વંદના શાંતુઇન્દુ
Vandana Shantuindu
'એ… કોલી! આયી? આય... આય... કંઈની ખોવાય ગેલી? મેં ડરોજ ટારી રાહ જોયા કરટી'ટી. પન... ટને હોધવી કંઈ? પુંછવું હો કોન્ને?
નળિયાં-ખપાટિયાના ટેકા માટે રાખેલ વાંસ પાસે આવી તે હાથ લંબાવી ઊભી રહી. વાંસ ઉપર ધીરે—ધીરે સરકતી ખિસકોલી આવીને તેની હથેળીમાં બેસી ગઈ. તેણે ખિસકોલીના શરીર પર હાથ ફેરવ્યો. છાતીસરસી ચાંપી. રસોડામાં આવી ખિસકોલીને ડબા પર બેસાડી. તેની સામે ચોખાના રોટલાનું બટકું મૂક્યું. ખિસકોલી સળવળી નહીં, તેને જોતી રહી. તે પણ તેની સામે બેસી પડી.
'ઓ... માય... રે! કોલી, ટારો એક પગ કાં ગિયો? એટલે ની આવટી મલે? મને થિયું હો કે વાંહ પર પૂંછડી ઊંચી કરી ચ્વીં... ચ્વીં... કરી ડોદટી મારી કોલી આમ મરિયલની જેમ કેમ ચાલે!'
આંખો લૂછી ખિસકોલીને હળવેથી ઉપાડી ફરી છાતીસરસી ચાંપી. વછૂટી ગયેલી કોઈ ક્ષણોને ફરી શ્વસતી હોય તેમ થોડી વાર બેસી રહી. રોટલાનું ઝીણું બટકું તેના મોં આગળ લાવી. ખિસકોલીએ પૂંછડી ઊંચી કરી તેના ગાલે ફેરવી. જે સ્પર્શ પામવા તે જિંદગીભર વલખતી હતી તે મળી ગયો હોય તેમ આંખ મીંચી ગઈ. ખિસકોલીને જરા વધારે દબાવી. ચીમળાઈને લટકી પડેલી છાતીમાં ચડી ગયેલો પાનો આંસુની પાર થઈ વહેવા લાગ્યો.
'ટમારે પહુ-પંખીને હારું, કોલી. ઘાને ચાટી-ચાટીને મટાડી ડો. અમારે એવું ની મલે, અમારે ટો ડવા કરવી પડે ને… ને… ટોયે ન મટે ટો નિંગળટા ઘા સાથે જ ચિતાએ ચડી જવાનું...!
ખિસકોલી તેની વાત સમજી હોય તેમ ચ્વીં... ચ્વીં... કરીને પૂંછડી ઉછાળવા લાગી. તે ખુશ થઈ ગઈ,
'મેં ટો ઠીક, વાડાની ચલ્લી હો ટને હોયઢા કરટી ડે હું! વાંહ પર બેહી ચીં... ચીં... કરટી કૂડટી જાય, મારી હાંભે જોટી જાય ને ઊડી જાય! એ હો જીવ, ટુ હો જીવ ને મેં હો જીવ. જીવ જીવ ને ન યાડ કરે ટો કોન્ને કરે?' બોલતી-બોલતી તે વાડાના બારણે ગઈ. ડોકું કાઢી બોલી,
'એ... ચલ્લી... આવટો, જો કોન્ન આવેલ છે. ટને યાડ કરટું છે.'
એક પગવાળી ચકલી ફ... ર... ર... કરતી આવી. ખિસકોલી પાસે બેસી ગઈ. આજુબાજુ માથું હલાવી ચીં... ચીં... કરવા લાગી. જાણે પૂછતી ન હોય કે ક્યાં હતી? તારો પગ પતંગની દોરીથી કપાઈ ગયો કે શું?
તે પાછી ડબા પાસે બેસી પડી, 'માય ર... કેટલા ડાળે તનેય મયલા? હવે ખાવ જોઉં, કોન કેટું છે મારે પોરી ની મલે?'
