Unchi Jaar, Nicha manvi - Short Stories | RekhtaGujarati

ઊંચી જાર નીચા માનવી

Unchi Jaar, Nicha manvi

ઊજમશી પરમાર ઊજમશી પરમાર
ઊંચી જાર નીચા માનવી
ઊજમશી પરમાર

રવાએ પોતાની લાંબી ચડ્ડી કે જે એના સદગત મોટાભાઈના જૂના લેંઘામાંથી એની માએ હાથસિલાઈથી સીવી આપી હતી તેને બે હાથથી ઊંચી ચડાવી. ચડ્ડી વારેવારે કમરથી નીચે ઊતરી આવતી હતી અને વારેવારે રવો તેને પોતાની ડૂંટીએથી ચાર આંગળ ઊંચે ચડાવી દેતો હતો. પણ રવાના મોં પર વાતનો જરાય કંટાળો વર્તાતો હતો. એની માએ એને એક પીન ચડ્ડી પર ભરાવવા આપી હતી, જે તેણે કાઢીને દાંતો વચ્ચે મમળાવવી શરૂ કરી દીધી હતી.

થોડીવાર પહેલાં વિરા ભનાની ભેંસો આંહીંથી નીકળી ત્યારે રવાએ પીનની સોયને સીધી કરીને એક તડકામાં ચળકતી કાદવિયા પીઠ પર ભોંકી હતી અને પરિણામે તે ભડકીને છિંકોટા નાખતી, શીંગડા ઉલાળતી. ઊભી શેરીએ ભાગી હતી અને સામેથી રામરોટી લઈને આવતા શિવશંકરને હડફેટે લીધો હતો.

શિવશંકરના સદ્ભાગ્યે ભેંસનાં શીંગડાંની આછી ઢીંક એને લાગી હતી તેથી કોઈ ગંભીર ઈજા થવા પામી. કળ વળી ત્યાં લગી રવાની બાજુમાં રવિવારના કારણે બંધ દુકાનના ઓટલે બેઠો.

“કોની ભેંસ હતી આલ્યા, રવલા?” શિવશંકરે કમર પર હાથ દબાવતાં પૂછ્યું.

“વિરા ભનાની, જુઓ, એની છોડી આવે. લીલકી, જો, તારી માએ આમને વગાડ્યું.”

“તારી મા થાતી હશે. મારી તો ભેંસ છે.” લીલકીએ સામું પરખાવ્યું અને માથાની ઓઢણી દાંતમાં દબાવતી મલકમલક થતી દોડી ગઈ.

“લ્યા રવા, ભારે થઈ હોં! વિરા ભનાની ભેંસે મને હડફેટે લીધો ઈનું તો જાણે સમજ્યાં, પણ એની લાડકી વાછડી તો એની ભેંસ માથેય રાત રિયે એવી નીકળી હોં કે?”

શિવશંકરને થયું કે ભેંસે વગાડ્યાના બદલામાં વિરા ભનાની સાથે જઈને રવલો બાખડી આવે તો પોતાનો આંટો મટી જાય, પણ રવાને એણે પૂરો ઓળખ્યો નહોતો. એણે ટાઢા કોઠે પરખાવ્યું,

“મારું તો કાંઈ નહીં, એક તો છોડી જાણે ભેંસોને હવાડે પાણી પાવા લઈ જાય છે, તે જાણે બાપના બગીચામાં ફરવા નીકળી. ભેંસોનું કાંઈ ધ્યાન રાખે નહીં ને ઉપરથી મારા જેવા તમારા સાટે બે શબદ કહેવા જાય તો મોંઢું તોડી લ્યે. મારું તો કાંઈ નહીં મારાજ, તો તમારું અપમાન થઈ ગયું. ભારે થઈ!”

રવો ડચકારા બોલાવતો પીનની સાયને સીધી કરીને દાંત ખોતરવા લાગ્યો. શિવશંકરની આંખોમાં લાલ લાલ દોરીઓ ખેંચાણી અને એના કપાળની નસો તરવરાટ કરતી અવનવા વળ ખાઈ રહી. એના હોઠ દાંતો વચ્ચે ભીંસાયા.

“હં... વિરા ભના, આમ તો ઠીક માણસ છે પણ આવું તી કાંઈ ચાલે નહીં, કહેવું તો પડશે જ.”

અને લાકડી અને રામરોટીનો થેલો લઈને વિરા ભનાની વાડીએ ઊપડી ગયો.

રવાએ સીટી બજાવતાં બજાવતાં ગજવામાંથી એક ત્રિકોણિયું આભલું કાઢ્યું જે એણે બલ્લીના ઘરે ખોખાં ફોલવા ગયો ત્યારે ગારના મજૂસ ઉપરથી નખ વડે ખોતરી કાઢ્યું હતું. એના નખમાં બે-ત્રણ કલાક સુધી પીડાના લબકારા મારતા હતા પણ વારેવારે આભલું કાઢીને એમાં મોં જોવાના આનંદમાં લબકારા તરફ એનું જરા પણ ધ્યાન હતું.

