પ્રભુદાસ પટેલ
Prabhudas Patel
ધનિયાને પોતાનામાંથી જ અલગ થઈ કૉક જાણે પડકારતું હોય તેવું થઈ આવ્યું:
: ’હાળાં પારકાં ઓય તોય મન મનાવાય, પાં... ણ પોતાનાં સ દઝાડે તો ક્યાં જઈને જીવડો ટાઢો પાડવો?’
: ’પાંણ તારે ચોખ્ખુ ચોખ્ખું કેઈ દેવું પડે લા ધનિયા. ને ઈમ નૈ હમજે તો પછે આરપાર!’
: ’આરપાર એટલે?’
: ’આરપાર અટ્લે આરપાર વળી! લઈલે ધારિયું ને પછે જોઈ લે મજા. હત્તાંય દુઃખનો એકજ ઉપા!’
: ’તારે મૉનવું હોય તો મૉન નિં તો પછે ખાડામાં નાંખ હત્તું ય પાંણ પારકાં મુંઢાં ઈમને ઈમ રાગડા નિં સ તોણે હો!’
: ’પાંણ લોક તો હારું ભાળીને મારી સ ઠીકરીએ ડૉમ (ડામ) દેવા માગતું હોય તો?’
:’એલા, પૉણીમાં પાધ્યે પરપોટો કૈ સાંનો રે ખરો? પૉણીમા પથરો પડે તો સાંટા તો ઉડવાના સ!’
અ... ને વિચારવાયુમાં અટવાઈ ગયેલો ધનજી કામ જ ક્યાં કરી શક્યો હતો? હજી તો માંડ અર્ધો જ સાગ કપાયો હતો. ને પૂરો કરી, છાલ ઉતારીને સમોસૂતરો કરવામાંય બપોર થઈ જાય તેમ હતું. આજે તેના ચિત્તમાં આવાજ કૈંક પ્રશ્નો-વિચારો ઊગી નીકળતા ને કામ અટકી જતું. બાકી ધનિયો દરરોજ તો આ સમયે પહોંચી ગયો હોય છેક ગામના સીમાડે! ને ઘેર જઈ પેટ ઠારે કે પાછો તૈયાર થઈ ગયો હોય - ગોવાળ જવાસ્તો! એય... ને ત્રીસ-ચાલીસ બકરાં... ‘બેં... બેં... ના અવાજથી સીમ ગજાવતાં દોડ્યે જતાં હોય ને પાછળ ‘એ હિયાં’... ને ‘ફુર્રા’... ના વિશિષ્ટ ડચકારા કરતો ધનિયો. ને સાંજે થાક્યો પાક્યો ઘેર આવ્યો હોય ત્યારેય કો’ક તો રાહ જોતું બેઠું જ હોય. ‘ધનાપાઈ, મારે ઘેર ડાકલું કૂટાવણું હૈ’... ધનાપૈ, મારે તો બળધ્યો બિમાર થઈ ગ્યો, વાયરો નાંખી આલો’-આવાં તો કૈંક દુઃખોનું નિવારણ ધનિયો દોરા-ધાગા, ઝાડા ઝાપટા કે ડાકલું કૂટીને કરતો હોય. આવી જ રોજિંદી ધનિયાની દિનચર્યા. ઘરમાં સ્નેહાળ પત્ની સતુ, વહાલ થઈ આવે તેવો બચુકડો દીકરો બચુ... ને વહાલસોયો ભાઈ લખમણ. આમ, નાનકો અને આનંદી પરિવાર પ... ણ આજે તો ધનિયામાં ઘેર જવાનીય ઇચ્છા ઉગતી નથી! દરરોજ તો...?
