Tottochan nu besnu - Short Stories | RekhtaGujarati

તોત્તોચાનનું બેસણું

Tottochan nu besnu

હસમુખ કે. રાવલ હસમુખ કે. રાવલ
તોત્તોચાનનું બેસણું
હસમુખ કે. રાવલ

ગાડી દોડતી હતી. તોફાની છોકરા જેવો સૂરજ બારીમાં લટકતો હતો. પહેલાં થોડું માથું દેખાયું, પછી મોં ને છેલ્લે દાઢી. હાથ હલાવતો કિલકારીઓ કરતો હતો. સાવ સતપતિયો. ઊંચોનીચો, ઊંચોનીચો, ઊંચોનીચો થયા કરે. ક્યાંક પડી ન જાય. તેનો હાથ પકડવા હું બર્થમાં બેઠી થઈ ગઈ... ત્યારે ખબર પડી કે હું જોતી હતી તે તો આથમણી બાજુની બંધ બારી હતી અને તેના કાચમાં માત્ર પ્રતિબિંબ પડતું હતું. સૂરજ તો પૂર્વમાં હતો ને હવે મારા ખોળામાં રમતો હતો.

અમારી રમત ચાલે જાત પણ ઘડિયાળે સામાન પૅક કરવા આદેશ કર્યો ને મેં બધું ઠાંસી લીધું. તનુશ્રીનાં એટલે કે તોત્તોચાનવાળાં છાપાંનાં કટિંગ પણ. લોકોય કેવા હોય છે હેં. પરીક્ષા આપતાં કૂણાં છોકરાંનેય પેટ્રોલે ન સ્વાહા. છી... છી... છી... આછી કમકમાટી આવી ગઈ. સામાન તો ક્લૉકરૂમમાં જ મૂકીશ. ના... રે... માસીના મોઢે: તિલોત્તમ, ક્યારે પરણે છે, સાંભળવા કંઈ વડોદરા જવું નથી. વળી રાત્રિનું રિટર્ન રિઝર્વેશન પણ અહીંથી જ તો છે. બસ, ખભે એક ઝોળો ઘણો.

ગાડી ઊભી રહી. ભરૂચ. ડબામાં ઈન મીન ને તીન હતાં. બે દાઢી, એક બુરખો ને હું. લે, પ્લૅટફૉર્મ પણ ખાલી. ઇન્ડિયા નહીં યુ. કે. હોય એવું. સાવ શાંત. વન્ડરફુલ.

અજાણ્યું નગર - અજાણી ગલી - અજાણ્યું ઘર... સહેજ ખચકાતાં મેં કૉલબેલ વગાડ્યો. દરવાજો ખોલનાર પુરુષે કંઈ પૂછ્યું નહીં. મેં પૂછ્યું, ‘તોત્તોચાનનું ઘર ?’ પણ જવાબ મળ્યો નહીં. મેં વધારે ખુલાસો કર્યો, ‘તનુશ્રીનું ઘર ?’ અને કંટાળાભર્યું જોતો એ અંદરના રૂમમાં જતો રહ્યો. કદાચ તોત્તોચાનના પિતાશ્રી હોવા જોઈએ. એવું વિચારતી હતી ત્યાં સાડીના છેડે ભીના હાથ લૂછતી એક બાઈ આવી. આ કદાચ તોત્તોચાનનાં માતુશ્રી હોય.

‘બેસો, બહેન. કોનું કામ હતું ?’

‘તોત્તોચાનનું.’

‘ઓહ, તનુશ્રીનું. પણ એ તો...’

‘મને ખબર છે.’

અચાનક એય અંદર સરી ગયાં. બંધ ઓરડાની વાસી હવા મને માફક ન આવી. એકાદ બારી ઊઘડે ને પંખો ચાલુ થાય તો ઠીક લાગે. ઝાંખો પ્રકાશ, ઝાંખાં કૅલેન્ડર ને ઝાંખા ફોટા. બધું અકળાવતું હતું. ધુમ્મસ ન હતું, પણ દૂબળા પ્રકાશથી બધું ધૂંધળું લાગતું હતું. મેં ફટ બારી ખોલી ને પંખોય. ત્યાં મારા કાને મને બાતમી આપી: અંદર ગુસપુસ ચાલે છે. ને મારી આંખ પાત્રપ્રવેશની રાહ જોતી બારણામાં ઊભી રહી.

ત્યાં કંકણ રણકાવતો પાણીનો ગ્લાસ આવ્યો. સાથે જીભ પણ.

‘પોલીસખાતું ?’

‘ના.’

‘તો કોઈ છાપાવાળાં ?’

‘ના.’

‘તો તો ન્યૂઝ ચૅનલ ?’

‘ના.’

‘બેન, એ લોકો તો લોહી પી ગયા. પૂછ પૂછ... લખ લખ... ને વાંકા વળી વળી પટ્ટી ઉતાર્યા જ કરે... ને ગરજ વીતે કે ઓ જાય ઓ જાય... તમે ?’

‘કોલકત્તાથી.’

‘છેક કલકત્તાથી ? સગામાં તો લાગતાં નથી. તોત્તોને અમદાવાદ મળેલાં ?’

