન્દ્રસેન અરીસામાં જોઈને ગાયન ગાય. ચન્દ્રસેને એક સુંદર ગાયન બનાવેલું. સ્વાભાવિક રીતે એણે એ ગાયનનું નામ ‘ચન્દ્રાખ્યાન’ પાડેલું એ ગાતાં ગાતાં ચન્દ્રસેન આયનામાં જોઈને તરેહ તરેહના મોં બનાવતા. માનો યા ન માનો હરિભાઈ, ઊંટ જેવું સુંદર પ્રાણી આ વિશ્વમાં થયું નથી. ચન્દ્રસેન ગાયન પૂરું કરીને ઘણીવાર કહેતા. હરિયો મરકી રહેતો.
ચન્દ્રસેન ઘણીવાર અરીસામાં જોઈને સુરસિંહને, બધા જ સિંહને, શિયાળો, વાઘો, વરુઓ, અને મનુષ્યોને ભાંડતો. ઊંટોનો વારો પણ ઘણીવાર આવી જતો. ચન્દ્રસેન કહેતો કે પોતે સાલા રહ્યો ગરીબ ઊંટ ! બીજા ઘણા ઊંટ અમીર છે, ઘણા વાઘને ઘરે ઘણી વાઘણો છે, અને અનેક હાથીઓ પાસે સેંકડો વાડીઓ છે. એ બધા ભલે ચન્દ્રસેનને કાંઈ ન ગણતાં હોય, પણ ચન્દ્રસેન જેવો ગાયક ઊંટભાષામાં થયો નથી અને થવાનો નથી. પછી ચન્દ્રસેન આયનામાં જોઈને એક ઊંટરાગ છેડતા, અને હરિયો મરકી રહેતો. ચન્દ્રસેનના ઘરમાં ઘણા આયના હતા. કોઈવાર નવરા પડે ત્યારે ચન્દ્રસેન નવા આયના પણ બનાવતા.
*
હરિયાના મગજમાં જાતજાતના કલબલાટ થતા હતા. મનુષ્યલોકમાં હતો ત્યારે થતું હતું કે દુનિયા સમજી લીધી છે. અને બીજી જ મિનિટે હજાર હાથવાળો કાંઈક એવો દાવપેચ ખેલતો કે હરિયાને થતું ગધેડીની દુનિયા કાંઈ સમજાતી નહીં. હજી મનુષ્યલોકનો તોડ બેસાડે એટલી વારમાં તો યુગવિમાનની રામાયણ થઈ. એમાં ફરતાં વળી જે-જે અનુભવ થયા એનાથી જે વળી કાંઈ દુનિયા માટે સમજેલો એનોય દાટ વળી ગયો ને આ ઊંટલોકમાં ફરીથી એકડો ઘઊંટવાનો આવ્યો. એને લાગ્યું કે આવા ઈશ્વર જાણે કેટલાય લોક હશે. અને બધા લોકના લોકમલક સામસામા આયના રાખીને બેઠા હશે. અને સામસામી નકલું કરતા હશે.
હવે હરિયાના મગજનો સુવાંગ વિચાર કહો કે સુરસિંહના ગણિતની કમાલ કહો, હરિયાને વિચાર આવ્યો કે કોક ભગવાનના માણસને અથવા તો ભગવાનના ઊંટને મળીને જરીક પેટછૂટી વાત કરી લઈએ. તે તમે માનો કે ન માનો ઊંટલોકમાં એક હરિશ્ચન્દ્ર નામનો ઊંટ પણ હતો અને એને પણ હરિયાની જેમ ભગવાન સાથે નાતો સારો હતો. હરિયાએ હરિશ્ચન્દ્રને મળવાનું ગોઠવ્યું.
