દીપક રાવલ
Dipak Raval
વંડી ઉપર બેસીને કાગડો ક્યારનો ક્રાં ક્રાં કરતો હતો એટલે બાપુ ખીજાણાં. હોંકારો કરીને ઉડાડી મેલ્યો.
‘મારો હાળો નિરાંતે બેહવાય દેતો નથી’ એકલા એકલા બબડ્યા. કંટાળ્યા હતા. ક્યારના મગન ટપાલી આવે એની વાટ જોતા હતા. આજ તો તખુભાએ મોકલ્યા હશે એ પૈસા આવી જ જશે. પણ આ બપોર ચડી ગયા તોય હજી ટપાલી દેખાયો નહીં. ભૂખ તો આજ... બાપુને ત્રીજી લાંધણ હતી. એમાં આ કાગડાએ કાળો કકળાટ કરી મૂક્યો અને આમે ય એકલા કંટાળો તો આવે જ ને... ડાયરાનો જીવ! દિવસ પલટાઈ ગયા બાપુના. કેવા દિવસો હતા! એની તો વાત થાય કાંઈ! બિચારા જીવ વિચારે ચડી ગયા...
નાનભા બાપુની ડેલી અને ડાયરો તો બાવન ગામમાં વખણાય. મેંમાનગતી તો કે નાનભા બાપુની. ગામમાં ગમે તે મેંમાન હોય પણ બાપુના રસોડે જમ્યા વગર જઈ ન શકે. ગામને પાદરથી કોઈ ભૂખ્યું જાય એમાં આબરૂ શી? અને ડાયરામાં કહુંબા લેવાતાય હોય, ગઢવી રંગ ચડાવતા હોય, ગોલાવ હડિયું કાઢતા હોય, એકને બોલાવે ત્યાં ત્રણ ત્રણ જણ દોડતા આવે, પડ્યો બોલ ઝીલાય અને બાપુને જરાક વાંકુ પડી ગયું હોય તો તો બધાનું આવી બને. સીયાંવીયાં થઈ જાય ને આઘાપાછા થવા માંડે. અને જેના ઉપર રીઝી જાય એનો તો બેડો પાર થઈ જાય. અને આજે... બાપુએ નિસાસો મૂક્યો. ભૂખનું દુઃખ આજ જીવાતું નહોતું. પણ કાંઈ રસ્તો નહોતો... તખુભાના પૈસા આવે ને કંઈક બજારમાંથી લાવે ત્યારે. ત્યાં સુધી તો આમ ને આમ. ચલમ પીવાનું મન થયું. અડખેપડખે ફાંફાં માર્યાં પણ ચલમ જડી નંઈ. રામ જાણે ક્યાં મૂકી હશે. એક તો આંખે ભળાય ઓછું ને આ ભૂખ. ખિસ્સું ફંફોળ્યું તો એક બીડી નીકળી. ચેતવી. ધીમે ધીમે સટ લેતા પાછા વિચાર ચડ્યા.
ગામ આખામાં આપણી ડેલીની તોલે એકેય ઘર ના આવે. ક્યાંથી આવે? આ તો ગામ ધણીનું ઘર. ડેલીમાં પગ મૂકે એટલે બેય બાજુ ગડારામાં ડાયરો જામ્યો હોય. ડાયરાથી આગળ વધીએ એટલે ફળિયું આવે. ફળિયામાં એક બાજુ ઘોડાહારમાં જાતવાન ઘોડા હણહણતા હોય અને એક બાજુ દૂઝણાં ગાયું ને ભેસ્યું, પણ કેવી? એક વખત સાવઝને શીંગડામાં ભરાવીને ફેંકી દે. અને બળદની જોડ્યું કેટલી? સાંઈઠ સાંતીનાં ધણીને ઇ કાંઈ ગણવાનું હોય... રામ રામ કરો. ફળિયું પૂરું થાય એટલે રસોડું. રસોડામાં કેટલું આવે કેટલું જાય એની ચિંતા જ નહીં. પડખેના જ ખંડમાં અનાજની કોઠિયું ભરી હોય. દરેક જાતના મરી મસાલા પાર વગરના. લાવનારા લાવે, રાંધનારા રાંધે અને ખાનારા ખાય. મેંમાનો માટેનો ઉતારો તો નોખો જ. રસોડા ઉપરની મેડીએ બાપુનો શયનખંડ. ભીંતો ઉપર આભલા ગૂંથેલા ચાકળા. બારી બારણાઓ ઉપર ઝીણાં મોતીનાં તોરણ. ઠકરણાનાં ઓરડે કાચની લાંબી ભૂંગળીઓના પડદા. કોની મગદૂર છે કે બાપુના શયનખંડની આગળ કોઈ ફરકી શકે. અને ઠકરાણાંની મરજાદ, વાત મૂકી દ્યો. લાખેણો એમનો સ્વભાવ. અને જોયાં હોય તો પદમણી જોઈ લ્યો. પહેલીવાર તો ઠકરાણાંને જોઈને બાપુ ય મીણની જેમ ઓગળી ગયા હતા. બાપુ મલક્યા. તખુભાનો જનમ થયો ત્યારે તો ગામમાં આનંદનો પાર નહીં. ગામધુમાડો બંધ. બ્રાહ્મણોને લાડવા ખવડાવી ખવડાવી ધરવી દીધા હતા અને તખુભા તો એવા લાડકા કે કોઈ હેઠા જ નો મૂકે. હથેળીમાં ફરફોલો થયો હોય એમ સાચવે. બાપુની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. બીડી તો ક્યારની ઓલવાઈ ગઈ હતી. ફેંકી દીધી. કાંકરીક અફીણ લીધું હોય તો ઠીક. ઘડીક ઊંઘી જવાય. પૈસા આવશે તો મગનો ગોલીનો આફૂરો જગાડશે.
