હસમુખ કે. રાવલ
Hasmukh K. Raval
સ્કૂલ-રિક્ષામાંથી તીતલી ઊતરી ત્યારે આકાશમાં ઘરર... ઘરર... થતું હતું. એક છોકરી બોલી ‘વિમાન... વિમાન...’ને રિક્ષાની બધી ઊંદરડીઓ બહાર. ‘એ જાય... ઓ જાય...’નું સમૂહગીત ચાલ્યું. તીતલીએ ઊંચે જોઈ ક્યું, ‘અલી મૂરખીઓ, આને હેલિકોપ્ટર કહેવાય, એમ મારા પપ્પા...’ આકાશમાં ચકરાતી તેની આંખો બીજે માળે સુકાતાં કપડાં વચ્ચે અટકી ગઈ ને જીભ ઠરી ગઈ. પપ્પા હતા, હસતા હતા. નીચેનું તીતલી-મંડળ જોતા હતા ને હાથનો ફ્લૅગ ફરકાવતા હતા. ‘પપ્પા...’ મોટેથી બૂમ મારતી તીતલી ઊંડી તો ફ્લૅટના ઉઘાડા બારણે સામૈયું કરવા પપ્પા હાજર. રોજનાં બંધ બારણાં ને તાળાચાવીની આકરી કસરતને બદલે આજે દફતર સાથે પપ્પાએ જ તેડી લીધી. હસતા બે ચહેરા બકી-બકી રમ્યા ન રમ્યા ત્યા ‘છોડો, ભૈ છોડો... હાય... હા... કેટલી બધી ગરમી!’ હાથપગ છટપટાવતી તીતલી પપ્પાની પકડમાંથી નીચે સરકી ગઈ ને પંખો ઑન કરી દીધો તે ફાસ્ટફાસ્ટ...
કપડાં બદલતાં તીતલીને થયું: આ સાચા પપ્પા છે કે રોજના જેવા? ખાતરી કરવા તે બહાર આવી તો લાગ્યું કે સાચુકલા જ પપ્પા છે. બાકી રોજના, રોજના પપ્પા તો એકાદ મિનિટ દેખાય ને ગાયબ થઈ જાય... ને વળી પાછા અચાનક ક્યાંક જડી પણ જાય...
‘ચાલ જમવા.’ ટેબલ પર બધું તૈયાર હતું. પાણી સુધ્ધાં.
‘પપ્પા, તમે બપોરે ક્યાંથી?’
‘તું જ તો રોજ રાડ ખાય છેઃ બપોરે એકલીને નથી ફાવતું... નથી ફાવતું...’
‘તે?’
‘આજે મેં આ ટાંટિયો જ તોડી નાખ્યો! રોજ હું એને ઘણું કરગરતો; ‘પગભાઈ, થોડી મહેરબાની કરો. માત્ર એક જ દિવસ ઘરમાં ટકી જાઓ. તીતલીને ગમતું નથી. પણ એ તો માને જ નહીં. તે આજે સવારે બાથરૂમમાં સાલાને એવો પટક્યો કે...’
‘અરેરેરે...’ તીતલીએ પગના પાટાને અડકતાં પૂછ્યું, ‘તમને દુઃખતું નથી?’
‘ના રે ના’ પપ્પાએ હસતાં હસતાં પાટો છોડતાં કહ્યું, ‘બધું ખોટેખોટું!’
‘પણ ખોટું કેમ?’
‘આપણી મમ્મી ખરીને!’
‘તે શું?’
‘તને નહીં સમજાય!’
‘કેમ નહીં સમજાય?’
‘તું નાની છે.’
‘નાની છું?’
‘ના, ખાસ્સી સાડાચાર વેંતની મોટ્ટી.’
‘હં...’
મમ્મીને રજા બચાવવાની ખૂબ જ લાય તે મોં ફુલાવી કહે: ‘ખોટ્ટી રજા નહીં બગાડવાની. અત્યારથી જ સાત તો વપરાઈ ગઈ.’
