Udaan - Short Stories | RekhtaGujarati

ફ્લાઈટ ફૂલ હતી. ટેક-ઑફનો સમય થઈ ગયો હતો. એક યાત્રી હજી પહોંચ્યો નહોતો. ઉડાનમાં વધુ વિલંબ થઈ શકે એમ નહોતો. બેસી ગયેલા યાત્રીઓ અકળાઈ રહ્યા હતા. છેલ્લું એનાઉન્સમેન્ટ થઈ રહ્યું હતું: બેંગ્લોરની ફ્લાઈટ ઊપડવા તૈયાર છે. યાત્રીઓને વિનંતી છે. તેઓ વિમાન તરફ પ્રસ્થાન કરે.

વિમાન પાસે જમીન પર ઊભેલા કર્મચારીઓ સત્વરે સીડી ખસેડી લેવા તૈયાર હતા. વિમાનના દરવાજામાં ઊભેલી એરહોસ્ટેસ રાજ, કર્મચારીઓ તરફ થોભવાની સૂચનામાં હથેળી ધરી, ટર્મિનલ તરફ તાકી રહી હતી. એની સૂચના અવગણી શકાતી નહોતી.

યુનિફૉર્મ પહેરી રાજ વિમાનમાં પ્રવેશતી કે એના વ્યક્તિત્વમાં પ્રગલ્ભ આભા ઊપસતી. પહેલી નજરે યાત્રીઓ આકર્ષાતા પણ અચકાતા. કોઈપણ કટોકટીને પહોંચી વળવા સક્ષમ હતી.

પણ આજે રાજ ક્ષુબ્ધ હતી. તાણમાં, શું કામ? એનો ફક્ત નાઝીને કદાચ અંદાજ હતો. હજી પહોંચ્યો નહોતો. મૈત્રી હતી. કદાચ એક પક્ષી, ઉડાન પૂરતી. નાઝીએ રાજને આટલી વ્યગ્ર ક્યારેય જોઈ નહોતી. રાજનો ચહેરો ચિંતામાં તસતસતો હતો: ક્યાં રહી ગયો બાઘો!

બે વર્ષ પહેલાં બૉમ્બે-બેંગ્લોર ફ્લાઈટ પર પહેલી વખત રાજે એને જોયો હતો. લઘરવઘર, તેજસ્વી. અભિવાદન કરતી રાજ પ્રવેશમાં ઊભી હતી. વા...ઉ...વ! જોતાં રાજને ગમી ગયો હતો. ટેક-ઑફ પછી સીટ નંબર પરથી પેસેન્જર લિસ્ટ જોઈ રાજે એનું નામ શોધી કાઢ્યું હતું: ડૉક્ટર સોહમ. નામને ચોકલેટની જેમ ચગળતી રાજ વિમાનના એક છેડેથી બીજે છેડે જતાં-આવતાં એને ધારીને જોઈ આવી હતી. જાણે ક્યાંક જોયો હોય પણ ક્યાં યાદ આવતું હોય. સોહમની ઊંડી ખોવાયેલી આંખોમાં અજબનો ઝુરાપો હતો, કોરી ખાતો, સાદ દેતો.

રાજ જાણતી હતી. ડૉક્ટર સોહમ દર મહિને છેલ્લી તારીખે અચૂક મોર્નિંગ ફ્લાઈટમાં મુંબઈથી બેંગ્લોર જાય છે. તો આજે શું થયું? રાજ ભડકી, ચૂકે તો છો ચૂકે ફ્લાઈટ. મારે શું? પણ શું થયું હશે-ની ફિકર કરોળિયાનાં જાળાંની જેમ એના ચહેરા પર અંકાઈ ગઈ હતી. નાઝી અને રાજની નજર મળતાં કેપ્ટનની માઈક પર સૂચના આવી: કેબિન ક્રુઅ, ક્લોઝ એન્ડ આર્મ ઑલ ડોર્સ... રાજને ફાળ પડી: ફ્લાઈટ મિસ કરશે કે શું?

ત્યાં ટર્મિનલમાંથી નીકળી વિમાન તરફ હાંફળાફાંફળા ધસી આવતા સોહમને રાજે જોયો. રાહતની લહેરખી મલકી. મન ફફડ્યું: વેર આર યુ લેટલતિફ! હરી અપ! મનોમન રાજે હાથ લંબાવ્યો.

સીડી ચડી, થાકી, ફિક્કો પડી ગયેલો સોહમ લથડતો વિમાનમાં દાખલ થયો. રાજે સોળ/સી સીટ તરફ આંગળી ચીંધતાં વિમાનનું બારણું બંધ કર્યું. સોહમ, થેંક યુ મેમ બોલ્યો નહિ એનું રાજને ઓછું આવ્યું. હાંફતો બોલ્યો હશે, પણ મેં સાંભળ્યું નહિ હોય એમ એણે મન વાળી લીધું. રાજ તો દિવસની રાહ જોઈ રહી હતી જ્યારે સોહમ એને આત્મીયતાથી કહે: ‘થેંક યુ, રાજ.’

હાંફતો સોહમ જઈને સીટમાં ફસડાઈ પડ્યો. એની બેગ જવા આવવાના માર્ગમાં વચ્ચે પડી હતી. યાત્રીઓને નડે નહિ એટલે રાજે જઈ બેગ ઉપાડી ઉપર ઓવરહેડ બિન્સમાં ગોઠવી. એને હજાર સવાલ પૂછવા હતા: ‘ક્યાં અટક્યો’તો? કોઈ ફિકર કરશે એની જરાય તમા નથી તને? પણ આગલી સીટમાં બેઠેલા યુવાનને એનાં સ્તન તરફ તાકતો જોઈ રાજ બધું ભૂલી ગઈ. છેડો આવરી, હાથ નીચે કરી રાજે ઊંડા શ્વાસ ખેંચતાં સોહમને ધીરેથી પૂછ્યું: ‘આર યુ ઑલ રાઈટ, સર?’ આંખો ખોલ્યા વગર સોહમે હાથથી સારું-છુંનો સંકેત કર્યો. આના દીદાર ઠીક નથી લાગતા એવું મૂંઝાતી રાજ ક્ષણેક ઊભી રહીને પછી ઉડાનની જાહેરાત કરવા પાછી ફરી.