મિનિટોમાં ડુંગરો કૂદી જવાયો હોય પણ જેમજેમ ગામ નજીક આવવા માંડ્યું હોય તેમતેમ પગ જાણે કે પાછા પડવા માંડે ને મન તો પહોંચી ગયું હોય પેલા આંબા પાસે. જ્યાં સતુડી રાહ જોતી બેઠી જ હોય. ને પછી તો આંબા સુધીનું અંતર સહેજે ભૂંસાઈ ગયું હોય. પછીનું કામ સતુ સંભાળી લે. ધનાને ભાળતાં જ દોડી આવેલી સતુ ‘થાકી ગ્યા કે?‘ ...લાવો મું પકડી લઉં’ કહે ત્યારે ધનિયાનું રોમેરોમ ઝળઝળાં થઈ ઉઠ્યું હોય. ને ધનિયો ઘરે પહોંચતાં જ ઘરમાંને બહાર ડોકિયાં કરે કે ...’બાપ્પો આજજા...’ ‘બાપ્પો આજ્જા...’ કહેતાં હરખઘેલો બનીને દોડી આવતો દીકરો બચુ બેય પગ વચ્ચે પેસી જઈ વહાલ કરવા માંડે ત્યારનું તો- સુખ જ કૈંક જુદું જ હોય.!
પરંતુ... એ વાતનો અણસાર પામતાં જ ધનિયો કેવો હચમચી ગયેલો! બે દિવસ પહેલાં જ, બકરાં ચારીને આવતો ધનિયો ગીત ગાવામાં મસ્ત હતો:
‘રયને કેવું બોલે પાબી (ભાભી) ફોરી રે ફોરી નેવરી વાજ્જે.
પાઈ (ભાઈ) મોટું છેં નોકરીપાબી, ફોરી રે ફોરી નેવરી વાજજે.’
- ને પરિચિત અવાજ સાંભળતાં જ એકદમ અટકી ગયેલો.
: ’વાહ, ધનજીવીરા, વાહ! ગીત તો ખાસવાળું આવડે હોં!’
: ’ઓ ગોરીપાબી? તમે હાંભળી ગ્યાં કે?’ – કહેતાં જ ધનિયો ‘ધક્ક' કરતો હસી પડ્યો અને કહે : ’ગોરીપાબી, ગીત નિં આવડે તો મનખો - હૂં કૉમનો?’ પ્રત્યુત્તરમાં ગોરી યે હસી પડી પણ તરત જ ઠાવકાઈ દાખવતાં કહે, ‘વીરા, આજકાલ હું સાલે હે?’
પણ ધનિયો જરા ગમ્મતના મૂડમાં હતો. તેણે હસતાં હસતાં જ જવાબ આપ્યો: ’બસ પાબી, અમારે વરી તમાર જેવું ક્યાંથી હોય? તમારે તો સરકાર આલે ને ટેસ પડે લા! અમારે તો હવારે લાકડાં, દા’ડે ગોવાળું ને દન આથમે તૈ ગપાટાં. ને કોઈ આવી જાય તો માતાજીના નોમે સાકરી. (સેવા) અમારે વરી બીજું શું હોય?’
ગોરી જરા અટવાઈ ગઈ પણ પાછી વાત બદલતાં ભારપૂર્વક કહે:
‘વીરા, તમાં વગડા ને વગડામાં સ હૂં ર્યા હો? જરાક તો ગૉમને બા’ર હૂં થઈ ર્યું હે ઈનું યે ધ્યાંન રાખવું પડે કે નિ’? ધનિયો એકદમ ચમકી ગયો. તેનાથી પૂછાઈ ગયું:
: ’હૂં થ્યું પાબી? ગૉમમાં કઈ નવાજૂની થેઈ કે હૂં?’
: વીરા, નવાજૂનીમા તે ખાસ કશું નિં પાંણ...’
: ’પાંણ હૂં પાબી? – ધનિયો તાકી રહ્યો.
: ’ઈમ તો ખાસ કશું નિં પાં... ણ...’ ...!
ધનિયાને અકળામણ થઈ આવી:
: ’તું કૈ વારની પાંણપાંણ હૂં કર્યા કરે હે? જે કે’વું હોય ઈ ભહી મરને!’
