Ubhi Sherie - Short Stories | RekhtaGujarati

ઊભી શેરીએ

Ubhi Sherie

જયંતી દલાલ જયંતી દલાલ
ઊભી શેરીએ
જયંતી દલાલ

કાનો મૂંઝાયો, ત્રણ દા’ડાથી આવી બેસતી આ ઝમખુડીએ એની આખી કરીકારવી પર ધૂળ નાખી હતી. મહાપ્રયત્ને એણે અહીં ઘરાકી જમાવી હતી. વહેલી સવારના નદીસ્નાન કરવા જતા ભક્તોને દાન કરવાની તક આપવા એ પો ફાટે ન ફાટે તે પહેલાં - વીજળીના દીવામાં મોંસૂઝણાનો તો સવાલ જ નો’તો - પગે અને હાથે ગંદા રંગબેરંગી ગાભાનો પાટો બાંધી અને ઉપર સિંદૂરિયાં છાંટણાં નાખી અહીં બેસતો. દસ ડગલાં દૂર કોઈ દેખાય ત્યારથી જ ‘બાપલા, મરી ગ્યો’ ‘બાપલા, હું મરી ગ્યો’ની ચીસ નાંખતો. એથી વધારે દયા ઉપજાવવાની જરૂર પડે તો કાનો રોતો, પાસે રાખેલા પથ્થરથી માથું કૂટતો. હા, કોક કોક વાર એ પા’ણો ખાસ્સું ઢીમડું પણ ઉપસાવી જતો. પણ એનું કાંઈ નહીં; માણસના દિલમાં દયાનો ઝરો અખંડ રાખે અને ખિસ્સામાંથી કાઢીને પાઈપૈસો ફેંકવા કોઈને પ્રેરે તો એવા ઢીમડાનો પણ કાંઈ ત્રાસ નહોતો.

આમ ને આમ કાનાની ઘરાકી જામી હતી. લોક જે આસાનીથી દેવમંદિરનાં પગથિયાંની હયાતી સ્વીકારતા તે જ આસાનીથી કાનાની હયાતી પણ સ્વીકારતા. અને જે શ્રદ્ધાથી, પરભવમાં થનારા વળતરની ગણતરીથી દેવચરણે પાઈપૈસો મૂકતા, તેટલી જ આત્મભાનપ્રેરિત દયાથી કાનાને પણ પાઈપૈસો ફેંકતા. કાળે ભવે એક સફેદ ટોપીવાળાએ કાનાને કીધેલું : વધુ ઢોંગ ઠીક નહીં. પણ ત્યાં તો કાનાએ લમણામાં પા’ણો મારી લોક ભેગું કરેલું, ‘નાસ્તિક’ ધરમનો પોરો નથી રહ્યો’ ‘હવે વરસ માઠાં જ આવે તો.’ બિચારો સફેદ ટોપીવાળો પછીથી ત્યાં ઢૂંક્યો જ નથી ને !

પણ ત્યાં આ ઝમખુ આવી. સાડાત્રણ હાથનો કંતાનનો ટુકડો વીંટાળેલો, વાળ છૂટા, અંગ ઉઘાડું, પાણી પીવા સિગારેટનું ડબલું. મેલીઘેલી લાગે, પણ સાથે એક નાનું ટાબરું; કોણ જાણે મહિનો-માસે થયો હશે કે નહીં. આમ તો પૂરા વાસાનુંય ન’તું લાગતું, પણ જવા દ્યોને એ વાત. આપણે શું ? હા, ઝમખુડી આવી અને બરાબર કાનાની ઘરાકી તોડાવી. અને શું હુંશિયાર હતી ? કાંઈ કહેતાં કાંઈ ન બોલે કે ચાલે, ઊંધું ઘાલીને પડી રહે. મેલા લઘરા પર ટાબરું મૂકી રાખે. કોકનો પગ સંભળાય કે હાંફળીફાંફળી બની ઊંચું જુએ. કંતાનનો છેડો ખેંચે, અને હાથની આંટી મારી અંગ ઢાંકે, એથી ય કામ ન સરે તો દોઢ શેર રગડો ભરેલા વાળ આગળ લાવે. એ તે અંગ ઢાંકતી’તીકે દેખાડતી’તી ? ‘મરે તારો મનખા દે’ ! પહેલાંપહેલ તો કાનાનેય દયા આવેલી. એનો વેશ જ એવો હતોને ! ભલભલો ભુલાવામાં પડે. ધીખતા તાપમાં ટાબરાને આળોટતું જુવે, ધીરું ધીરું રોતું સાંભળે તો કોને દયા ના’વે ?