સોહમનો ડાબો હાથ ટેવ મુજબ સીટ બહાર આઈલમાં લટકતો હતો. એને વારેવારે હાથ અંદર રાખવા ટોકવો પડતો. સોરી મેમ કહી હાથ અંદર લઈ લેતો, પણ રહીને અનાયાસે પાછો લટકી પડતો, ને ધૂમ્રસેર એકધારી નીકળ્યા કરતી. સોહમ ચેનસ્મોકર હતો. આજે એના હાથમાં સિગારેટ નહોતી. રાજને હાશ થઈ.

રાજ અને સોહમની પહેલી વાતચીતનું નિમિત્ત સિગારેટ હતી. ફ્લાઈટમાં સોહમને ધૂમ્રપાન નિષેધવાળી સીટ મળી હતી. તોય એણે સિગારેટ સળગાવી હતી. એની બાજુમાં બેઠેલી મહિલાએ રાવ ખાધી હતી. રાજે જ્યારે સોહમને સિગારેટ પીવાની ત્રીજી વખત ના પાડી ત્યારે નમાયા બાળકની જેમ કરગર્યો હતો: મેમ! મને ઘણું કામ છે. સિગારેટ વિના મારા બે કલાક નકામા જશે. મને કેમ પોષાય? હેલ્પ મી, મેમ! મારી સીટ બદલી આપો. ડુ સમથિંગ ફોર મી, પ્લીઝ!

આજીજી નીતરતો સોહમ રાજને તદ્દન વલ્નરેબલ લાગ્યો હતો. એને થયું જો કંઈ નહીં કરે તો આખી ફ્લાઈટમાં બાળકની જેમ રિસાઈ વસવસતો ચૂપ બેસી રહેશે. નિખાલસતાથી અંજાઈ રાજે સોહમની સીટ બદલાવી આપી હતી. સીટ મળતાં આભાર માન્યા વિના લૅપટોપ ખોલી સોહમ એમાં ખોવાઈ ગયો હતો: રાજે જ્યારે ટકોર કરી: ‘બીજી વખત સ્મોકિંગ ઝોનમાં સીટ લેજો.’ ત્યારે ઊંચી નજર કરી અક્ષોભભાવમાં ઠપકો સ્વીકારતા સોહમે પ્રેમાળ આંખો મીંચી હતી. પુખ્તગીની ભોળી મુદ્રા રાજના અંતરમાં અંકાઈ ગઈ હતી: ડફોળ! જ્યારે રાજને સોહમ પર ચીડ ચડતી ત્યારે મુદ્રા ઊપસી આવી એને પરવશ કરી નાખતી.

સોહમ એટલે સૌમ્ય, અંતર્મુખ ચહેરો. ઊંચો, સૂકા બાંધાનો. ભીની બદામ જેવી પીળચટ્ટી લીસી ત્વચા, વાળ લાંબા, જેની પોનીટેલ બાંધે, કપાળ મોટું વૈભવી, રેશમ શી મુલાયમ આછી દાઢી, તપકીરિયા રંગની આંખો કરુણા જગાડતી, ક્યાંક ડૂબેલી, રિમલેસ અડધાં ચશ્માં નાકની દાંડી પર પહેરે તેથી પ્રખર વિચારક, બૌદ્ધિક લાગે. કોઈ રહસ્ય ખોળવામાં ખોવાયેલો. જોઈને દહેશત ઊપજે. પણ ગમે.

દિવસે જલપાન વખતે સોહમે ઊંચું જોયા વગર રાજ પાસે બ્લેક કૉફી વિધાઉટ સુગર માગી હતી. રાજે દાંત પીસ્યા હતા: યાત્રીઓની નજર મારા ઉપરથી ખસતી નથી ને તને એક નજર જોવાની ફુરસદ સુધ્ધાં નથી? ભૂલી ગઈ હોય તેમ રાજે ગુસ્સામાં સોહમને કૉફી દેવાનું ટાળ્યું: છો માગતો. કામમાં મશગૂલ સોહમે કૉફી માગી નહીં. જલપાન પતી ગયા પછી ક્યાંય સુધી હમણાં-વાગશે એમ કૉલબેલની લાલ લાઈટ તરફ જોતી રહી, બબડતી: વર્કોહોલિક.

ફ્લાઈટ દરમિયાન રાજનું મન સોહમના વિચારોમાં ખો-ખો રમતું રહ્યું હતું: કોણ છે પુરુષ? શું કરે છે? બેંગ્લોર જાય છે કે મુંબઈથી પાછો ફરે છે? ઘર ક્યાં છે? ઘરમાં કોણ હશે? શેની તન્મયતામાં ખોવાયેલો રહે છે? મને નોંધી હશે? ગમી હોઈશ? હું હસીશ તો હસશે કે નીચું, આડું જોઈ જશે? મારી જેમ એનેય મારા વિચાર આવતા હશે? એને મારી મૈત્રી કરવી ગમશે? હેલો...! કહીશ તો...!

વિમાન બેંગ્લોર પહોંચતાં બીજા યાત્રીઓ સાથે સોહમ પણ નતમસ્તક ઊતરી ગયો ત્યારે રાજ, નાઝી અને તેજલે મજાક કરી એને વિસારે પાડી દીધો હતો. વળતી ફ્લાઈટમાં જયારે રાજે અનાયાસે સોહમને શોધવા માંડ્યો ત્યારે એને આશ્ચર્ય થયું હતું: શું કરે છે તું, ઇડિયટ! ફ્લાઈટ દરમિયાન અને ત્યાર પછી પણ પ્રશ્નો ઊભા કરતો સોહમનો ચહેરો રાજને દેખાયા કરતો. આટલું બધું સ્મોકિંગ કેમ કરતો હશે? ઘરેથી એને કોઈ રોકતું નહીં હોય? મા, બાપ, પત્ની, દોસ્ત? જિદ્દી હશે? સાંભળતો નહીં હોય? એકલો હશે? કોણ જોતું હશે એને? પ્રશ્નોના પરપોટા રાજના ચિત્તમાં ફૂટ્યા કરતા હતા. પાછો પુરુષ કેમ ગમવા માંડ્યો છે? એકે તો...! દાઝી ગયેલી ચામડી જેવી નિર્મલની કાળી સ્મૃતિ રાજના ચિત્તમાં ચીટકી રહી હતી, જેની ચીતરી ચડતી હતી: ઓહ શિટ્!