બલ્લીની મા એક પાલી ખોખાં ફોલવાના ત્રણ પૈસા દેતી હતી. રવાને માંડ સાંજ સુધીમાં દશેક પૈસા મળતા હતા. પણ ખોખાં ફોલવા સાથે બીજા અનેક પેટા કામો થઈ જતાં હતાં ને ખોખાં ફોલવા પાછળ તો પેટા કામોમાં વપરાતા સમયના ચોથા ભાગેય વપરાતા હતા.

રવાએ ચડ્ડી બે હાથે પકડીને ઊંચી ચડાવી અને લાંબા ગજવાના ભંડારમાંથી એક ગોળની ઢફલી શોધી કાઢી જે એણે બલ્લીની મા રસોડામાં કામકાજમાં પડી હતી ત્યારે મજૂસ હેઠેથી પિત્તળના ડબા કાઢીને એમાંથી તફડાવી હતી. ત્રિકોણિયા આભલામાં મોઢું વાંકુંચૂકું કરતો તે લિજ્જતથી ગોળની ઢફલી મોંમાં મમળાવવા લાગ્યો.

મધ્યાહ્ન હવે ખરેખરનો તપતો હતો. બે દિવસ પહેલાં માથે કરાવેલા ટોલા પર રવાએ હાથ ફેરવવા માંડ્યો. સૂરજનો તીખો, તમતમતો હાથ એના ટોલાને કયારનો ધીમા તાપે શેકવા માંડ્યો હતો. સામે પીપળનાં વૃક્ષોનાં ઝૂંડ નીચે સામેના ગામની જાન આવીને છૂટી હતી અને સામૈયાની વાટ જોતી હતી. રવો ત્યાં દોડતો દોડતો પહોંચી ગયો કેમ કે ધીમું ચાલવાનું કોઈ રીતે પોષાય તેમ હતું. પગની પાની ઘૂંટી સુધી ખૂપી જાય એવો ધૂળનો દળ ગાડાં-રસ્તા ઉપર હતો અને ધૂળધફો એટલે ચૂલ ઉપરના રંગાડામાં ઊની ખદબદતી લાપસી જાણે. પગ ધૂળને અડે અડે ને ઊંચા ઊપડી આવે.

જાનૈયાઓમાંના બે-ચાર પીપળના છાંયે પોતપોતાના જોડાની ઉપર ફાળિયાના ઓશીકા કરીને જરા આડા પડખે થયા હતા. બાજુમાં વરરાજાનાં રેશમી ગોદડાં ઉપર સરખેસરખા બે-ચાર જુવાનિયા શહેરમાંથી લવાયેલા વરરાજાના નાયલોનનાં મોજાં બાબત ભાવની ચર્ચા કરી રહ્યા હતા. વરરાજો આભલામાં જોઈને પોતાના હોઠ નીચેની એક પાક્યા વિનાની ફોલ્લીને દર્શાવીને ફોડવામાં મશગૂલ હતો.

“એલા, તું તો ફોલ્લીની વાંહે બરાબરનો હાથ ધોઈને પડી ગ્યો છે હં!” “અરે યાર. હાળી મોઢા ઉપર બહુ ભૂંડી લાગે છે.”

“હાચી વાત કીધી” એકે મજાકમાં સામાને આંખ મારી, “ઘસી ઘસીને મોઢું આખું ચોખ્ખું ચણાક કરી નાખ ભઈલા, નકર ઓલી સગલી ભૂલથીય સામી નજર નહીં કરે.”

પીપળનાં પાંદડાં સોંસરવી ચળાઈને આવતી તડકીની આંખ લીલાછમ રજકો વાગોળતા ઢાંઢાઓની પીઠ પરની ઝૂલમાં હીરના દેશી ભરતકામના આભલાઓમાં ચમકીને પાછી પડતી હતી. શીંગડિયાનાં લાલપીળાં ઘૂમતાં ક્યારેક ભૂલા પડતા વાયરાની લેરખડીએ થોડું ઘણું ઝૂલી લેતાં હતાં અને બાજુમાં ગાડું નાની એવી ખેપનો થાક ઉતારવો પડ્યું હતું.

રવાએ ગાડાં નીચે લટકતી નાળિયેરની તોલડી ઉતારીને એમાંથી થોડું એરંડિયું હથેળીમાં ઠાલવ્યું. થોડું મૂંડા માથે ને બાકીનું એક એક પગ વારાફરતી ઊંચો કરીને બળતાં તળિયે ભૂંસ્યું અને તોલડી ગાડાના આડે વળગાડીને દૂર એક પીપળના મૂળમાંથી ચોમેર ફંટાતા ત્રિભેટા બેઠક જમાવીને બેઠો.

વળી પાછું ત્રિકોણિયું આભલું કાઢીને એણે પોતાનું મુખદર્શન શરૂ કર્યું. મોં ઉપર ભૂલેચૂકેય ક્યાંય નામની ફોલ્લી પણ ભૂલી પડી હતી. સામેની ડાળ ઉપર ઘૂ... ઘૂ... કરીને પરસ્પર ડોકું ઘસતું એક કબૂતરયુગલ એકાએક પાંખો ફફડાવીને બેબાકળું ઊડ્યું. રવાનું આભલું ત્યાં ઘણું મોડું પડ્યું.