*
હરિશ્ચન્દ્ર બેઠી દડીનો ઊંટ હતો. હરિયાએ જે જે કર્યા. હરિશ્ચન્દ્ર ઊંટે માથું હલાવ્યું. બન્ને જણે મળીને ભગવાનને યાદ કર્યા અને તમે જોયું હોય તો ભગવાન ખુદ પોતે ઝગારા મારતા ઊંટના રૂપમાં આવ્યા. હરિયાએ કહ્યું કે પરમાત્મા આ તે કેવી લીલા?
ભગવાને કહ્યું કે ગગા, જી જીવ મને જી રૂપમાં કલ્પે ઈ રૂપમાં હું તો આવું.
એ જ વખતે હરિશ્ચન્દ્ર ઊંટે પૂછયું, ભગવાન તમે માણસના રૂપમાં કેમ આવ્યા? ભગવાને ઊંટને એની જ ભાષામાં હરિયાને આપેલો તેવો જ આન્સર આપ્યો.
પછી બન્ને ભક્તોને ભગવાને કહ્યું કે તમે સવાલો પૂછો અને જવાબ મળી જશે. બન્ને ભક્તોએ એકી સાથે પોતપોતાના મનની મૂંઝવણો કહી, બન્નેને એકી સાથે મનની મૂંઝવણોના જવાબ મળ્યા. હરિયાની સાથેના પ્રભુના સંવાદનો સાર આમ હતો.
હરિયાએ પૂછયું, પ્રભુ, મનુષ્યલોકમાં તો એગ્વો સિદ્ધાન્ત પ્રચલિત છે, કે કોઈ માણસ અંતિરક્ષમાં ફરી પાછો આવે ત્યારે પૃથ્વી ઉપર યુગોના યુગો વતી ગયા હોય; માણસ પોતે તો એકાદ બે વરસમાં જ પાછો આવ્યો હોય. પણ અહીંયા તો વળી ઊંધી જ વાત ચાલે છે. એનું કારણ શું?
શ્રી ભગવાન બોલ્યા, બેટા, સમય સમય બળવાન છે. સમય અને સ્થળ પ્રમાણે જીવો ‘સત્ય’ સમજે છે. સમજ્યા પછી એને સત્ય બનાવી સ્થાપે છે. સમય અને સ્થળ બદલાતાં એ ‘સત્ય' બદલાય છે અને નવું ‘સત્ય' સ્થપાય છે. તું તો જાણે છે, કે આખી સૃષ્ટિની લીલા કેવળ કલ્પના છે, માયા છે. ‘સત્ય’ નથી બદલાતું, માણસની કે ઊંટોની દ્રષ્ટિ બદલાય છે, અને સમજણ બદલાય છે. એટલે પરસ્પર વિરોધાભાસી બે વસ્તુઓ સાચી હોઈ શકે. જે જીવને જ્યારે જે ઠીક લાગે ત્યારે તે સાચું.
હરિએ પૂછયું, પ્રભુ, મને તો સમજાય છે કે તમારી સૃષ્ટિમાં આવા અગણિત ‘લોક’ હશે. તમે સર્જેલાં પ્રાણીઓમાં દરેકને શ્રેષ્ઠ થવાનો ચાન્સ જુદા જુદા લોકમાં આપતા હશો. પૃથ્વી ઉપર માણસ શ્રેષ્ઠ છે, અને બાકીનાં પ્રાણીઓના તાબામાં રાખે છે. તેમ ઊંટલોકમાં ઊંટ શ્રેષ્ઠ છે અને...
