ઘનશ્યામ દેસાઈ
Ghanshyam Desai
પછી ઓચિંતું ચિચિયારી કરતું તે ટોળું વાયવ્ય દિશા તરફ ખસ્યું. ધૂળનું એક વાદળ ઊડ્યું અને બેસી ગયું. સાથે હું પણ ઘસડાયો. થોડોક વખત સુધી અમે જીવ સટોસટ દોડ્યા, કેટલાક ખાંસવા માંડ્યા, મને હાંફ ચઢી ગયો... ધીમે ધીમે બધા શાંત થઈને ઊભા રહ્યા. હું એક બાજુએ ઊભો હતો – જડબેસલાક, માણસોના ખીલાઓથી જાણે કે ખોડાયેલો. ભીડમાં સહેજ પણ ખસાય એમ નહોતું. મેં જોયું તો દૂર સુધી માણસો જ માણસો દેખાતા હતા. કેટલાક અનુભવી લોકો કહેતા કે દૂર દૂર પર્વતોની પીઠ ઉપર, ટોચ ઉપર, તળેટીમાં, દરિયાકિનારે રેતીમાં, બધે જ માણસો ફેલાયેલાં છે. નીચે ખીણમાં, વાંસનાં જંગલોમાં, ડાંગરનાં ખેતરોમાં, નાળિયેરીનાં મેદાનોમાં, બધે ઠઠોઠઠ માણસો છે. તેમનું કહેવું હતું કે અહીંથી આ ઠઠનો અંદાજ આવવો મુશ્કેલ છે. આ આપણું જે ટોળું છે તે તો એક વિરાટ ટોળાનો માત્ર નાનકડો ભાગ જ છે. આકાશમાં તારા દેખાય છે તેમાં નાનાં નાનાં ઝૂમખાં હોય છે, તેવું એક નાનકડું ઝૂમખું છે. અને તેમની વાત સાચી હતી. ખરેખર આજુબાજુ માણસો સિવાય કંઈ જ દેખાતું નહોતું. આમ લોકો શાંત લાગતા પણ ઓચિંતા જોરથી કિકિયારી કરીને કોક દિશા તરફ ધસતા, દોડતા, અથડાઅથડી, ધક્કામુક્કી કરતા. કહે છે કે ઇશાન દિશામાં થોડેક આગળ જઈએ તો ત્યાંના ટોળાના લોકો ખૂબ જોરજોરથી દિવસોના દિવસો સુધી બૂમ પાડે છે, બધા જ લગભગ એક જ સૂરથી હો... ઓ... ઓ... ઓ... હો... કરીને બૂમો પાડવી શરૂ કરે છે અને પછી ધીમે ધીમે એ સૂર ઊંચો ને ઊંચો લઈ જાય છે, છેવટે એ સૂર તીવ્રતમ થઈ જાય ત્યાં એ લોકો થંભી જાય છે. અરધી રાતે જંગલમાં વાગતાં હબસીઓનાં નગારાંના ભયંકર અવાજની જેમ એ અવાજથી માઈલો સુધી હવા ફાટી જાય છે. વાતાવરણની ગરમી વધી જાય છે, સાંભળનારાના કાન અને બોલનારાનાં ગળાં દિવસો સુધી કામ આપતાં અટકી જાય છે. આ ટોળું ક્યાં સુધી પથરાયેલું હશે એ વિષે પૂરતી જાણ હોવાનો સંભવ નથી. છટકામાં સસલું સપડાય એમ હું એમાં ફસાઈ ગયો છું. આજુબાજુ જોઉં છું તો દેખાય છે માત્ર માણસો. હું એમને જોઈ શકું છું, ઘણી જ નજીકથી. મારી ચારે ફરતે તેઓ વીંટળાયેલા છે, મારી દૃષ્ટિને મારાં હલનચલનને તેઓ રોકી રાખે છે; ચારેબાજુથી એમના ખભા, છાતી, હાથ, પીઠ, નિતંબથી હું દબાતો, ઘસાતો, ભીંસાતો રહું છું. માઇક્રોસ્કોપિક લેન્થથી મને તેમના ચહેરા દેખાય છે. આમ તો માણસો દૂરથીય મેં જોયા છે... ટાવર પરથી. ત્યારે તે બધા જ સરખા લાગતા હતા. જાણે કે કોઈ શીંગફળીમાં એકસરખા દાણા કોઈએ ન ગોઠવ્યા હોય એવા... એક