તીતલીએ તાળીઓ પાડી ને કહ્યું, ‘ફરીથી બોલોને પપ્પા, પ્લીઝ?’
‘આમ. મોં ફુલાવી બોલે: ખોટ્ટી રજા નહીં બગાડવાની...!’
‘મમ્મી છે તો એવી જ. સાવ સ્વાર્થીલી?’
‘તને કોણે કહ્યું?’
‘બાજુવાળાં આન્ટીએ. ચાલ બકુ મારે ત્યાં રમવા.’ કહી પરાણે લઈ જાય ને મને ઘોડિયાની દોરી પકડાવી પોતે ટી.વી. જુએ કે નસકોરાં બોલાવે ને ઉપરથી સંભળાવે, ‘તારી મમ્મી તો છે જ એવી. સાવ સ્વાર્થીલી. છોકરીનો ભવ બગાડે છે.’
પપ્પાનો કોળિયો હાથમાં રહી ગયો.
‘કેમ એકાએક અટકી ગયા? ભાત નથી લેવાના?’
‘પપ્પાની જમવામાં મજા મરી ગઈ, પણ જમાડવામાં મજા આવતી હતી. બંને થાળીમાં ભાત પીરસી પપ્પાએ વાતોનો દોર આગળ લંબાવ્યો.
‘પણ નીચેવાળા પેલાં-ક્યાં માસી?’
‘રાધામાસી’
‘હા. એ તો સારાં છે!’
‘સારાં જ છેને!’ તીતીલીએ સબડકો ભર્યો, ‘પણ એમનો મુન્નો જોયો છે! સાવ કૂતરા જેવો. સોફે બેસું તો ‘મારો છે... મારો છે’ એમ ભસવા માંડે. ને હીંચકે બેસું તોય ‘મારો છે... મારો છે. કરતો કરડવા આવે ને માસીય કહેઃ ‘બેટા, આપણે છોકરીની જાત તે નીચે બેસીએ. એમાં શું?’
લાઈટ ડૂલ થઈ ગઈ. પંખો બંધ થયો. ઉકળાટ વધ્યો.
હાથ ધોતાં પપ્પા સ્વયં બબડ્યા. ‘સાલો પ્રોબ્લેમ તો છે જ.’
‘શાનો પ્રોબ્લેમ?’
‘તારો’
‘મારે કોઈ પ્રોબ્લેમ નથી.’
‘ઘરમાં એકલી એકલી તને ફાવે?’
‘કેમ ના ફાવે? ને હું એકલી ક્યાં હોઉં છું? તમે બંને પણ સાથે હોવ છોને! આ તો બપોરે તમે સર્વિસ પર જતા રહો એટલે લાઈટ જતી રહી હોય એવું લાગે. સહેજ અંધારું લાગે. પંખા વગર ઉકળાટ લાગે પણ ઘર ટી.વી. ને મારી રમતો તો હોય જને! તે રમ્યા કરું ને મમ્મી આવે કે ફુલ લાઈટ થઈ જાય... ને લાઈટની પાછળ પંખો...’
પંખો ફરવા માંડ્યો. લાઈટ આવી ગઈ હતી. તીતલીએ હાથ ધોયા. પપ્પા થાળીઓ ઉઠાવવા લાગ્યા તો તીતલી વચ્ચે પડી, ‘રહેવા દો, એ તો મને આવડે છે.’
વરિયાળી ચાવતાં પપ્પા પલંગ પર પડ્યા ને તીતલી બોલી, ‘ફોનંફોની રમવું છે?’
‘આપણા ઘરમાં ફોન ક્યાં છે?’
‘અરે, એક નહીં હજાર ફોન છે અને એય પાછા સેલ્યુટ ફોન ને ઉપરથી હોટ લાઈન પણ’ તીતલીએ કાન પર હાથ ધર્યો ને બોલી, ‘હલ્લો મમ્મી. હું ઘેર આવી ગઈ છું. જમી લીધું છે ને પપ્પા સાથે ગપસપ ચાલે છે. લે, પપ્પા સાથે વાત કર’ તીતલીએ મુઠ્ઠીવાળો હાથ પપ્પા સામે ધર્યો. પપ્પાએ હાથ લંબાવી મુઠ્ઠીવાળી પછી કાને ધર્યો ‘પગે દુખાવો છે ને તીતલીની વાતોથી વધી જાય છે.’ તીતલીએ પપ્પાને ગુંબો મારતાં કહ્યું, ‘ખોટુકડા...’ ને પપ્પાએ સુધાર્યું ‘ના... ના... વાતોથી દુખાવો ઘટે પણ છે!’ ને ફોન મુકાયો.