શ્રી ભગવાને કહ્યું, ગાંડા, મારે તો પાંચે આંગળી ઈકવલ, તમે અંદરોઅંદર શ્રેષ્ઠ અને કનિષ્ઠના ખેલ ખેલ્યા કરો. એક વાત સમજી લે. તમે જીવો જ્યારે જ્યારે કાંઈ સમજો છો ત્યારે ત્યારે તમારી સમજણના સીમાડા આગળ વધારો છો, એથી વધુ કાંઈ નહીં. તું જે જે વસ્તુ કલ્પે તે ગમે તેવી અદ્ભુત હોય, કે વિચિત્ર હોય, કે તારે મન અસંભવ હોય; મારી સૃષ્ટિમાં તે હયાત છે ! ગાંડા, તારી કલ્પનામાં આવે તે મારી ‘કલ્પના'માં ન હોય, એવું તે કાંઈ બને? આ તો બધાને થોડી થોડીક લિમિટ આપી રાખી છે, બધા મથી મથીને એ લિમિટ વધારવાનો ટ્રાય કર્યા કરે અને ‘નવું’ ‘નવું’ સમજ્યા કરેને બધા થાય, આ હું કરું છું, આ મેં કર્યું છે, આ મેં શોધ્યું છે, પણ ઈ બધું ઠીક છે. મારી ઇચ્છા વિના પાંદડુંયે ફરકતું નથી.
એમ કહીને ભગવાન અલોપ થઈ ગયા.
હરિયો અને હરિશ્ચન્દ્ર ઊંટ ભગવાનની વાતે ચડેલા. હરિશ્ચન્દ્ર ઊંટે ઊંટલોકમાં પ્રચલિત પુરાણોની વાત કરી. એમાં બધું મોશ્ટલી પૃથ્વીલોકમાં ભરતખંડ મધ્યે પ્રચલિત કથાઓ જેવું જ હતું. ફરક ખાલી એટલો જ હતો કે ભગવાન મોટાભાગે ઊંટના રૂપમાં કલ્પાયેલા. બાકી શેષનાગ, બેષનાગ બધાના એ. એટલે વિષ્ણુજી ઊંટ, એની ડઊંટીમાંથી કમળ નીકળે, એમાંથી સર્જાય આદિબ્રહ્મા એનાં ચાર મોં, પણ ચારે ચાર ઊંટનાં મો. આદિબ્રહ્માની દસમી પેઢીએ યયાતિ નામનો પ્રતાપી ઊંટરાજ થયો. એનો પુત્ર પુરુ એની અઢારમી પેઢીએ દુષ્યંત નામે ઊંટ થયો એનો પુત્ર ભરત. એનો પ્રપૌત્ર હસ્તિ, એની ત્રીજી પેઢીએ આજમીઢ, એની ત્રીજી પેઢીએ કુરુ બધા ઊંટ રૂપે પ્રચલિત હતા, ઊંટલોકમાં કુરુની છઠ્ઠી પેઢીએ શાંતનું રાજા, એના પ્રપૌત્રો પાંડવો અને કૌરવો. અને એ પાંડવોમાંથી એકના સન્મિત્ર હતા કૃષ્ણ નામે પ્રતાપી ઊંટ. ઊંટલોકમાં પણ કૃષ્ણાવતાર પ્રસિદ્ધ હતો. પણ કૃષ્ણ ઊંટરૂપે કલ્પાએલા, વિષ્ણુ અને લક્ષ્મી પણ ઊંટ. ઊંટલોકના રાજાઓ અશ્વમેધ યજ્ઞ ન કરતા, નરમેધ યજ્ઞ કરતા, એ પુરાણોમાં રાજાઓ હરણના શિકારે ન જતા, મનુષ્યના શિકારે જતા. હાથીની અંબાડી ન નીકળતી માણસોની અંબાડી નીકળતી.
હરિયાએ હરિશ્ચન્દ્ર ઊંટને કહ્યું, કે પૃથ્વીલોક અને ઊંટલોકમાં અમુક અમુક આઈટમ મળતી આવે છે. પણ એ બધી વાર્તાઓ સાંભળીને લોહી ઊકળી આવે છે. તમારા લોકમાં પશુઓએ મનુષ્યો ઉપર જે જુલમ ગુજાર્યો છે એ સહી શકાતો નથી.
હરિશ્ચન્દ્ર ઊંટે કહ્યું, તમારે ત્યાં પશુઓ ઉપર જે જુલમ ગુજાર્યો છે, એ સમજી શકાતો નથી.