‘ના. ઘણા વખત પછી ગુજરાતમાં પગ મૂકું છું.’

‘ત્યારે તો તોત્તો સાથે કાગળનાં બહેનપણાં ?’

‘ના. તમારી તોત્તોને તો મેં જોઈ જ નથી.’

‘તો ?’

‘કોલકત્તામાં દાદાજીના વખતથી ઘરમાં ગુજરાતી છાપાં આવે. ચાર દિવસ મોડાં આવે એટલે તો આવતાં આવતાં પસ્તી થઈ ગયાં હોય. પણ ગુજરાતી છાપું, ગુજરાતી સમાચાર હોય તે અમનેય ગમે.’

‘તો ?’

‘તેમાં તોત્તોચાનની જાહેરાત વાંચી.’

‘અમે તો કોઈ જાહેરાત આપી નથી. છાપાવાળા તો એમની મેળે ચટાકેદાર લખતા જ રહે. ને ફોટાય છાપતા રહે. હા, મહોલ્લાવાળા ને નાતવાળા એમને કહેતા હતા ખરા કે: ‘દાસભાઈ, આપણેય છાપામાં કંઈક આપવું તો જોઈએ.’ - પણ એના પપ્પા કહે: ‘ના હોં, મારા ઘરમાં મગરનાં આંસુ ન જોઈએ.’ તોય મંગળ માસ્તર ને એ લોકોએ ભેગા થઈ કંઈ કર્યું હોય તો દઈ જાણે...’

વાત કદાચ એમ જ હતી. છાપામાં જાહેરાત આમ હતી: ‘તોત્તોચાનનું બેસણું. સ્થળ: પોતપોતાનું ઘર. અને સમય: આખરી શ્વાસ પહેલાંનો કોઈ પણ.’ આવી વિચિત્ર જાહેરાતે જ મને અકળાવી મૂકી હતી. ને પછી તો ફોન ને ફૅક્સની સતત દસ દિવસ ઝડી વરસાવી ત્યારે માંડ આ ઘર અને ગામનું સરનામું મળ્યું હતું. પછી રેલવેનું રિઝર્વેશન ને...

એ પાછાં અંદર સરકી ગયાં.

બહારથી આવી હતી તે હુંય દર્પણમાં જોઈ મારા રંગઢંગ ઠીકઠાક કરવા લાગી ને મનોમન હસવા લાગી: હુંય કંઈ ઓછી વિચિત્ર માયા નથી. પાપા કામમાં ડૂબેલા હોય ને ભરી ઑફિસમાં: ‘પરમ પૂજ્ય પિતાશ્રીને સાદર પ્રણામ’ - શુદ્ધ ગુજરાતીમાં બોલતી તેમને વીંટળાઈ હચમચાવી નાખું એવી ને મમ્મીના પટોળામાં વીંટળાયેલી મને જોઈ એ કહે, ‘ઓહ, તિલોત્તમા ! માયામૃગી ! તું ?’ ને આંખ ભીની કર્યા વિના એ ક્યાંય ખોવાઈ જાય. તો પાછી ગુજરાતી સમાજના નવરાત્રીના ગરબામાં બિપાશા બસુ બની લટકાં કરું ને કૉલેજમાં ઘેરદાર ધરારા-શરારા ઠઠાવું એવી સાવ અડિયલ. એટલે જ તો ઇન્દિરા ગાંધી ને માર્ગારેટ થેચરને બાજુ પર મૂકી ખાખરાની ખિસકોલી જેવી તોત્તોચાનને મોહી પડેલીને !! ને પછી તો તિલોત્તમાની કાંચળી ઉતારી હુંય તોત્તોચાન બની ગઈ હતી ! પક્ષપલટાના જમાનામાં મેંય નામપલટો કરી નાખ્યો ! અને એક જમાનાની જૂની ઢમઢોલ તિલોત્તમાને છોલી-છોલીને સાવ પાતળી હલકીફૂલકી તોત્તોચાન બનાવી દીધી હતી ! મમ્મી હોત તો મારું એકવડિયું શરીર જોઈ કેટલી ખુશ થાત !

કંઈક સંચાર થયો. એ બે-ચાર ડાયરી ને ફોટો-આલબમ લઈને આવ્યાં હતાં, ‘લ્યો જુઓ, જે જોવું હોય તે. એના પપ્પાએ તો ખરો ખૂણો પાળ્યો છે. કોઈનેય મળતા નથી. એમની ને તનુશ્રીની આ ડાયરીઓ ને ફોટા મને આપી રાખ્યાં છે. ને કહી રાખ્યું છે : જરૂર જણાય તો કોઈને આપવાના. ને હા, સંભાળીને પાછાં લઈ પણ લેવાના.’ - તે જીભથી સપાટ વાણી બોલે જતાં હતાં પણ આંખોથી મારી આંખોમાં ઊંડાં ને ઊંડાં ઊતરતાં હતાં. મને શબ્દો કરતાં આંખોનો ધ્વનિ સ્પષ્ટ સંભળાતો હતો.