તે ચકલી-ખિસકોલી સાથે વાતો કર્યા કરતી. આ ટેવ એને એની મા પાસેથી મળેલી. એની માને પણ એવી ટેવ. મૂંગી ક્યારેય ન હોય. નદી-દરિયો, માછલી-મછવા સાથે વાતો કર્યા કરે. અરે! જાળ ગૂંથતાં-ગૂંથતાં જાળ સાથે પણ વાતો કરે! એના બાપુ માછીમાર હતા. દરિયો ખેડવા જાય ત્યારે દિવસોના દિવસો સુધી ઘરે ન આવતા. એના બાપુ કહેતા કે, તારી સાથે રહીને મને પણ આ બધા સાથે વાતો કરવાની ટેવા પડી ગઈ છે. ત્યારે એની મા કહેતી કે આ બધા સાથે વાતો કેમ ન થાય? આપણે રહ્યાં ટંડેલ, એ બધા જ આપણો પરિવાર. મા–બાપને હસતાં જોઈ તે પણ હસતી.
માછીમારો દરિયે જવાના હોય ત્યારે રાતે જ તાપીમાં હોડી લઈ નીકળી પડતા. અન્ય માછણો તાપીકાંઠે આવે કે ન આવે પણ આ મા-દીકરી નદીકાંઠે આવે જ. દૂર જતી હોડીના ફાનસના ટમટમિયાને તે અંધારામાં પણ 'આવ... જો, આવ... જો' કર્યા કરતી.
***
તે કાયમ ભીંત ભરોભર ઉભડક બેસતી. જેથી કોઈનો હુકમ સાંભળી તરત ઊભું થઈ જવાય! રસ્તા પર પડતા બારણાની સામી દીવાલે જ તે બેસતી. જેથી આવતા-જતા લોકોનાં મોં જોવા મળે... પણ તેના નસીબમાં ફક્ત ધડનાં ધાડાં હતાં. કેમ કે, આગળની બંધ ઓસરીના રસ્તા પર પડતાં બારણાં આગળ નાળિયેરીનાં પાનનું છાપરું કર્યું હતું, જેથી વાછટ ન આવે. ધડોની વણજાર થઈને તેને થતું કે તે ખવીસોના ગામમાં રહે છે કે શું! માથા વિનાના... ના... ના... દિલ વિનાના.
તે કદી કોઈ ફરિયાદ ન કરતી. જ્યારે સાતેક વરસની હતી ત્યારે તેની મા તાપીના ગામમાં ઘૂસેલા પૂરમાં તણાઈ ગઈ હતી. ત્યારે જ દરિયે ગયેલા તેના બાપુ કદીયે પાછા આવ્યા જ નહીં. તેણે લોકોને બોલતા સાંભળેલા કે દરિયે ગયેલા માછીઓને પાકિસ્તાની કોસ્ટગાર્ડ ઉપાડી ગઈ હશે. ત્યાંની જેલમાં સબડશે હવે જીવનભર. ત્યારે તેને કશું સમજાયું ન હતું પણ સમજણી થઈ પછી ખુશ થયેલી એ વિચારે કે, બાપું ક્યાંક તો છે. ક્યારેક તો આવશે. અને તેણે ક્યારેય પૂરી ન થાય તેવી અનંત વાટ જોવાનું શરૂ કર્યું હતું.
તે મામાના ઘરે મોટી થઈ. મામાએ વેલો તે પેલોના ધોરણે પરણાવી દીધી. સાસરીમાં હતાં જુવાનીમાં વિધવા થયેલાં સાસુ અને તેનો એકનો એક દીકરો એટલે તેનો વર. તેના સસરા પણ દરિયે ડૂબ્યા હતા. તેથી તો તેના સાસુએ ટંડેલ હોવા છતાં દીકરાને દરજીકામ શીખવ્યું હતું.
