Ugaaro - Short Stories | RekhtaGujarati

ઉગારો

Ugaaro

અજય સોની અજય સોની
ઉગારો
અજય સોની

“માંગ્યા મેહ કે'દી વરસ્યા છે ! ને મૂઓ આજે હવારનો મંડાણો છે.

કાશીડોશીએ બબડતાં બબડતાં ડાબા ગોઠણ ઉપર હથેળી દાબી.

“એણે હુ ધાર્યું છે કાંય ખબર નથ પડતી.”

કહેતા કાશીડોશીએ આકાશનો રંગ જોવા નજર લંબાવી. પછી કાંઈ કળી શક્યા હોય એમ નોંધારી નજર ભોંય લગોલગ ગોઠવીને બેસી રહ્યાં.

“કમાને કેટલું કીધું કે આજે રંગ કાંક નોખો લાગે છે, ખેતરે જાવાનું રેવા દે. પણ ઝાલ્યો રે તો એના બાપનો દીકરો શાનો?”

ગોરંભાયેલા આકાશે દિશાઓ ધૂંધળી કરી નાખી હતી. બે વરસના દુષ્કાળનું સાટું વાળવું હોય એમ વહેલી સવારનો જામ્યો હતો. ખેતરે ગયેલાં કોઈ પાછાં નહોતાં વળ્યાં. બપોર તો ક્યારના ઢળી ગયા હશે. વરસાદી વાતાવરણના કારણે કાંઈ પરખાતું હતું. આખો દિ' ઘરની ઊંચી પરસાળના ખૂણે ખાટલો નાખીને બેઠાં રહેતાં કાશીડોશી આજ મૂંઝાતાં 'તાં. સવારથી આમને આમ હતું. બપોર પછી તો કાશીડોશીને ઘડીક લાગ્યું કે દિ' આગળ વધે છે કે કેમ? ને ઉપરથી કમાની વહુ ઊભા પગે હતી. કાશીડોશીને સાતપાંચ થતી હતી. વહુનું મોઢું જોઈને કાશીડોશીને અસુખ થતું હતું. ને ઉપરથી કમો ઘરે નથી. કાશીડોશીના પેટમાં ચૂંથારો શરૂ થયો.

“મોટી ગગી... બાર આવ 'તો.”

કાશીડોશીને ઓરડાનાં કમાડ માંડ માંડ દેખાયાં. અંદર તો જાણે નકરું અંધારું ભરાયું હોય.

“હા બાઈ, બોલો.”

ખાટલાથી જરાક છેટી ઊભેલી મોટી ગગીને જોવા કાશીડોશીએ ઉપ૨ જોયું. થોડીક ઊપસી આવેલી છાતી પાસે અટકી ગયેલી એમની નજર ઉપર ઊઠી શકી.

“તારી માને કેમ છે?” અવાજમાં ઢીલાશ વર્તાય એનું ધ્યાન રાખતાં કાશીડોશી બોલ્યાં.

“એમ તો ઠીક છે પણ...” મોટી ગગીના ગળામાંથી નીકળેલો અવાજ જરા તરડાઈને બહાર આવ્યો.

કાશીડોશી મોટી ગગીનું બોલવું પામી ગયાં. એની સામે જોવાનું ટાળ્યું. એને એમ કે મોટી ગગી ચાલી જશે પણ તે હાથની આંગળીઓ એકમેકમાં ભેળવીને ઊભી હતી. કાશીડોશીને એની હાજરીનો ભાર વર્તાવા લાગ્યો. “બેઠી છે કે કામ કરે રઈ ?”

“ઘડીક કામ કરે ને વળી હાંફ ચડે તો બેહી રે.”

કાશીડોશી મનોમન ગણતરી કરવા લાગ્યા. નઈ નઈ તોય મોટી ગગીએ એની માને આમ ત્રીજી વાર જોઈ છે. એક કસુવાવડ ટાણે તો માંડ ચારેક વરસની હશે. જાવા દઈએ તોય બે નાનકી ગગી અને તે પછીની એક કસુવાવડ. મોટી ગગી પણ હવે તો ઘડાઈ ગઈ છે.

“વચેટ હુ કરે રઈ ? ને નાનકી ગગી?”

“નાનકી તો વેલીયે ઘોરી ગઈ. બીનકીને એની પાહે બેહવાનું કઈ આવી છું. અવાજ નથ આવતો તેં ઈયે હુઈ ગઈ લાગ રઈ.”

