રાકેશ દેસાઈ
Rakesh Desai
યુનિવર્સિટીથી રોજની જેમ હું સાંજે ઘરે આવ્યો - લીલાછમ્મ ઉધના- મગદલ્લા રોડ પર થઈને. મારી સોસાયટી આ રોડ પર લગભગ વચ્ચે આવેલી છે. યુનિવર્સિટી કૅમ્પસથી આગળ જતાં રોડના એક છેડે આવે મગદલ્લા બંદર. ત્યાં રાત-દિવસ ઘૂઘવતા દરિયાએ સદીઓથી સુરતની ચડતી-પડતી જોઈ હશે. રોડના બીજે છેડે આવે ઉધના. એક ઔદ્યોગિક પરું, જ્યાં અહર્નિશ ફૅક્ટરી, લૂમ્સની સાંસ્કૃતિક ખટખટાખટ ચાલ્યા કરે. સોસાયટીથી યુનિવર્સિટી કૅમ્પસ બાજુનો રોડ બંને બાજુ વૃક્ષોથી છવાયેલો - મોટા ભાગે સરુ અને ક્યાંક ક્યાંક નીલગીરી. બંગાળી બાવળ પણ ખરાં. આમ તો મારી સોસાયટી સુરતના છેવાડાના વિસ્તારમાં ગણાય. છેલ્લાં આઠ-નવ વર્ષોમાં અહીંયાં પણ મોટી સોસાયટીઓ અને તોતિંગ બહુમાળી મકાનો બંધાયાં. અસલ સુરતમાં મનાતું શહેરનું કેન્દ્ર બદલાતાં પરિઘના સંદર્ભે ખસતું રહ્યું છે.
“પપ્પા આયા! પપ્પા આયા!” ઘરની અંદરથી મારી બે વરસની બેબીનો હરખભીનો અવાજ બહાર રેલાયો. સ્કૂટરને સ્ટૅન્ડ પર ચઢાવતાં મેં ઊંચું જોયું. બારણાની સ્ટીલની જાળીને અંદરથી બધી જ તાકાતથી પકડતા બે નાનકડાં હાથની કોમળ આંગળીઓ દેખાઈ. પછી આનંદ-ઉલ્લાસથી છલકાતું બેબીનું મોઢું ડોકાયું. “આવું છું, ગુડ્ડી, હું.” સ્કૂટર ઝડપથી લૉક કરી, ઓટલો ચઢી, સાચવીને બારણું ખોલીને હું અંદર આવ્યો. ઊંચકાવા તત્પર ગુડ્ડીને ઊંચકીને મેં બે-ત્રણ બચી ભરી. એનું ધ્યાન તરત રોજની જેમ મારી બૅગ અને બૂટ તરફ ગયું. એણે બૅગ ઢસડી–એને મદદ કરવાનો મને અધિકાર નહોતો–બાજુમાં સોફાને ટેકે મૂકી દીધી. સોફા પર બેસી મેં બૂટ કાઢ્યાં. કશુંક ચોક્કસ કરવાની નેમ સાથે એ સામે ઊભેલી હતી. સમજીને મેં પગ એની સામે ધર્યાં. એણે મોજાં બંને હાથે ખેંચવાની શરુઆત કરી. આ રોજનો ઉપક્રમ. આમ તો હું ચંપલ પહેરીનેય બહાર જાઉં છું, પણ ગુડ્ડી સાંજે મોજાં ખેંચી શકે એટલે હું ઘણી વાર બૂટ પહેરીને યુનિવર્સિટીમાં જવાનું ગોઠવું છું. “નંઈ બેટા, બૂટને નંઈ અડકવાનું, ગંદું કે’વાય”- મોજાંને બૂટમાં ગોઠવતી ગુડ્ડીને મેં ટોકી. દરમ્યાન મોજાં એણે બૂટમાં મૂકી જ દીધાં હતાં, મેં ઝડપથી બૂટ નાના કબાટમાં મૂકી દીધાં. ગુડ્ડી સતત મારી પાછળ જ.