તેણે સાતેક વરસની ઉંમરે જોયેલું કુદરતનું રૌદ્ર સ્વરૂપ પછી કાયમ માણસમાં જોયું! તે અવાચક થઈ ગઈ, ન ફરિયાદ ન માગ. મોટી થઈ ત્યારે એક વાર મામી પાસે પોતાના ગામ જવાની માગણી કરી હતી. એ દિવસે મા બહુ યાદ આવી'તી. દિવસ જ કંઈક એવો હતો. પોતાને સાવ પોતાની મા જેવી જ અનુભવવાનો દિવસ! માની છાતીમાં શરમથી માથું છુપાવી વણબોલ્યે કંઈક કહેવાનો દિવસ. પોતાનામાંથી જાણે માની સુગંધ ફરી હતી ને તે વિહ્વળ થઈ ગઈ હતી. મા પાસે ન જઈ શકાયની સમજણ તેને તેના ગામ ભણી ખેંચી ગઈ હતી. કદાચ માનાં પગલાં હજુ પણ તાપીકાંઠે... તાપી તો સૌ કોઈની મા એવું એની માએ જ તો શીખવ્યું હતું. ને તે મામી પાસે ગામ જવાની માગણી કરી બેઠી હતી. મામીએ કંઈ પણ જાણ્યા—સમજ્યા વગર તેને દબડાવી નાખી હતી, 'ટા હુ ડાયટું છે? કથે બી અડકાયા વગર બેહ એકની મેરે.'
તે દિવસે પહેલી વાર તે દીવાલ ભરોભર ઉભડક પગે બેસી પડી હતી. માથું બે ગોઠણ વચ્ચે દાબી દીધું હતું. નજર સામે મા-બાપુ, ઘર, દીવાલો-ખૂણા-ખીંટી, ખીંટીએ લટકતી પાટી અને પાટીમાં શિખાઉ હાથોએ ઘૂંટેલું નામ 'ચંદન' ઊભરી આવ્યાં હતાં. આંખો ચુપચાપ વહ્યા કરી હતી.
તેની જાનમાં ગણીને પાંચ માણસો આવ્યા હતા. તેને ગમ્યું ન હતું, ટંડેલ થઈને કપડાં સીવે એ એને તો માછીમાર જ જોઈતો હતો. જેના શરીરમાંથી દરિયાની સુગંધ આવતી હોય. જેવી સુગંધ એના બાપુની છાતીમાંથી આવ્યા કરતી હતી. પણ એની પસંદ પૂછે કોણ...?
છતાંયે તે સાસરે જવા સમયે રોમાંચિત થઈ ગઈ હતી કેમ કે, વચ્ચે તેનું ગામ આવતું હતું...
ગાડી ઊભતી, ને લાજની આરપાર તે નજર દોડાવતી. અને... ને એ ફટાક દઈને ઊભી થઈ ગઈ! સફેદ થાંભલીઓના સહારે ઊભેલા પીળા ચોકઠામાં કાળા અક્ષરે લખાયેલું ગામનું નામ તેને ઘરની ખીંટીએ લટકતી પાટી જેવું લાગ્યું હતું. મન તો દોડ્યું હતું એ બાળપણીયા રસ્તા પર, ઘર તરફ. પણ તન કેમ કરીને દોડે વરમાળાનું બંધન ફગાવીને? તેના વરે પૂછ્યું હતું,
'હું થીયું, કંઈ જોયટુ છે?'
તેણે માથું હલાવી ના પાડી ને ગાડી ઊપડી ગઈ. નજર લંબાતી રહી, ને આંસુનાં પૂર ફરી વળ્યાં.
રાતે સંકોચાતાં-શરમાતાં, બીતાંબીતાં તેણે તેના વરને ગાડીમાં ઊભા થઈ જવાનું કારણ કહ્યું. તેના વરે કહ્યું હતું,
'એ... ગાંડી, બોલાય ની? જીભ ની મલે કે હું? તારે કેવું જોવેને કે મારું ગામ છે. મેં હો તારી હાથે હેઠે ઉતરતે કે ની? અવે પાછા જાહુ તારે તારા ગામ આંટો મારિયાવહુ.'
તે જે સાંભળી રહી હતી તે તેના માન્યામાં નહોતું આવતું. ઘડી બે ઘડી તો તે સૂમ મારી ગઈ, ને પછી ઓવારો તોડીને વહી ગઈતી.