ઉપલા હોઠ ઉપર આછી આછી ફૂટેલી મૂછની દોરીઓ પર રવો જીભ ફેરવી રહ્યો. પોતાની હથેળી ખભા આગળ લઈ જઈ પછી માથા પાછળ આંગળીઓના આંકડા ભીડી એણે આળસ મરડી અને પછી પહેરણની બાંય ઊંચી ચડાવીને બીજા હાથના બાવડા પર થયેલા સ્નાયુબદ્ધ ગોટલા ધ્યાનપૂર્વક નિહાળી રહ્યો.

એકાએક ત્યાંથી ઠેકડો મારી નીચે આવ્યો. નીચે પડેલું આભલું લઈ આગળ વધ્યો. પાછું વળીને જોયું તો ડાળ ઉપર પાછું કપોતયુગલ આવી બેઠું હતું. માથું નીચું ઘાલીને ચૂપચાપ આગળ વધ્યો. આભલાના ત્રણે ખૂણા ઉપર ક્રમશઃ એની તર્જની સફર કરી રહી હતી.

વરરાજા આગળ જમા થયેલા યુવાનોમાંથી ત્રણ જણ ગામમાં પાન લેવા જતા હતા.

“એલા, મારે કાજે ચારમિનારનું એક પાકીટ લેતો આવજે.” અણવરે એમને પોતાના હોદ્દાની રૂએ રૂઆબભેર કામ વળગાડ્યું. બીજા એક જણાએ કહ્યું : “એલાવ, પણ તઈણ જણાએ તો ત્રેખડ પડશે. તઈણનો આંકડો મોંમાથા વન્યાનો. કોઈ ચોથાને લઈ જાવ. નકર એકેય વાતનો મેળ નહીં પડે ને ઠબલાઈને પાછા આવશો.”

“તુંયે તું હાલ ને, ભા.” પેલાઓએ એને બાવડે ઝાલીને આગળ કર્યો. રવાની તર્જની સહેજ ટોચો પડેલ આભલાના ત્રીજા ખૂણા આગળ આવી આવીને અટકી ગઈ. એના મગજમાં કાંઈક ઝબકારો થયો. અવેડાની કોર ઉપર એણે આભલું મૂક્યું. બાજુમાંથી એક ગોળ પાંચીકો લઈને એણે આભલાના ટોચાયેલા ખૂણા ઉપર ઉગામ્યો. ક્ષણભર સૂરજની ઝગારા મારતી આંખે એમાં ઝબકીને એને આંધળોભીંત કરી મૂક્યો. બીજી પળે આંખો ચોળીને એણે ટોચાયેલા ખૂણાને સહેજ વધુ ટોચી નાખ્યો. કાચની બેચાર કરચો ઊડી. આભલું ત્રણમાંથી પાંચખૂણિયું બની ગયું હતું. અડધું નાનું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. ત્રણખૂણિયું તો ના રહ્યું.

પછી રવાએ અવેડાની ધાર ઉપર પગ રાખી પાણીના છાલકા મારીને પગ ઉપરથી ઠીકરા વડે મેલ ઉખાડવા માંડ્યો. મેલની દિવેટો પગના પંજા ઉપરથી ઊખડતી જતી હતી અને રવાને પગ હળવો, ફૂલ જેવા ને ઊજળો દેખાતો જતો હતો. પછી રવાએ હાથની કોણી સુધી મેલ ઉખાડ્યો. થોડીવાર ઠીકરું વધુ ઘસાય તો છોલાઈને લાહી નીકળે એટલી હદ સુધી તેણે હાથ સાફ કર્યા. એના ગોરા હાથ લાલઘૂમ થઈ ગયા હતા ને ઉપર પાણીની ભીનાશ ઢળતી બપોરના નરમ પડતા જતા તડકામાં ચમકતી હતી. પછી પગ સૂકવવા દૂર ગેલીમાના થાનકના ઓટલે જઈ બેઠો ત્યાં પંચકોણિયું આભલું કાઢીને એણે પોતાના મૂંડાનું બારીકીથી અવલોકન શરૂ કર્યું.

“મૂંડામાં હવે જલદી જલદી વાળ ઊગવા માંડે તો સારું,” બબડ્યો. “વિરા ભનાની વહુ ક્યારેક મળી જાય છે તો મૂંડો લઈને મોં બતાવવાનીય શરમ આવે છે. જોકે ભાઈ બહુ સમજદરપેટી. હેતેય કેટલું કરે! તે દિ’ બલ્લીની માને કહ્યુ હતું કે છોકરો તો ચંદરમાના ચોથિયા જેવો છે. જરાક ઉધમાતિયો છે, પણ થાશે કામગરો. મારી લીલકીની ને એની જોડીય ઊડીને આંખે વળગે એવી શોભે.”

રવો મલકાઈ ઊઠ્યો ને મન શું મન ગણગણી રહ્યો :

“અરે બાઈ, તારી લીલકીય ઓછી ઉધમાત કરે છે? આજ સવારે મને કેવા ટાઢા ડામ દઈ ગઈ! કંઈ વાંધો નહીં દીકરી, એક ફેરી તારી હાર્યે ચાર ફેરા ફરી લેવા દે ને, પછી જોજેને, ચામડીનું ભીંગડેભીંગડું ઉખેડી નાખું છું કે નહીં?”