- ને ગોરીએ છેવટે ‘હાંભળો તા’રે’ એમ કહીને ગળું ખોખાર્યું અને આંખો ઝીણી કરતાં - ‘વીરા, ઘરની હાંલ્લીમાં પારકું આથ મારે એ કેવું કે’વાય?’ એમ કહ્યું ત્યારે તો ધનિયાની ધીરજ ખૂટી પડી. તે ઊંચા અવાજે ચિલ્લાયો: ’રાંડવાળી, કૈ’વારની ગોળગોળ હૂં ઘુમાવે હે? તારે જે ભહવું હોય ઈ - ભહી મર... ન... ઈ... તો...!
ને ગભરાઈ ગયેલી ગોરી ગલ્લાંતલ્લાં કરતાં-
‘ઈ તો કૈ નિં ધનાવીરા, પાંણ લખમણને સતુને... કહેતાં અટકી પડી. ને ધનિયાનું રૂપ જોતાં જ છળી ગઈ. ધનિયાની આંખોમાં લોહી ભરાઈ આવ્યું... તે નીચલા હોઠને દાંત વડે કચરી નાખતાં, માથું આમતેમ વીંઝતાં, કંરાંજ કરીને આટલું જ બોલી શક્યો: ‘રાંડ લુસ્સી! હત્તાં કઈ તારા જેવાં છનાળવાં નહીં!’ ગોરીનો મોઢાનો સિક્કો એકદમ બદલાઈ ગયો. તેણે રડુંરડું અવાજે કહ્યું:
: ’હાં... હાં... તમારે જે કે’વું હોય ઈ કૈ’સ દો ને? ઈવ (હવે) તો અમાં લુસ્સાં ને છનાળવાં લાગીએ કે? હાસ્સું કે’વાની સજા...!’
ને ધનિયો ટાઢોહેમ થઈ ગયેલો. પણ અંદરથી ભડભડી ઊઠ્યો તેનું શું?
‘હડડડ’ કરતો વંટોળિયો આવ્યો ને ધૂળ-પાંદડાંને કચરો... બધુંય ફંગોળાતું ફંગોળાતું છેક આકાશની ચોટીએ પહોંચ્યું. એમ ને એમ ઘુમરાય, ઘુમરાયા જ કરે. પછી તો ધરતી શું ને આકાશે ક્યાં? ધનિયો સાચા-ખોટાની પરખ ના કરી શક્યો. ના કહી શકે સતુને તો લખમણને કહેતાં તો જીભ જ કઈ રીતે ઉપડે? ને મનને ય કઈ રીતે મનાવે? પછી તો ધનિયાને સીધા-સાદા વ્યવહારમાંયે વાંકું પડતું... અને તે અટવાઈ જતો... ખોડંગાતો... ને માંયને માંયથી સોરવાયા કરતો. દરરોજની જેમ, એ સાંજેય બંને ભાઈઓ સાથે જ જમવા બેઠેલા.
પણ સત્તુનો સાદ સાંભળતાં જ કેવો સળગી ગયેલો!
‘ઓ લખમણવીરા, હેંડો ખાવાનું થઈ ગ્યું હે.’