પણ કાનાને આ ન પાલવે. ધરમી માણસો કાંઈ સાથોસાથ બેઠેલાં બે ગરીબગુરબાંને દાન ન કરે તો ! એ તો એકને જ આપે. અને એ એક તે હતી ઝમખુડી. છોને કાનો કપાળ કૂટે, સાચોસાચ માથામાંથી રાતું કાઢે, તોય કશી અસર જ નહીં. લોક તો જાણે સાવ ગિરનારના પા’ણા બન્યા’તા. કાનાની ઘરાકી તૂટી, અને એવી તૂટી કે દહાડાના દહાડા કોરાકડાક જવા લાગ્યા. એ તો ઠીક હતું કે આગળની સારી કમાણીથી બે પૈસા આઘા મૂક્યા’તા તે અડધો રોટલો ખવાતો, નહીં તો હાથપગ ઘસવાનો વારો આવત, હાથપગ ઘસવાનો.

પાથરેલો ટુકડો એકે પૈસો ભેળો કર્યો વિના સંકેલતા કાનાને હજાર જાતના વિચાર આવતા. એ સહુમાં ઉપર તરતો વિચાર તો આ ઝમખુડીનો હતો. એ આવી ને રોજી તૂટી. એ જાય તો ફરી બટકું મળી રહે, પણ બરાબર એ જવી જોઈએ ને ? એ તો જાણે બાપદાદાનો હક્ક લાવી હોય એમ જામતી જતી’તી. જોને, આટલાં વરસથી કાનો બેસતો, પણ ત્યાં ઘરવખરી વસાવવાની એની હિમ્મત ન’તી. અને આ ? એ પંદર દા’ડામાં તો એક ફૂટેલી હાંલ્લી અને બે ઈંટ મૂકી બનાવેલો ચૂલો સડક પર શોભવા માંડ્યાં. સાથે એક ગોદડીય આવી. આમ ને આમ ચાલશે તો વરસ-દા’ડામાં તો આ ઝમખુડી અહીં મહેલ વસાવશે. શું ઓરત છે !

કાનો મનમાં મરક્યો. એ જ. લોકદાન કરતાંય ભાયડા અને બાયડી વચ્ચે ફરક જુવે છે અને બાયડીને પૈસો ફેંકે છે. પણ એનું તે શું થાય ? અને એ ઘંટઘરાક પણ આ જાણતી જ લાગે છે, નહીંતર કાંઈ આવા વેશ કરે ? હા. બતાવને તારું અંગ, બે પૈસા વધારે પામીશ. તને કમાણી થાય એમાં અમારું શું જવાનું હતું ? પણ અમારા પેટ પર પગ દે છે એમાં કાંદા નહીં કાઢે.

કાનાએ ગાંઠ તો વાળી, પણ કાંય કશું વળતું નહીં. ઘાંટા પાડે તો ધરમી લોક વધારે ને વધારે વેગળા જતા. અને આ ઝમખુ ક્યારેય ઊંચો અવાજ કરતી ? દૂધનીય બિલાડીને સોઢમ જ આવે છે ને ? આ ઝમખુડીનીય દાની દયાળુ શેઠીઆવને ગંધ આવીતી’તી ગંધ. ઓરતગંધા, બધાય ઓરતગંધા. પોતે માંગે ત્યારે આ સખાવત - બહાદુરોનાં ખીસાં ખાલી નીકળતાં, અને ઝમખુ આગળ પહોંચતાંમાં તો દેવના દીકરાવનાં ગજવાં ભરાઈ જતાં ? ઘેરથી એ ઝમખુડીના નામનો પૈસો ગજવામાં ઘાલીને નીકળતા હશે. ચોટ્ટા કંઈના !