કાશીડોશીએ માત્ર હકારમાં ડોકું ધુણાવ્યું. એમને સમજાતું નહોતું કે મોટી ગગી હજુ કેમ ઊભી છે?

“એક તો વરહાદે મા રાંડી નાખી છે. કટાણે મંડાઈ પડ્યો છે; ને રોકાવાનું નામ નથી લેતો. તારો બાપ કાંય કઈને ગ્યો 'તો ?”

“બોલ્યા તો કાંય નઈ. પણ જાતા 'તા ત્યારે મા એમ કે'તી તી કે આજ જાઓ તો હારું.”

“કમોએ હાવ નકામો છે. એક તો વહુ પૂરા દિ’એ ને ઉપરથી વરહાદ. તન તન દીકરીનો બાપ છે પણ જવાબદારી જેવું કાય છે નઈ.”

કાશીડોશીની છાતીમાં કડવાશ ભરાઈ ગઈ.

“જા તો બાજુવાળા સામાકાકાના ઘરે જોઈ આવ તો. આવ્યા કે નઈ. કોથળો ઓઢીને જાજે.”

મોટી ગગી બે પગથિયાં ઊતરી ત્યાં તો પગના કાંડાથી ઉપર પાણી આવી ગયું. માંડ બે ડગલાં આગળ વધી હશે. ત્યાં કાશીડોશીએ રાડ પાડી. “પાછી આવતી રે, નઈ જવાય. પાણી મારગ નઈ કે.

કાશીડોશીને ફડક પેસી ગઈ. એમણે ઝાટકાથી અંદરના ઓરડા બાજુ જોયું. પાણીએ એમને ચોમેરથી ઘેરી લીધાં હતાં. નવ મહિનાથી રાહ જોવાતી હતી દી જાણે આજ આવી ગ્યો. કમાની વહુના ઉપસતા જતા પેટને જોઈ રહેતાં કાશીડોશીએ કેટકેટલા વિચારોમાં દિ'રાત વિતાવ્યાં હતાં. કમાના બાપા પાછા થ્યા ત્યારે કમો માંડ બાર વરસનો હતો. ખેતરમાં કામ કરતા કરતા હાડ બેસી ગ્યું. પોતે તો ઘરે વાસીદું કરતાં હતાં. ગામવાળા ગાડામાં એમના મડદાને લઈ આવેલા. ત્યારથી આજ લગી એક સપનું એમના મનમાં ધરબાયેલું પડ્યું હતું કે કમાના બાપા કમાની વહુના પેટે પાછા અવતરે ને પોતે ખાટલે બેઠાં બેઠાં રમાડે, મોટી જન્મી ત્યારે તો બધાને હરખ થયેલો. પછી એક કસુવાવડ અને લાગટ બે દીકરીયું. ફરી પાછી કસુવાવડ, વાટ જોવડાવી જોવડાવીને બધાંય થાક્યાં 'તાં. એક ફેરા તો કાશીડોશીએ બળતાં બોલી ગ્યાં 'તાં કે, મૂઈ તારું પેટ છે કે શું ? પછી આગળ જીભે સાથ આપ્યો. બોલ્યા પછી તો એમનું મન પાછળ જઈ ચડ્યું. કાશીડોશીને એક માત્ર સંતાન કમો. યે પાછોતરો એટલે દોઢ દાયકો તો ખુદ કાશીડોશી ખાલી પેટે જીત્યાં. કૈક બાધા, માનતા, દોરા કર્યા પછી કમો આવ્યો. આવ્યો. પછી તો કાશીડોશી બધું ભૂલી ગ્યાં. કમાની વહુ ઘરમાં આવી ત્યારે બધું મનમાં તાજું થઈ આવ્યું. લગનને માંડ બે મહિના થયા હશે ને કાશીડોશીએ કમાની વહુને કીધું તું, “ઝટ કરજો પાછાં, બહુ વાટ જોવડાવજો. ત્યારે તો નવી સવી કમાની વહુ શરમાઈને હસી પડી હતી.

મોટી ગગી પાછી પગથિયાં ઉપર આવીને થાંભલી પાસે ઊભી રહી ગઈ.