“એય લ્યા રવલા, તારી મા ઘરે ક્યારની બોકાહા દઈ રહી છે કે રવલો ક્યાં મરી ગયો ને તું આંયાં કણે બેઠો બેઠો આભલાની માલીકોર મૂંડો જોવે છે?”

દૂરથી કોઈની બૂમ પડી અને રવો ચોંક્યો. એની માએ એને બલ્લીના ઘરેથી એક ટબૂડી ભરીને ઉછીનું તેલ લેવા મોકલ્યો હતો તે એને યાદ આવ્યું. તે બલ્લીની માએ છણકો કરીને, “મારે ઘરે કંઈ તેલના કૂવા નથી થતા ભઈલા, મારે ટૂટો આવે છે ત્યાં તને ક્યાં આલું? જા, કે’જે તારી માને” કહેલું તે પણ સાંભરી આવ્યું. મોટા મોટા ઠેકડા ભરતો રવો દોડતો ઘરે પહોંચ્યો. “માડી, બલ્લીની મા તો તેલની ના પાડે છે.”

“હઅં, મારા રોયા! તું પરોઢિયાનો તઈણ તગારાં ઝાપટીને ભાટકવા નીકળ્યો તો તે તને બકોરવા સાટે મારે તને સો સો હંધેવા મોકલવા પડે. ચ્યાં પાછો થ્યો’તો અત્યાર લગી? મારો રોયો કામાકૂટો!”

માએ રવાને ઉધડો લીધો ને એના ગાલમાં ચીમટો ભરીને બરડામાં બે ઢીંકા લગાવી દીધા. આમ તો માના હાથમાં જોર કે દિ’ હતું કે એનો ઢીંકો વાગે? પણ તોય રવાને લાગ્યું કે જાણે કેટલોય માર પડ્યો. મોઢાનું ધુંધું ચડાવીને તે ખોળની ગૂણી ઉપર ઊભડક પગે બેઠો ને પગના અંગૂઠાના અત્યંત વધી ગયેલા નખને આંગળીથી વાળી વાળીને ભાંગી નાખવા લાગ્યો.

“હવે ન્યાકણે મારા બાપની કાણ કરવા બેઠો?” માએ ફરી છાંસિયું કર્યું.

“તે તારે શું કરું?” રવો રોતલ સૂરે ગણગણ્યો.

“શું કરું શું? વિરા ભનાને ત્યાં કાલે તારે જાર લણવા જવાનું છે. ઊભા પગે જઈને લીલકીની માને કઈ આવ કે હું તમારામાં લણવા આવીશ, મારી હા ગણજો. પછી હંધાયને દાડીનું કહી આવશે તો તને નહીં ગણે.”

રવો નિરુત્તર બેઠો રહ્યો. એના મોઢાનું ધુંધું હવે વધારે ચડી ગયું હતું. રીસ, ગુસ્સો અને શરમના મિશ્રિત ભાવોએ એના ચહેરા પર દોડાદોડી કરવા માંડી હતી. એનું મોં રાતુંચોળ થઈ ગયું હતું અને તંદુરસ્ત, ગોળમટોળ, રૂપાળા ચહેરા પર શોભતી સફેદ કોડા જેવી આંખોની દીવાલ પર અશ્રુજળ નીતરીને પલકના કિનારે જમા થઈ રહ્યાં હતાં. ટમટમિયાના ઝાંખા અજવાળામાં ઘરનો ફાટેલો-તૂટેલો રાચરચીલો ધૂંધળો બનીને સ્વપ્નદૃશ્ય શો બનતો જતો હતો. એની મા ચૂલામાં બળતું કરવા માટે ક્યારની વાંસની ભૂંગળીથી ફૂંક મારી મારીને મથી રહી હતી. સવારની ઝાકળમાં ભીંજાયેલાં છાણાં જલદી સળગવાનો ઇનકાર કરતાં હતાં. ઘરમાં બારણા વચ્ચે લટકતા ટમટમિયામાં તળિયાંનેય માંડ ડૂબાડે એટલું કેરોસીન હશે. ઘર આખું ધુંધવાતા ધુમાડાથી ઊભરાઈ રહ્યું હતું.

રવાના દિલમાં પણ એવું કંઈક ક્યારનું ધૂંધવાઈ રહ્યું હતું. ભડકો થાય એને જાણે થોડી હવા મળે એટલી વાર હતી. એકાએક ચૂલામાં આગ પ્રગટી અને “હાશ માડી...” કહીને ઢીંચણે હાથ દઈને રાંડીરાંડને અવસ્થાએ પહોંચેલી મા માંડમાંડ ઊભી થઈ. ચૂલામાં ફૂંક મારી મારીને એના ગાલ દુખતા હતા ને ધુમાડાથી આંખો અને ગળું બળતાં હતાં. માથું તો એવું ભમતું હતું કે પળવાર માટે ઘર આખું ચક્કર ચક્કર ફરતું લાગ્યું. લાકડાના પાણિયારાનો ટેકો લઈને થોડીવાર દશામાં ઊભી રહી. પછી માટલામાં લોટો ડબોળીને પાણી પીધું.

“હે ભગવાનિયા...” કહીને જરા આગળ વધી અને એની નજરે ઊંધું ઘાલીને બેઠેલો રવો દેખાયો.