બન્ને ભક્તો આકાશ ભણી જોઈ રહ્યા.
*
એક દિવસ ઊઠીને હરિએ જોયું ત્યાં પોતે ઊંટ બની ગયેલો. ઊંટની જેમ ચાર પગ, ખૂંધ, ઊંટ જેવું મોં, બધું ઊંટ જેવું. એકદમ અચંબામાં આવીને એણે ચન્દ્રસેનનું બારણું ખખડાવ્યું. ચન્દ્રસેને પ્રેમથી આયનો આપ્યો. હરિએ જોયું તો પોતે નખશિખ ઊંટ બની ગયો છે. હરિને થયું કે પ્રભુની લીલાનો કાંઈ પાર નથી.
હરિને થયું કે પોતાના ઊંટ બની જવા પાછળ કાંઈક સંકેત હશે. એટલે એ જઈ પહોંચ્યો સુરસિંહ સિંહ પાસે, સુરસિંહ રાહ જ જોતા હતા. એને બેસાડીને સુરસિંહે કહ્યું, ‘‘ઊંવાંચે ઊં.”
સુરસિંહે કહ્યું કે અમે એક પ્રયોગ કરીએ છીએ. એ પ્રયોગ પ્રમાણે હરિયાના મગજના કોષો ઉપર એવા સંસ્કાર પાડવામાં આવેલા કે એ કોષ પોતાને ઊંટ થવું છે એવી પ્રબળ ઇચ્છા કરે એ ઇચ્છાની પ્રબળતા પ્રમાણે વહેલોમોડો તે જીવ તે યોનિમાં અવતરે છે. સુરસિંહે કહ્યું પ્રત્યેક જીવની ચેતના અજર, અમર છે, એક મહાપિણ્ડનો અંશ છે. એ ચેતનાના પ્રત્યેક પરમાણુમાં સૃષ્ટિના ચક્ર સંચાલનનું બીજ રહેલું છે. તે બીજમાં સમસ્ત બ્રહ્માણ્ડનું વૃક્ષ છુપાયેલું છે અને કાળે કરીને એ વૃક્ષ ફલિત થાય છે, જીવ વિધ-વિધ યોનિ, લોક અને સંદર્ભમાં જન્મે છે. પ્રત્યેક જન્મની સ્મૃતિ નાશવાન છે. પણ વીતેલા જન્મો અને આવતા જન્મોના વિગત- અનાગત સંસ્કારો જીવતી ચેતના પર પડેલા હોય છે. અને એ કારણે તમામ ‘લોક'ના તમામ જીવ પરસ્પરની નકલ કરતા હોય એવું જણાય છે.
*
હરિયો વિચારમાં પડી ગયો. આવું બધું હાઇ થિન્કિંગ એને બહુ ફાવતું નહીં. સુરસિંહને એણે પૂછ્યું કે ટૂંકમાં સમજાવો કે હવે શું થવાનું છે.
સુરસિંહે કહ્યું કે ઊંટલોકની એક જૂની કહેવત છે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ આજથી અઢી અબજ અને બે કરોડ ત્યાશી લાખ, બાણું હજાર, છસ્સોને બે વર્ષ, આઠ માસ, છ દિવસ અને સાડા પાંચ ઘટિકા પછી ઊંટલોકનો નાશ થવાનો છે.
હરિયો અકળાયો. એ તો અબજો વરસની વાત થઈ તાત્કાલિક ભવિષ્ય
કહોને?