સોહમને ફરીથી મળવાની શક્યતા રાજે કલ્પી નહોતી. મહિના પછી ફ્લાઈટમાં સોહમને જોઈ, ઓહ હાય, એણે અનુભવ્યું હતું. ત્યારબાદ બે-ત્રણ વાર ફ્લાઈટમાં એને જોઈ રાજે અનુમાન કર્યું હતું કે દર મહિનાની છેલ્લી તારીખે સોહમ નિયમિત બેંગ્લોર ફ્લાઈટ પર હોય છે. અનુમાન પછી, આવશે કે નહીંની રમતમાં એણે સોહમની રાહ જોવા માંડી હતી. છેલ્લી તારીખે એનાં ઉમંગ, ઉત્સાહ પૂનમની ભરતીની જેમ વધી જતાં જેનું રાજને આશ્ચર્ય થતું હતું જે બે વર્ષ થઈ ગયાં છતાં ઝંખવાયું નહોતું.

પાંચ મહિના પછી જે ઝંખતી હતી તક રાજને અનાયાસે મળી ગઈ હતી. જલપાન પત્યા પછી બધું શાંત પડી જતાં સોહમ ટૉઈલેટ માટે આવ્યો હતો. અંદર કોઈ હતું. નતમસ્તક બહાર રાહ જોતો ઊભો હતો. રાજ બાજુમાં ગૅલીમાં ઊભી હતી. સોહમને જોઈ એનું મન કૂદયું. પડદો ખસેડતી ડોકાઈ હતી: મે આઈ હેલ્પ યુ, સર! સોહમે ટૉઈલેટ ચીંધ્યું હતું. બંને હસી પડ્યાં હતાં. રાજ અચાનક વાચાળ થઈ ગઈ હતી: સર, દર મહિને તમે નિયમિત બેંગ્લોર જાઓ છો? બિઝનેસ છે? ફેમિલી છે? કઈ ફ્લાઈટમાં પાછા ફરો છો? બાય વે, આઈ એમ રાજ. તમે ડૉક્ટર એટલે...

ઓહ્ નો. સોહમ અંજાઈ બોલ્યો હતો, હું પીએચ.ડી. છું, એસ્ટ્રોફિઝિક્સમાં રિસર્ચ કરું છું. મિટિંગ માટે આવું છું. બે-ત્રણ દિવસે પાછો ફરું, નક્કી નહીં, જેવું કામ. બટ અમેઝિંગ! મારા માટે તમે આટલો વિચાર કર્યો? સો સ્વીટ ઑફ યુ. સોહમ બોલતો હતો ત્યારે રાજ એની આંખોમાં કુમળો, કરુણામય અહોભાવ તરવરતો જોતી હતી. એણે છેલ્લે સાંભળ્યું હતું: નાઈસ મિટિંગ યુ, મેમ!

- ટેક ધીઝ ફોર યોર ફેમિલી. રાજે ચૉકલેટનું પેકેટ સોહમ સામે ધર્યું હતું.

- ફેમિલી! સોહમ હસ્યો હતો. સો થોટફૂલ ઑફ યુ પણ નો, થેંક યુ! હું મારું ધ્યાન રાખી શકતો નથી ત્યાં...

રાજ આગળ બોલે ત્યાં ટૉઈલેટ ખૂલ્યું. એક વૃદ્ધ બહાર આવ્યો. સોહમ અંદર ગયો. રાજને વાત લંબાવવી હતી. મે આઈ હેવ યોર કાર્ડ, પ્લીઝ! ત્યાં કૉલબેલની લાઈટ ઝબકી. નવ/ડી સીટના યાત્રીને કંઈ જોઈતું હતું. રાજ સીટ તરફ ગઈ, વિચારતી: ધૂની વર્કોહોલિક પોતાને કેમ સાચવતો હશે? શોધેલા જવાબો નોંધતો હશે કે ખોઈ નાખતો હશે? એનું કોઈ હશે કે પછી...

સોહમનું ઘર રાજ સામે તરી આવ્યું હતું: ચોમેર ઉબાળો, કોમ્પ્યુટરની આસપાસ અસ્તવ્યસ્ત ઊભરાતો પેપરનો ઢગલો. એંઠી પ્લેટો. બારીએ પડેલાં બે દિવસનાં કપ-રકાબી. સોફા પર કપડાંનો ઢગલો, બૂટમાં ખોસેલાં મોજાં. ચોમેર ઊભરાતી એશટ્રેઝ. વૉશિંગ મશીન પર પડેલા અન્ડરવેયર્સ. કિચનમાં ખુલ્લાં પડેલાં ફૂડ પેકેટ્સ પર ફરતા વાંદા! માય ગોડ, કેઑસ! આને આવરવું હોય તો ક્યાંથી શરૂ કરવું?

રાજ નવ/ડી સીટના યાત્રીને પાણી આપી પાછી ફરી ત્યાં સુધીમાં સોહમ પાછો પોતાની સીટ પર બેસી લૅપટોપ પર ઝૂકી ગયો હતો. રાજ બબડતી જોઈ રહી: બાવળટ!