‘બોલો, તમારી ઑફિસમાંય મારા ફોન આવે છે કે નહીં?’
‘હા... હા... આવે જ છેને! મારું શાર્પનર જડતું નથી. શું કરું?’ ને સામો હું શો જવાબ આપું છું તે તું કહે!’
‘તમે કહો: હું ઘેર આવતાં શાર્પનર, પેન્સિલ ને ઈઝરનાં બોક્સ લેતો આવીશ. ને હું મારી બર્થડે હોય એમ ખુશ ખુશ થઈ જાઉં.’
‘એક્ઝેક્ટલી.‘
‘ને સાંજે તમે ખાલી હાથે જ આવો.’
‘એક્ઝેટ... સોરી બેટા, ઑફિસના કામમાં...’
પપ્પાજી તીતલી સાથે આંખ ન મિલાવી શક્યા તે છાપાનાં પાનાં વચ્ચે મોં સંતાડ્યું.
‘તો તમે આરામ કરો ને હું મારે એકલી રમું.’
‘ના રે. તારી સાથે મનભરી રમવા માટે તો રજા લીધી છે.’ છાપું ફગાવતાં પપ્પાએ પૂછ્યું, ‘બોલ પછી તું શું કરે?’
‘ટી.વી. મચોડ મચોડ કરવાનું. ફટાફટ ચૅનલો દબાવવાની. ઍડ. જોવાની. બઢતે બચ્ચોં કે લિએ... જોઉં ત્યાં મારું ફ્રોક ટૂંકું પડી જાય. ચાર બુંદોવાલી... જોઉં ને ફ્રોક બગલાની પાંખ થઈ જાય, એસેલવર્લ્ડ મેં જાઉંગા મૈં ઘર કો નહીં નહીં જાઉંગા મૈં... જોવા તો તરસી જવું પડે. કલાકોનું તપ કરવું પડે. એક દિવસ ‘હમ સબ સાથ-સાથ હૈં’ આવવાનું હતું. તે મારી એક બાજુ મમ્મીની સાડી પહેરાવી ઢીંગલી-મમ્મી બેસાડી હતી, બીજી બાજુ તમારો પેલો ફ્રેમ કરેલો ફોટો ને વચ્ચે હું ને શરૂ થયું ‘હમ સાથ સાથ હૈં’ ને મારે હિવડા મેં નાચે મોર તક્ થૈયા... થૈયા...’ તમારે ડાન્સ જોવો છે?’
‘હા જ તો.’
તીતલીએ ફ્ટ કૅસેટ કાઢી પ્લેયરમાં મૂકી આથી-પાછી કરી ને ‘જુઓ, હસવાનું નહીં હો?’
‘હા.’
‘પ્રોમિસ?’
‘પ્રોમિસ.’
ને મમ્મીની સાડીનો ટુકડો ઓઢી ‘તક્ થૈયા... થૈયા...? ચાલ્યું. પપ્પા ઝૂમી ઊઠ્યા. ગીત પૂરું થતાં તીતલીએ પ્લેયર સ્ટોપ કર્યું ને હાંફતા હાંફતાં બોલી, ‘તમે તે કેવા પપ્પા છો? તાળીઓ તો પાડો!’
‘તેં જ તો ના પાડી હતી!’
‘હસવાની ના પાડી હતી. તાળીઓ તો પડાય. અમારી સ્કૂલમાંય બધા તાળીઓ પાડે છે.’
‘ચાલ ફરી શરૂ કર. આ વખતે તાળીઓ પાડીશ. બસ.’