ઢાંચાવાળા, એક ચહેરા-મહોરાવાળા, રૂપેરંગે સરખા... તેમનાં માથાંની જગ્યાએ માથાં કલ્પવાં પડે, પગની જગ્યાએ પગ, આંખની જગ્યાએ આંખ એવાં, અને આજે આટલી નજીકથી... માઇક્રોસ્કોપિક લેન્થથી... જોઉં છું ત્યારેય મને સૌ સરખા લાગે છે. હા, કોઈકના નાક નીચે નાનકડો મસો છે, કોઈની ભ્રમર પર એકાદ વાળ સફેદ છે, કોઈના હાથને છ આંગળીઓ છે, પણ બધા સરખા લાગે છે. તેઓ શાંતિથી ઊભા રહે છે. ઉતાવળથી ગાભરા ગાભરા દોડતા રહે છે, પગની ખરીઓથી ધૂળ ઉડાડતા રહે છે, હાથ ખભેથી આગળપાછળ હલાવતા રહે છે, મોઢાના ખાડામાંથી બોલતા રહે છે, બૂમો પાડતા રહે છે. જાતજાતના આકારો રચતા રહે છે.
હું મૂંઝાઈને ઊભો રહું છું. તેમનો પસીનો, તેમની ભીંસ, તેમના પ્રલાપોથી વાતાવરણની ગરમી વધતી જાય છે.
ઓચિંતો ગોકીરો થયો. નૈઋત્ય દિશામાંથી હુકમ આવ્યો કે આપણે મકરાકાર રચવાનો છે. કોણ બોલ્યું એ મહત્ત્વનું નહોતું. સત્ય તો કર્ણોપકર્ણ સરતું આવ્યું હતું. સૌ દોડ્યા, મોટી હલચલ થઈ રહી, બૂમાબૂમ મચી ગઈ. દૂર ડુંગર પર માણસો દોડાદોડી કરી રહ્યા હતા, અસંખ્ય માણસો ઊલટાસૂલટી દોડતા હતા, એક આકારમાં ગોઠવાતા હતા.
કોઈક બોલ્યું કે આ બધા હુકમ નૈઋત્ય દિશામાંથી આવે છે. ત્યાં એક આલીશાન મહેલ છે, તેના ગોખલામાં કોઈક બેઠું છે, તેની બાજુમાં એક ઝળહળતી દીવી છે, અનેક દાસીઓ તેની તહેનાતમાં હાજર છે, કોઈ કસ્તુરી બરાસવાળું પાન ધરે છે, કોઈ ઠંડા વીંઝણા વાય છે, કોક પાય તળાંસે છે, ગુલાબજળદાનીમાંથી કોઈ સુવાસિત અત્તરનો છંટકાવ કરે છે... મરજીમાં આવે એ મુજબ એ ત્યાંથી હુકમ છોડે છે અને સૌને એ પ્રમાણે કરવું પડે છે. પણ આ મહેલ જોયો હોય એવો કોઈ માણસ નહોતો, હુકમ કરનારને જોયો છે એવો દાવો કેટલાક જણ કરતા હતા પણ તપાસમાં માલૂમ પડતું કે એ તો કહેવાની એક રીત હતી. જોકે એ મહેલે કયે રસ્તે થઈને જવાય એનો નક્શો ઘણા પાસે જોવામાં આવતો. એ નક્શા તેમને તેમના બાપદાદાઓ તરફથી વારસામાં મળ્યા છે, એમ તેઓ કહેતા. એ નક્શાની ગૂઢ લિપિ પણ તેઓ હવે ઉકેલી શકતા નહિ. લિપિ ઉકેલનારા માણસો કોક રડ્યા-ખડ્યા મળી આવતા. તેમનું ભારે બહુમાન કરવામાં આવતું. બહુ વિકટ એ રસ્તો છે, એમ તેઓ કહેતા. વચમાં ઘણા કરાળ પહાડો, ફુંફાડા નાખતી નદીઓ, ભયંકર રાની પશુઓ વગેરે આવે છે એમ તેઓ સમજાવતા. ઘણા જણ તો આકાર રચવા માટે દોડતા હોવા છતાં બે હાથ ઊંચા કરી ‘એ મહેલ ભણી દોડીએ છીએ, એ મહેલ ભણી દોડીએ છીએ’ એમ ઘેલા બની બૂમો પાડતા, એવાં ગીતો ગાતા, ગાતાં ગાતાં ભાવાવેશમાં આવી નાચતા. આવું બોલવાથી થાક લાગતો નથી, ઊલટું દોડવાનો ઉત્સાહ રહે છે એમ તેમનું માનવું હતું. મને આથી બહુ દુઃખ થતું. આમ હુકમ આવે તે કઈ રીતે યોગ્ય હતું? મને બધા તરફ ગુસ્સો ચઢ્યો. તેમનાં વિકૃત મોં, એમનું હાંફળાફાંફળાપણું, એમની લાચારી, ભયથી એમની ભાગાભાગી, એમના નાચ, હુકમને તાબે થવાની એમની ગુલામગીરી... આ બધું મને અસહ્ય લાગ્યું હું આ બધાં વિષે વિચારતો રહ્યો...