બાપુએ કાંકરી ગોતવા ફાંફા માર્યાં. ત્યાં સાંભર્યું કે અફીણ તો કાલનું ખલાસ થઈ ગયું છે. કરમની કઠણાઈ બીજું શું. બાપુ બેઠા'તા ત્યાં જ આડે પડખે થયા. બહુ માઠા દિવસ આવી ગયા. ઠકરાણા ભાગશાળી તે આ દિ જોવા નો રહ્યાં. મારે લમણે લખ્યું હશે. આ બધું જે ઘરમાં ખાવાનું ખૂટતું નહોતું ત્યાં આજે ખાવાના સાંસા. મણ મણ મશરૂની તળાઈઓને ઠેકાણે કંતાનનો કોથળો પણ હાથ લાગતો નથી. અને મારા સાત ખોટના એકનાએક કુંવર તખુભાને મજૂરી કરવાનો દિ’ આવ્યો. આંખ્યું પાછી ભીની થઈ ગઈ. ચશ્મા કાઢીને પેરણથી જ આંખ્યો લૂછી. ચા પીધો હોય તો ઠીક રહે. પણ ખાંડ–ચા ય બળ્યાં નથી ઘરમાં એનું શું? વાણિયા પાસેથી લાવું ત્યારે. પણ ઈય ઉધાર દેશે તો ને? મારો દીકરો ટકાનાં કરી નાખે છે, પણ શું થાય! ઈનું મોઢું બોલાવ્યા વગર છૂટકો નથી.
બાપુએ ચશ્મા ચડાવ્યા. માથે જેમતેમ પાઘડીનું ફીંડલું મૂક્યું. પેશાબ કરવાની ઇચ્છા થઈ. કંઈ નહી આવીને વાત. જોડા પહેર્યા. ભીંતનો ટેકો લઈને ઊઠ્યા. ગડારો ઊતરતાં પડતાં પડતાં માંડ રહ્યા. ડેલીની બહાર નીકળવા ગયાને કમાડ સાથે ભટકાણા. ઘડીક થોભીને મૂછનાં થોભિયાં સરખાં કરતાં કરતાં બજાર ઉપડ્યા. રસ્તા ઉપર ખાસ કોઈ હતું નહીં. કોનો દિ’ ફર્યો હોય કે આ તડકે નીકળે. મનમાં મનમાં તો બાપુને થતું હતું કે વાણિયો શું કહેશે ? હરિ કરે તે ખરી. રસ્તામાં ક્યાંક મગન ટપાલી મળી જાય તો ઠીક. પણ ક્યાંય મળ્યો નહીં અને વાણિયાની દુકાન આવી ગઈ.
‘એ રામ રામ શેઠ’ જરાક દબાતે અવાજે બાપુએ કહ્યું.
‘રામ રામ’ બાપુને જોઈને શેઠે મોઢું કટાણું કર્યું. એ જોઈને એક-બે ઘરાક ઊભાં હતાં તે હસ્યાં.
‘સો ગરામ ચા અને અઢીસેં ગરામ ખાંડ આપો શેઠ.’
‘પૈસા લાવ્યા છો, બાપુ?’ ચશ્મા ઉપરથી શેઠે જોયું.