થોડીવારે ફરી ‘તક્ ભૈયા... થૈયા’ શરૂ થયું. ગીત કયારે પૂરું થાય તેની પપ્પાને જાણ નહીં. તે એક અંતરો પૂરો થયો ને પપ્પાએ તાળીઓ પાડવી શરૂ કરી. ‘અત્યારે નહીં... અત્યારે નહીં... હજુ બાકી છે...’ તીતલી બોલતી રહી. તોય ગીત ચાલતું રહ્યું, ડાન્સ પણ ચાલતો રહ્યો ને તાળીઓ પણ...
‘જુઓ મમ્મીને નહીં કહેવાનું’
‘કેમ?’
‘એ મારી પાસે ડાન્સ કરાવશે.’
‘તે કરવાનો!’
‘શું ધૂળ કરવાનો? મને તેના જેટલો સરસ થોડો આવડે છે?’
‘મમ્મીને ડાન્સ આવડે છે?’
‘ખૂબ જ સુંદર. એક રવિવારે બપોરે તમે ન હતા ને અવાજ થતાં હું ઊંઘમાંથી જાગી ગઈ. જોઉં તો વાગતી કૅસેટ સાથે મમ્મીજીનો ડાન્સ ચાલે ‘તક્... થૈયા થૈયા...’ પણ અને ‘છૈયા... છૈયા...’ પણ. એણે જ તો મને શીખવ્યું છે.’
‘એ-એ-એ-મ?’
‘હાસ્તો. પણ આ શું થઈ ગયું? મેં તો તમને કહી દીધું?’
‘એમાં શું?’
‘શું એમાં શું? મમ્મીએ તમને કહેવાની ના પાડી હતી.’
‘હવે?’
‘મમ્મી કહેતી હતી એ જાણી જશે તો નચાવ્યા વગર નહીં છોડે.’
પપ્પાને પહેલી વખત ગંધ આવી. તેમની ગેરહાજરીમાં ઘરમાં કેવળ કંઈ રંધાતું જ નથી. મહેફિલો પણ જામે છે!
‘પણ ખરી મજા તો છૂપા ખજાનાની છે!’
‘એમ?’ પપ્પાને નવા એપિસોડના દરવાજા ખૂલતા દેખાયા, ‘ક્યાં છે એ છૂપો ખજાનો?’ દબાયેલા સ્વરે પપ્પાએ પૂછ્યું.
‘છે-એ-ક દૂ-ઉ-ઉ-ર’ વધારે મંદ અવાજમાં રહસ્ય ઘૂંટતાં તીતલી બોલી, ‘પહેલાં ચોખા-મગનાં ખેતરોની ટેકરીઓ આવે!’
‘ખેતરોની ટેકરીઓ?’ મૂંઝાયેલા પપ્પાએ રંગમાં ભંગ પાડ્યો.
‘કેમ, ના હોય? વચ્ચે કચકચ કરશો તો બંધ જ કરી દઈશ. પછી કિલ્લો કે ખજાનો કંઈ જોવા નહીં મળે, હા. કેમ વળી, ટેકરીઓ પર ખેતર ના હોય?’
‘હોય.’
‘એ પાર કરીએ એટલે ઘઉં-ચોખાના લાલ-ધોળા ડુંગરા આવે.’
‘ઘઉં-ચોખાના ડુંગરા? હા, હોય હોય.’
‘હં..., એ ઓળંગીએ એટલે એક ખૂણે સંતાઈને બેસેલી મધની કૂઈ આવે. એ કૂઈની બાજુમાં જ કિલ્લો. કિલ્લામાં ઠેરઠેર ભંડારેલા દારૂગોળા. વચ્ચે મહેલ. મહેલ ફરતું રાઈફલધારી લશ્કર ને મહેલમાં ભોંયરું. ભોંયરામાં ખજાનો-સોનું-ચાંદી ને રૂપિયાનાં બંડલો. તો જાઓ, ને લૂંટી લો ખજાનો!’