પત્ની નીલા સામે જોવાનો હવે મને મોકો મળ્યો. એ મારી સામે ઝડપથી દૂધ અને નાસ્તો ધરી દેવાની વ્યવસ્થામાં ગળાડૂબ હતી. ચા ની મારે બાધા છે. કોફીનો વિકલ્પ એ નુકશાનકારક એમ જણાવી નીલાએ મિટાવી દીધો છે. એની સતત ફરિયાદ છે કે હું સવારે ઓછું ખાઉં છું. એટલે સાંજે નાસ્તો ભરચક આપે છે. ખેર - શિક્ષકો બધાં જ કદાચ ઓછું ખાતાં હશે. વિચાર અને આહાર વચ્ચેના સંભવિત પ્રાકૃતિક વિરોધ વિશે કૈંક વિચારી ભરચક નાસ્તો પેટમાં ઠાલવતા મારા અહમ્ ને પણ મેં પોષી લીધો.
સાંજ ઢળી ગઈ હતી. સૂરજનું સોનેરી અજવાળું બારણાની સ્ટીલની સફેદ જાળી રંગતું હતું. સોસાયટીમાં નોકરિયાતોનું આગમન ચાલુ હતું.
અડધો’ક કલાક થયો એટલે ગુડ્ડી નિશ્ચયપૂર્વક મારી પાસે આવી. એણે અધિકારપૂર્વક મારી સામે જોયું. હું નિખાલસ હસ્યો. હવે એનો બહાર ફરવા જવાનો સમય થયો હતો. નીલા રાતની રસોઈમાં પ્રવૃત્ત હતી. એણે હોંશથી ગુડ્ડીને સારાં કપડાં પહેરાવ્યાં. આજે લાલચટ્ટાક રેશમી ફ્રૉકનો વારો હતો. ગુડ્ડીએ એનાં પહેલાં બર્થ-ડે પર પહેરેલું ત્યારે એ ફ્રૉક જરાક મોટું પડતું હતું. હવે એ મોંઘું ફ્રૉક ટૂંકું પડે એ ડરે નીલા એને આડે દિવસેય પહેરાવવાનો આગ્રહ રાખે છે. પગમાં સેન્ડલ તો ગુડ્ડીએ જાતે જ પહેર્યાં - ભલે પછી એણે થોડી માથાકૂટ કરવી પડે. હમણાં હમણાંથી બધું જાતે કરવાનો એનો આગ્રહ વધ્યો હતો. જાળી ખોલી હું ને ગુડ્ડી બહાર નીકળ્યાં. જતાં જતાં એણે મમ્મી સાથે બચીની આપ-લે કરી.
હમણાં બે-ત્રણ દિવસથી ગુડ્ડી સાથે સાંજે ફરવા જવાયું નહોતું. પાસેના બગીચામાં અઠવાડિયે એકાદ વાર જઈએ - ત્યારે નીલા પણ સાથે હોય. બાકી રોજ હું ને ગુડ્ડી સોસાયટીને ઉધના-મગદલ્લા રોડ સાથે જોડતી ગલીમાંથી ચાલતાં નીકળીએ. એ ધીમે ધીમે નાના પગલે ચાલે. એના તાલે હું ચાલું - મને થોડીક તકલીફ તો પડે. એ સાંકડી ગલીમાંય સામેથી, પાછળથી આવતાં સ્કૂટર - રિક્ષા-કારથી એને સાચવીને બાજુ પર લેવાની. રોડ પર પડેલી અનેક વસ્તુ લેતાં એણે અટકાવવાની. એણે પૂછેલાં કાલાઘેલાં સવાલોના કાલાઘેલાં જવાબો આપવાના. ક્યારેક એનાં ન સમજાતાં સવાલો સમજવાનો શક્યતઃ પ્રામાણિક પ્રયાસ કરવાનો. પછી ગલીના નાકે પહોંચી ઉધના-મગદલ્લા રોડ પર ડાબી બાજુએ વળી તરત ઊભેલાં ત્રણ નીલગીરીના ઝુંડ નીચે ઊભાં રહીએ. એક નીલગીરી પરના કાગડાના માળાને હું બતાવું. રોડ પરના ટ્રાફિકને જોતાં જોતાં હું ‘સ્કૂટર,’ ‘રિક્ષા,’ ‘ટ્રક,’ ‘ટ્રેક્ટર’ જેવાં શબ્દો બોલું. એ પણ આવા અઘરાં લાગતાં શબ્દો ઠીકઠીક ચોખ્ખાઈથી બોલે. પંદર-વીસ મિનિટ ઊભાં રહી અમે પાછાં વળીએ.