'વઉં' પોષમાં પડતા હિમ જેવો અવાજ સાંભળી તે ત્યાં ને ત્યાં ઠરી ગઈ. ઉંબર બહાર ગયેલો પગ પાછો આવી ગયો. પાછળના વાડામાં ખાટલા પર બેસેલાં સાસુની બારી પર મંડાયેલી નજરે તેને દોડતાં જોઈ લીધી હતી. તે ઓસરીમાં બેસી સિલાઈકામ કરતા તેના વરને કહેવા જતી'તી કે, માછણું દરિયે ગયેલા માછીને સંભારીને દરિયાનાં ગીત ગાતી હોય છે. તમે માછી મટી દરજી થઈ ગયા તો મારે કોનાં ગીત ગાવાં?
'હં... બા, મને બોલાયવી?' કહેતી તે પાછી વળી ગઈ.
'હા... તને જ તો વળી. બીજી કોઈ વઉં છે મારે?' બાના અવાજમાં હિમ ધોળાતું હતું.
'બેહ...'
તે ખાટલાની પાંગતે બેસી ગઈ. તેનો ચહેરો હિમ પડેલા છોડ જેવો થઈ ગયો હતો. બા સામે જોવાની તેનામાં હિંમત ન હતી. તેની નજર બારી પર ગઈ, જેમાંથી છેક રસ્તા પર પડતું બારણું દેખાતું હતું. તે સમજી ગઈ કે તેની ચાડી આ બારીએ જ ખાધી છે. તેને બારી પર ખીજ ચડી. થયું કે, આને તો ચણી દેવી જોઈએ. કંઈ કામની ની મલે... તેણે આંખો બંધ કરી દીધી.
'વઉં...'
તેણે સાસુ સામે જોયું. સાસુની આંખો તેને ઊભા ગાળાના ઘરના વચલા ઓરડા જેવી લાગી, ઠંડી… અંધારી પણ કોરીધાકોર! પોતે અંધારા ઓરડે પુરાઈ રહી હોય તેવું અનુભવ્યું.
'વઉં, બોવ ચંચળાઈ હારી ની. અમે કેમ કરીને રયા હશું?'
તે શું બોલે? નીચું જોઈને બેસી રહી.
'ને આ કાચની બંગડીઓ… હું કેવું ટમને? પ્લાસ્ટિકની બંગડી હો મલતી છે.'
સાસુનો ઇશારો તે સમજી ગઈ. શરમની મારી આંખ બંધ કરવા ગઈ ત્યાં નજર સાસુના હાથ પર ચોંટી ગઈ. જાણે કે પાનખરની ડાળીઓ!
'જાવ અવે.'
તે ધીરેથી ઊભી થઈ. પગમાં દોરી બંધાયેલી હોય તેમ અચકાતી—ચાલતી ઘરમાં જતી રહી.
પછી તો નંદુના ખિલખિલાટમાં તે કાચની બંગડીનો ખણખણાટ ભૂલી ગઈ. તેને ખબર પણ ન પડી કે ક્યારે તેના હાથમાં પ્લાસ્ટિકની બંગડી આવી ગઈ. નંદુ ચારેક વરસનો થયો પછી બા પાછળ પડ્યાં હતાં,
'વઉં, બે પોયરાં તો જોયે વળી. નંદુને નાલ્લો ભૈ તો જોયેને.'
તેને નવાઈ લાગતી કે, એક પોયરો છે તોયે આ ડોહલીને બીજો હો પોયરો જ જોયે?! ઘરમાં બેન કે પોરી ની મલે એનો કોઈ અફસોસ ની મલે!
બાએ ભૂવા-સાધુ—પીર-વૈદ્ય-ડોક્ટર કોઈને છોડ્યા નહીં. પરિણામ ન મળતાં વહુ પર અકળાઈ જતાં. તેને કહેવાનું મન થયું કે, બા કાચની બંગડીનો ઝૂડો પેરુ તો… પણ આવી મર્યાદાના કોચલાના ભુક્કા બોલાવતી વાત એ બોલી શકે કે? તે સાસુના હાથ પર ત્રોફેલું નામ 'રામ' રામ... રામ... કરતી વાંચતી રહેતી. ને કોઈ બહાના હેઠળ ત્યાંથી છટકી જતી.