‘આટલી બધી માયા! આ સાઠ વારના ફ્લેટમાં!’ પપ્પા મનોમન બબડ્યા ને કાન પકડતાં તીતલીને કહ્યું, ‘બેટા, હાર કબૂલ. આંગળી પકડી તું લઈ જાય તો જ ત્યાં જવાય...’
તીતલી પલંગ નીચે ઘૂસી ને પપ્પાને બોલાવવા લાગી. પપ્પાએ એ અંધારી ગુફામાં પ્રવેશવા પ્રયત્ન કર્યો પણ પલંગની પાઈપ જે લમણે અથડાઈ કે કપાળ ચોળતા હારી ગયા, ‘તીતુ બેટા, મારાથી નથી અવાતું.’
‘ટ્રાય, યાર.’
‘સૉરી, યાર.’
‘તો ઠીક હૈ, ઈંતજાર કરો, પપ્પા કે વાસ્તુ અપુન પૂરા કિલ્લા ઊઠા કે લાએગા. ‘જય શ્રી રામ’ કહી હનુમાનજી ઊડ્યા.
પપ્પા ઊંધા પડી જોતા હતા. તીતલીએ ચોખા-મગની ટ્રાન્સપરન્ટ બરણીઓ આઘીપાછી કરી. પછી ‘ઊંહ... ઊંહ..’ કરતાં ઘઉં-ચોખાના ડબ્બા ખસેડ્યા ને મમ્મીએ છેક ઊંડે સંતાડેલી મધની બાટલી સુધી પહોંચી ગઈ. ઢાંકણું ઊડવાનો અવાજ આવ્યો.
‘તીતુ બેટા, શાનો અવાજ આવ્યો?’
‘મધની કૂઈ-ઊઘાડું છું!’ બાટલીમાં આંગળી નાખી મધ બે-ચાર વખત ચટાયું. પછી મૂળમાંથી કિલ્લો ખસેડવાનું અભિયાન શરૂ થયું. મહામહેનતે કિલ્લો હલ્યો, અવરોધો હડસેલાયા, ફરી મધપાન થયું ને ‘ઊંહ... ઊંહ...’ મંત્રના રટણ સાથે કિલ્લો બહાર.
પપ્પાએ જોયું. તૂટેલા હેન્ડલવાળી નહીં વપરાતી જૂની બેગ હતી. તીતલીનો ચહેરો ને હથેળીઓ લાલચોળ... ને આખું શરીર પરસેવે રેબઝેબ. નીતલી લાંબા પગ કરી હાંફતી બેસી રહી. પપ્પાએ પંખો ચલાવ્યો ને પાણી પાયું.
પપ્પાએ ઘડિયાળમાં જોયું. બે તો ક્યારનાય વાગી ગયા હતા. પપ્પાને ચાની તલબ લાગી.
‘બે વાગ્યે અમારે રિસેસ પડે. તારે એવું હોય કે નહીં?’
‘હોયને. મમ્મીની બનાવેલી કોલ્ડ-કૉફી હોય, નમકીન હોય, બિસ્કિટ હોય.’
‘પણ જાતે કંઈ આવડે કે નહીં?’ પપ્પાને તીતલીની પરીક્ષા લેવાનું મન થયું.
‘આવડેને. બાટલીમાંથી સોફ્ટ ડ્રિંક બનાવું. કાલા ખટ્ટા, શાહી ગુલાબ...’
‘અમારે તો ચા હોય. તને ન આવડે?’
‘ના, ભૈ, ના. ગેસને તો અડવાનું જ નહીં.’
‘કેમ?’... કેમ?’
‘મમ્મીએ રડતાં રડતાં બે થી ત્રણ વખત સોગંદ ખવડાવ્યા છે: ગેસને તો અડવાનું જ નહીં. બેટા, મારી લાજ તારે હાથ છે.’
‘સોગંદ શું હોય?’
‘તોડીએ તો મમ્મી મરી જાય.’
‘એવું તે કંઈ હોય?’
‘એવું જ હોય!’
‘પપ્પાને ચા પીવી હોય તોય નહીં?’
‘તોય નહીં. જાતે બનાવો.’