‘પૈસા તો લઈને જ આવવાનો હતો પણ જુઓને આ ટપાલખાતાનું ડીંડવાણું. તખુભાના પૈસા હજી નથી આવ્યા. દહ તારીખ થઈ. તખુભાએ તો પેલી તારીખે મોકલી દીધા હશે. આવે એટલે તમારો હિસાબ ચૂકતો.’ બાપુ લગભગ એક સામટું બોલી ગયા. કેમ કરીને ય આજ આટલું વાણિયો આપી દે! પણ ત્યાં તો વાણિયો ફૂગરાયો:
‘પૈસા આવે ત્યારે આવજો બાપુ. મેં અહીં સદાવ્રત ખોલ્યું નથી હા. બધાને ઉધાર દેતો ફરું તો મારો પાર નો આવે? સાચું કે નંઈ?’ એક ઘરાક સામે જોઈને બોલ્યો.
‘અરે આજકાલમાં જ પૈસા તો આવી જશે શેઠ, ગામ મૂકીને થોડો વયો જવાનો છું? તમારું જૂનું ઘરાક છું. તંઈણ પેઢિયુંનો આપણો સંબંધ છે. થોડોક તો વશવા રાખો!’ બાપુનો અવાજ થોડો ભીંજાઈ ગયો.
‘ઈ બધું તો ઠીક પણ હવે ઉધાર નંઈ. પેલાના રૂપિયા ત્રણસો બાકી છે. રોકડા હોય તો બોલો નહીંતર હાલતા થાવ; મારા બીજા ઘરાક ખોટી થાય છે.’
બાપુ ગમ ખઈ ગયા. કરે પણ શું? કરગર્યા. વાણિયાએ માંડ માંડ ચા-ખાંડ તોળી આપ્યાં. બાપુએ પહેરણની સાળમાં લીધાં અને ચાલતા થયા. અપમાનથી અંતર બળતું હતું. મારું બેટું? આ... મારી સામે નાગોડીયું રખડતું હતું. મને ભાળીને પેશાબ થઈ જતો હતો ને આજ મારું દીકરું મને ઘઘલાવે છે. આનો બાપ કંઈક સારો હતો. પણ આ તો સાવ નપાવટ. આંખમાં જરાય શરમ નંઈ! ઈને ખબર છે કે આ ઈજ નાનભા બાપુ છે જેની સામે અંગ્રેજ હાકમ નોતો ઊભો રહી હકતો. એક હાકોટો કરું તો ઈનેય પેશાબ થઈ જતો હતો... પેશાબ જવું જ પડશે. બાપુને થયું કે ઘરે જઈને આવ્યો હોત તો સારું થાત. અહીં ક્યાં ઠેબા ખાવા. પણ જવું તો પડશે ઈમાં કંઈ હાલશે? રસ્તાની એક તરફ પીપળાનું ઝાડ હતું. બરોબર નદીને કાંઠે. બાપુ એ તરફ વળ્યા.
તખુભાના પૈસા આવે એટલે પેલા જઈને ઈના મોઢા ઉપર મારવા છે. મરશે હવે મૂકો ને આ લમણાઝીંક. ઈને બોલવાનું હતું તે બોલ્યો ને આપણે ચા-ખાંડ લાવવાનાં હતાં તે લઈ આવ્યા. લપ શી? પીપળાના થડ પાંહે ઊભા રહીને એક હાથે બાપુએ પહેરણની સાળ જાલી રાખી અને એક હાથે ચોયણાનું નાડું છોડીને પેશાબ કરવા બેઠા.