બાનો ઓથાર હળવો કરવા તે નંદુ સાથે વાતો કર્યા કરતી. ઘરમાં આવતી ચકલીઓને તે નંદુની બહેનપણીઓ કહેતી. નંદુને કહેતી કે, પશુ-પંખીઓને હેળાવીએ તો એ પણ આપણી સાથે વાતો કરે. નંદુ ચકલીઓ પાછળ દોડતો રહેતો. બા કકળાટ કરતાં કે પોયરાને પણ પોતાના જેવો બનાવી દેશે આ ગાંડી! નંદુને એની માની છાયાથી દૂર રાખવા પોતાના ખોળામાં બેસાડી પોતાની આવડતની અને એની માની અણઆવડતની વાતો કર્યાં કરતાં. તે સાંભળતી પણ કશું બોલી ન શકતી. પેલી અદશ્ય દોરીએ પગ બાંધવા સાથે હોઠ પણ સીવી લીધા હતા. નંદુને પોતાની આસપાસ રાખવા કંઈ ને કંઈ કર્યા કરતી.
'એ નંડુ જો ટો, તાં જોની ઉપર. ખિસકોલીનાં બચ્ચાં' સ્કૂલેથી આવેલા નંદુને તે બતાવતી હતી. વાંસના ખપાટિયા સડી જવાથી નળિયાના ભારથી ઝોક મારી ગયા હતા. તેને તૂટી પડતાં બચાવવા ઓરડા વચ્ચેના થાંભલાના ટેકે બીજો એક વાંસ ત્રાંસો કરીને ટેકવ્યો હતો. તેમાં સર્જાયેલી બખોલમાં ખિસકોલીએ માળો બાંધ્યો હતો. તેનાં બચ્ચાંને પણ તેણે હેવાયાં કરી દીધાં હતાં.
નંદુએ બચ્ચાંને માના હાથમાં બેસેલાં જોયાં ને તેની આંખમાં તોફાન ડોકાયું. બચ્ચાંને પોતાના હાથમાં લેવા એ... એ... કરીને કૂધ્યો. બા જાગી ગયાં. ખાટલાની વાણની જેમ જ એની ચામડી પણ જોક મારી ગઈ હતી. તેમાં ધ્રુજારી સ્પષ્ટ દેખાતી હતી. તોયે અવાજ એ જ હિમ ઘૂંટ્યો.
'હું છે નંડુ?'
નંદુ એની માયના સાડલાના છેડાને મોંમાં નાખી ઊભો હતો. તે બોલ્યો, 'દાદી, ખિસકોલીનાં બચ્ચાં માયના હાથમાં આવી બેસી જાય છે.'
'વઉં... ટારું ગાંડપણ વઢટું ચાયલું છે. ચલ્લા હાથે ને હવે ખિસકોરા હાથે હો! હાવ છટકી ગેયું કે હુ?'
નંદુએ છેડો છોડી દીધો, તે પોતે પકડી લીધો. છેડાને વળ ચડાવવા લાગી. મોંની બખોલમાં રહેલી ખિસકોલી જેવી જીભ અંદર ને અંદર દોડા-દોડી કરવા લાગી,
'જા... ચંદન... ખેંચી લે તારા નંડુને...' પણ તે થાંભલો થઈ ગઈ હતી. નંદુની આંખો તે વાંચી શકતી હતી જ્યાં લીંપાઈ ગયું હતું 'બબૂચક.' તે નંદુને ખેંચી લેવાની હિંમત ન કરી શકી. પૂરમાં તણાતી માને જોઈ હતી તેમ જ, નંદુને કોઈ અદૃશ્ય પૂરમાં તણાતો જોઈ રહી. કોઈની વાણી મા-દીકરા વચ્ચે પાણીની ભીંત ચણતી રહી. બંને એકબીજાને જોઈ શકે પણ સાંભળી ન શકે! સંચાની સોય જેવા ચીંધરા શબ્દો તેના મગજમાં ટક... ટક... ટક... કરવા લાગ્યા,
'મારી માયને જવાબ ની ડેવાનો એટલે ની ડેવાનો, હમજી? ને મારી પાહે એની ફરિયાદ હો ની કરવાની. એણે રાય પર મરી ઠાહીને મને ઉજેયરો છે. મને કંઈ હાંભળવું ની મલે, વાટ પૂરી.'