એ જે હોય તે, પણ આ ઝમખુને અહીંથી કાઢવી જ જોઈએ, કહે છે કે સરકારમાં કાયદો છે. લાગલાગટ બાર વરસનો કબજો-ભોગવટો હોય તો ઘર-જમીન આપણું થાય. તો તો એ આ છેડાથી માંડીને પેલા મંદિરનાં પગથિયાં સુધીની જમીન કાનાની હતી. કેટલાં વરસ થયાં એને અહીં બેસતાં ? ત્યારે તો, એં, ઢીંચણ લગીનો ગારો રહેતો રસ્તા પર. મહાજન લોક પાલખીએ ચઢી દર્શન કરવા આવતા. અને ત્યારે તો ઘીકેળાં હતાં.

પણ કાયદોયે પક્ષપાતી છે. એમાં કાંઈ નહીં વળે. આને કાઢવા તો કાંક તરકીબ કરવી જોઈએ, તરકીબ; એવી કે ઊભી પૂંછડીએ ભાગે અને પાછું વળીનેય ન જુવે. હા, એમ જ થવું જોઈએ.

કાનાએ ચોકી કરવા માંડી. ભરભાંખળે જુવો તોય ઝમખુ ત્યાં. બપોરે જુવો તોય ત્યાં. અને દીવા ઝબકે અને ખોડંગાતો કાનો ઘરે જવા નીકળે તોય ત્યાં. આ ઝમખુ આખોયે દા’ડો અહીં જ રહે છે ? ન બને કોઈ દા’ડો, ન બને.

એક દિવસ કાનો વહેલો ઊઠ્યો. આમે ક્યાં ઘરાકી જતી’તી તે વહેલી વસ્તી કરતાં વાંધો આવે ? ઘેર જઈ જલદીથી પેલો સંઘરી રાખેલો ડગલો, ઊજળું થેપાડું, અને પડિયા-ટોપી પહેરીને, ઝડપભેર ચાલતો મંદિરને સામે ઓટલે આવી બેઠો. ના રે ના, આ વેશમાં એને કોઈયે ઓળખી કાઢવાનું નથી. અને નાટકના ઍક્ટરને કોઈ ઓળખી કાઢે તોય શું ?

રાત વધતી ચાલી. મંદિરમાં છેલ્લી આરતી થઈ ગઈ. ઠાકરચોરે બાર દેવાયાં. હાં, હવે ઝમખુડી હાલી. જો જો, એ ઊભી થઈ. ટાબિરયું ઊંચકીને માંડી ચાલવા. હં, ત્યારે ઝમખુડી આખો દિ’-રાત અહીં નો’તી રે’તી; ક્યાં જતી હશે અત્યારે ?

કાનાનો જીવડો સળવળ્યો. નક્કી આનો તાગ લેવો જોઈએ. ઝમખુ આગળ અને કાનો પાછળ. ચાલ્યાં, ચાલ્યાં.

વીજળીના દીવા પાછળ રહ્યા. ગામનો છેડો આવી ગયો અને ઝમખુ અંધારી શેરીમાં વળી. કાનાએ કાંડી કાઢી બીડી ચેતાવી અને કાન સરવા કરી પાછળ ચાલ્યો. ઝમખુ એક છાપરામાં પેઠી. કાનો છાપરા બહાર લપાઈને ઊભો રહ્યો. બીડીની ફૂંક લેતાંલેતાંય એનો શ્વાસ અધ્ધર રહેતો.

‘કેમ આટલી મોડી આવી ? છે કાંઈ તને ટાબરાની ફકર? બાપડું સિઝાઈ ગયું છે, પણ છે તને કાંઈ દયા ? માવતર હોત તો...’

‘લે, રાખ હવે,’ કાનો સાંભળી રહ્યો. બરાબર; અવાજ ઝમખુનો હતો.

‘મોટી મા થતી. મા થતી હોય તો આમ ટાબરું ભાડે ફેરવે ?’

એક પળ શાંતિ. કાનાના તો લીધેલી ફૂંક બહાર કાઢવાયે હોશ ન રહ્યા.

‘આજના ચાર આના, વા’ણામાં ચાર વાગે આપી જજે. બરાબર. કચકચ કરીશ તો ચાર આનાય ખોઈશ. ટાબરાનો કાંઈ કાળ નથી પડ્યો.’