ભૂખ્યા પેટે સમુ બેહાતું ય નથી. આંતરડાને જાણે વળ ચડી જાય છે. આંખે અંધારાં આવી જાય છે. આ જ તો ઘરે પોગું એટલે હાંઉ! કડક ચા બનાવીને પીશું એટલે સંધુય રોગ પડી જશે. પડખે પરભુ પટેલને ત્યાંથી ભેંસનું દૂધ લઈ આવીશ. પટલાણી જરાક અકોણી છે પણ પટેલ ભોળો છે. ના નંઈ પાડે. સાંઠિયું તો છે ઘરમાં. એકલા દૂધનો ચા કરવો છે. સાંઠિયું પેટાવીને તપેલી મુકી એ ય ને મધરે મધરે તાપે ઉકાળીશ. કડક કસુંબા જેવી ચા થાય એટલે ઉની ઉની પી જઈશ એટલે એક ટંક ટૂંકો થઈ જશે. ને ત્યાં સુધીમાં તો મગનો ટપાલી તખુભાના પૈસા લઈને આવ્યો જ સમજો. તખુભા ય બિચારા ભૂલી ગ્યા હોય પૈસા મોકલવાના. ટૂંકો પગાર, શેરનું જીવન. એમનુંય પૂરું કરવાનું ને પાછા મનેય પૈસા મોકલવાના. વપત તો પડેજને. હજી તો છોકરું છે. સાયબીમાં ઉછરેલા ને ભારે સુંવાળા પણ શું થાય! વખત વખતનું કામ કરે છે. આ વખત બદલાણો, વાણિયો ઘઘલાવે. શિયાળિયા સિંહ થઈ ગ્યાં. ડેલીમાં પગ નો’તો મૂકાતો. ઈય... એલા લે... વાતવાતમાં ઊભો ય આવી ગ્યો ને ચા-ખાંડ નાખવાના તો રહી જ ગયા. બંધાણી – નું આવું... એ લે ચા ને ખાંડ કરતાક ને બાપુ પેરણની સાળ મુકવા ગયા. ચા ને ખાંડ પડ્યાં પેશાબમાં.
મારું દીકરું થઈને કાંઈ. પેશાબનાં ફીણફરફોટાએ છેતર્યા. એક તો આંખે ભળાય નંઈ ને માંડ માંડ કરગરીને લાવ્યો તો ચા-ખાંડ! હવે નાનભા? હવે શું? હાલો. બાપુ નિહાકો નાખીને પીપળાના થડનો ટેકો લઈ ઉઠ્યા ચોયણો સરખો કરીને નાડું બાંધ્યું. હાલતા થયા જાતને ઠપકો આપતા. ભારે થઈ કોઈને કેવાય નંઈ નકર મારા દીકરા દાંત કાઢે. મનમાં સમજવાનું. પણ વિચારમાં ને વિચારમાં ઓહાણ જ નો ચ્યું. મને એમ કે ઊભરો આવ્યો. પેટમાં બળતરા થતી’તી ને ચાની તાલાવેલી લાગી'તી. બાપુનું ગળું ભરાઈ આવ્યું. પણ બજાર વચ્ચે રોવાય? મન કાઠું કરીને બાપુ ડેલી પાંહે પોગ્યા ત્યાં જ મગન ટપાલીની સાયકલની ઘંટડી ખખડી. બાપુ ઊભા રહી ગયા. હવે વાંધો નંઈ. મૂઆ ચા ને ખાંડ. હાથનું નેજવું કરીને મગનની રાહ જોઈ રહ્યા. ક્યારે આવે.... ક્યારે આવે. જુગ જેવી આ પળ લાગી. ત્યાં મગન સાયકલની ઘંટડી ખખડાવતો આવીને ઊભો.
‘એ રામ રામ બાપુ. આ તડકે ક્યાં જઈ આવ્યા?’ મગને પૂછ્યું.
‘બજાર ગ્યો’તો. તખુભાના કંઈ સમાચાર લાવ્યો છું?’ બાપુએ ઉત્સુક્તાથી પૂછ્યું.
‘ના રે બાપુ. કંઈ નથી. અને આવે તો પૂછવા વાટ રાખતો હઈશ? તરત પોગાડી દઉંને. હાલો ત્યારે, હજી તો ગામ આખામાં ટપાલ વેંચવાની છે. આપ ડેલીએ પધારો ને આરામ કરો. રામ રામ.' મગન સાયકલ લઈને ચાલ્યો ગયો.
‘રામ રામ’ બાપુનાં શબ્દો હવામાં ઓગળી ગયા. મનોમન બાપુ બબડ્યા ‘હવે તો ઉપર પધારવાનું, આરામ ત્યાં હોય તો હોય.’
માંડ માંડ ડેલીમાં પોગ્યાં. જોડા કાઢીને બેસવા જાય એ પહેલા તો ફસડાઈ પડ્યા. છાતીમાં ભરાયેલો ડૂમો એક સામટો ઊભરાયો. બાપુ છૂટ્ટે મોંએ રડી પડ્યા. થોડી વારે ઊભરો શમ્યો. ભીંજાયેલાં ચશ્માં આંખે લટકી પડ્યાં.
વંડીએ આવીને કાગડો બેઠો અને ક્રા...ક્રા કરી મૂક્યું.
સ્રોત
- પુસ્તક : બારી (પૃષ્ઠ ક્રમાંક 21)
- સર્જક : દિપક રાવલ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2016