“હજી લગણ તું આંયાંકણે બેઠો બેઠો માખિયું મારે છે ને? ખાવા તો બેય હાથે જોશે પછી કામ કરતાં આમ ઘા વાગશે તો પછી સવારસાંજ ચૂલો કેમ કરીને સળગશે? પેટમાંય કાંક રહેવું જોશે ને? ઊઠ, થા ઊભો ને દોડાદોડ જઈને લીલકીની માને દાડીની હા કઈ આવ. નાના પંડ્યે આવી શી આળસ?”

ટમટમિયાના ઝાંખા પ્રકાશમાં આંખે નેજવું ધરીને રવાને જોવાનો પ્રયાસ કરતી મા નજીક આવી. રવાનું ઓશિયાળું મોં જોઈને એકાએક એના હૈયામાં પ્રેમની ભરતી ચડી આવી. અને એનો રોષ ક્યાંક ગાયબ થઈ ગયો. પુત્રના માથે હાથ ફેરવીને સમજાવટના સૂરે તે કહેવા લાગી :

“ઊઠો મારા દીકરા, કામ તો કરવું પડે ને? મૂવું, મારું તો જે થવાનું હશે થાશે. એક ફેરી તને સારું ઠેકાણું ગોતીને વરાવી દઉં ને તો પછી લીલી વાડી જોઈને વેલી વેલી વેતી થઈ જાઉં પણ લગનેય કાંઈ પૈસા વિના ઓછા થાશે? સૂંડલો એક ઘરાણું ધરશું ત્યારે વહુ આવશે ને આપડે તો ઘરમાં ખાધાનાય તાડકા છે. ને તું પાછો આમ રાતદિ’ કનડવામાંથી ઊંચો નથી આવતો. ઠીક, હવે તું વેલો વેલો લીલકીની માના મોઢે થઈ આવ, ઝાઝી વાતે ગાડાં ભરાય.”

રવો સડપ કરતોક ઊઠ્યો, “ઠીક તો માડી જઈ આવું.”

“હા બેટા, ને ઝટ ઘર ભેગો થાજે. ચૂલે ઘેંશ ચડી ગઈ છે. તું આવે તાં લગણ હું ઉતારીને તાંસળામાં ઠારતી થાઉં છું.”

“હા માડી, આવ્યો સમજો ને.”

પ્રથમ તો વિરા ભનાની દાડીમાં જવાનું રવાને માથાના ઘા જેવું લાગેલું પણ હવે વિચાર કરતાં એને લાગ્યું કે ના, તો ઝટ દઈને મારગ મોકળો થાય છે. “લીલકીની હાર્યે વાતુંચીતું કરવામાં તો દિ’ પાણીના રેલા ઘોડ્યે વયો જાશે. બપોરે રોટલાં શિરામણમાં લીલકીની વાડીનાં રીંગણાંની કઢી ખાવા મળશે નફામાં. ભાગે આવતો ચાસ લણતાં જાશું, બે ચાસ વચ્ચે આવતાં મઠની શિંગું ફોલી ફોલીને ગલોફામાં બુકડાવતાં જાશું, લીલકીની હાર્યે તડાકા હાંકતાં જાશું ને આમ સાંજ તો રમતમાં પડી જશે ને બે રૂપિયા કદૂક કદૂક કરતા આવીને ગજવામાં પડી જશે. આના જેવું તો એકેય નહીં.”

વિરા ભનાની ખડકી એટલે જાણે બળદ, ભેંસો, ગાયો ને બકરાંનો શંભુમેળો. બધુંય એની ખડકીમાં ગરતાં જોવા મળે. ખડકીથી માંડીને ઓસરીની પડાળી સુધીના અત્યંત લાંબા અને પડખેથી પણ ઠીક ઠીક પુગતા ફળિયામાં સામસામે આવેલી છાપરીઓ નીચે ઢોરાંને ઝમેલો પૂરો થાય એટલે આંગણામાં ખાટલા ઢાળીને દસબાર મહેમાન કાયમ પડ્યા હોય. શિયાળો હોય તો વચ્ચે તાપણું સળગતું હોય અને ફરતા ખાટલા ગોઠવાઈ ગયા હોય. આજે પણ વિરા ભનાની મહેફિલ ખાટલાઓ પર જામી હતી. ચલમોને સળગાવવા માટે ચકમક અને ગજવેલ રૂ પર રાખીને પરસ્પર ઘસવામાં આવી રહ્યાં હતાં. બીડી પીનારાઓ માટે હથોડા મારી મારીને બનાવેલી ડિઝાઇનવાળી પિત્તળની એક થાળીમાં બીડીની બે ઝૂડી હતી. ધોળાં બાસ્તા જેવાં ગોદડાં મેલાં થશે તો ઘરધણિયાણીને મેલ કાઢવા માટે નદીની વેળુમાં, માંકડાના માથા ફાડી નાખે એવા બળબળતા તાપમાં, ગોદડાં પર હથેળીના પહોંચા ઘસી ઘસીને કેટલી કેડ તોડવી પડશે, એનો હિસાબ ઉપરછલ્લે પણ ગણ્યા વિના પાંચ-છ પરોણા કાદવ કે છાણવાળા પગ લઈને ખાટલા પર બેઠક જમાવીને પડ્યા હતા. લીલકીની મા લાકડાની માવડીથી છાણના પોદળા ઢસડતી હતી. એક બાજુ એઠાં વાસણોનો ઢગલો પડ્યો હતો.