છૂટા પૈસા જમીન પર પટકાયાનો અવાજ આવ્યો. અને ધમધમ ધરતી ધ્રૂજી. ઝમખુ બહાર નીકળી અને આગળપાછળ જોયા વિના માંડી ચાલવા.

કાનાએ દમ ખેંચ્યો. એમ ત્યારે, ઝમખુડી આમ ઘરાકી જમાવતી હતી ? જબરી હુંશિયાર ! શું મિલાવટ કરી છે ! પારકું છોકરું : ભાડે લાવવું : વેશ કરવો : વાહ કારીગર !

પણ બેટી, હવે તારી જડ આવી છે મારા હાથમાં. યાદ રાખ, મારી રોટી તો ઝૂંટવી છે તે તનેય લોક પાસે પથરા ન ખવરાવું તો મારું નામ કાનો નહીં.

કાનો તો જાણે પાંખ આવી હોય એમ ઊડતો હતો.

બીજો દા’ડો નવતર ઊગ્યો. કાનાના મનમાં તો વાવંટોળ વીંઝાતો, ક્યારે લાગ આવે અને ગામનું લોક ભેગું કરી આ લુચ્ચી છોકરીનો ભાંડો ફોડી નાંખું ! ઝમખુ તો એની હંમેશની રીત મુજબ, એ જ ઢંગથી બેઠી હતી. ધરમી લોક એના કકડા પાસે પૈસાનો ઢગલો કરતાં’તાં, કાનાનું રામપાતર બાવાજીના શંખ જેમ ખાલીખડંગ હતું.

એમ ને એમ બપોરનો પહોર જામ્યો, પણ કાનાનો કાંઈ લાગ ન આવ્યો. બબ્બે મિનિટે કાનો ઝમખુ સામે તાકી રહેતો અને એને તો કાંઈ ફિકર કે ચિંતા કળાતી જ નહીં. ગજબની બાયડી છે ! ઘરાકી ટાણે આટલાં વરસ લગી પાળેલી આદત પણ આજે કાનાએ છોડી, અને બીડી સળગાવી.

અચાનક જ ઝમખુ ઊઠી અને એણે પેલી હાંલ્લી ઉપાડી. કાનો જોઈ રહ્યો. આમ કદી પણ પહેલાં ઝમખુને અધવચ્ચે ઊભી થતી કાનાએ દીઠી ન હતી. ખૂબ ધ્યાનપૂર્વક કાનો ઝમખુનાં પગલાં જોઈ રહ્યો. ઝમખુ હતી તો ઘાટીલી. હા, ફૂટડીયે ખરીસ્તો. અને એમાંયે જ્યારે પેલા કંતાનના ટુકડાને એ સમારતી ત્યારે... કાનાથી પોતાની જાતની ઉપરવટ થઈને પણ મલકી જવાયું.

પણ... પણ..... આ કાળો બોકાંહો શેનો ? હલાલ થતી મરઘીના જેવી તીણી ચીસ ક્યાં પડી ? આ મોટર...

મોટર બરાબર ઝમઝુના કાપડા આગળ, ટાબરાથી ચાર આંગળ જ છેટે અટકી, ટાબરાએ ચિચિયારી શરૂ કરી. આગળપાછળથી લોક ભેળા થયા.

‘મોટરમાં બેઠા એટલે થઈ રહ્યું; જાણે સડક જ એમના બાપની !’ લોકજીભ કામે વળગી.

‘હમણાં જ આ છોકરાને ચગદી નાખ્યું હોત. માણસના જીવની કશી કિમ્મત જ નથી.’

પણ આ છોકરાની મા ય કેવી છે ! છે કાંઈ છોકરાની પરવા ?’

કાનાને કાને એ જ સાદ પકડ્યો. આ લાગ બરાબર હતો. કોઈ ઇતિહાસપુરુષની અદાથી ખોડંગાતો ખોડંગાતો કાનો ત્યાં પહોંચ્યો. ઝમખુ ઊંચા સાદે રોતી હાંલ્લીમાં પાણી ભરીને દોડતી આવતી’તી. મોટરવાળો આમાંથી ભાગી જવાની તાલાવેલીમાં હતો.

મેં કેટલાં હૉર્ન માર્યાં ? કોઈ સાંભળે તો ને ?’