ગયા મહિનાની છેલ્લી તારીખે રાજની ડ્યૂટી દિલ્હી ફ્લાઈટ પર હતી. બેંગ્લોર ફ્લાઈટ પર બદલી મેળવી શકી નહોતી. સોહમને જોવાનું ચૂકી ગઈ હતી. બે મહિનાથી સોહમના વિચારે એને ચકડોળે ચડાવી હતી. અધીરી, ઉતાવળી રાજે સવારે ટેક-ઑફ સુધી જ્યારે સોહમને જોયો નહીં ત્યારે વ્યગ્ર થઈ ઊઠી હતી: આજે જો આવત તો? પણ આવ્યો. સોહમને જોઈ પહેલીવાર નાગા વરસાદ જેવો પ્રસન્ન વિષાદનો અદ્ભુત અનુભવ રાજને થયો હતો. ઘડીક રાજને લાગ્યું મારીચ ફરી એને લોભાવતો ટળવળી રહ્યો છે. અકળાઈ. સોહમ નહીં, મારીચ તો નિર્મલ હતો. નાઈટમેર. રાજ કમકમી ઊઠી. નિર્મલના વિચારથી ભાગવા બાજુમાં ઊભેલી નાઝી તરફ ફરી

- મને લાગે છે, નાઝી સોળ/સી સીટના યાત્રીની તબિયત ઠીક નથી લાગતી. જરા જોઈ આવને પ્લીઝ, એણે સીટ-બેલ્ટ બાંધ્યો છે કે નહીં! નાઝી ગઈ. રાજને બીક હતી પોતે જશે તો લાગણીવશ થઈ જશે. ડ્યૂટી પર કેમ ચાલે! નાઝી જતાં રાજે અનાઉન્સમેન્ટ શરૂ કર્યું: નમસ્કાર! બેંગ્લોર જાનેવાલી ઉડાન પર આપ સબકા સ્વાગત હૈ, બેંગ્લોર તક કી દૂરી એક ઘંટે પૈંતીસ મિનિટમેં તય કી જાયેગી... ઉડાન મેં આપ અપની ખુરશીકી પેટ્ટી બાંધે રખે ઔર ધૂમ્રપાન કરે. આપકે કપ્તાન હૈ વિક્રમ કપૂર...

રાજ જ્યારે ઓક્સિજન માસ્કનું ડેમોસ્ટ્રેશન કરી રહી હતી ત્યારે એની નજર સોહમની સીટ પર ચોંટેલી હતી. અનાઉન્સમેન્ટ પૂરું થતાં નાઝી રાજ પાસે આવી: ‘ડોન્ટ વરી. હી સીમ્સ ઓકે! પણ રાજનો ઉચાટ ઓછો થયો. પંદર હજાર ફૂટની ઊંચાઈએ વિમાન સ્થિર થતાં જલપાનની ટ્રોલી ઠેલતી નાઝી જમણી તરફ અને તેજલ ડાબી તરફ જવા નીકળી. રાજે ચા-કૉફીની તૈયારી કરવા માંડી. રાજનો જીવ સોહમમાં ભરાયેલો જાણી, ‘રાજુ’ અને ‘રાજેશ્વરી’ ડોળા ફાડી રાજને જોઈ રહ્યાં હતાં. રાજ ફફડી: ‘શું છે તમને બંનેને!’

ઘણી વખત રાજ અનુભવતી, એક નથી. ત્રણ છે. રાજુ, રાજેશ્વરી અને રાજ. રાજુ એનામાંની આદિમ માદા, રાજેશ્વરી - વાતે વાતે દોષી અનુભવતી કુંઠિત નારી, રાજ-મેધાવી વ્યક્તિ, એરહોસ્ટેસ. ફ્લાઈટ પર રહેતી રાજ હતી. નિર્મળથી ફફડતી રાજુ હતી. બંનેને સાચવતી, ઠાવકી રાજેશ્વરી હતી. કોઈ કોઈનો કેડો છોડતું નહીં. અત્યારે રાજુ અને રાજેશ્વરી, રાજનો ઉચાટ જોઈ એને વારી રહ્યાં હતાં: નો રાજ, નો. નિર્મલનો કડવો ઘૂંટડો ભૂલી જા. પુરુષ એટલે પુરુષ. પાછી મરશે. ફસાશે. એક યાત્રી છે, --કલાકનો, ઉડાન પૂરતો. સો બી ઈટ!

ઉડાનમાં અસંખ્ય ચહેરા રાજે જોયા હતા. બધા મહોરાં જેવા લાગતા, ઉભડક. સોહમનો ચહેરો જીવંત હતો, નિષ્ઠા નીતરતો, કોઈ અગમ લહેમાં ડૂબેલો, સંત જેવો. એની લહેથી એને કોઈ વિખૂટો પાડે જોજે રાજ, તારી જવાબદારી છે, તારી. આવું ગેબી ફરમાન રાજના ચિત્તમાં, જ્યારે સોહમને જોતી ત્યારે પડઘાયા કરતું. રાજ મૂંઝાતી: ‘હું કોણ સાચવવાવાળી? મને શું સંબંધ? અવાજ પાછો પડઘાતો: સોહમ માટે અકારણ જીવ બળે છે, સંબંધ હોવાનું શું ઓછું પ્રમાણ છે? રાજ પાસે ક્યાં કોઈ જવાબ હતો? નિર્મલે પણ સવાલો ઊભા કર્યા હતા. ક્યાં મળ્યા હતા કોઈ જવાબ? પુરુષે ઊભા કરેલા સવાલોના જવાબ સ્ત્રીને ક્યારેય મળતા કેમ નહીં હોય? તોય કેમ ગમતો હશે, કસ્તૂરીની મહેંક જેવો? રાજ મૂગી થઈ જતી, મૂગી મૂગી પોતે સર્જેલા વિશ્વની લીલામાં ખુશ હતી. રાજુ જ્યારે ખુશીમાં શંકા કરતી ત્યારે રાજેશ્વરી તાડૂકતી: મને સુખી થવાનો શું હક નથી?

ફ્લાસ્કમાં ચા-કૉફી ભરતાં રાજે ખાંસીનો અવાજ સાંભળ્યો. સોહમ! ધ્રાસકામાં પડદા પાછળથી તરત ડોકાઈ રાજે જોયું.

ગઈ ફ્લાઈટમાં લેપટોપ પર કામ કરતો, ઊંડા શ્વાસ લેતો ખાંસી ખાતો હતો. માગ્યું નહોતું તોય પાણી આપતાં, દવા લીધી કે નહીં એવું રાજે પૂછ્યું હતું. એણે બ્લેક કૉફી માગી હતી. કૉફી આપી ત્યારે મૂગું કુરકુરિયું આભારવશ જુએ એમ સોહમે રાજ સામે પરવશ વહાલસોયું જોયું હતું ત્યારે એને છાતીસરસો ચાંપી લેવાનું મન થઈ આવ્યું હતું ને ચીડ પણ ચડી હતી: કામ, કામ ને સિગારેટ! મરવું છે? માનતો કેમ નથી?