“લીલી, તું નાનાં નાનાં ઠામડાં ઊટકતી થા, ત્યાં હું જરાક વાસીદું ને ઢોરને નીરણ કરીને આવું છું.” લીલકીને એની મા કહેતી હતી.

રવો સીધો લીલકીની મા પાસે ગયો. વાસણ પર લીલકીનો રાખવાળો હાથ ફરતો ફરતો અટકી ગયો. કાન સરવા કરીને વાર્તાલાપ સાંભળવાની ભરચક કોશિશ કરી રહી હતી.

“હું કાલે તમારામાં જાર લણવા આવીશ.”

“પણ રવજી, ફાવશે તો ખરું ને?”

“શું કરવા નહીં ફાવે? લણવું એમાં તી શી મોટી મોથ મારવાની છે?”

“હા, તો તો ઠીક. પછેં આળસી જતા નહીં, નકર પછેં પરોઢિયાનાં અમારે બીજાને ગોતવા દોટ મેલવી પડે.”

“રવજી”ના ભર્યાભર્યા સંબોધને રવાની છાતી ગજગજ ફૂલવા માંડી. અભિમાનથી એનાં નસકોરાં ફાટફાટ થઈ રહ્યાં અને ખુશીની મારી એની આંખોમાં એક નવી તાજગી ચળકચળક થઈ રહી. “રવલા” સિવાય તો કોઈ એને બોલાવતું નહીં, અને ક્યારેક “રવલા”માંથી “રવલું” થતાં પણ વાર લાગતી નહીં. અને આજે ગામ આખામાંથી એક બાઈ કે જે આવતા દિવસમાં એની સાસુ થવાની હતી તે એને “રવજી”ના રૂપાળા નામે બોલાવતી હતી. રવાએ નક્કી કરી નાખ્યું કે “આમનામાં તો જેટલી થાય એટલી દાડીઓ કરવી છે. આટઆટલાં માનપાન બીજે ક્યાં મળવાનાં છે? ને મા પણ બિચારી રાજી થશે કે, ના, મારો દીકરો પણ કેટલો કામગરો છે!”

પાછો વળતાં રવાની નજર સહજ રીતે લીલકી ભણી વહી ગઈ; ને લીલકી તો ક્યારની આંખ ફાડી ફાડીને એને જોતી હતી. તે એકાએક શરમાઈ ગઈ અને ઊંધું ઘાલીને વાસણ ઊંટકવા લાગી. છોકરી પોતાના વેવિશાળની શક્યતા બાબત ક્યાંકથી સાંભળી ચૂકી હતી એમ ચોખ્ખું જણાઈ આવ્યું ને એમાં લીલકીને કશો વાંધો નથી બલ્કે એકસો એક ટકાનો રાજીપો છે પણ દીવાની શગ જેવું સ્પષ્ટ કળાઈ આવ્યું.

વિરા ભનાની મહેફિલમાં ચલમોની આપલે થઈ રહી હતી. વિરા ભના પોતાના બે મોટા છોકરા સાથે ક્યાં ક્યાં ખેતરે લણણી બાકી છે ને ક્યાં ક્યાં થઈ ચૂકી છે તે તથા ખળાવડામાં ખળાની વ્યવસ્થા બાબત અને રાતના જાગરણ માટે ક્યા ક્યા સાથીને મૂક્યા છે તે બાબત ચર્ચાવિમર્શ કરી રહ્યો હતો. પછી મહેમાનો સાથે અલકમલકની વાતોએ વળગ્યો.

અનાયાસે એની નજર ઊંધું ઘાલીને આવતા રવા પર પડી અને ચોંકી ઊઠ્યો. એની ભ્રૂકૃટિ ખેંચાયેલા તીરની પણછ માફક તંગ બનીને અવનવા વળ ખાઈ રહી. છોકરો ક્યારે ખડકીમાં ઘૂસી ગયો, ને આવ્યો તો શું કરવા અને હવે જાય છે તો કાંઈ તફડાવી તો નથી જતો ને એવા કાંઈક કાંઈક પ્રશ્નો એના મગજમાં વિસ્ફોટ પદાર્થોની જેમ સળગી ઊઠ્યા. આમેય એને મૂળથી રવા પ્રત્યે ખાર હતો. એક રંજાડી અને ઘરડી મા તરફ બેજવાબદાર છોકરા તરીકેની એની છાપ વિરા ભનાના મગજ ઉપર ઘણા સમયથી અંકાયેલી હતી.

“શું છે લ્યા રવલા?” તેણે કરડાકીથી પૂછ્યું.

પહેલાં તો રવાને એના ઉપર ખરેખરી ચાટી ગઈ પણ પછી વિચાર આવ્યો કે આનું મોં તેડી લીધે નહીં ચાલે. એનામાં તો આવતી કાલે દાડી કરવા જવાનું છે અને તેની સાથે હોંસાતુંસી કરવામાં તો વગર જોતું વાત રોળાઈ જશે.