‘હા, સાહેબ, તમે ભૂંગળું વગાડ્યું’તું, પણ આ ડાકણને પડી હોય તો ને ? છોકરું ચગદાઈ જાય તો ક્યાં એનું જવાનું હતું ?’ સાખ દેવા આગળ વધેલા કાનાએ લાગ જોઈ સોગઠી મારી.

‘મારું નહિ તો કોનું છે ? આવ્યો છે ફાટી પડ્યો કહેનારો !’ ઝમખુ વીફરીને બોલી. લોકને વાતમાં રસ પડ્યો. લાગ જોઈને મોટરવાળો સરક્યો.

‘બીજાને કહેજે એ બધું; અહીં નહીં ચાલે તારું ડીંડવાણું. ભાડે છોકરું લાવે છે ને પાછી શાણી સતી થવા જાય છે !’ કાનાએ આખરી વાત નાંખી. ઝમખુ સહેજ ખમચાઈ, પણ તરત જ સ્વસ્થ થઈ. કાનો ગરૂરભરી નજર લોક પર ફેરવે તે પહેલાં તો ઝમઝુએ પાસે પડેલી ઈંટ કાનાને લમણે મારી. પોક મૂકીને કાનો નીચે બેસી ગયો. તમાશબીનો નાટકનો રસમય ભાગ હવે આવે છે માની આતુરતાપૂર્વક મીટ માંડી રહ્યા.

‘હવે રાખ, સતવાદી રાજા હિરચંદરની દીકરી ! પેલી છાપરીમાં રોજ ચાર આના ભાડાના આપી આવે છે તે કોઈ જાણતું જ નહીં હોય !’

‘ચાલ, બતાવને મોટો સતો. થોરનું દૂધ ચોપડી મોટા સોજા થોથર બનાવે છે અને મોટા પાટા બાંધી સિંદૂર છાંટે છે તે બધાને તારા જેવા ધુતારા જ સમજે છે. ચાલને મગદૂર હોય તો ?’

‘લે ચાલ.’

કાનો સાથરો સમેટી ઊભો થયો. ઊભાં થતાં થતાં એને લમણે સણકો આવ્યો. દરદ દબાવવા એણે હાથ દાબ્યો.

‘જો, જૂઠાણું તો અહીંયાં જ પકડાય છે.’ બેપરવાહી બતાવતી ઝમખુ બોલી.

‘જોજો, બાપા, આ સતની પૂંછડીને. ચાલો એનું સત બતાવું. મેલડી મા લોકને છેતરવાનો ધંધો લઈને બેઠી છે તે.’

કાનાએ માન્યું હતું કે પોતાના જેટલા જ ઉત્સાહથી લોક પણ આ ઝમખુની પાછળ પડશે, પણ એની ગણતરી ઊંધી પડી, એ તો અંદરઅંદરની તકરાર છે, ખરી વાત તો એ છે કે કદી કોઈને પાઈપૈસો આપવો નહીં. અનુભવજ્ઞાન અને વ્યવહારુ વચનો વેરતાં લોક તો પોતાને કામે ચાલી નીકળ્યા.

‘ચાલ બતાવને પેલું છાપરું !’ ઝમઝુનું ચઢી વાગ્યું. કાનાને તો લોકને એ છાપરું બતાવવું હતું, પણ લોકને એ જોવું ન હોય તો કાનો શું કરે ?

કાનાને દાંતે તરણું લેવું પડ્યું. માથા પર રાંપીનો ઘા હતો, પણ શું થાય ? હા, આજે હવે વહેલી જ વસ્તી કરો. લોકની નજરે તો નહીં ચડીએ ! કાલે વિચાર કરીને કા’ક ત્રાગડો રચીશું. ભાગ્યશાળી બાયડી છે, નહીં તો આવી તદ્દન સૂરજની શાખ જેવી વાત પણ લોક કબૂલ ન રાખે ?

કાનાએ સાથરો સમેટી ચાલવા માંડ્યું. મંદિરના વળાંક આગળથી એણે જોયું તો ઝમખુ બિલકુલ સ્વસ્થતાથી જાણે કશું ય બન્યું જ ન હોય તેમ બેઠી હતી અને ધરમી લોક પણ પરભવનું ભાથું બાંધવા છુટ્ટા પૈસા ફેંકતા જતા’તા.