‘ચા પીશ કે કૉફી ?’ - એની જીભ નહીં આંખ ટહુકી હતી.

‘તું પાય તે.’ - મારી આંખેય પડઘો પાડ્યો.

અમે બંને બાઘાંની જેમ એકમેકને જોઈ રહ્યાં. અમારી વચ્ચેનું ભારેખમ બહુવચન વગર ખખડાટે ખરી પડ્યું હતું. ક્યાં ? કેમ ? મમ્મી ? મા ? મારને યાર, બધાને ગોળી ! વિચારતી હું ફોટો આલબમમાં કૂદી પડી.

મને મમતા પાતી એ મૂર્તિ હજુ જોઈ રહી હતી ને ધીમે ધીમે દૂર સરકતી જતી પોતાને જ કહેતી હોય તેમ બોલતી હતી, ‘એ તો કૉફી પીતી હતી.’

‘હુંય કૉફી પીઉં છું.’ - મેંય મનોમન મને કહ્યું.

......

આલબમનાં પાનાં ઉથલાવવા લાગી : આ તો અદ્દલ હું જ. નાકે બૂચી ને આંખે ચૂંચણી !! ને આ ? ના, આ તો કોઈ બીજી જ. અરે વાહ ! તમારા યુનિફૉર્મનો ભભકો ! સફેદ શર્ટ ને લબડી પડેલું સ્કર્ટ. શર્ટ પર પાછો આઈ-કાર્ડ ને હેડ-કીનો ઠઠારો. વળી ગળે વૉટર-બૅગ, પીઠે સ્કૂલ-બૅગ ને હાથમાં જૂતાં તો લટકાંમાં. જાણે એવરેસ્ટ સર કરવા નીકળેલો શેરપા તેનસિંગ ! કે પછી પન્નાલાલ કે પીતાંબર કે પેટલીકરની ગળે લાકડું વળગાડેલી. શું કહેવાય એને ? હા ! ડેરાવાળી ભેંસ ! લુચ્ચાઓ, બધા ચોર. બાપને બે નંબરી બનાવે તેટલી ફી ઉઘરાવે ને બીજું તો ઠીક છોકરાંને ચોખ્ખું પાણીય ન પાય. ને ઉપરથી બાળકને બનાવે તેમના આર્થિક આરોહણનો મજૂર...

મેં ફોટા મૂકી દીધા. ગ્લાસનું વધેલું પાણી પીધું. સૉરી, ક્યારેક છટકી જાય છે.

હું ઊભી થઈ. થોડી આઘીપાછી થઈ. બાથરૂમનું ચક્કર ને એક ડાયરી ઉઠાવી પાનાં ઊલટાવવા લાગી. પપ્પાજી સુરેશભાઈના મરોડદાર શબ્દો.

6-5-1990

પ્રથમ કોળિયે કાંકરો

તનુશ્રીનો કે. જી.નો ઇન્ટરવ્યૂ હતો. ગુજરાતી કન્યાશાળા એટલે ડોનેશનનું નામ નહીં. વળી ઘરથી નજીકમાં એટલે બસ-રિક્ષાનીય બચત. એકથી દસની સંખ્યા... કક્કો, ફૂલ ને પક્ષીનાં નામ ગોખાવી રાખેલાં. સવારે કોઈકે કહ્યું કે રંગ ઓળખતાંય આવડવું જોઈએ એટલે લાલ... પીળો... ને વાદળીની આકરી કસરતોય કરી ને કરાવી હતી.

શાળામાં પટાવાળાએ નામ પોકાર્યું ત્યારે તનુશ્રી લપસણી ખાઈ ખાઈને થાકી ગઈ હતી ને ઝોકે ચડી હતી. અમે તેને અંદર ધકેલી ને બહાર બારીના સળિયે વળગી પાંજરાનો ખેલ જોતાં હતાં. સારું શરીરસુખ ભોગવતાં એક ગોળમટોળ શિક્ષિકાબહેન તાર સ્વરે પૂછતાં હતાં ને અદબવાળી નીચું મોં રાખી તનુશ્રી ગોખેલા જવાબો બોલતી હતી.

‘નામ ?’

‘તનુશ્રી સુરેશભાઈ ચાવડા.’

‘પપ્પાનું નામ ?’

‘સુરેશભાઈ ગોકળભાઈ ચાવડા.’

‘ક્યાં રહો છો ?’

‘ઘરમાં.’

‘સરનામું ?’

‘પાડાપોળના નાકે.’

‘આ કેટલી આંગળી છે ?’ - બહેને ત્રણ આંગળી બતાવી.

‘આઠ.’

‘અહીં જો. મારી સામે. આ કેટલી આંગળીઓ છે ?’

બહેને પુનઃ પ્રશ્ન પૂછ્યો.

‘આંગળીઓ આઠ હોય ને અંગૂઠા બે હોય.’

‘તમને શું ગમે ?’

‘વાતો કરવી.’

‘ઓહ, એમ નહીં. તમને શું ગમે ?’

‘લપસણી.’

‘અરે, એમ નહીં, તમને... તમને સૌથી વધારે શું ગમે ?’

‘મમ્મી.’