‘ચા પાય તો પાંચ ચૉકલેટ તારી.’
‘ચોકલેટનું નામ નહીં દેવાનું. નહીંતર ઝઘડાઝપડી થઈ જશે.’
‘કેમ? કેમ?’
‘બાજુના બ્લોકવાળો પેલો સાઈકલવાળો છોકરી નહીં?’
‘કોણ?’
‘નામ તો મનેય નથી આવડતું. આઠમા-નવમામાં ભણતો હશે. એક વખત સીડી ચડતાં પગથિયાં પર મળ્યો. એણે મને ચૉકલેટ આપી. મેં લઈ લીધી. પાછો બીજે દિવસેય સીડી પર મળ્યો ને ચૉકલૅટ આપી પૂછે, ‘તું ક્યાં સૂઈ જાય છે?’ મેં કહ્યું ‘બેડરૂમમાં.’ ‘ને તારાં પપ્પા-મમ્મી?’ મેં કહ્યું, ‘મારી સાથે.’ ‘તેઓ રાતમાં શું કરે છે?’ મેં કહ્યું, ‘ઊંધી જાય છે.’ ‘એમ નહીં, સાચું બોલ..’ ‘સાચું જ બોલું છું.’ કહી કંટાળેલી હું ઉપર ભાગવા ગઈ તો પગ આડો મૂકી રસ્તો રોકી દીધો ને મારા માથાની રિબન છોડી નાખી. ત્યાં રાધામાસી આવ્યાં, ‘અલ્યા, છોકરીને શું કામ હેરાન કરે છે?’ કહી એને ભગાડ્યોને મને કહે, ‘બોન, છોકરીને બદલે છોકરો થવું હતુંને.’ મેં પૂછ્યું, ‘શું કામ?’ તો કહે, ‘છોકરીઓને લોકો તંગ કરે, ઉપાડીય જાય. છોકરાની જાતને કોઈ ચિંતા નહીં.’ તે હેં પપ્પા, છોકરો બનવા શું કરવું જોઈએ?
‘શું કરવું જોઈએ?’
‘તમે છોકરા છો તે તમને ખબર હશેને? હેં પપ્પા, તમે મમ્મીને ઉઠાવી લાવ્યા છો?’ પરીક્ષા લેવા નીકળેલા પપ્પાની અગ્નિ-પરીક્ષા થતી હતી.
તીતલીના હાથનું શાહી-ગુલાબ પિવાયું. પછી ખેચંખેચ કરી તીતલીએ કટાયેલી ચૈન ઉઘાડી ને કડડડ... થતો કિલ્લાનો દરવાજો ઊઘડ્યો.
દરવાજે જ મમ્મીની ન જડતી કેટલીક સાડીઓના લીરા ઊડતા હતા. જેના માટે ‘વળગણી ઉપરથી જાય ક્યાં?’ કરી પાડોશણો સાથે જંગ ખેલાયો હતો.
‘આ સાડીઓ શું કામ?’
‘કેમ? ઢીંગલી-મમ્મીને પહેરવા ન જોઈએ?’
‘જોઈએ. પણ એ તો જૂની-ફાટેલી પણ ચાલે ને!’
‘શું કામ ચાલે? મારી મમ્મી જૂની સાડી શું કામ પહેરે?’
‘ચાલો ઢીંગલી-મમ્મીનેય નવીનકોર સાડી જોઈએ. મંજૂર... પણ આ ત્રણ-ચાર સાડીઓનો સત્યાનાશ...’
‘મારી મમ્મી એકની એક સાડી શું કામ પહેરે? કેમ, તમારે એને ભિખારણ બનાવવી છે?’
પપ્પાજી માથે હાથ મૂકી રહી ગયા.
‘તો પછી ઢીંગલા-પપ્પાને પેન્ટ-શર્ટ કેમ નહી?’
‘સીવવાં પડેને! એ કોને આવડે? એટલે પપ્પાનો ફોટો ને મમ્મીની સાડી...’