સતુના મોઍ લખમણનું નામ પડતાં જ ધનિયો ઈર્ષા અને ક્રોધથી ધૂંધવાઈ ગયેલો. પણ તરત જ ગમ આતાં–
‘બૈરું આદમીનું નૉમ લેઈને તો કઈ રીતે બોલાવે?’ – ના વિચારે શાંત થઈ ગયેલો. પણ જમતી વખતે સતુની આગ્રહ કરવાની વાતે ફરી પાછો ખિજાયો. સતુએ ‘લિયો લિયો લખમણ વીરા, એક સ રોટો ખવાય કે!’ – એમ કહી, લખમણની અનિચ્છા છતાંય એક રોટલો તેની થાળીમાં મૂકી દીધો. અને ‘લિયો, તમારે બી લીવો હે કે?’ કહી ધનિયા સામે તાક્યું ત્યારે તો તેને ‘ફૂ’ દઈને સતુના ડાચા ઊપર જ થૂંકવાની ઇચ્છા થઈ આવી. પણ પળવારમાં જ કડવાશને ગળી ગયો. ધનિયાએ આવું દુઃખ વેઠ્યું જ ક્યાં હતું? હા, મજૂરી તો તેને ગળથૂથીમાંથી જ મળેલી. પણ એનું તો તેને દુ:ખ જ ક્યાં હતું? પરન્તુ આકરી કસોટીમાંથી પસાર થવાનું આવ્યું ત્યારે તે સાવ ડગમગી ગયો. ખેતી કરવી, પશુપાલન અને જંગલની પેદાશો મેળવવી એમાંય લાકડું તો બારેમાસ! આ જ કામધંધો તેના બાપુજી મનજીભગતથી ચાલ્યો આવતો. છતાંય મજૂરી કે કામધંધા બાબતે તેને સ્હેજે વસવસો કે ફરિયાદ નહોતી. અને શાંત-પરગજુ ને સંતોષી સ્વભાવના બાપુજી કે સ્નેહાળ મા હોત તો ધનિયાનો ઈલાજ ફટ દઈને થઈ ગયો હોત. કોઈ વાતે ધનિયો નિરાશ થઈ ગયો હોય, કે નિરાશાને નિરાશામાં રાતો-પીળો ય થતો હોય ત્યારે તેના પિતા મનજી ભગત કહેતા:
‘બેટા, હવ હવનો (સૌનો) ઇસાબ રાખવાવાળી ધરતીમાતા બેઠી હે. પછે તને હું ચંત્યા? તું જીવ ટૂંકો નીં કર. મનેખના માળામાં ઉલાળા-પલાળા નીં થાય તો કૂને થાય? પાં...ણ જિરવે ઈંસ મનેખ.’
ને માતાજીનું નામ પડતાં અને બાપુજીના પ્રેમાળ-માર્મિક શબ્દોથી ધનિયો ઠરી જતો. પરન્તુ ઓચિંતી જ ઊભી થયેલી આ મૂંઝવણનો તેને કોઈ જ ઉકેલ ના જડ્યો ત્યારે તે વિચારોની જાળમાં ગૂંથાતો જ ગયો... બસ, ફસાતો જ ગયો. પણ સાગ અર્ધો જ છોડીને ગડમથલમાં ઘેરાયેલા ધનિયાને એક પ્રસંગ યાદ આવી ગયો ને કામમાં પાછો ઉત્સાહ જાગ્યો.
શહેરના દવાખાને જેવી સારવાર પતી કે ધનિયો ને સતુ સોનીની દુકાનમાં ગયેલાં. સતુની નજર અને મોઢાના હાવભાવ વરતી ગયેલા ધનિયાએ ઉમળકાભેર કહેલું: ’સતુ, માંદળિયું ગમ્યું કે?... લેઈ લે.’ પણ સતુ? ઝાંખીમાંખી થઈ ગયેલી સતુ તો ધનિયાનો ખૂબ આગ્રહ છતાંય ‘ના’... ’ના’ કરતાં નીચું જોઈ ગયેલી. ધનિયાએ તેની આનાકાનીનું કારણ શોધવા ખૂબ મથામણ કરી ત્યારે અધખૂલી આંખે તેની નજર નાખતાં કહે :’ તમાંને તો કઈ ખબર પડે છે કે નીં? દાપા હાટૂ તે દેવરિયો કુંવારો હે ને મું માંદળિયું પે’રું ઈ કેવું કે’વાય?’
એ સમયે પોતે કેવો ગદ્દિત થઈ ગયેલો! એ યાદમાં ધનિયો મનોમન પસ્તાઈ ગયો. ને તંગલો મૂકનારી ગોરી માટે કડવાશ થઈ આવી:
‘રાંડ તો પોતે સ કાદેવ. (કાદવ) ને ઈં વળી ગંગાજળની હું વાતે કરવાની અતી?’
પછી તો ધનિયો બમણી તાકાતથી સાગ ઉપર તૂટી પડ્યો. ને સાગ પણ કપાઈ ગયો. પણ તેને સમોસૂતરો કરે ત્યાં તો પાછો અટવાઈ પડ્યો.