‘અરે, હું વિષય પૂછું છું. વિષયમાં સૌથી વધારે શું ગમે ? ગુજરાતી ? ગણિત ? પર્યાવરણ ?’

ડાફેરાં મારતી તનુશ્રી આમતેમ અમળાવા લાગી.

‘સારું.... સારું... મારી સાડીનો કલર કેવો છે ?’

- બહેને પોતાની સાડી બતાવી.

‘ધો.... રો... (ધોળો)’

‘બરાબર, ને પેલી માટલીનો શેપ કોના જેવો છે ?” - બહેને ખૂણામાં પડેલું મોટું માટલું ચીંધ્યું.

‘તમારા જેવો.’

ખલ્લાસ. દેખીતો બૉમ્બ ફૂટ્યો ન હોત તોય દિવસોનું અમારું તપ ક્ષણાર્ધમાં ભસ્મીભૂત થઈ ગયું.

- વાંચતાં વાંચતાં હું હસીને બેવડ વળી ગઈ. ડાયરીને ચૂમી ભરી ને પાનાં પલટ્યાં.

મિડિયમનો વટ

બાપા કહીને ડોનેશન તો આપવાનું જ હતું. તો ગુજરાતી મિડિયમમાં શું કામ આપવું ? અંગ્રેજી મિડિયમ જ ન રાખીએ ! કનુ ક્લાર્ક સમાચાર લાવેલો. તેને ત્યાં બે સીટ ખાલી છે. વહેલો તે પહેલો. તે તેમાં અમે પહેલા થયા, હાશ ! હાશ શું ? લાઇટનું બિલ બીજા વખતેય રહી ગયું તે કનેક્શન કપાઈ ગયું. હજુ યુનિફોર્મના ચારસો-પચાસ તો ઊભા જ છે. આ તો મારાવાલા... નોટો તો અમારી જ... ને પેન્સિલ પણ અમારી જ. ના... ના... શું વેપલા માંડ્યા છે ! પણ હશે... આખર ગોકળ તળશીની તેર પેઢીમાં મિડિયમમાં જનારો અમારો આ તનિયો વાઘ પહેલો. મોટાસાહેબનો બાબોય ત્યાં જ ભણે છે ને. તે ઑફિસમાંય વટ ને નાતમાંય વટ. ને અમેરિકા તો આમ ચપટી વગાડતું સામેથી છોકરીને પૂંખતું આવશે !!! ત્યારે ?... ત્યારે જોજોને, આ સુરેશ ગોકળનો વટ !

- મેં ફટાફટ પાનાં ફેરવ્યાં.

ફરિયાદ V/S ફરિયાદ

પણ મિડિયમ અમને સદ્યું નહીં. એક દિવસ કૅલેન્ડરમાં લાલ શેરો આવ્યો. સી પર્સનલી. તે મિડિયમની શિક્ષિકા તો મને ગુજરાતી ધોકો લઈ ઝૂડવા લાગી. આખર હતી તો પશા પટેલના છોકરાની વહુ જ ને ! ‘તમારી બેબી ખૂબ તોફાની. બધા જ ત્રાસી ગયા. સહેજ પાટિયા પર લખવા જઈએ તો ત્રીજી બેન્ચેથી કૂદે તે સીધી પાંચમી બેન્ચે. બસ કાગળિયાં ફાડી નાવ બનાવે રાખે. અરે, એરો બી બનાવે ને છોકરાઓ પર ફેંકે. આ ઉંમરે ? સ્ટુપિડ.’

‘હોય બહેન, છોકરાં તો એવાં જ હોય.’

‘શું એવાં હોય ? તેનું પ્રોગ્રેસકાર્ડ જોયું ? મેથ્સમાં ડૂલ... જી. કે.માં ગુલ... નાપાસ થાશે નાપાસ.’

- નાપાસ ? મારો જીવ તાળવે ચોંટી ગયો. સાલાં તેર તોડીનેય આ એક સાંધું છું, અને જો એય તૂટી જાય તો ? ના બહેન, ના. - હું ઢીલો થઈ ગયો.

ત્યાં તનિયો વાઘ ધસી આવ્યો: ‘પપ્પા, મનેય ટીચરની ફરિયાદ છે. વર્ગમાં તો રહેતાં જ નથી. બારણે ઊભાં બીજા ટીચર લોકો સાથે વાતો કર્યા કરે છે. બારણે ડસ્ટર ખખડાવ્યા કરે છે ને અમારા પર - નો ‘નો નૉઈઝ’ ને ‘ફિંગર ઑન નોઝ’ - ના હુકમ છોડતાં રહે છે.’

મેં આંખ બતાવી. તોય તનુશ્રી ડરી નહીં.

પછી તો ઘેર ટ્યુશનનો હાથી બાંધ્યો. તોય કેસ ફેઈલ.

તેની હેડમિસ્ટ્રેસ મારી હમદર્દ બની : ‘એક રસ્તો છે મિસ્ટર ચાવડા, બેબીને બીજી શાળામાં લઈ જવાની શરતે હું તેની ક્લાસ ટીચરને સમજાવું. અલબત્ત તમારેય થોડું સમજવું પડે.’