“તારો બાપેય કેવો છે. આવા ટાણે તો ઘરની ચિંતા હોવી જોઈએ કે નહીં. મારાથી તો કાંય થાય નઈ નકાં...”

કાશીડોશી ગુસ્સામાં બોલી ગયાં. અંદરના ઓરડામાંથી કમાની વહુનું ધ્યાન બહાર ખેંચાયું. કાશીડોશીની આંખ સામે સેંકડો દશ્યો એકસામટાં આવીને ચાલ્યાં ગયાં. ઊભા થવા બન્ને પગ ખાટલાની ઈસ પરથી નીચે લટકાવ્યા. બે હાથ ઈસ પર ટેકવીને હિંમત એકઠી કરવા લાગ્યા. કાશીડોશી આખા દિ'માં ક્યારેક ખાટલેથી ઊભાં થતાં.

“રેવા દો બાઈ, તમે ક્યાં...” અંદરના ઓરડામાંથી કમાની વહુનો મંદ અવાજ આવ્યો.

“હું નઈ આવું તો કોણ આવશે હેં?”

કાશીડોશીના ચહેરા પર ગુસ્સા સાથે સાંત્વના ટપકી રહી હતી.

“લાવો, ટેકો કરું.” મોટી ગગીએ કાશીડોશીનું બાવળું પકડ્યું. પછી કાશીડોશી બળ કરે એની રાહ જોતી ઊભી રહી.

“તેં તને હુ લાગે ર્યુ? વેણ ઉપડી છે કે પછે ?” કાશીડોશીના હાથ ઈસ ઉપર ભીંસાઈ ગયા.

“મા કે'તી 'તી કે ધીમી આંટી હોય એવું લાગે છે. નાનકી વખતેય આમ જ...”

મોટી ગગીના હાથની પકડ ઢીલી પડી ગઈ કે પછી કાશીડોશી શરીર સંભાળી શક્યાં. કાંઈ સમજાયું નહીં. કાશીડોશી ખાટલા પર ફસડાઈ પડ્યાં. આંખો બાજુવાળા ઘરના કરા પર ચોંટી પડી. “મૂઆ કમાને કૈકવાર કીધું છે કે હામેની દીવાલ ઊંચી કરાવ. દી'ને રાત કરો હામે આવે છે.”

બીજા ઓરડામાંથી નાનકી ગગીનો રડવાનો અવાજ આવ્યો ને વચેટે રાડ પાડી. બંનેનું ધ્યાન બાજુ ખેંચાયું. મોટી ગગી ઉતાવળા પગે બાજુ ગઈ. કાશીડોશીના અશક્ત પગ અંદર જવા જાણે જમીન ઉપર ખોડાયા પણ ઘૂંટણમાંથી સબાકો નીકળી જતાં બેસી પડ્યાં.

“છાની રખાવીને હુવાડી દે ઝટ. પછે મારી કને આવ.”

“ભલે બાઈ.”

મોટી ગગીએ હોંકારો ભણ્યો અને ઓરડામાં જઈ ભળી ગઈ. કાશીડોશી બળ કરીને ફરીથી ઊભાં થયાં. એમને થયું આધાર વિના ઊભા નહીં રહેવાય. ઉતાવળે બે ડગલાં ભરીને આગળ આવ્યાં. ઓરડાના બારસાખનો ટેકો લઈને અટક્યાં.

મોટી ગગી ધીમા અવાજે બોલી. “નાનકી સૂઈ ગઈ છે. તુંયે ઝટ હૂઈ જા.”

“હાંજે ઊઠીશ ત્યાં હુધી નનકો ભાઈ આવી જાશે ?”

“છાની માની હુઈ જા ને.”

તડામાર વરસાદના અવાજ વચ્ચે બહાર તણાઈ આવેલા શબ્દો કાશીડોશીના કાને પડ્યો. એમના પગ ઢીલા પડી ગયા. દિવસેય અંધારું થઈ ગયું હતું. ઓરડામાં કાંઈ કળાતું હતું. કેડેથી વળી ગયેલાં કાશીડોશીના પગ ત્યાં થાંભલો થઈ ગયા.

“આમણી કોર છું બાઈ.”