કાનાને ચોક્કસ ખાતરી થઈ. ભીખ માગવામાં ય બાયડી થવું લાભકારક હતું. એ દહાડે બિચારા સ્વયંસેવકો પેલા મોટરવાળાને વાવટો લેવા સમજાવતા’તા ત્યારે કાંઈ ન માન્યું, પણ જ્યાં પેલાં જગદંબા આવી પહોંચ્યાં કે કેવો સામો જઈને વાવટો લઈ આવ્યો’તો ! આ બધા પૈસાદાર એ જ જમાતના છે. જો આ ઝમખુ આમ અંગ દેખાડે છે એના કરતાં પડદાબડદાનો ઠઠેરો કરેને તો આ જ ધરમના ઢીંગલા પૈસાને બદલે રૂપિયા - અરે નોટોની નોટો નાંખી આવે.

કહો ના કહો, પણ ઝમખુ હતી તો બહાદુર. કેવી બધા આદમી વચ્ચે લમણામાં ઈંટ મારીને હાક પાડી’તી ? હતી જરાય પકડાવાની બીક ? ચોરી કરતાં પણ શિરજોરી કરવામાં કેવી પાવરધી હતી ? આટઆટલાં વરસ થયાં એને ભીખ માગતાં, પણ પોતેય કેવો ડઘાઈ ગયો’તો ! જબરી બાયડી ! જબરી.

એ રાતે કાનાની એક એક પળ ઝમખુથી ભરી હતી.

બીજે દિવસે સવારે લોકે એક કૌતુક જોયું. કાનો કે ઝમખુ કોઈ પણ આજે ત્યાં ન’તું બેઠું. આખી પગથી સૂની સૂની લાગતી. દાનની આદત કેળવી બેઠેલા ધરમી પુરુષોને આજે દાન કરવાની પણ વિમાસણ થઈ ગઈ.

કાનાનો જીવ રાતનો કરાર વાળીને બેઠો ન હતો. ધરાઈ રહેવાય ત્યાં લગી ઝમખુને જોવાની એની તાલાવેલી અને એ ચિબાવલી છોકરી પાંચ માણસ વચ્ચે આબરૂ લઈ નાખે એની ભીતિ વચ્ચે દોઢ પહોર દા’ડા લગી સાઠમારી ચાલી, પણ છેવટે બીકને હાર કબૂલ કરવી પડી. બહુ થશે તો આ જગાને બદલે બીજી જગાએ જમાવટ કરવી પડશે એટલું જ ને ? અરે, એ તો ગામોતરું પણ કરવું પડે. એમાં શું ? ધંધો છે એ તો. પણ હા, આજે દુકાન જ ન માંડીએ, એમ ને એમ જ જઈએ. મંદિરને પગથિયે બેસીશું અમથા અને આંખ ભરાય ત્યાં લગી જોઈ લઈશું. એમાં ક્યાં કોઈની ચોરી છે !

બસ, મન તો માનવાને તૈયાર જ હતું. ફરી પાછા કાનાએ ડગલો-ટોપી ચઢાવ્યાં અને સીધો એક શ્વાસે પહોંચ્યો મંદિરે.

હેં ! ઝમખુ ન’તી ? ક્યાં ગઈ ત્યારે ? એણેય જગા બદલી ? કે ધંધોય છોડ્યો ? કહો ના કહો, પણ નક્કી કાંક થયું છે ખરું. હું, એ લુચ્ચી છોકરીને હવે આ ઢોંગમાં વધારે માલ દેખાયો નહીં હોય. બી ગઈ. જરૂર, શેહ ખાઈ ગઈ, ચોક્કસ. જુઓને રાત લઈને ભાગી છે તે !

કાનાનું માની મન ખૂબ પ્રફુલ્લ થયું. ભગાડી દીધી, આબાદ ભગાડી દીધી.

પણ કાનાને ખબર પડે તે પહેલાં જ એના દિલમાં કોક વિચિત્ર પલટો આવ્યો. એ હારી, તોય શું પોતે જીત્યો હતો ? એને આ જગા છોડાવી એમાં પોતાને શું લાભ ?