થોડું એટલે પાંચ હજાર.

- મારા હાથમાંથી ડાયરી સરી ગઈ. કોલકત્તામાં પ્રાથમિક શાળામાં બંગાળીઓ વચ્ચે ‘ગુણવંતી ગુજરાત...’ ગાયેલું ત્યારે કેટલી તાળીઓ પડી હતી. અત્યારે માથામાં હથોડા પડતા હતા. મેં ડાયરી મૂકી દીધી.

ઊંચે જોયું તો મા. હા, મા જ વળી. બીજો શબ્દ જચતો નથી. મા કૉફી લઈ ઊભી હતી. એ વાતે વળગી.

‘એય આમ જ ભણતી. ચોપડીમાં એવી ડૂબી જાય કે બીજું દેખાય જ નહીં.’

મારા શબ્દો સુકાઈ ગયા હતા. બેસેલી માનો હાથ મારા હાથમાં લીધો. ને તેની બંગડી ખખડાવતી રમતી રહી.

‘મેં એમને વાત કરી. ‘છેક કલકત્તાથી આવી છે. નામેય તોત્તોચાન છે. આપણી તોત્તો જેવી... આને તો મળો...’ તો કહે: ‘દક્...’

‘કેમ ?’

‘કોણ જાણે કેમ પણ: ‘હુંય આપણી તોત્તોનો હત્યારો છું.’ - એમ કહી ઘણી વખત લાચાર નજરે મારી આગળ મૂંગા થઈ જાય છે. ને કદાચ રડીય શકતા નથી.’

હું માનો હાથ પસવાર્યા કરું છું.

....

‘બોલ, શું જમીશ ?’ - છેવટે મૌન તૂટ્યું.

‘તું કહે છે તો કંઈ પણ.’

‘તોય.’

‘હું જમવા થોડી આવી છું. બસ, માતુશ્રીને મળવા આવી છું.’

‘તો હું જાઉં.’ - મને જોતાં જોતાં એ અંદર ગયાં.

એ દેખાતાં ન હતાં પણ ચોક્કસ એ મને જોતાં હતાં. જેમ અહીં બેઠી હું તેમને જ જોયા કરું છું તેમ. બીજી ડાયરી ફરી મારો હાથ પકડે છે. ઓહ ! આ તો ધબકતી તનુશ્રીનો કણસતો ચંચળ સ્પર્શ !

ડાબો મેલ્યો અમદાવાદ ને...

કહે છે એ દિવસ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકનો હતો. કહે છે કાકાનો અમદાવાદનો બહુમાળી મકાનનો ફ્લૅટ ભૂકંપમાં પડી ગયો હતો. કહે છે હું ફ્લૅટમાં હતી ને ત્રીજે દિવસે દેખાયેલી. કહે છે રેસ્ક્યુવાળા મને કાઢી શકતા ન હતા. કહે છે મારો ડાબો હાથ ન નીકળી શકે તેમ પિલર તળે દબાયો હતો. કહે છે ચાર દિવસ રેસ્ક્યુ ઑપરેશન ચાલેલું. કહે છે પછી તો ડૉક્ટરો પણ ત્યાં જ... ગ્લુકોઝ-લોહીના બાટલા પણ ત્યાં જ... અને આપરેશન પણ ત્યાં જ... કહે છે મારો ડાબો હાથ પણ ત્યાં જ.

હૉસ્પિટલના બેડ પર મેં ચિત્ર બનાવેલું તે યાદ છે. હું ક્યારેય નહીં આથમનારા સૂરજનો રથ હાંકતી હતી તે યાદ છે. એક હાથમાં લગામ હતી એ યાદ છે. બીજો હાથ... ઘોડા જાગી ગયા હતા તે યાદ છે. હવે ચાબખાની જરૂર નથી તે યાદ છે.

વાજપેયીજી આવ્યા હતા તેય યાદ છે. માથે હાથ ફેરવી કંઈ કવિતા જેવું બોલ્યા હતા તેય યાદ છે.

- પપ્પાજી આવ્યા હતા તે યાદ છે. તે હવે મને અમદાવાદ રાખવા માગતા ન હતા તે યાદ છે. ડાબો મેલ્યો અમદાવાદ ને તનુ ગઈ દક્ષિણમાં - એ યાદ છે.

- ભેંકારમાં ભમતી મારી ભીની આંખો ચૂપચાપ... સાવ ચૂ...પ... ચા... પ... આગળ વધે છે.