પાછળ વીજળીનો કડાકો થયો. વરસાદનું જોર વધ્યું. કાશીડોશી ઓરડાની બારસાખનો ટેકો લઈને ઊભાં હતાં. આંખ ઝાંપા બહાર ખોડાયેલી હતી. જોકે વચ્ચે વરસાદે પાણીની દીવાલ ઊભી કરી નાખી હતી. કાશીડોશીને એકાએક લાગ્યું જાણે ઘર પાણીથી ઘેરાઈ ગયું છે. હવે અહીંથી ક્યાંય નહીં જઈ શકાય. અને કોઈ બાજુ આવી નહીં શકે. ચોમેર ધૂંધળાશ છવાઈ ગઈ હતી.

“ઝાઝું નઈ ખમાય બાઈ. જાનબાઈ ક્યારે આવશે ?”

“કોણ ?” કાશીડોશી એકાએક બોલી ગયાં. પછી પોતે વિચારમાં પડી ગયાં.

“મૂઈ, ચારેકોર પાણી પાણી થઈ પડ્યું છે. ઝાંપા હુધીયે જવાય એમ નથી. ને કમો તો ઘરે નથી. સુયાણીને તેડવા કેમ જાવું ?”

ઊંહકારાને દબાવવા મથતી કમાની વહુના બે હોઠ પરસ્પર ભિડાઈ ગયા. ગોદડીની કોરનો ડૂચો વળી ગયો ત્યાં સુધી મૂઠીમાં દબાવી. તેને એમ કે જોરથી રાડ નીકળી જાશે પણ અવાજે સાથ આપ્યો.

કાશીડોશીએ આંખ સામેના અજવાળામાંથી નજર હટાવી પાછાં ફરીને જોયું. અંધારિયા ઓરડામાં ખાલી કમાની વહુના ચહેરા પર આછો અજવાસ દેખાતો હતો. સિવાય કશુંયે નહીં. કાશીડોશી એના ચહેરાની તંગ રેખાઓને ઝાઝીવાર જોઈ શક્યાં. ગઈ ફેરે પણ આમ હેરાન થઈ 'તી. ત્યારે તો કંટાળીને બોલી ગઈ 'તી કે ભગવાન ફેરે સવળી સાંજવણ દઈ દે એટલે જાન છૂટે.

“ઘડીક હિંમત રાખ. હમણાં વરસાદ રહી જાશે. પછી કાંક...

કાશીડોશી પાસે શબ્દો હતા. કાશીડોશીએ ઉતાવળે નજર હટાવીને બહાર ખોડી દીધી.

“બાઈ, હવે નથી ખમાતું. તમે કાંક કરો.” કમાની વહુનો અવાજ વધારે ઊંચો થયો.

કાશીડોશીના મનમાં સત્તર જાતના વિચારો ભમતા હતા. આવા ટાણે ઘરનું માણસ સાથે હોય કેવું વહમું ? ને ઉપરથી હું અધમૂઈ. કાશીડોશીને પોતાનો વખત યાદ આવી ગયો. કમા વખતે પોતેય આમ હેરાન થઈ હતી.

એકાએક કમાની વહુએ રાડ પાડી. ત્યાં વાદળ ગર્જવાનો અવાજ આવ્યો. કાશીડોશીનું ધ્યાન બન્ને તરફ ખેંચાયું. લાંબા પગ કરીને પાછળ હાથ ટેકવીને બેઠેલી કમાની વહુ પીડામાં માથું હલાવી રહી હતી. તેના ચહેરા પર પીડા દેખાઈ પડતી હતી.

“આ ગોદડી ભરાઈ ગઈ હવે તો....”

“હિંમત રાખ.” કાશીડોશીનો બોદો અવાજ શબ્દો મળવાથી અટકી ગયો.

“માયમાંથી હિંમત રાખું ? શરીરની પત્તર ખંડાઈ ગઈ છે. હવે તો કાંક માપ હોય કે નહીં.”

કાશીડોશીને થયું અવાજ ઓરડામાં ઘુમરાય છે કે શું? કમાની ક્યારેય ઊંચા અવાજે નથી બોલી.

વીજળીનો કડાકો થયો. જાણે એનું તેજ કાશીડોશીના માથા ઉપરથી પગ સુધી ઊતરી આવ્યું. સવારથી વરસતા વરસાદનો એકધારો અવાજ એમની અંદર ઊતરી ચૂક્યો હતો. માંડ ઊપડતા પગમાં એકાએક ચેતન પ્રગટ્યું. બારસાખનો સહારો છોડી કાશીડોશી ઉંબર વટાવી ઓરડામાં આવ્યાં. કમાની વહુ પાસે ઉભડક બેસી ગયાં. પીડાથી કણસતી દીકરાવહુને જોઈને કાશીડોશીની લાચાર આંખોમાં એક તણખો ફૂટ્યો. “આશાપુરી ફેરે લાજ રાખી દે એટલે બસ.”