કાનાએ માથું ખંજવાળ્યું. શું કહેવું આ મનને ? સાલું જંપ વળવા જ દેતું નથીને. એ હતી ત્યારે કહે કાઢું; ગઈ એટલે પૂછે છે : શું કાંદા કાઢ્યા ? અને આયે અજબ વાત છે! વારે વારે કંતાનનો ટુકડો સમારતી ઝમખુ : છાતીએ હાથની આંટી મારતી ઝમખુ : વાળ આગળ લાવતી ઝમખુ : બધા વચ્ચે મા ભવાની જેમ હાક દેતી ઝમખુ : બસ.ઝમખુ જ ઝમખુ કેમ દેખાયા કરે છે ? શું છે એને ને મારે ?

જવાબ મળશે એવી આશાએ કાનાએ ઝમઝુની ‘ગાદી’એ જોયું. ચૂલા માટે ગોઠવેલી ઈંટ નાટકના દૃશ્ય જેમ પડી રહી હતી. હાંલ્લીયે બરાબર એમ જ - કાનો તૂટેલી. ગોદડીયે રાબેતા મુજબ. પેંધ્યું પડેલું કુરકુરિયું આજે નિરાંતે ગોદડીએ લોટતું હતું. આજે ક્યાં કોઈ એને હાંકનાર હતું ?

વિચારોની વેગવન્તી બનતી જતી આંધીને ટાળવા કાનાએ બીડી ચેતાવી પૂંછડેથી કરડી અને ઊંધી ફૂંક લેતો’તો ત્યાં તો કાનો અટકી ગયો. ઝમખુ માંદી પડી હોય તો ? હાઆ, તો તો બિચારીની શી વલે થઈ હશે ? પણ કોઈ હશેને એનું ?

વિચાર આવતા તો આવ્યો, પણ કાનાનું જડબું ચપ દઈને બિડાઈ ગયું. કોક હશે એનું ? ના, ના, કોઈ નહીં હોય; હોય તો આવી ચબરાક છોકરીને આમ સડક પર બેસવા દે ? રોજની હજાર આંખ... છી.... છી... છી...

લે, રાખ હવે મોટો પરદુઃખભંજન થતો. તારે ને એને શું ? એ તારી શું લાગે તે મંડ્યો છે હાયપીટ કરવા ? ન લેવા, ન દેવા. અને મોટો ટોપલો માથે ઓઢીને ફરે છે તે ! મોટો, રાજા, ભોજનો ભાઈ.

પણ કેમ નહીં ? આ આટઆટલા દહાડા સાથોસાથ બેઠાં, એક જ ધંધો કર્યો, લોકને સાથે છેતર્યાં, અને છેતરવામાંયે બિલકુલ સરખી અક્કલ વાપરી. હા, એની આવડત વિશેષ. પણ તેમાં શું ? આટલી માણસાઈયે તજી દેવાય ? કાંઈ હોય તો ? મનખા દે’માં ધૂળ ના પડે તો ?

ચલો ત્યારે, કાનારામ, ઝમખુની ખબર કાઢીએ. બિચારી માંદીબાંદી થઈ હોય તો ? હોય, એ તો શરીર છે. સાજુંમાંદું થાયે ખરું.

ટોપી સરખી કરી કાનો ઊઠ્યો અને સીધો ગામ બહાર પેલા છાપરે પહોંચ્યો. પણ એને વિચાર આવ્યો : શું પૂછું ? હવે હિમ્મત ન હાર, ચાલ ચાલ.

‘ઝમખુ આવી’તી કે ?’ કાનાએ બાર ખોલી પૂછ્યું. જવાબ જ નહીં.

‘કોઈ છે ? પૂછું છું, ઝમખુ આવી’તી ?’

પણ કોઈ હોય તો જવાબ દે ને ? કાનાની આંખે છાપરીનો ખૂણે-ખૂણો ખંખોળી જોયો. છાપરીમાં કોઈ ન’તું.

અહીં તો કોઈ નથી. ત્યારે ક્યાં ખબર કાઢવી ? બાર બીડતાં બીડતાં કાનો વિચાર કરતો થયો. બાર બીડી ફર્યો ત્યારે કાનો ચોંક્યો. ચોરી કરતાં ચોર મુદ્દામાલ સાથે પકડાય અને કાપ્યો હોય તો લોહી ન નીકળે એવી દશામાં આવે, એમ જ કાનો પણ થઈ ગયો.