: ’ભોળવાઈ ગ્યો ને પાછો? ઈંમ કે તા’રે! બૈરા અગાડી હત્તાય આદમી ઈમ સ પૉણીપૉણી થઈ જાય! તું બી એવો સ ને?’
: ’તે ઈમાં હું વળી? બૈરું યે મનેખ તો કે’વાય કે નીં? ને મનેખને તો આદમી-બૈરા વગરની યે હગાઈ (સગાઈ) ઓય વળી!’
: ’વાહ રે વાહ! તું તો જબરો હો! ગોરી હંગાત્યે તારે અસ્રી-મરદ વ’નાની હગાઈ અતી? ઈંવ ખબર પડી કે? ઈં તે ઈમ સ ઓય :વાયરો ને બૈરૂ બેય હરખાં લા ભોળિયા!
- ને ધનિયાને માથામાં દરદ થઈ આવ્યું.
‘હા... હા... તારે હું પંસાત હે?’ - કહેતાં છંછેડાઈ પડ્યો. અને ગુસ્સામાં કૂહાડો એક તરફ ફંગોળતાં ખાખરા નીચે બેસી પડ્યો.
અ... ને એક તો ખાખરાનો લીલોછમ્મ છાંયડો ને વિચારોને વિચારોમાં થયેલા આગલી રાતના ઉજાગરા - બેય ક્યારે ભળી ગયાં તેનું ય ભાન નહોતું. ને ‘ફ... ફર...’ નસકોરાં બોલાવતો તે ‘રાંડ લુસ્સી?’ની ત્રાડ સાથે જાગી ગયો ત્યારે તેના ચહેરામાં ભારે આક્રોશ ભરાઈ આવ્યો’તો.
એય ને નવરાતિયા (નવરાત્રી)નો છેલ્લો દા’ડો છે ને ગામગામનાં છોકરાં, જુવાનિયાં ને ઘરડાં - બધાંય માતાજીના દેવરા પાસે ભેગાં થયાં છે. મનજી ભગત માતાજીના દેવરાં સામે આંખમીંચીને બેઠા છે ને ઘડી ઘડી માથું નમાવી નમાવીને ધ્યાન કરી રહ્યા છે તે સહું ડોળા ટીકીટકીને જોઈ રહ્યાં છે. ...ધીમેધીમે બાપાનું માથું. ને પછી આખું ય શરીર ધ્રૂજવા માંડ્યું છે. ને .. ‘અહ્હે... અહ્હે... છોરાં... અહહે આજી કાળકા... અહહે... આજી મેલડી... ના પોકાર સાથે ઊભા થઈ ધૂણવા માંડે કે પૂંઠે બેઠેલા બીજાઓ પણ ઊભા થઈ અછ્હે... અહ્હે... કરતાં ધૂણી પડ્યા છે. મનજીભગતના એક હાથમાં મોરપિચ્છની સાવરણી, કેડે ખણખણતા ઘૂઘરાને જમણા હાથમાં સાંકળ. ધૂણતા-ઠેકતા ને અહહે... અહ્હે... કરતા ભગત એક નવરાતિયાને સાંકળ આપે કે વારાફરતી બધા નવરાતિયા સાંકળ હાથમાં લઈ ધૂણતા ધૂણતા ઠેકી ઠેકીને... ‘અહહે આજી કાળકા... ‘આજી જોગણી’... એમ બોલતા બોલતા બે-ત્રણ ફટકા પોતાની પીઠ પર ઠોકીને બીજાને ધરી દે છે. એય ને લોક તો નવાઈથી આંખ ગડાડી ગડાડીને જોઈ રહ્યું છે.