ઓફ ડ્યૂટીના દિવસે સ્મૃતિ જોડે ચાલ તને કંપની આપુંના બહાને રાજ સિદ્ધિવિનાયકના દર્શન કરવાય ગઈ હતી. એને કંઈ માગવું નહોતું. તોય એણે દાદાને પૂછ્યું હતું: તમને ખબર છે, શું કામ આવી છું? જવાબમાં પૂજારીએ એના હાથમાં એક લાલ ફૂલ મૂક્યું હતું. ઘરે જઈ ફૂલ તાજું રહે એટલે રકાબીમાં થોડું પાણી નાખી એમાં એણે મૂક્યું હતું, જે બે દિવસ પછી ચિમળાઈ ગયું હતું ત્યારે રાજનું મોં પડી ગયું હતું: ધિસ ઇઝ નોટ ફેર દાદા!

- કોનો વિચાર કરે છે, સોળ/સીનો? પાછા આવતા નાઝીએ ખોવાયેલી રાજને ટકોરી.

- વોટ રબિશ!

- ડોન્ટ લાય! તારા ચહેરા પરના વાચાળ હાવભાવ ચાડી ખાય છે.

રાજે વિચારમાં નાઝીના ગાલ પર ટપલી મારી. નાઝીએ જોયું, રાજ બેધ્યાન છે. એણે અને તેજલે હઠ કરી રાજને બેસાડી દીધી: યાત્રીઓનું અમે ધ્યાન રાખીશું. વાય આર યુ સો ટેન્સ? ફ્લાઈટમાં નિર્મલ નથી, જસ્ટ રિલેક્સ, નાઝી અને તેજલ યાત્રીઓને ચા-કૉફી આપવા નીકળ્યાં.

એક ફ્લાઈટમાં સોહમ અને નિર્મલ બંને ભેગા થઈ ગયા હતા. નિર્મલ એની નવી પત્ની જોડે હતો. રાજ ધૂંઆપૂંઆ થઈ ઊઠી હતી.

પોતાની ઓળખાણ આપવાનું ‘ભૂત’ રાજ પર સવાર થઈ ગયું હતું. નાઝી નિર્મલ વિશે જાણતી હતી. નાઝીએ રાજને વારી: છોડ યાર, ઇડિયટ નકામો સીન કરશે. તો જોઈ લઈશ. રાજ છણકી હતી. નાઝીએ અને તેજલે રાજને એના તરફ જવા દીધી નહોતી. નિર્મલની હાજરીથી રાજ સહેજ નર્વસ હતી. નર્વસનેસ તોડવા ઓથ શોધતી રાજે પેપર નેપ્કિન પર પોતાનો ફોન નંબર લખી જલપાનની ટ્રેમાં સોહમને મોકલ્યો હતો ત્યારે રાજનો જીવ ફરી લોહીલુહાણ થઈ ઊઠ્યો હતો.

ધગધગતા સીસા જેવાં નિર્મલનાં વેણ ફરી એકવાર રાજના કાનમાં ખદબદ્યાં હતાં, દઝાડતાં: હવે કેમ બડબડ કરે છે? જે છે છે ઘર-પરિવાર! મેં તને પૂછ્યું હતું! તને બહુ ચળ ઊપડી’તી લગ્નની. ઘરેથી તું ભાગી આવી’તી.

ફ્લાઈટ બેંગલોર પહોંચી. માથું નમાવી સોહમ નિર્ભાવ ઊતરી ગયો હતો. રાતે અને ત્યાર પછી રાજે આખો મહિનો ઘંટડી રણકતા, ફફડાટમાં કાઢ્યો હતો, ને છેલ્લે મળવા દે સાલા સેડિસ્ટને ખબર લઈ નાખીશની ગાંઠ મારી મનને શાંત પાડ્યું હતું. બીજી વખત એને જોયો ત્યારે રાજને ગુસ્સો આવ્યો હતો: ખોઈ નાખ્યો ને નંબર, બુડથલ!

આજે જે રીતે લેપટોપ ખોલ્યા વિના સોહમ શ્વાસ તાણતો ચૂપચાપ આંખો મીંચી પડી રહ્યો હતો, જોઈ રાજનો જીવ બળ્યો. રાજને પોતાની કુંઠા પર તિરસ્કાર છૂટ્યો. કોઈ માટે જીવ બળે તો શું, બાજુમાં બેસી પસવારતાં એને પૂછી શકાય શું થાય છે તને? કેમ? સગું હોય તો પૂછાય? ફ્લાઈટમાં સાથે હોવું પૂરતું નહીં! રાજને ક્યારેક ગણવેશની અકળામણ થઈ આવતી: ફેંકી દઉં.

સોહમને જોયાની ક્ષણને રમાડતી રાજ બેસી રહી. શાહીનું ટીપું પાણીમાં પડે અને ધીરે ધીરે પ્રસરતું પાણીની હયાતીને પોતાના રંગે રંગી દે એમ સોહમે રાજના દરેક વિચારો, સંવેદનાઓને પોતાના રંગે રંગી દીધાં હતાં. બિયોન્ડ ફિયર ઑફ બીઈંગ જજ્ડ, એની સાથે અનાયાસે મનોસંવાદો માંડતા કરી દીધા હતા. મનોસંવાદો પહેલાં ક્યારેક રચાતા. હમણાંના ઉત્તરોત્તર વધતા વધુ અંગત થતા જતા હતા: શાવર નીચે ઊભી હોય ને સોહમનો હાથ પીઠ પર સાબુ ચોળવા માંડે ત્યારે કહેવું પડે: ચાલ નફ્ફટ નીકળ બહાર! કપડાં બદલતાં ડોકાય તો વઢવું પડે: આંખ બંધ કર! સવારના ઊઠવાનો કંટાળો આવે તો ભણકારા વાગે: યોર બેડ ટી રાજ! ફ્લાઈટમાં ચાલીને થાક લાગે રાતે ઊંઘમાં પગ કળે, જાગી જવાય ત્યારે લાગે પગ પર ચોળી આપેલી બામની વાસથી રૂમ છલકાય છે. સોહમ લિવ-ઇન પાર્ટનર જાણે. રાજને વિચાર ગમતો: મરજી, મોકળાશ પર માલિકીની મહોર વગરનું સૌખ્ય-સાહચર્ય, જેને ચાહવા લાગી હતી.