તે મનમાં જ ભભૂકી ઊઠતી, 'ટમે આખો ડાડો જીભ સીવીને કપડાં સિયવા કરો ને આ ડોહલી આંયા મને ઉધયડા કરે, મારે જાઉં કઈ ની મેર?' તે કશું જ બોલી ન શકતી. પાણીની દીવાલો તે કંઈ પડઘા પાડી શકે?! તેને ઘણી વાર થતું કે એ એવી જાળમાં ફસાયેલી માછલી છે જે જાળને નકામી ગણીને ખાડીના પાણીમાં ફેંકી દેવામાં આવી છે. આ પાણી ન તો એને મરવા દેતું છે ન છૂટવા દેતું છે. માછલી યાદ આવતાં જ મા-બાપુ યાદ આવી જતાં. પૂરમાં મા-દીકરી તણાતાં હતાં ને માએ એનો હાથ બીજાને સોંપી દીધો હતો. બચવા માટે ફાંફાં મારતી માને તે કોઈને ખભે બેસીને જોઈ રહી હતી.
તેણે તેની મા પાસેથી પણ સાંભળ્યું હતું પાકિસ્તાનની જેલ અને ભારતના ટંડેલો વિશે. માનો જ કોઈ સગો ઘરડો થયો ત્યારે પાકિસ્તાનથી પાછો ફર્યો હતો. આવું સાંભળીને જ એક આશાએ તેનામાં ઘર કર્યું હતું કે બાપુ પણ ક્યારેક પાછા આવશે જ, ત્યારે બાપુને કહીશ કે, બાપુ તમે બોવ બધી માછલીને જાળમાં ફસાવી ને એમાં જ આ તમારી માછલી ફસાઈ ગઈ છે. બાપુ, કાઢો એને… છોડાવો… તુલસીક્યારે દીવો કરી બોલતી, 'હે પાકિસ્તાની જેલના દેવ, મારા બાપુને છોડી મૂકો દેવ. મારે એને બોવ બધું કાંક કેવું છે.' તુલસીદળ ભીંજાતાં રહેતાં.
ક્યારેક યાદો તાપીનું રૂપ લઈ આંખેથી વહેવા તોફાને ચડે ત્યારે નંદુની પાટી—પેન લઈ એમાં એક બાજુ ગામનું નામ અને બીજી બાજુ પોતાનું નામ લખી અપલક જોયા કરતી, પછી જાતને ભૂંસી નાખવા માગતી હોય તેમ ભારપૂર્વક ભૂંસી નાખતી.
***
ટેવ પ્રમાણે જ આજે પણ તે ઉભડક બેઠી હતી. લાંબાપાતળા પગ વચ્ચે તેનો ચહેરો રસોડાની બારીના સળિયામાં ભરાવેલા મસોતાના ડૂચા જેવો લાગતો હતો. વચ્ચેનો અંધારિયો ઓરડો ચારેક વરસ થયા અંધારિયો નતો રહ્યો. ખપાટિયા—નળિયાં તૂટી પડ્યાં હતાં. વાંસ ખોરડા બહાર ડોકું કાઢીને ઊભાં હોય તેવું લાગતું હતું. તેમાં ભરાતી હવાથી ઘર ગાજતું રહેતું હતું. તેને થયું કે, આ હવા નવી બહેનપણી! દેખાય નૈ ને બોયલા કરે! ટાઢ-તડકા-વરસાદ ને પણ કહેતી કે, તમે જીયતા બાપ! અંતે ઘરમાં ઘૂસ્યા ખરા! હવે તેને એક નિરાંત હતી. તેને ગાંડી કહેનાર કોઈ ન હતું. જોકે પછી તો તેણે તે શબ્દ શરીર પરની રસોળીની જેમ સ્વીકારી લીધો હતો.