થોડી વાર પછી મેં જોયું તો બધા હવે સ્થિર થયા હતા. જોકે હજુય દક્ષિણ દિશામાંથી મોટા અવાજો આવતા હતા, એટલે એ બાજુ હજીયે હલચલ નહિ મટી હોય એમ લાગ્યું. પણ અહીં સૌ શ્વાસ ખાતા હતા. પછી કેવી રીતે હુકમ આવ્યો, કેવી રીતે સૌ દોડ્યા, કેવી રીતે પૂર્વવાળા, પશ્ચિમવાળા, ઉત્તરવાળા, દક્ષિણવાળા સૌએ મળીને એક આકાર ઊભો કર્યો, અગાઉ કયા કયા આકારો રચાયા હતા તે, તેનો નજરે દેખ્યો હેવાલ, હવે કેવા આકારો રચવાની વકી છે તેની આગાહી, કેવી રીતે પવન ફૂંકાયો, કેવી રીતે તેની સાથે હુકમ ફેલાયો, તે ફેલાવવામાં તેમણે શી મદદ કરી, તેનું તેમને શું ફળ મળ્યું વગેરે વાતો થવા લાગી. હું સૂનમૂન બધું સાંભળતો હતો, દૂર દૂર જોવાના પ્રયત્નો કરતો હતો. હજીયે ક્યાંક ક્યાંક લોકો ખસતા હતા. અવાજો કરતા હતા, કશુંક મોઢામાં ઓરતા હતા, ચંડીની જેમ ભરડ ભરડ ચાવતા હતા, ઘાસની જેમ વાગોળતા હતા, અવાજો કરતા હતા, અંદરોઅંદર ઝઘડતા હતા, કેટલાંક મડદાં ઠેબે આવતાં હતાં. વળી પાછો સનેપાત થયો હોય એમ ટોળું ધ્રૂજવા માંડ્યું, બડબડવા માંડ્યું. દોડવા માંડ્યું. દોડધામમાં બધા ડુંગર ઉપર ચઢવા લાગ્યા. હું વચમાં હતો. ચઢતો ગયો તેમ એક અકળ, મૂંઝવી નાખે એની શાંતિનો અનુભવ કરવા લાગ્યો. ઉપર જઈને જોયું તો એક વિરાટ ટોળું દેખાયું : સતત હાલતું, ચાલતું, આકારો બદલતું : અળસિયાને સહેજ માર્યું હોય અને એનાં બધાંય અંગો સળવળે એમ એનાં બધાંય અંગો સળવળતાં હતાં. ક્યારેક આખું ટોળું એક જબરદસ્ત બૂમ પાડતું, તે બૂમ વંટોળિયાની જેમ આકાશમાં ઊંચે ને ઊંચે ચઢતી જણાતી. ક્યારેક બધા સ્થિર થઈ જતા, ચૂપચાપ જ્યાં ઊભા છે ત્યાં ઊભા રહેતા, જાણે કે તેમની હસ્તી જ નથી, જાણે કે એક વિશાળ નગરીમાં જાદુના બળે સૌને ધારણ ચઢ્યું છે, જાણે કે આજુબાજુ ઊભેલાં છોડ, વૃક્ષ, ખડક કે પહાડની જેમ આયે ધરતીનું એક અંગ છે, એ ક્યારેય કદી હાલ્યું નથી. હાલવાનું નથી, જાણે કે એને ભૂલથી માટીનું ઢેફું કે ઝાડનું ઠૂઠું કહી દેવાશે એવી દહેશત લાગે એવું... પછી ઓચિતાં એકાદ દિશામાંથી પાછો અવાજ આવતો, તે વધતો જતો, ત્યાં ધીમી હલચલ મચી જતી, પછી અવાજ આગળ ચાલતો, ફફડાટ તેની સાથે વધતો જતો...