લીલા રાજને લીલીછમ રાખતી. એને થતું આથી વધુ શું જોઈએ? એક અનેરો અહેસાસ બહુ થઈ ગયો. અહેસાસનું શું નામ આપવું? રાજ મૂંઝાતી: શું કરું તારું ગાંડિયા!

ગાંડી તો તું છો. રાજ જાતને ટપારતી: સોહમ ઊતરી જાય પછી દર વખતે રખેને કંઈક ભૂલી ગયો હોય એવું શોધતી એની સીટ જોવા શું દોડી જાય છે? રાજ મલકતી: ગઈ તો હાથ લાગ્યા: મસ્કની સેન્ટવાળો એક રૂમાલ, જે હજી એના પર્સમાં મઘમઘતો હતો. બીજું સ્ટિફન હોકિંગનું પુસ્તક જેના બે શબ્દો બ્લેક હોલ પલ્લે પડતા નહોતા અને ત્રીજો વાળેલો કાગળ જેમાં રહસ્યોની કુંડળી જેવા કેટલાય આંકડા અને આલ્ફાબેટ્સ લખ્યા હતા, કોઈ રિસર્ચનાં સમીકરણો. એની ઉપર હતો કોડવર્ડ: ‘અંતરીક્ષા? કોણ? હું કેમ નહીં? કદાચ મને અંતરીક્ષા કહેતો હોય, કોડમાં જેથી કોઈ ઓળખી જાય મને! દેખાય છે એવો સીધો નથી સાવ! અંતરીક્ષાનો તરંગ રાજને ગમી ગયો હતો એકેય વસ્તુ એણે સોહમને પાછી આપી નહોતી.

રાજનો ઘણો ખરો સમય ઉડાનોમાં જતો. બાકીનો વિમાનમથકે સહકર્મચારીઓ જોડે. રાતે લાસ્ટ શોમાં ફિલ્મ જોતી. લોથપોથ ડિસ્કોમાં નાચતી. મિત્રોની પાર્ટીઓ માણતી. ક્યારેક આખી સાંજ શોપિંગ કરતી. અથવા એકલી બેઠી બિયર પીતી. લોંગ ડ્રાઈવ પર જતી, આનંદમાં છીએના સ્મિત વેરતી સાયાસ આત્મીયતા માણતી. બધું એની એકલતા ભરવા, ભૂલવા પૂરતું છે એવો રાજનો વિશ્વાસ સોહમે પોકળ પુરવાર કરી એને પાંગળી કરી નાખી હતી. જેનો અહેસાસ એને કનડવા માંડ્યો હતો. છતાં હજી સુધી રાજ મનના અગોચર એકાંતમાંય હોઠ ફફડાવી નહોતી શકી: આઈ લવ યુ, સોહમ. આઈ નીડ યુ...

પુરુષને રાજે નજીકથી જોયો હતો અંગત રીતે અનુભવ્યો હતો. નવી નવાઈનો નહોતો. નવો અભિજાત ઝુરાપો હતો પરસ્પર સન્માનભરી હૂંફાળી ઓથનો, જેની પ્રતીતિ સોહમમાં થતી હતી, જે પ્રતીતિને ઉંમર જોડે કોઈ લેવાદેવા નહોતી. સોહમનાં સફેદ લમણાં જોઈ રાજને થતું: પચાસનો હોય તોય શું?

નિર્મલ સાથેના વિચ્છેદ પછી ને એરહોસ્ટેસ બન્યા સુધીમાં રાજની સમજ વધુ દૃઢ અને નક્કર બની ગઈ હતી. દોષ અનુભવ્યા વિના વિચારતી: જો હોર્મોન્સના ઘોડાપૂરમાં જાતને એક-બે વાર તણાઈ ડૂબી જવા દીધી હોત તો લગ્નમાં થઈ એટલી પાયમાલ થાત. તાણ તૂટી જાત, દેહ જંપી જાત, નિર્મલ કરતાં એમ.બી.એ.નું મૂલ્ય વધુ અંકાત. શરીર સુખ નથી, સુખનો એક પ્રકાર છે. લગ્ન જીવનનું ધ્યેય કેમ હોઈ શકે? મનની મોકળાશભર્યા જીવવાના આયાસો ધ્યેય, જીવવું. એરહોસ્ટેસ બન્યા પછી રાજે જીવવા માંડ્યું હતું. માનભેર.

રાજે ઊભા થઈને જોયું. આછા ઉજાસમાં યાત્રીઓ ફ્લાઈટ પૂરી થવાની રાહ જોતા સળવળી રહ્યા હતા. સોહમ શું કરતો હતો? રાજે સોળ/સી સીટ તરફ જોયું. બધું દીવા જેવું દેખાતું હતું. એનામાંની માદા અને નારીના પોતપોતાના અજંપા હતા. પિસ્તાળીસે મેનોપોઝ પછી માદા જંપી જવાની હતી. પછીય જીવવાનો અજંપો વેઠવાનો હતો નારીએ, વ્યક્તિએ, તારે, એનો વિચાર ક્યારે કરીશ? સોહમે રાજને વિચાર કરતી કરી દીધી હતી. સોહમ નિયતિ બની જઈ રહ્યો હતો.

પુરુષ માટેની કૂણી લાગણી રાજ ક્યારેય નકારી શકી નહોતી. કોઈ અગમ રહસ્ય ખોલવામાં સોહમ ક્યાંય ભૂલો પડી ભટકી જાય એની રાજ અકારણ જવાબદારી અનુભવતી દિવાસ્વપ્ન જોતી. એમાં એને કાળજી લીધાનું સુખ મળતું. જાણે અંતરીક્ષમાં ઝળહળતી કોઈ શગની આસપાસ બે હથેળી જેવું એનું અસ્તિત્વ હોય! કેવો આનંદ! સુખ! અકારણ બીજા જીવની કાળજી થવી, પ્રેમ હતો?