નંદન અમેરિકાથી આવ્યો હતો. પેઢીઓ જૂની ભાડૂતી મકાનની પાઘડી વસૂલવા. તેણે ઘરને લીંપીગૂંપીને ચોખ્ખું કરી નાખ્યું હતું. લીંપણ કરતી વખતે વરસો પછી એક વિચાર ફરીને ઝબકી ગયો હતો કે, નંદુને કહીશ કે મને મારા ગામ લઈ જા. મરતાં પહેલા એક વાર ગામ જવું છે. તાપીમાં નાહવું છે. તેણે તાજા લીંપણ પર સળી વડે ગામનું નામ અને પોતાનું નામ 'ચંદન' લખ્યાં હતાં. અત્યારે તે એના પર જ હાથ ફેરવતી બેઠી હતી. તેને નંદુનો જવાબ સાંભળવો હતો. તેના કાને બિલ્ડરનો અવાજ પડ્યો,
'નંદનભાઈ તમારા આ ઘરને બદલે અહીં જ ઊભા થનાર કોમ્લેક્સમાં તમને એક ફ્લેટ મળી જશે. આમ પણ ઘર જર્જરિત થઈ ગયું છે. ક્યારે શું થાય કહેવાય નહીં. ડોલર કમાઓ છો ડોલર, તમારાં બા રહે છે હજુ તો, તોયે રિપેર ન કરાવો?!'
'જેદી તેદી આજ થવાનું હતું તે ખબર હતી પછી રિપેર શું કરાવું? અહીં ઇન્ડિયા પાછું આવવું નથી. અહીં રહેવા જેવું ક્યાં રહ્યું છે. અને હા, મને અહીં ફ્લેટ નહીં પણ સોસાયટી વિસ્તારમાં સ્વતંત્ર મકાન જોઈએ. જેને હું મનગમતું નામ આપી શકું, 'મણીબા કૃપા' મારી દાદીનું નામ. દાદી થકી તો બધું છે. એ જ સાચવીને બેઠાં હતાં.'
ચંદનમાં આગ લાગી ગઈ. તેણે કાન દાબી દીધા. મગજમાં બદબદતા લાવાનો ઘુઘવાટ સંભળાવા લાગ્યો. તેનાથી સહન ન થયું. લીંપણ પણ લખેલા નામ પર હાથ ખોડી ઊભી થઈ,
'જા... ચંદન... જા… બોલી દે. વરસો થયાં તું જ તો સાચવીને બેઠી છો આ ઘરને. સોસાયટીમાં નહીં અહીં જ નાનો ફ્લેટ જોઈએ અને થોડી રકમ. જેથી વધેલી જિંદગી કોઈના ટેકા વિના જીવી શકાય.'
તે વાંસના ટેકા પાસે આવી. ઉપર જોયું. ખપાટિયાના ટેકા માટે ઊભેલો વાંસ તેને તેના હાથ જેવો લાગ્યો. જેની નીચે બધા જ છૂટા એકલી એ જ ખોડાઈ રહેલી...
બારસાખ પકડી ઉંબર ઓળંગવા પગ ઉપાડ્યો. અનાયાસ પાછળ જોવાઈ ગયું. ને પગ અંદર લેવાઈ ગયો. ઓરડાની બારીમાંથી રસોડાની બારી અને તેમાંથી વાડો દેખાતો હતો. તેને ભણકારો લાગ્યો, 'વઉં…' આંખ આગળથી જીવન પસાર થઈ ગયું.
ફરીથી વાંસ સામે જોવાઈ ગયું. વાંસમાં ભરાયેલી હવાથી ઘર આછું-આછું ગાજતું હતું. તેને પોતાના હાથમાં ખાલી ભરાતી લાગી. નજર ચકળ-વકળ થવા લાગી. પણ થાંભલા થઈ જાય એ પહેલાં તે ઉતાવળે ઉંબરો ઓળંગી ગઈ.
સ્રોત
- પુસ્તક : ધરાથી આભ સુધી (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : પારુલ કંદપ દેસાઈ
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2017