- પોતે તો ધૂપ કરવા માટે તાપણામાંયથી નેળિયામાં (નળિયામાં) દેવતા કાઢતો’તો ને અહૂડાં પાડતાં દોડી આવેલી ગોરી ‘ધનજીવીરા, મરી ગઈ રે!’... ’મને વેંસુડો ડંખ્યો છે ને તમે ડોરા ફાડીફાડીને તાકી હૂં ર્યા હો?’ - એમ કેઈને બાવડું ઝાલીને ખેંચતી કને ખૂણાના અંધારામાં લેઈ જાય હે. પોતે ગોરીને પૂછે કે, ‘પાબી, ક્યાં વેંસુડો ડંખ્યો છે?’ ને ‘વીરા રે જબરો સ ડંખ્યો હે વેસુડો’ ઈમ કેતાં કેતાં ને ધીમે ધીમે ચીંહ કરતાં... ‘વીરા ન્યાં દુઃખે... વીરા ન્યાં... કરતાં પોતે કઈયે સમજે તે પે’લાં તો ક્યાં ક્યાં આથ (હાથ)ને રમાડી દીયે હે! પોતે ‘પાબી, મું દીવડો લેઈ આવું’ કેઈને ઉઠવા જાય ત્યાં તો ‘ઓ વીરા! મરી ગીજી રે’-ની ચીંહ કરતાં કરતાં પોતાને... ને પોતે ભાનમાં આવે ન આવે ત્યાં તો બાવડાં પંપાળતાં ને ખીખલી કરતાં ગોરી - ‘વીરા! વેંસુ ઉતરી ગ્યો’ ઈમ બોલે કે ‘ફટ્ટ હાળી જાત’... કે’તો તાપણા પાંહે દોડી જાય હે. તાપણે નવરાતિયા બીડી પીતા’તા તો ખળામાં જુવાંનિયાં ઠેકી ઠેકીને ગીતાં ગાઈ રે’લાં.
-પાં...ણ પોતે તાપણાના અજવાળે હૂં દીઠેલું?
સતુનો આથ લખમણના ગળામાં ને લખમણનો સતુની કેડ ફરતે. જૉણે સતુની કેડમાં વિંટળાયેલો હાપ (સાપ)ના ઓય!... ને એવું જોતાં જ - ‘રાંડ લુસ્સી?’ની ત્રાડ પડાઈ ગયેલી. પણ જાગ્યા પૂંઠે ખબર પડી કે પોતે તો ખાખરાના છાંયડે...!
દન બાવસી (સૂર્ય) આથમવાની તૈયારીમાં હતા. ત્યારે ઉંઘમાંથી જાગી ગયેલો ધનજી ફરી પાછો સવાલ-જવાબમાં અટવાઈ પડ્યો’તો.
: ’તું’ હત્તુંયે મારું મારું કરતો હે... પાં...ણ આટલું મોડું થઈ ગ્યું તોય તારી કોઈ ખબર લેવા આ’યું ખરું?’
: ’હાં... વાત તો હોળ ઑની હાસ્સી હોં! તો કરી લેઉ ઉગારો? હાળી હત્તીયે ઝફા જાય!’
: ’પાંણ નક્કી કેમ કરવું કે સતુને લખમણનું...
: ’હસું કઈ બંન (બંધ) આંખે થોડું આઈને ભરાઈ જાવાનું હે? પાંણ પૉમેળ (ગંધ) આવ્યા વ’ના તો નૈસ રે હો! બોલ, સતુ લખાને આગરો (આગ્રહ) કરીને ખવડાવે તેમ તને...? કીધા વ’ના વાંહો... ...??
: ’પાંણ લખમણને સતુતો ભઈને બૂન...
: ‘એ લા, તું હસુંયે જોવા બેઠો હે? તં કૂકડો બોલ્યો તઈનો ડુંગરે ને ડુંગરે...
: ’તે મારે કરવું હૂં?’
: ’તે ઈમાં પૂસવાનું હૂં? જો પેલો પાણો દેખાણો? ઈના નેચણ ઊડો દરો (ખીણ)... ...ચડી જા ઇના મૉથે ને...!
અ... ને દોડીને પથરા ઉપર ચડી ગયેલો ધનિયો પડે... ઝંપલાવે... ત્યાં જ બાપાએ કહેલી એ વારતા...