જેમ જેમ ઉપર ગયો તેમ બધાનાં માથાં વચ્ચેનું અંતર ઘટતું હતું... અંતે બધું એક કાળા સમુદ્રમાં ભળી જતું જણાયું... ચારેબાજુ ફીણ ફીણ હતું, એમાં ઝીણા ઝીણા કાળા પરપોટા તરતા હતા, સહેજ ફૂલતા હતા, સંકોચાતા હતા, ફટ ફટ ફૂટતા હતા. મુગ્ધ થઈને હું આ બધું જોવા લાગ્યો... ઓચિંતા મારા મનમાં એક એવી લાગણી થઈ આવી કે આ તો એક ડિઝાઈન છે. જેમ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, માડાગાસ્કર વગેરે જુદા જુદા પ્રદેશોના આકારથી પૃથ્વીની એક ડિઝાઈન રચાય છે, એ જ રીતે આ જુદા જુદા માણસો જુદી જુદી જગ્યાએ ઊભા છે, એનાથી એક ડિઝાઈન રચાઇ તેમાં હું પણ એક નિશ્ચિત જગ્યાએ ઊભો છું. મારે માટે પણ એક ચોક્કસ ગતિ નક્કી થયેલી છે. વળી મને થયું કે જેમ એક ચિત્રમાં કોઈક ખૂણે રાઈના દાણા જેવડું નાનકડું કાળું કે ભૂરું ટપકું હોય ને તેને ત્યાંથી ખસેડી તમે બીજે સ્થાને મૂકો, તો આખી કૃતિ બદલાઈ જાય; કે ત્યાંથી તમે એને ભૂંસી નાખો તો રંગોનું બેલેન્સ, નાની નાની આકૃતિઓમાંથી બનતી એક વિશાળ આકૃતિની રચના બદલાઈ જાય, અને એક જુદું જ ચિત્ર નિર્માય; તેથી હું પણ આ વિશાળ ડિઝાઈનમાં એક નાનકડા કાળા ટપકા જેવો છું. જો હું અહીંથી મારું સ્થાન બદલું એટલે કે ટોળા કરતાં મારી જુદી ચાલ ચાલું, મારી પોતાની ગતિ ઊભી કરું તો આખીય ડિઝાઈનની રચના બદલાઈ જાય. એક નવી જ રચના અસ્તિત્વમાં આવે... એનો રચનાર હું ગણાઉં, ભવિષ્યમાં રચાનારી ડિઝાઈનો ઉપર પણ તેની અસર પડે. એટલે કે આ વિરાટ ટોળું, એમાં રહેતા અગણિત લોકો, તેમની સહેજ સરખી હિલચાલ, તેથી રચાતી ભિન્નભિન્ન આકૃતિઓ, હવે પછી અનંતકાળ સુધી રચાનાર આકૃતિઓનો સર્જનાર હું – મેં મનોમન નક્કી કર્યું છે કે હું મારી પોતાની ચાલ ચાલીશ. મારી જાતને મેં તૈયાર કરી. હવે અમે ડુંગરની સમથળ સપાટી પર આવી પહોંચ્યા હતા, થંભી ગયા હતા, પોરો ખાતા હતા, કેટલાકે આંખો મીંચી દીધી હતી. કેટલાક મોં ફાડી બગાસાં ખાતાં હતા, કેટલાક નીચે અવાજે ગુસપુસ કરતા હતા.