દસમું એટલે દસમું એટલે દસમું

પપ્પા પુસ્તકપ્રેમી એ જ મારું મોટું દુઃખ. રોજ મારાં કબાટ, પથારી... ઓશીકું ફેંદાતાં રહે ને મારા ગુપ્ત ખજાના લૂંટાતા રહે. બસ, દસમું એટલે દસમું. મે મહિનો એટલે વૅકેશન બેચ. તેમાંય પાછો સ્ટાર-વન-ટુ-થ્રી એમ અલગ ગ્રેડ. જેવા પૈસા તેવો ગ્રેડ. પપ્પા પાછા સ્ટારથી સંતોષાય તેમ ન હતા. એમને ચંદ્ર(ક) જોઈતો હતો અને એય પાછો સોનાનો ! તે - ટી.વી. બંધ. ટેપ બંધ. છાપું તો બસ એક જ. ભૈ, દસમું એટલે દસમું. હિમાલય એટલે હિમાલય અને મા તે મા કરતાંય અનન્વય અલંકારનું મહાન ઉદાહરણ. દસમું એટલે દસમું ! હરતાં દસમું, ફરતાં દસમું, નિશાળમાં દસમું, વર્ગોમાં દસમું. મહેમાનોમાં, ફોનમાં, પત્રોમાંય દસમું, દસમું દસમું ને દસમું ! બધે જ બસ એક દસમાનો જ સિક્કો ચાલે.

મારે બધા ગ્રહ ઉચ્ચના. પણ ગણિતનો ગ્રહ નીચનો. નીચો એટલે સાવ નીચનો. છેક પાતાળના તળિયાનાય નીચેનો. તે ભરૂચની બધી નિશાળોના ચુનંદા ભૂવાઓ મારી આગળ ધૂણે. અવયવો ને સમીકરણોનાં મરચાંનો ધૂણો કરે, ભૂમિતિના ચીપિયા ખખડાવે. અરે... પ્રમેય-સૂત્રો ને વ્યાખ્યાઓની માળા તો ખુદ પપ્પાય ફેરવે. એમને એમ કે બોર્ડની પરીક્ષાના દિવસે એ બધું પુણ્ય મને આપી દેશે ને તેમની બોઘી તનુશ્રીની એકાએક કાયાપલટ થઈ જશે ને એની બધી મૂર્ખતા છોડી કમસે કમ ત્રણ કલાક માટે તો સાચ્ચેસાચ્ચી ચતુર ચતુરા ગણિતજ્ઞા શકુંતલાદેવી બની જશે !

જોકે આવું બધું લખી સમય બગાડાય નહીં. ભૈ, દસમું એટલે દસમું. જે લખીએ તેને શીર્ષક તો આપવું જ પડે. સારાંશ-લેખનમાં પુછાય છે - ફકરાને યોગ્ય શીર્ષક આપો. તો લે, આ શીર્ષક. ‘દસમું એટલે દસમું એટલે દસમું.’ બસ, રાજી.

- હું હસી પડી. પણ થયું: ગુજરાત હોય કે બંગાળ. આ પપ્પા નામની મહાજાતિ તો એકસરખી જ. ને દસમા-બારમાનો મહારાક્ષસ પણ એકસરખો જ. તેનું નામ પડતાં જ છોકરાં તો શું પપ્પામમ્મી પણ રડવા બેસે.

મજા પડતી હતી પણ શોધ પૂરી થતી ન હતી. તનુશ્રીને તોત્તોચાનનું ભૂત કઈ આંબલીના કાતરા પાડતાં વળગ્યું હતું એ પમાતું ન હતું. હું પત્તાં ઊલટાવતી જતી હતી.

26-01-2002

માનસરોવરમાં

જીદ નકામી પડી. પપ્પા ન જ લઈ ગયા. કારણ બસ દસમું. પુસ્તકમેળો હતો તોય અમદાવાદથી લાવી લાવીને લાવ્યા એક જ પુસ્તક: તોત્તોચાન. કારણ બસ.

દૂધ જેવું પૂંઠું, અંદરનાં સુરેખ ચિત્રો ને અલપઝલપ જોયું તો... મારે તો દુકાળમાં વરસાદ પડ્યો હતો. મારી જ વાતો. આ તો હું જ. પપ્પાને કહ્યું: આ ચોપડી મારી. ને પપ્પાએ પહેલાં પાને લખ્યું: તનુએ આતુરતાથી માગી ને મેં પ્રેમથી આપી : તોત્તોચાન. ને પુસ્તક મારા હાથમાં. રાષ્ટ્રગીતોનાં પડઘમ, ભૂકંપની સંવત્સરીનો કકળાટ ને પરીક્ષાનો રાક્ષસ પળમાં ઓગળી ગયાં. મમ્મી ચીસતી રહી તોય સાંજે જમવા ઊઠી નહીં. તોત્તોચાનમાં તરતી રહી ને તોત્તોચાન પીતી રહી ને છેક રાત્રે અઢી વાગે તોત્તોચાન માનસરોવરના પેલે પાર. ભીના વાને દર્પણમાં જોયું તો તોત્તોચાન જ તોત્તોચાન ટપકે. પાછી પડી તોત્તોચાનના સરોવરમાં. અહીં ડૂબકી મારી ત્યાં નીકળું ને ત્યાં ડૂબકી મારી પાછી ક્યાંય નીકળું. ન થાક... ન ઊંઘ... ન સમયનું ભાન. સૂરજમુખીની જેવી તાજી ને તાજી નવમાની કવિતા જેવું: ‘મૈં તો તોત્તો કે રંગ રાતી.’ વામન તોત્તોચાને તનુને પાતાળમાં ચાંપી દીધી હતી ! - ને તોતડી તનુ તોત્તોચાનની ચૉકલેટ રૅપર સાથે ચગળી ગઈ હતી !