સુરસિંહે કહ્યું, એ વિનાશનાં બીજ રોપાઈ ગયાં છે. ઊંટલોકમાં અત્યારે પશુઓમાં સંપ પ્રવર્તે છે. પણ અમુક ઊંટોના મનમાં ઊંટ જાતિ શ્રેષ્ઠ છે એવો વિચાર રોપાઈ ચૂક્યો છે. એ ઊંટોને નાયક છે ચન્દ્રસેન. આત્મપ્રીતિના વિષથી ઊંટો ધીમે ધીમે પરસ્પરથી ઉચ્ચ છે એવો મત પ્રસિદ્ધ કરશે. સામૂહિક ચેતનાની સર્વોપરિતાને સ્થાને વૈયક્તિક ચેતનાની મહત્તાનો યુગ આવશે. અને શનૈઃ શનૈઃ સમસ્ત ઊંટ જાતિ અસંખ્ય દર્પણોમાં જોઈ જોઈ આત્મરતિ કરી નષ્ટ થશે.
હરિયાએ પૂછ્યું, પછી ?
સુરસિંહે કહ્યું, એની સાથે સાથે ઊંટલોકની સમસ્ત પ્રાણીસૃષ્ટિ નાશ પામશે. સુરસિંહે નિઃશ્વાસ નાખ્યો અને હરિયાને વિમાન દર્શાવી બેસવા સૂચવ્યું, હરિયો યુગવિમાનમાં બેઠો.
સુરસિંહે કહ્યું, અમે તને ફરી અંતિરક્ષની સફરે મોકલીએ છીએ. આ વખતે તારા વિમાનનું ઉડ્ડયન સાડા ત્રેવીસ અંશની ત્રિજ્યાએ થશે. એથી કાળક્ષેપ તિર્યક ગતિથી થશે અને તારા યુગો પૃથક પ્રવેગે વીતશે.
હરિયાએ પૂછ્યું, ઊંટ બનીને હવે હું કયાં જાઉં?
સુરસિંહે કહ્યું, હરિ, મિત્ર, સમજ કે તું અમારો એક પત્ર છે. ભાવિના ગર્ભમાં તું અને તારું વિમાન અમારો સંદેશો છે. તું પાછો આવશે ત્યારે અમારા ઊંટલોકની વિધિલિપિ બીજા કોઈ લોકમાં ભજવાયેલી જોઈને આવશે. એ પુરોદર્શન વડે અમે કદાચ અમારા ભાવિને બચાવી શકીશું.
સુરસિંહે હરિયાને માણસની ચામડીનું બનાવેલું પહેરણ પહેરાવ્યું.
હરિનું યુગવિમાન એક પાટા ઉપર ગોઠવાયું. પાંચ ઊંટે ઠેલીને વિમાનને અંતરિક્ષના બારા ઉપર ગોઠવ્યું સુરસિંહે ગળામાં લટકાવેલી ઘડિયાળ જોઈ કાઉન્ટ ડાઉન શરૂ કર્યા, “દસ-નવ-આઠ....”
હરિયાનું મગજ ભમવા લાગ્યું ઊંટલોકની સ્મૃતિઓ સપાટાબંધ ઓગળવા લાગી. આંખો પટ-પટ થવા લાગી. “સાત – છ – પાંચ - ચાર...” સિંહના અવાજો દૂર દૂર જવા લાગ્યા. હરિની આંખો બંધ થઈ ગઈ “ત્રણ - બે - એક – ફાયર!” અને રેતી ઉપર લખેલા નામ ઉપર મોજું ફરી વળતાં નામ અલોપ થઈ જાય તેમ ઊંટલોકમાંથી હરિનું યુગ વિમાન અલોપ થઈ ગયું.
હરિયાએ આંખ ખોલી. યુગવિમાનની ચાંપું જોઈ નકશો જોયો. પણ કોઈ દિશામાં કેમ વાળવું એની માસ્ટરી આવી ન હોતી. અને કયા લોકમાં ઊતરવા પૈડું કેમ ફેરવવું એનો આઈડીઆ પાકો ન હોતો. હરિયાએ જાતને કહ્યું, મેલને ધડ, થવાનું હસે ઈ થાશે.
સ્રોત
- પુસ્તક : કઉતુક્ (પૃષ્ઠ ક્રમાંક 148)
- સર્જક : મધુ રાય
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2022