કમાની વહુનો હાથ પોતાના હાથમાં લઈ કાશીડોશી માયાળુ સ્વરે બોલ્યાં.

“જાનબાઈ નહીં ગુડાય તોય, તારી બાઈ જીવતી મરી છે !”

પછી અટકીને અંધારામાં કશુંક ફંફોસતાં મળી આવે એમ હાકોટાભેર બોલ્યાં.

“એય મોટી ગગી, ગરમ પાણી ચૂલે ચડાવ.”

મોટી ગગી દોડીને બારસાખે આવી ગઈ. એના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

“બાઈ, તમારાથી નઈ થાય. તમે રેવા દો.”

“રેવા તો દઉં. પણ આપણી કને બીજો કોઈ આરો છે ?”

કમાની વહુનો અવાજ ધીમો પડી ગયો.

“ઊભી શું છો. જા ઝટ પાણી મૂક.” કાશીડોશીએ ગગીને જોઈને હાકોટો કર્યો.

કમાડ અડધું વાસીને ગગી ઉતાવળે રાંધણિયામાં દોડી. તેની આંખો કાશી ડોશી દિ'રાત સૂતાં રહેતાં ખાટલા સાથે અથડાઈ.

કમાની વહુના કપાળે બાઝેલાં પરસેવાનાં ટીપાં લૂછતાં કાશીડોશી બોલ્યાં.

“બસ, છેલ્લી ફેરા છે. તું હિંમત હારતી.”

“સુયાણીનું કામ સુયાણી જાણે બાઈ ! ક્યાંક એક કરતાં બીજું થાશે તો હું આવતા જન્મારેય નઈ છૂટું.”

“મૂઈ, હુંયે જનેતા છું. મેંય એક દીકરો જણ્યો છે. સુયાણી નથી પણ સુવાવડ તો ઘણીયે જોઈ છે. આવડા વરસાદમાં તારાથી ક્યાંય જવાય એમ નથી. ને જાનબાઈ આવે એમ નથી. મઢવાળી પર ભરોસો રાખ બધું હારેહારું થાશે. તું ચિંતા કર, હું છું ને તારી પડખે. બેઉ જનેતા ભેગીયું થાઈએ પછી તો જીવને જન્મે છૂટકો.

કમાની વહુના ઊંહકારા વધવા લાગ્યા. પરસેવાનાં ટીંપાં કપાળ પર બાઝી આવ્યાં.

કમાની વહુ ચત્તી સૂતી હતી. કાશીડોશી એના પગ પાસે બેઠાં. એમણે ઉપર જોઈ મનોમન માને યાદ કરી. પછી હળવેકથી પેટ પર હાથ ફેરવ્યો. કૂખ દબાવી જોઈ, પડખાં તો ખાલી પડ્યાં હતાં. બે પગ પહોળા કરતાં કાશીડોશીના હાથ અટક્યા. ચણિયો આખો ભીંજાઈ ગયો હતો. ગોદડું પણ પાણીવાળી થઈ ગઈ હતી.

“મૂઈ દસીયો ફૂટી ગ્યો છે. હવે બહુ વાર નથી. હરખી બે આંટી લે એટલે છુટકારો.”

“બાઈ, તમે...”

“તું હુંય ભૂલી જા. તારી પડખે બેઠી તારી સાસુ નઈ સુયાણી છે એમ હમજજે. બધું સારું થઈ જશે. હું બેઠી છું ને.”

કાશીડોશીએ બે પગ પહોળા રખાવ્યા. એમનો એક હાથ પેટ પર ફરતો રહ્યો ને બીજા હાથે સાથળ દબાવવા લાગ્યાં.

કમાડ પાસે ઊભેલી ગગીને જોઈને કાશીડોશી બોલ્યાં.

“પાણી આમણી કોર રાખ. ને જાડાં કપડાંના ટકરા લઈ આવ.”