“કાંઈ નહીં તો, દાડીની હા કહેવા આવ્યો’તો” રવાએ ખસિયાણું હસતાં કહ્યું.

“તે કોણ તું દાડીએ આવવાનો!”

“નહીં ત્યારે?”

“એ રવલા, અમારી જાર કેટલી ઊંચી છે એની તને ખબર છે? એનું એક એક ડૂંડું જોવા માટે તારે ડોક ઊંચી કરવી પડશે, પગના અંગૂઠા ઉપર ઊભો થવું પડશે ને આંખ ઊંચી કરવી પડશે, ઝીણી કરવી પડશે, પછી બે ડગલાં પાછો હાલીશ ત્યારે ડૂંડું તારા હાથમાં આવશે ને પાછું એને દાંડીમાંથી વાઢવા માટે એકલી દાતરડી કામ નહીં આવે; કાંડામાંય જોર જોઈએ. એક ચાસ લઈને તો તું ગળા સુધી ધરાઈ જવાનો, ને એમાંય અમારે તને વારેવારે હાથ દેવા પડશે.”

“તમારે મને હાથ દેવા પડશે કે મારે તમને તો હું આવું ત્યારે ખબર પડે ને?” રવાએ ગળું ફુલાવીને કહ્યું. તેણે તો પોતાની લાયકાતના પારખા માટે કહ્યું, પણ વિરા ભનાને ચોખ્ખો એક કટ્ટર હરીફનો પડકાર લાગ્યો. પગથી તે માથા સુધી રોષની કાળઝાળ આગમાં સળગી ઊઠ્યો.

“તું તારે જાને જતો હોય તો. અમે કોઈ એવા નથી જેની પરીક્ષાયું લેવા નવરા નથી. આવીશ તો નકામો દિ’ આખા મોરિયાંમાંથી પાણી ખૂટાડીશ.”

“બહુ સારું, તો હાલ્યો. મારે તો ભૂતભાઈ પણ તમારે ત્યાં આવવા નવરો નહોતો. તો ડોસી અમથે અમથી લાગી’તી - લખારો કરતી, તમારી દાડી ઉપર છાપું થોડી ચોડી છે? બીજે જાશું.” કહીને રવો પાછો વળ્યો.

“હા હા, જાજેને, તો તને કોણ બાંધી રાખે છે?” વિરા ભનાએ પણ સમસમીને જવાબ દઈ દીધો. અને રસોડામાં પણ લીલકીની મા સમસમીને દુઃખ વ્યાકુળ સૂરે મોટી વહુ આગળ પોતાની બળતરા ઠાલવી રહી હતી.

“આ છોકરો તો વહુ, ઇમને આંખના કણાની ઘોડ્યે ખટકે છે.”

“તમેય પણ બઈજી, ઇમને અમથેઅમથાં લઈ મંડ્યાં છો. ઈના ઘરમાં તો તાવડી કડાકા નાખે છે ને લીલીબહેનને ત્યાં નાખશો ને તો મહિનાની બે મણ બાજરી મોકલવા જોગ કરી રાખજો. મારા સસરા બિચારા જીવ વાજબી કિયે છે.” મોટી વહુએ ઉદાસીનતાથી કહ્યું.

“તમે બધાંય ભલે ને ગમે એમ ક્યો,” લીલકીની માની આંખોમાં પાણી છલકાઈ આવ્યાં, “મને છોકરાના નામનું બહુ ઓછું આવે છે. આપડે કંઈ ઘરબાર જોવાનાં નથી ને પૈસા તો આજ છે ને કાલ નથી.”

“પણ તમારું ઘરમાં કંઈ ઊપજતું હોય ને તમે આટઆટલો કકળાટ કરતાં હો તો કંઈક ઠીકેય લાગે. ઓલ્યું નથી ક’તા ‘જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ; ગાડાં હંધાય વયાં ગ્યાં ને ટાંટિયા ઢહડીને મૂઈ’ એટલે બઈજી તમે હંધીય માથાકૂટ મેલો, ‘કરતા હોય કરીએ ને છાસની દાણી ભરીએ.’ કાંઈ અમથેઅમથું નથી કહ્યું.”

“સારું ભાઈ, બધાંયને જેમ ઠીક લાગે એમ કરો. તો મને છોડીનું આટલું દાઝે છે તે હાથે કરીને બધાંયની આંખે ભૂંડી થાઉં છું.”

...અને લીલકીની મા ચૂપ થઈ ગઈ.

*

રવો એની ધૂનમાં ને ધૂનમાં ચાલ્યો જતો હતો. એની મુઠ્ઠીઓ અને હોઠ વારંવાર મક્કમ રીતે ભીડાતાં હતાં. વિરા ભનાની એક કાલ્પનિક મૂર્તિ એની આંખો સમક્ષ દેખાતી હતી. મૂર્તિ અટ્ટહાસ્ય કરતી એની તરફ આંખના ઉલાળાથી કટાક્ષબાણ ફૂંકીને એની ક્રૂર મજાક ઉડાવતી હતી. અને પડખેથી પસાર થતાં સીમમાંથી પાછાં ફરતાં ગાય-ભેંસનાં ધણ અને ખેડૂતોનાં ગાડાંની હડફેટે આવી જવાય તોપણ વાર લાગે એટલી હદે એના વિચારોમાં તલ્લીન બનીને વિરા ભનાની કાલ્પનિક મૂર્તિ સામે દાંત કચકચાવ્યે જતો હતો.