જે પછી તો પપ્પા-મમ્મીએ પણ તોત્તોચાન વાંચી. ત્રણે જણે - કપડાં ધોતાં, રોટલી વણતાં, કપડાં વાળતાં, ચા પીતાં, જમતાંજમતાં, સૂતાંસૂતાં - ફરી ફરી વાગોળી ને માણી. દિવસો સુધી ઘરમાં તોત્તોચાનની જ વાતો ચાલી - ને છેવટે હું ઘરમાં હરતીફરતી તોત્તોચાન બની ગઈ.

વાંચતાં વાંચતાં હું અટકી ગઈ. બંધ ડાયરી વચ્ચે આંગળી રહી ગઈ. ને બંધ આંખે હું હળવે હળવે તનુશ્રીમાં ઓગળતી ચાલી, તો તનુશ્રી પણ મારામાં ભળતી રહી ને ધસમસતી તોત્તોચાન તો અમારા બન્નેમાં બંને કાંઠે ઊભરાતી હતી. અમે ત્રણ નદીઓ હતી અને આ અમારો ત્રિવેણીસંગમ હતો.

ડાયરી મને છોડતી ન હતી. ને મારાથી ડાયરી છોડાતી ન હતી.

01-03-2002

ભૂકંપની મારી ભરૂચ ગઈ તો ભરૂચમાં લાગી આગ

ડાબા હાથની ખોટ પહેલી વાત વરતાઈ. આગ હોલવવા એક હાથે પાણી ઉલેચ્યું. પછીત પાછળનાં ઝૂંપડાં હોલવવા. ગોધરાની ઝાળ આખા ગુજરાતને આભડી ગઈ હતી.

- તોત્તોચાનના રંગમેળામાં રમખાણ મારો જીવ: ‘જીવ મટી શિવ થયો એમ ભાસે.’ - મનેય સમાધિ લાગી ગઈ.

‘હેં.’ - હું જાગી ગઈ.

‘ત્રણે વખત બોલાવી તોય ન બોલી. તે રીતસર ઢંઢોળવી પડી.’

‘હા.’

‘હા શું. ચાલ જમવા. એય નથી જમ્યા. કહે: છોકરી જમી લે પછી.’

‘સાથે કેમ નહીં ?’

‘ના. ઓગણીસમીની ઘટના પછી એ કોઈની સાથે જમ્યા નથી.’

મારી પાસે ઓગણીસમી માર્ચ બે હજાર બેની બધી જ માહિતી હતી. ગણિતઘાટીનું મહાપેપરયુદ્ધ પતાવી તનુશ્રી - ઉર્ફે તોત્તોચાન લક્ષ્મીબાઈની મુદ્રામાં સાઇકલે ચડી આવતી હતી. ત્યાં પાછળથી પેટ્રોલ છંટાયું હતું ને...

ને મારા મોઢામાં રાખ જ રાખ ચવાતી હોય એવો અનુભવ થયો.

‘મા, હું ન જમું તો...’

‘તારું ધાર્યું કર. મારું કંઈ જોર છે ? બસ, ભર્યા ભાણે અમારે ઉપવાસ થશે એટલું જ.’

‘મા, પેટ ક્યાં કોઈને છોડે છે ? ચાલો.’

....

‘ના, આ નહીં.’

‘ગોળની કાંકરી જ તો છે. ખૂબ કાઠું મન કર્યું. તોય લોટ શેકી શકી નહીં ને ગોળ છોડી શકી નહીં. મારા સમ.’

ડાકોરનો ઠાકોર ગોળની કાંકરીમાં તોળાતો હતો. ઠાકોર જ નહીં, આખી એની ઠકરાત પણ.

ધાણાદાળ ચાવતી હું સોફામાં લાંબી થઈ. અંદરના રૂમમાં બેઠેલાં બંને એકમેકને દાંપત્યના પાકા ફળની ચીરી ધરતાં હતાં. બહાર બેઠો મારો કોરો કાન તેની ફોરમ ચાખતો હતો.

તો બીજી બાજુ મારી એક આંખ તોત્તોચાનમાં ઘેરાતી હતી ને બીજી આંખ બચેલી છેલ્લી ડાયરી પર સ્થિર હતી. છેવટે સામે પડેલી સાવ પીળાં પાનવાળી એ ડાયરી ઉઠાવી. ડાયરીમાં પપ્પાજી સુરેશભાઈની જુવાનીના ઘાટા અક્ષરો ઝાંખાપાંખા હતા.