“પપ્પા, આમ નીં, આમ.” કહીને ગુડ્ડીએ મારો હાથ ખેંચ્યો. એનાં મુખભાવ અને ચેષ્ટાથી હું સમજ્યો કે મારે એની આંગળી નહીં પકડવાની. એણે મારી આંગળી પકડવાની. રસ્તા પર ટ્રાફિકમાં એને સાચવવી અઘરી એટલે મેં રકઝક ચાલુ કરી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીંયાં પણ ખાસ્સો ટ્રાફિક વધવા માંડ્યો છે. પણ સદ્ ભાગ્યે હમણાંથી નગરપાલિકા ઘણું સારું કામ કરે છે. રસ્તા પહોળા થાય છે. વરસોથી રસ્તા પર પગદંડો જમાવી બેઠેલાં પાકા મકાન કે દુકાન પર નોટિસ ફટકારાય ને પછી હથોડા ઝીંકાય - પથ્થર બની બેઠેલો સમય ચૂર ચૂર થાય. મસમોટી ક્રેઇન આવે, પછી ચોળાઈ ગયેલો ઇતિહાસ સપાટ કરતું ધમધમતું રોલર આવે. રસ્તાના નવાં પહોળા થયેલાં ભાગ પર ચાલતાં જાણે ચંદ્રની ધરતી પર ચાલતાં હોઈએ એવું લાગે. હમણાંથી ઉધના-મગદલ્લા રોડ પણ પહોળો થઈ રહ્યો છે. સારું છે. બાળકો ને વૃદ્ધો સલામતીપૂર્વક ચાલી શકે.
“પપ્પા, આ—” બોલતાં ગુડ્ડી વાંકી વાળીને ગલીની ધૂળમાં ચીપકી ગયેલો ચળકતો કાગળ પકડવા મથી. ચમકીને મેં એને અટકાવી. કોઈ તમાકુ- ગુટકાનું ખાલી પાઉચ પડેલું હતું. આગળ જતાં એણે પાછું ફરીને ત્યાં જોયું. એનું ધ્યાન વાળવા મેં એને બાજુના બંગલાની કંમ્પાઉન્ડ-વૉલ પર ચીતરાયેલો સિમેન્ટની જાહેરાતનો હાથી બતાવ્યો. ગલીના નાકા તરફ અમારી કૂચ આગળ વધી.
બેએક મહિના પહેલાં અમે રોજની જેમ ગલીના નાકે આવેલાં નીલગીરીના ઝંડ નીચે ઊભાં રહેલાં. ગુડ્ડીના શબ્દકોશમાં ‘ઝાડ’ શબ્દનો ઉમેરો કરવાં મેં નીલગીરી બતાવીને કહ્યું- “આ ઝાડ છે.” થોડાંક પ્રયત્ને એ પણ બોલી- “આ ઝાડ છે.” નીલગીરી ત્રણ હતાં. તે એક પછી એક દરેક નીલગીરીને બતાવીને ઉમળકાભેર બોલી - “આ ઝાડ છે, આ ઝાડ છે, આ ઝાડ છે.” એને બહુવચનનો પ્રયોગ શિખવવાનું મને ઘણું વહેલું લાગેલું. ગુડ્ડીનો એકવચનનો લગાવ જોઈને મને હસવું આવ્યું. મને હસતો જોઈને, નવું શીખ્યાના આનંદમાં એ પણ ખિલખિલાટ હસી. એમાં મગદલ્લાના દરિયા પરથી વહી આવતાં વાયરામાં ડોલતાં નીલગીરીના પાંદડાએ સૂર પુરાવ્યો. એક નીલગીરી પર ઊંચે માળામાંથી કાગડાએ ડોક ઊંચી કરી કાં-કાંનો સાદ દીધો. બસ, પછી તો રોજ આ નીલગીરીના ઝૂંડ નીચે ઊભાં રહીએ એટલે એ ત્રણે નીલગીરીને ઉત્સાહથી બતાવે ને હરખાતી બોલે “આ ઝાડ છે, આ ઝાડ છે, આ ઝાડ છે.” બોલતાં બોલતાં હો, હસતી હસતી બોલે, હુંય હતું.