સામે જ ઝમખુ ઊભી હતી.

‘શું કામ છે ઝમખુનું ?’ ઓછાબોલા માણસોના અવાજમાં વહી રહેલી તીવ્રતાથી ઝમખુએ પૂછ્યું.

હવે આનો શો જવાબ દેવો ? આપણે તો એની ખબર કાઢવા આવ્યા હતા, એમ કહીશું તો એ ઓછી માનવાની છે ? સામાના દિલમાં માણસાઈ જ નથી એમ એ માનતી લાગે.

‘હું તો...’

‘હા, હા, મોટો ઇડરિયો ગઢ જીત્યો છે તે જોવા આવ્યો હઈશ.’ ગળામાંથી ગળફા કાઢતાં ઝમખ બોલી.

‘જો એ, તું તાં ન કર. આ તો મેં જોયું કે તું આજ નથી બેઠી...’

‘તે તુંય ક્યાં બેઠો’તો ?’

પકડાઈ ગયા. બિલકુલ સપડાઈ ગયા. જાત સાચવવાના પ્રયત્નમાં કાનો પકડાઈ ગયો.

‘વાત એમ છે કે મને આજે બેસવાનું મન જ ન થયું.’

‘કેમ ?’

‘કેમ કરીને કહું કેમ ?’

‘ધરમી લોક કાંઈ પેલા ગાભા ફેંદીને ન જોત, સાચું છે કે ઢોંગ કરે છે તે.’

‘લે હવે, બિલાડીબાઈની પાટ જેવી વાત ન કર. તું કેમ ન બેઠી એ કહે ને ?’

કાનો ઝમખુ સામું જોઈ રહ્યો. ઝમખુય પળભર ગંભીર બની.

‘મને એમ થયું કે હું બેસું એ પહેલાં તારી જોડે સમજી લઉં.’

‘મારી જોડે ? શું તેંચી લેવાનું છે ?’ કાનો ચમકીને બોલ્યો.

‘આપણે વેંચવા જેવું જ ન રાખીએ તો ?’ આંખ ઝીણી કરી કાના સામે જોતી ઝમખુ બોલી.

કાનો તો જાણે ખાંડી ખાંડી ભારની શલ્યાઓ માથે પડી હોય એમ જડાઈ ગયો. એને કાંઈ સમજ ન’તી પડતી.

‘લે, એમ બાઘો ન બન. નામ તો કાનાનું રાખે છે ?’

કાનો મલક્યો. એમ ત્યારે વાત એમ હતી ?

‘એક વાત પૂછું ? તું અહીં કયાંથી આવી ?’

‘તારી પાછળ પાછળ, ઠેઠ મંદિરનાં પગથિયેથી આવી.’

હં, હવે કાનાને ગડ બેઠી.

‘જો, ઝમખુ, આવી વાતોમાં પે’લેથી ચોખવટ સારી, પછી પાછી તું જ કહે, મોટો ઇડરિયો ગઢ જીતી લાવ્યા તે.’

‘પણ હજુ ગઢ તો જીત, દલ્લી શેર દૂર છે. ફૂલીને ફાકો થાય છે તે.’

‘જો આપણે આ ગામ છોડીને બીજે ગામ જઈએ.’

‘પછી ત્યાં કરીશું શું ?’

‘એ સ્તો.’ ખીસામાંથી બીડી-કાંડી કાઢતાં કાનો બોલ્યો.

‘અને પછી તો ઝમખુ, તારે ટાબરુંય ભાડે લાવવું નહીં પડે.’

‘કેમ લ્યા ?’

‘લે, છાની રહે શાણી થતી ! જાણે કશું જાણતી જ નથી !’ કાનાએ બીડી મોંમાં ઠેઠવી ઝમખુને ચૂંટી ખણી.

‘એ ગોદડિયા...’

જો પેલી બે ઇંટને જીભ હોત તો હાંલ્લી અને ગોદડીએ કેવી રીતે રાતોરાત ગામોતરું કર્યું એની વાત આપણને કહેત.

સ્રોત

  • પુસ્તક : જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : રાધેશ્યામ શર્મા, દિગીશ મહેતા, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : શિવજી આશર
  • વર્ષ : 1994