શેર માટી

ડૉક્ટરી ટ્રીટમેન્ટ ને ભુવાનાં ટોટકાંનો કાંટાળો વનવાસ બારેક વરસ ભોગવ્યો, ત્યારે સારા દિવસનો રાજ્યાભિષેક થયો. એના પેટ પર આગંતુકનો સંચાર સાંભળવા આખા શરીરનું લોહી કાનની કુંજગલીઓમાં ઊમટી પડ્યું હતું. જ્યાં જુઓ ત્યાં ગુલાલ જ ગુલાલ... ‘કાન’ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી... પછી તો રસગુલ્લાં ને રાબડી, દૂધપાક ને દહીંવડાંના દોહદ પૂરા કર્યા. પણ મારો દોહદ બાકી હતો: સોનોગ્રાફી. ડૉક્ટરે સાંકડી કૅબિનમાં કહ્યું: ‘આનંદો. જલેબી...’ ને સાત-સાત રાત જાગી એ જલેબીનાં ગૂંચળાંનું આંતરડેઆંતરડુંને ઊતરડ્યું ત્યાં સુધી મારામાં જન્મેલો નરસિંહ ના... ના... નરસિંહ શાનો... નરશિંગ ઠર્યો નહીં.

પછી તો એક નહીં બે બે વખત ફરજિયાત નરશિંગાવતાર ભજવવો પડેલો.

છેવટે મારી આગળ રડી-રતડી, મને સમજાવી-ફોસલાવી, મારાથી સંતાડી-છુપાવી, મારા પર નવ નવ મહિના અખૂટ નેહ વરસાવી, મારી હથેળીમાં નાચી આખર એ જીતી ગઈ. યુદ્ધ એ લડી ને વિજયનો સહેરો મારા માથે બાંધ્યો: હું મોંઘેરા પપ્પાજી બની ગયો.

બધું વિષ નિચોવાઈ ગયા પછી પાગલ આ પપ્પાના હોઠેથી પહેલાં અમૃતબિંદુ ટપક્યાં હતાં : બેટી... ત... નુ... શ્રી...! તનુશ્રી... મારી... બેટી...!

- દાઝી હોઈ એમ મેં ડાયરી ફેંકી દીધી. મારા શરીરમાંથી જાણે બધું લોહી ચુસાતું જતું હતું. માંસ ઓગળતું જતું હતું ને હાડકાં ગળતાં જતાં હતાં. કોઈ લાલિયો લઠ્ઠ થઈને મારી પાંચે ઇન્દ્રિયોને બહાર તગડી રહ્યું હતું. દ્રૌપદીજીનાં પટકુળ ખેંચાતાં હતાં, સીતા અગ્નિમાં પ્રવેશી રહી હતી... ને અહલ્યા શલ્યા બનતી હતી. ને હું....

માએ ઢંઢોળી ત્યારે જાગી.

‘આ ત્રીજી વખત ચા મૂકી. બે વખત તો એમની સાથે પીધી. તું ઊંઘતી હતી ત્યારે – એ બે વખત અહીં આવી બેસેલા. આ સ્ટૂલ પર. ટગર ટગર તને જોયા કરે. ન બોલે ન ચાલે. ચાથે ઠરીને ઠીકરું.’

હવેની વાતમાં મને રસ ન હતો. વાત કાપતાં હું ઊભી થઈ ગઈ.

‘તો હું તૈયાર થાઉં ? આઠની ટ્રેન છે.’

પછી તો મા મારી આગળપાછળ ભમ્યા જ કરી : ‘પહેલાં ચા તો પી લે... લે, આ તારો હૅડ-કી... મેં ધોઈ રાખ્યો છે. તોત્તો, જરા જમી લે... ન જમે તો નાસ્તો લઈ જા... મારા સમ...’ - ને પરાણે ઝોળામાં ડબ્બો નાખ્યો. હું માને ભેટી પડી.

‘જાઉં ?’

‘દીકરીએ તો જવાનું જ હોયને.’

મેં ઝોળો ઉપાડ્યો.

‘એમને નહીં મળે ?!’

‘ના. તારામાં બધું આવી ગયું.’

‘ને હું આખી ને આખી તેમનામાં છું. તેનું શું? તેમના વગરની હું શૂન્ય. ને તારી યાત્રા પણ... તોત્તો, બેટા મારી ખાતર... ના... એમ મોઢું ચઢાવીને હરગિજ નહીં. હસતાં... હસતાં... સાવ સહજ....’

હું એમના રૂમમાં ગઈ. એ ખુરશીમાં બેઠા હતા. પીઠ દેખાઈ. ઝુકેલું માથું... ચળકતી ટાલ... પાપા... ધ મોસ્ટ હેન્ડસમ પર્સનાલિટી ઓફ ધ વર્લ્ડ... હું ઊછળી પડી. ને ‘પરમ પૂજ્ય પિતાશ્રીને સાદર પ્રણામ’ – કહેતા તેમને હચમચાવી નાખ્યા. તેઓ, માત્ર આંખથી જીવતા હતા. તેમની આંખો મારી આંખોમાં ડૂબી ગઈ હતી. તે એકીટશે મને તાકી રહ્યો – અવાક. મેં ઢંઢોળવા પ્રયત્ન કર્યો : ‘હું, પિતાશ્રી, હું છું. તમારો તનિયો વાઘ... તોત્તોચાન...’

- તેમની આંખોમાં એકસામટા છપ્પને શ્રાવણ ચડી આવ્યા હતા.

(‘નવનીત સમર્પણ’, ઓગસ્ટ)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી નવલિકાચયન : 2002 (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : નવનીત જાની
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004