મોટી ગગી એની માને જોઈને થીજી ગઈ. પસીનાથી નીતરતો ચહેરો અને અસ્તવ્યસ્ત શરીર. વારેવારે ભિડાઈ જતા હોઠ અને હથેળીમાં મસળાઈ રહેલું જૂનું ગોદડું.

“ચાર આંગળ મોં ખૂલી ગ્યું છે. માથુંએ દેખાય છે. હવે ખરી વાત છે. કઉં એટલે જોર કરજે.”

જોમથી બોલતાં કાશીડોશીના હાથ ચીકણા પ્રવાહીથી ખરડાઈ ગયા હતા. કોઈ અજબ ઝનૂન એમની અંદર પ્રવેશી ગયું હતું.

“ગગી તું બાર જા હવે. રાબ હાટું લોટ શેકવા મૂક. કઉં એટલે લઈ આવજે.”

મોટી ગગી થીજી ગયેલા પગે કમાડ તરફ વળી. કમાડ ખોલતાં અજવાસ અંદર આવી ગયો. કમાની વહુ પીડા વચ્ચે પણ એકીટસે કમાડમાંથી આવતા અજવાસને જોઈ રહી.

“આ ફેરે છેલ્લું ટાણું છે. બધી હિંમત ભેગી કરીને જોર લગાવ. બસ, આમાંથી છૂટીએ એટલે ગંગા નાહ્યાં.”

કાશીડોશીએ અંદર હાથ નાખી બાળકનું માથું પકડ્યું. ભિડાઈ જતા બે પગને પહોળા કરતાં બોલ્યાં.

“મૂઈ, તારે ક્યાં પેલવેલનું છે તે શિખાડવું પડે. ઝટ જોર કર. લે, માથું તો હાથમાં આવી ગયું છે.”

“જોર નથી રહ્યું શરીરીમાં બાઈ.” કમાની વહુનો અવાજ લથડ્યો. પરસેવાના રેલા સાથે આંસુયે લમણે રેલાયા. કાશીડોશીને ફડક પેઠી. એના ગાલ થપથપાવીને બોલ્યાં.

“એય... શરીર ઢીલું પાડ. એક આંટીમાં તો છૂટકો છે. મારા હાથને જસ અપાવજે. કર જોર... હા બરોબર છે. કર જોર...”

કમાની વહુની કાળી ચીસ કમાડની તિરાડમાંથી બહાર નીકળી ગઈ. આકાશ ભેદી નાખતો કડાકો થયો અને વરસાદનું જોર ધીમું પડ્યું. કાશીડોશીના હૈયામાં જાણે ધડાકો થયો. શેકાઈ ગયેલા લોટમાં પાણી નાખવાથી છમકારો ઊઠ્યો. મોટી ગગી ઉતાવળે ઓરડા બાજુ દોડી. કાશીડોશીની આંખો કમાડમાંથી અવરોધાયેલા અજવાસને તાકી રહી. ત્યાં તાજા રુદનનો અવાજ ઓરડામાં ફેલાઈ ગયો.

“તારી મા હારું રાબ લઈ આવ નાનકી.”

કાશીડોશીએ નવજાતને કપડામાં વીંટાળીને કમાની વહુ પાસે સુવડાવ્યું. અશક્ત આંખો તરફ ફેરવતાં કમાની વહુ બોલી ઊઠી,

“બાઈ, ફોડ તો પાડો.”

કાશીડોશીએ કમાની વહુના કપાળ ઉપરનો પરસેવો લૂછતાં કહ્યું. “ઈ જે હોય ઈ, તું છૂટીને એટલે બસ.

કમાની વહુના તંગ ચહેરાની રેખાઓ ઢીલી પડી. એની આંખમાં વિસ્મય ચમક્યું તો સૂકા હોઠ ઉપર સ્મિત ફરકી ગયું. કાશીડોશી નવજાતની ઓળખ છતી કરવાનો ઉમળકો દાખવ્યા વગ૨ મનમાં બબડ્યા. “વરસે વરસે પેટ ઉલેચવાની પીડામાંથી તો ઊગરી બિચારી !”

કાશીડોશીના ચહેરા ઉપર ફેલાતા સંતોષની છાયા કમાની વહુના ચહેરા ઉપર પણ દેખાઈ.

સ્રોત

  • પુસ્તક : તળેટીનું અંધારું (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : અજય સોની
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન
  • વર્ષ : 2024