રાજને લાગ્યા કરતું સોહમ નિર્મલ જેવો નહોતો. એવો હોય એમ ઇચ્છતી હતી. આમ ઇચ્છવું એને ગમતું. ક્યારેક સરખામણી સામે ઝોંસાય કરતી: સોહમ એવો નથી જ. પછી નરી લીલા હોય. લીલાને નામની જરૂર હતી, ગરજ હતી. પૂરતું હતું.

સોહમ શ્વાસ માટે હાંફતો હતો. રાજ ક્ષુબ્ધ હતી. રાજુ દાંતિયાં કરી રહી હતી: તને શું લાગેવળગે! હી ઇઝ જસ્ટ પેસેન્જર! રાજે વડચકું ભર્યું, બીમાર છે, કેમ ભૂલી જાઉં! રાજુ છણકી: જેમ નિર્મલને ભૂલી ગઈ! રાજનું મન સૂન પડી ગયું. ક્યાંય સુધી સોહમને શગની જેમ તાકી રહી.

અચાનક રાજને લાગ્યું કોઈ એનો પાલવ ખેંચી રહ્યું છે. કોણ, સોહમ હશે! રાજે પાછળ જોયું. ત્રણેક વરસની બાળકી હાથ લાંબા કરી મલકતી માગી રહી હતી: સ્વિટ્સ પ્લીઝ! કાલી છોકરીને જોઈ રાજને ઉમળકો જાગ્યો. નાની રાજુને ભેટતી હોય તેમ બચ્ચી કરતાં રાજ એને વળગી પડી: ઓહ ડાર્લિંગ! બાળકી પ્રતિકારી રહી: નો કિસ આન્ટી, સ્વિટ્સથી! રાજે સ્વિટ્સથી બાળકીની બંને હથેળી ભરી, જોયા કરતી એની મા પાસે પાછી મોકલી. બાળકી હાથ વેવ કરતી જતી રહી: થેંક્યુ!

રાજને સારું લાગ્યું. એણે ઊભા થઈ સોળ/સી સીટ તરફ જોયું. આછા પ્રકાશમાં વિમાન શાંત હતું. એણે વાંકા વળી બારી બહાર જોયું. વિમાન નીચે ઊતરી રહ્યું હતું. સવારના તડકામાં સોનેરી કિનારવાળાં વાદળાં, વિમાન જોડે હોડ બકતાં દેખાવા માંડ્યાં હતાં.

રાત-દિવસ હજારો યાત્રીઓ રાજનો મોહક મલકતો ચહેરો જોતા. બે-ત્રણે તો એને પ્રપોઝેય કર્યું હતું. સૌ મોભાદાર એરહોસ્ટેસ રાજને ઓળખતા હતા. ભયભીત ઓથ ઝંખતી રાજુ-રાજેશ્વરીને કોણ ઓળખતું હતું? ઓળખવા માગતું હતું? સોહમ અપવાદ હતો.

છતાં ક્યારેક રાજનું હૈયું ધબકાર ચૂકી જતું: સોહમને નિખાલસતાથી બધું કહી દઈશ, પણ જો રાજેશ્વરીને ઓળખી નહીં શકે તો? રાજને સ્વીકારી નહીં શકે તો? તો શું? રાજ વિફરતી: તેથી કશો ફરક નહીં પડે. મને. યાત્રાને. અંતરીક્ષાને. મારી પાસે શું નથી સુરક્ષિત અનુભવવા: પોતાનું ઘર, પોતાની આવક, મનની મોકળાશ, બધું છે. પણ સહિયારનાર પોતીકાનું શું? સોહમે અભાવને તીવ્ર કરી નાખ્યો હતો. સાત વર્ષ પછી તેત્રીસમે વર્ષે ફરી પુરુષ ગમ્યો હતો: કોઈક તો પોતીકું હોવું જોઈએ, ક્લેમ કરવાવાળું, સાવ આમ...

બાર હજાર ફૂટની ઊંચાઈએ વિમાન સ્થિર સરી રહ્યું હતું. કેટલાક યાત્રીઓ ઝોલાં ખાતા હતા. કેટલાક સીટ ઉપરની વ્યક્તિગત લાઈટ કરી વાંચી રહ્યા હતા. થોડાક ગમતી હોસ્ટેસના દિવાસ્વપ્નમાં સરી પડ્યા હતા. બધું શાંત હતું ત્યાં ફ્લાઈટ કેપ્ટન કપૂરનો અવાજ સંભળાયો: યોર એટેન્શન પ્લીઝ, યાત્રીઓમાં કોઈ ડૉક્ટર હોય તો કેબિન-ક્રુઅનો સંપર્ક કરે. થેંક યુ. શું થયું હશેનો વિમાનમાં સોંપો પડી ગયો. ઉત્સુક યાત્રીઓ અડધા ઊભા થઈ આમતેમ જોઈ રહ્યા અને રહીને આપણને શું - કરતા પોતપોતાનામાં પાછા વ્યસ્ત થઈ ગયા.

સોહમના વિચારમાં ડૂબી રાજ બેધ્યાન હતી. જોતી હતી: એની લાગણીમાં ઊછરેલો સોહમ, સોળ/સી સીટમાં બેઠેલા સોહમ કરતાં લેશમાત્ર ઓછો નક્કર નહોતો. હવે સમય પાકી ગયો હતો બંનેને મેળવી આપવાનો. બહુ થઈ ગઈ લીલા. સોહમની આજની હાલત જોઈ મેળાપ કરાવવાની અનિવાર્યતા રાજને કનડી રહી.

એકાએક વિમાનમાં પ્રકાશ ફેલાતાં રાજ તંદ્રામાંથી જાગી. એના કાને તેજલનો અવાજ પડ્યો: નમસ્કાર. કુછ હી દેર મેં વિમાન બેંગલોર હવાઈઅડ્ડે પર પહોંચેગા. આપ અપની ખુરશીકી પેટ્ટી બાંધ લેં ઓર ધૂમ્રપાન ના કરેં. આપકી યાત્રા સુખદ રહી હોગી.