સબ ઈશ્વર એક હૈ - લાલચટ્ટાક રંગમાં છપાયેલાં સૂત્રવાળા કોઈક ધાર્મિક સંમેલનની ઉદ્ ઘોષણા કરતું પોસ્ટર જોવા ગુડ્ડી અટકી. “પપ્પા, આ?” એણે મારી સામે જોયું. “બધાં જે જે કરવાનાં,” કહીને મેં અમારી કૂચ આગળ વધારી. “પપ્પા, ટક-ટક!” ઉધના-મગદલ્લા રોડ પરથી ધસમસતી જતી ટ્રક જોઈને એણે બૂમ મારી. અમે ગલીના નાકે પહોંચી ગયાં હતાં. એણે બોલેલાં શબ્દને મેં સ્નેહથી અનુમોદન આપ્યું. સારું થયું કે રોડ પહોળા થાય છે - આવી ટ્રક જતી હોય ને અસલના જેવો સાંકડો રસ્તો હોય તો કેટલાં અકસ્માતો સર્જાય!
રોજની ટેવ મુજબ ગલીના નાકેથી ઉઘના - મગદલ્લા રોડ પર અમે ડાબી બાજુએ વળ્યાં. ફરીથી ગુડ્ડી વાંકી વળીને કૈંક ફંફોસવા માંડી. “નંઈ, બેટા, નંઈ” - પાછી એ ગુટકાના ચળકતા પાઉચ જેવું કૈંક ઊંચકતી હશે એમ માની હું એને ઝડપથી વારવા ગયો. પણ એ તો કપાઈ ગયેલાં ઝાડના રોડ-સરસા થડની ખરબચડી સપાટીને એની નાનકડી, કોમળ આંગળીઓથી પસવારતી હતી. મેં આસપાસ જોયું. હવે જ મને ખ્યાલ આવ્યો કે પહોળા થયેલાં રોડની સ્હેજ વચ્ચે આવી ગયેલાં નીલગીરીનાં ત્રણેય ઝાડ કપાઈ ચૂક્યા હતાં.
“આ?” ગુડ્ડીની આંખમાં વિસ્મય હતું. સામે વીજળીના થાંભલા પર કાગડો સ્તબ્ધ બેઠો હતો. કપાયેલાં નીલગીરીના ઝુંડથી પેદા થયેલાં અવકાશમાં હું ને ગુડ્ડી એકબીજાનો હાથ પકડી ઊભાં હતાં.
ત્યાં જ રોડ પર સ્ટ્રીટ-લાઇટ ચાલુ થઈ. એને “આ ઝાડ છે, આ ઝાડ છે, આ ઝાડ છે” - યાદ આવે એ પહેલાં ઘર ભણી વળવા મેં એનો હાથ ખેંચ્યો. મને પગ ભારે લાગ્યાં. થોડુંક ચાલીને અમે ગલીના નાકે પહોંચ્યાં. ત્યાં કૈંક યાદ આવતું હોય એમ એ ઊભી રહી ગઈ. મેં એની સામે જોયું. મગદલ્લાના દરિયા પરથી વહેતો વાયરો એનાં કપાળ પર ઝૂલતી લટને સ્પર્શી ઉધના ભણી વહી ગયો.
ગુડ્ડીએ મારી સામે જોયું. પ્રયત્નપૂર્વક હસીને ગલીના રહ્યાસહ્યા અંધારા ત૨ફ મેં મ્હોં ફેરવી લીધું.
(‘ગદ્યપર્વ,’ સપ્ટેમ્બર, 1999)
સ્રોત
- પુસ્તક : ટ્રાઈલ રૂમ (પૃષ્ઠ ક્રમાંક 7)
- સર્જક : રાકેશ દેસાઈ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2020