એટલામાં ફરતી ફરતી બૂમ આવી કે સર્પાકાર રચવાનો છે. મને થયું કે સમો આવી પહોંચ્યો છે. હવે ટોળામાં ધીમી હલચલ શરૂ થઈ. બધા સજાગ થવા માંડ્યા, શરીર ફફડાવી આળસ ખંખેરવા માંડ્યા. પ્રથમ પહેલાં જમણી તરફ અને પછીથી ડાબી તરફ જવાનું હતું. અનેક નાના નાના વળાંકો વળતાં ચક્કર ચક્કર ફરવાનું હતું. મેં જડબાં ભીંસ્યાં, મુઠ્ઠી વાળી નક્કી કર્યું કે હું સીધો જ ચાલીશ. જો માત્ર થોડાંક જ પગલાં એ પ્રમાણે ચાલી શકીશ તો.
ત્યાં વાવાઝોડાની જેમ એક જબરદસ્ત ધક્કો આવ્યો. મેં નાકની દાંડીએ જવાનો, આગવાળાઓને ભેદવાનો મરણિયો પ્રયાસ કર્યો, પાછળવાળાને ખાળી શકાય એમ નહોતું. આખું ટોળું વેગથી, પૂરા જોસથી વળાંક લેવા લાગ્યું. મેં ઊભા રહેવા, સીધી દિશામાં જવા અથાગ પ્રયત્ન કર્યો, પણ ટોળાના રાક્ષસી બળ આગળ હું નિઃસહાય બની ગયો, જમીનથી જાણે કે અધ્ધર ઊંચકાયો, આગળ ધકેલાયો, ઘસડાયો, મારા ઉપરનો મારો કાબૂ જતો રહ્યો... થોડેક આગળ ગયા પછી, નિરાશ થઈ, હું પાછળ જ્યાં ઊભો હતો ત્યાં તાકી રહ્યો, નિરાશ થઈ ગયો, આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં... મનમાં થયું કે એક ક્ષણ પહેલાં જો હું સીધી દિશામાં થોડાંક પગલાં પણ ચાલી શક્યો હોત, ટોળાની ડિઝાઈન બદલી શક્યો હોત... તો...?
પણ હમણાં થોભાય એવું નહોતું. ટોળા સાથે વાંકાંચૂકાં ફરતાં ફરતાં, ઘસડાતાં ઘસડાતાં, ઓચિંતા મને યાદ આવ્યું કે ડિઝાઈન બદલવા હજી એક બીજો રસ્તો પણ બાકી છે : પેલું ટપકું ભૂંસી નાખવું જોઈએ. જો આ રાઈના દાણા જેવડું ટપકું ભૂંસી નાખું તો જગતનો સ્રષ્ટા થઈ શકું. પણ મેં જોયું કે હું લાચાર છું, એ નથી કરી શકતો. કોઈક આંતરિક નબળાઈ મને વીંટળાઈ વળી છે, મારાં જ્ઞાનતંતુઓ ઢીલાં થઈ ગયાં છે, બધું શિથિલ થઈ ગયું છે. હવે હું મારી જાત ઉપર ગુસ્સે થઉં છું, બખાળા કાઢું છું. એકલો એકલો બબડું છું, મને ગાળો દઉં છું, સૌને ગાળો દઉં છું, મારા તરફ નફરત પેદા થઈ છે, મારા હૃદયમાં... પણ હું એ ટપકું ભૂંસી શકતો નથી. એટલે જ હું ઘસડાઉં છું. અહીંથી તહીં ફંગોળાઉં છું, ધકેલાઉં છું, નિઃસહાય, નિરાધાર, ટોળા સાથે, ચિચિયારીઓની વચ્ચે, ભાગાભાગી કરતા માણસો સાથે, પણ મનમાં એક વિચાર હંમેશાં ઘૂમરાયા કરે છે કે આ ટપકું ભૂંસી નાખવું જોઈએ... જો ભૂંસી નાખું તો...!
(‘ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ’માંથી)
સ્રોત
- પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 454)
- સંપાદક : રઘુવીર ચૌધરી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999