વોટ! રાજને ફાળ પડી. યાત્રા પૂરી? મુકામે પહોંચી ગયા? હવે યાત્રીઓ ઊતરી જશે! સોહમ પણ... જતો રહેશે! પછી? પછી ક્યારે મળશે? મળશે કે નહીં? રાજને વિખૂટા પડવાના વિષાદનો ગૂંગળાવતો ડૂમો ભરાઈ આવ્યો. હાંફળાફાફળા ટિશ્યૂ પેપર શોધી રાજે ઝડપથી લખ્યું: સોહમ, પ્લીઝ રાતે મોડોય ફોન કરજો. મારે કંઈ કહેવું છે. ભૂલતા નહીં, મને ચિંતા રહેશે. હું રાહ જોઈશ. મારો નંબર છે 9802... પ્લીઝ ટેક કેર. સોહમ વિમાનમાંથી ઊતરે પહેલાં હાથોહાથ ટિશ્યૂ આપી દેવાનું નક્કી કરી રાજ દ્વિધા ખંખેરતી જેવી ઊભી થઈ કે નાઝી ધસી આવી.

- રાજ, ક્વિક! સોળ/સીવાળો યાત્રી બેભાન છે, શ્વાસ માટે તરફડે છે.

કોઈ ડૉક્ટર ફ્લાઈટ પર? રાજની ચીસ નીકળી ગઈ.

- નથી. લાગે છે એને સિપીઆર, મોઢામોઢ શ્વાસોચ્છ્વાસની જરૂર છે.

નાઝી હરિ-અપ બોલે પહેલાં અદ્ધર જીવે રાજ ઝળુંબતા યાત્રીઓને ખસેડતી ધસી ગઈ. ઘરરાટી કરતું વિમાન ઊતરી રહ્યું હતું. યાત્રીઓની મદદથી સોહમને ફરસ પર સુવડાવી, ગોઠણભેર બેસી પડી, રાજે એના ચહેરા પર મોં ઝુકાવ્યું, હોઠ પર હોઠ ગોઠવી શ્વાસોચ્છ્વાસ આપી પ્રાણ પૂરવા માંડ્યા. સોહમ સોહમનો નાદ રાજના શ્વાસમાં ગુંજતો હતો. પ્રાણ પૂરવાના યત્નો ચાલુ હતા. થોડીવાર પછી રાજને થયું, એના ઊના શ્વાસ, ભોંઠા પડી, પાછા ફરી રહ્યાં છે કે શું? રાજ હેબતાઈ ગઈ: ઓહ માય ગૉડ! સોહમના દેહને ફાટી આંખે અવાક જોઈ રહી. મૂંઝાયેલી નાઝીએ પૂછ્યું: શું થયું? પરહેપ્સ હી હેઝ ગોન! રાજનો અવાજ તરડાયો: નાઝી, ગેટ ટુ બોટલ. એન્ડ ટેલ કેપ્ટન ટુ ઇન્ફોર્મ ટાવર. ક્વિક! ઇટ્સ ઇમર્જન્સી. નાઝી તરત ભાંગી પડેલી રાજને દૂર લઈ ગઈ. તેજલ કોકપિટ તરફ ધસી: સર...

અચાનક બે-કાબૂ હીબકવા માંડેલી રાજને નાઝીએ સમજાવા માંડી: લૂક રાજ, ડોન્ટ ક્રાય! એમાં તારો શો વાંક? તેં બનતા પ્રયત્નો તો કર્યા. મોઢામોઢ શ્વાસોચ્છ્વાસ પણ આપ્યા. વિમાનમાં એરહોસ્ટેસથી બીજું શું થઈ શકે? હાર્ટ પેશન્ટ હોય! વાય આર યુ ફિલિંગ સો ગિલ્ટી? કામ ડાઉન ડિયર!

કોઈ વસવસામાં કંઈ નકારતી હોય તેમ રાજ માથું ધુણાવી રહી: ના... ના... નહોતું કરવું જોઈતું. ચૂકી ગઈ. ભૂલી ગઈ હું.

- ઇટ્સ ઓલ રાઇટ! નાઝીએ રાજને હૈયાસરસી ચાંપી લીધી.

ચિત્કારતું વિમાન બેંગલોરના રન-વેને સ્પર્શતું ધીરેથી અટક્યું. અધીરિયાં યાત્રીઓ ઊભા થઈ બેગ્સ કાઢતા સળવળવા માંડ્યા. એમ્બ્યુ-લિફ્ટ આવી. દરવાજો ખૂલ્યો. બે કર્મચારીઓ સ્ટ્રેચર લઈ અંદર પ્રવેશ્યા. સ્ટ્રેચર જોઈ રાજ પાછી હીબકે ચડી ગઈ.

નાઝીને આશ્ચર્ય થયું: ચટ્ટાન જેવી રાજને આજે થઈ શું ગયું છે! રાજ, યાત્રીઓ જોઈ રહ્યા છે. કામ ડાઉન પ્લીઝ!

સંકોચમાં હાથેથી હોઠ લૂછતાં રાજ સોહમને સ્ટ્રેચરમાં લઈ જતાં જોઈ રહી, કરગરતી, મનોમન માફી માગતી: આઈ એમ સોરી, સોહમ, માઉથ ટુ માઉથ શ્વાસોચ્છ્વાસ આપવાની ક્ષણોમાં તારા હોઠના સ્પર્શના સુખમાં હું ભૂલી પડી ગઈ હોત તો મારા પ્રાણ તને પૂરા પહોંચ્યા હોત તું...

રાજનું ગળું રૂંધાઈ ગયું. સાયરનના અવાજથી મોં ફેરવી નાઝીને ભેટી પડી.

રાજના વલવલતા જીવને નાઝીએ પસવારવા માંડ્યો: ડાર્લિંગ, ડોન્ટ ક્રાય. હી વૉઝ જસ્ટ પેસેન્જર!

નાઝીની આંખોમાં રાજે એમ આંખો પરોવી, જાણે પૂછતી હોય: વૉઝ હી?

સ્રોત

  • પુસ્તક : એક ક્ષણનો ઉન્માદ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : હરીશ નાગ્રેચા
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2007