એ ય ને પછે તો ભરમાણીએ ‘લીયો વા’લા! સીકણી સીકણી ને હુંવાળી હુંવાળી ગાર (માટી) ઈમ કેઈને ભરમાજીને આલી કે ભરમાજી તો કેડ કાઠી બાંત્તાં કને ગારો બાંધવા બીહી ગ્યાં. પાંણ થોડીસ વાર થઈ ત્યાં તો દદડ દદડ પસીને ન્હાતા, ને પસીનો લૂસતા ભરમા ખાટલે બીહેલાં ભરમાંણીને ક્યે કે, ‘વા’લી! આટલું તો મું ભરમાંડના હત્તાય જીવ ઘડતાયે નીં થાક્યો. પાંણ આ માંણહનો ગારો તો...!
ભરમાંણી ક્યે :’પાંણ તમુને હૂં થાય હે ઈ તો કૌવ્. મું મદત કરું.’ ને ‘હૂં કૅ’વું લા’ ઈમ કેઈને ભરમાજી તો માથે આથ દેઈને બીહી ગ્યા. ભરમાંણીના તો ડોરા (ડોળા) સ ફાટા રેઈ ગ્યા!
: ’તમે તો દેવરાં (દેવો)ને ય ટપી જાય તેવો માંણહ ઘડવાનું કે’તાતા ને નિરાશ થેઈને બીહી ગ્યા? ઈમ તો પછે હત્તાય જીવો ઉપર રાજ કૂણ કરહે?
- ને ‘હાં’... ’હાં’ કેઈને ભરમાજી તો પાછા ગારો બાંધવા બીહી ગ્યા. પણ પાસી એની એ સ મૉકાણ! માટી પલાળવા પૉણી નૉખવા જાય તો માટી પથરા જેવી થાતી જાય. ને ઈમને ઈમ સ ભેગી કરવા જાય ત્યાં માટી તો રબડી સ રબડી! હાળુ ભરમા વચાર કરે કે, ‘આજ કેની નજર લાગી? ... એવામાં ભરમાંણીને હૂઝી આ’યુ:
‘ઈમ કરો ને, ઈમાં થોડીક કકરી માટી નૉખી જુવો ને.’
- ને ભરમાજીએ ઈમ કર્યું.
પછે તો હૂર (ઉત્સાહ-ઉમળકો)માં આઈ પેલા ભરમા તો ‘વાહ! ભરમાણી, વાહ!’ ઈમ કે’તાં ગ્યા ને મનેખને ઘડી યે દીધો. પાં...ણ કેવોક ઘડાયો હે? ઈમ કરીને જોવા ગ્યા ત્યાં મનેખ તો આથ (હાથ) માંયથી ગરક!
ને ખોંખારો ખાઈ, ‘ઈમ હે ભઈ તા’રે. જેણે ઘડનારાને ય આથમાંયથી ગરકી જઈને સેતરી નૉખ્યો ઇ કોઈને ગાંઠે ખરો? - એમ કહીને ખડખડાટ હસી પડેલા બાપુજીને ધનિયો તો બાધાની જેમ તાકી જ રહેલો. ત્યારે તેમણે થોડોક ફોડ પાડતાં કહેલું: ’નીં ખબર પડીને? ‘અરે ભઈ, ઈમ - વાત-વાતમાં હમજાઈ જાતું ઓત તો મનેખના જણ્યાને દુઃખજ શેનું ઓત?’
- અને ધનિયા તરફ તાકી રહેતાં –
‘ ઈ હમજાઈ જાય તો મનખાનું ઝેર...
‘ઈમ પસી જાય’... ‘ઈમ પસી જાય’... એમ કહીને ચપટી વગાડતા બાપુજી દેખાઈ આવ્યા. ને હાશકારો અનુભવતો ધનિયો પથરા માથેથી હેઠો ઉતરી ગયો.
(ખેવના : માર્ચ, 2003)
સ્રોત
- પુસ્તક : વન્યરાગ (પૃષ્ઠ ક્રમાંક 63)
- સર્જક : પ્રભુદાસ પટેલ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2014