“પૈસાપાતર છે તો શું થઈ ગ્યું? આમ જેની તેની કિંમત કોડીની કરી નાખવાનું એને કોણે લખી આપ્યું છે?” બબડતો જતો હતો, “ને શકન- બકનેય સાલું નરું ધતિંગ છે. અત્તાર લગણ અમથેઅમથું આને હાર્યે ફેરવીને ભારે મર્યો.” એણે ગજવામાંથી પંચકોણિયું આભલું કાઢીને દૂર સુદૂર એનો ઘા કરી દીધો. છેવટે અચાનક અટકી ગયો અને આજુબાજુમાં જોયું તો ખબર પડી કે ગામને પાદર આવી ગયો હતો. હવે પાછું ઘરે જવા માટે એને વિરા ભનાની શેરીમાંથી નીકળવું પડશે.

પાછો વળ્યો અને જલદી ઘરે પહોંચવા માટે વિરા ભનાના વાડા પછવાડેથી નીકળતો અત્યંત સાંકડા નેળિયાનો ટૂંકો રસ્તો લીધો.

અચાનક અટક્યો, છાતીના ધબકારા વધી ગયા. વાડાની છાતી સમાણી થોરની વાડના છીંડામાંથી થોર બાજુએ ખસેડીને લીલકી આગળ આવતી હતી.

છતાં રવાએ તેની સાથે કાંઈપણ વાતચીત કર્યા સિવાય આગળ નીકળી જવાનું ઉચિત માન્યું. પણ લીલકીની નજીક પહોંચવા આવ્યો ત્યાં એના મગજમાં એક ઝબકારો થયો.

નેળિયું એવા પ્રકારનું હતું કે માંડ પાએક કલાકે એકાદ જણ ત્યાંથી નીકળે. “લીલકી એકલી આવી છે અને હું પણ એકલો છું. એક નાની શી, આવડી અમથી સાવ ખોટેખોટીય અફવા એકવાર ઊડે તોય વિરા ભનાની લાડકી છોકરીને પછી ભૂલચૂકેય કોઈ ગળે બાંધવા તૈયાર થાય. પછી ખબર પડશે બેટાને! આટલુંક મોં થઈ થવાનું છે.”

રવાના રંજાડી અને અહર્નિશ અવનવા નુસખા શોધતા રહેતા ભેજામાં કાંઈક યોજના ગોઠવાવા માંડી.

“તું શું કરે છે આંહીં અંધારામાં?” રવાએ નજીક પહોંચતાં તુમાખીથી કહ્યું.

“તારે શી પંચાત? મારી મરજીની વાત છે, ગમે તે કરું.” લીલકીએ પણ રોડાના જવાબ રોડાથી દીધા.

“અરે, તારી ભલી થાય...” રવાએ સાદ ધીમો કર્યા અને નજીક જઈને એનો હાથ પકડ્યો. નાજુક ગૌર હાથના કાંડા પરની કાચની બંગડીઓ રવાના મજબૂત પંજામાં દબાઈને ફૂટી અને કાચના ટુકડાઓ લીલકીના કાંડા પર ચસચસતા વેધક ચુંબન લઈને નીચે ધૂળના દળમાં પડ્યાં અને વેદનાથી લીલકીના મુખમાંથી આછી સિસકારી નીકળી ગઈ.

“મેર મૂઆ, આટલી બધી દાઝ શા સારું?”

“તારા બાપને પૂછી જોજે તો.”

“મારે શીદને પૂછવું પહે? મારું કાંઈ હાલે છે થોડું?”

“અને તારું હાલે તો?”

“હાય માડી...” લીલકી શરમાઈને હાથ છોડાવવા મથી રહી. અંધારું હતું એટલે ઊભી રહી શકી. દિવસ હોત તો મોં શી રીતે દેખાડી શકાત! દોડીને ક્યાંક છૂપાઈ જવું પડે તો!

“બોલ ને, તારું હાલે તે શું?” રવાએ પંજાની પકડ હળવી કરતાં ફરી એનું પૂછ્યું. અડવા થઈ ગયેલા કાંડાને છોડાવીને બીજા હાથ વડે પંપાળતી લીલકી થોડી વાર ચૂપ રહી - જાણે પોતાની છાતી નીચે દબાઈ રહેલા કોઈ જૂના જખમને પણ પંપાળતી જતી હતી. એનાથી એક નિશ્વાસ મુકાઈ ગયો.

“ઈ વાતું મેલને ભૂંડા, જે થાવાનું નથી એના ઓરતા શ્યા?”

રવા થોડી વાર મૌન ઊભો રહ્યો. આકાશમાં ચાંદો ઊંચે આવતો જતો હતો અને નેળિયામાંથી અંધારાના ઓછાયા ભાગવા માંડ્યા હતા.

સ્રોત

  • પુસ્તક : ઊંચી જાર નીચા માનવી (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સર્જક : ઊજમશી પરમાર
  • પ્રકાશક : પારૂલ પ્રકાશન
  • વર્ષ : 1975