સાડીઓ નીચે સિગારેટ અને માચીસનાં બેશુમાર ખોખાં ને તમાકુની વાસ. હવે પપ્પાને સમજાયું કે લાખ ખુલાસા કરવા છતાં ‘પપ્પા સિગારેટ પીએ જ છે’ની શંકા મમ્મી માટે કેમ શંકા જ રહેતી હતી!
‘આ ખોખાં?’
‘શું... ઊં... ઊં... ઊં... ખોખાં નથી. સૈનિકો છે.’
‘પણ એમને તો એક જ સાડીના લીરા લપેટ્યા છે.’
‘સમજતા કેમ નથી? સૈનિકોને તો યુનિફોર્મ જ હોયને!’
‘તીતું બેટા, ખરેખર આપણ તો હારી ગયા.’
પપ્પાને હરાવવાની તીતલીને મજા આવતી હતી. સળીઓ બતાવતા કહે, ‘આ એમની રાઈફલો...’
‘ને કારતૂસો?’
‘વો અંદર કા મામલા હૈ...’ તીતલી હસી.
‘પણ આ બધું કોના માટે?’
‘બાવાઓ માટે, ગુંડાઓ માટે, ચૉકલૅટવાળાઓ માટે... ઠાંય,. ઠાંય... ઠાંય... ઠાંય... ને ખલ્લાસ’
પપ્પાને પરસેવો વળ્યો. તીતલી પોરસાતી હતી. તે એક ખૂણામાંથી ઈંટ ઊપાડતા બોલી, ‘આ રૂપિયાની બેંક... રૂપિયા જ રૂપિયા...’ તેનો ચહેરો જાણે નગદ રૂપિયાના તેજથી ચમકવા લાગ્યો. પપ્પાએ જોયું દુનિયાભરની રંગબેરંગી પસ્તીનાં બંડલો પર રબરબૅન્ડ ભરાવ્યાં હતાં.
‘પણ આ બધું શું કામ?’
‘પહેલાં મમ્મીને નોકરી છોડાવી દેવાની... પછી તમારી...’
‘પછી?’
‘પછી ચોવીસે કલાક આપણે ઘર-ઘર રમવાનું.’
પપ્પા જોતા જ રહ્યા. તીતલીની તેજોમય આભામાં નાહતા જ રહ્યા.
ત્યાં તીતલીનો મિજાજ બદલાયો. ‘રેડ એલર્ટ... સૈનિક સાવધાન... મમ્મી કી સવારી...’ રૂપિયા સંતાઈ ગયા. ભોયરું ઢંકાયું. સૈનિક એક કતારમાં ચીપોચીપ ગોઠવાઈ ગયા. તોતિંગ દરવાજો ચર્ ર્ ર્ ર્ થતો દેવાઈ ગયોને ખસતો ખસતો કિલ્લો અંધારામાં ખોવાઈ ગયો.
પપ્પા સોફા પર ગોઠવાઈ ગયા. હાથ લાગ્યો તે પાટો પગે વીંટાઈ ગયો. પગ સોફા પર ગોઠવાઈ ગયો.
‘તીતુ તેં બધું બતાવ્યું પણ તારું ભણવાનું...?’
‘તે છ વાગ્યે તમે બંને દુનિયાભરની માખીઓ લઈને આવો છો જને! ને હું ઊંઘું ત્યાં સુધી ‘ભણભણ... ભણભણ...’ કર્યા જ કરો છોને!’
ત્યાં કૉલ-બેલ રણકી.
‘કોણ?’-તીતલી આ બાજુ.
‘હું’-મમ્મી. પેલી બાજુ
‘હું’ નહીં. કોડવર્ડ બતાઈએ.’
‘હં... હીરે કી અંગૂઠી’
‘વો તો સેટરડે કા હૈ. આજ કા-મંડે કા બતાઈએ.’
‘વેજિટેબલ માર્કેટ.’
‘ઓ.કે.’
ને દરવાજો ખૂલ્યો તો અઠવાડિયાનાં શાક-ભાજી. બ્રેડ-બટર, બિસ્કિટ સૌ ઠલવાયાં ને હા સાથે મમ્મી પણ.
પછી પાણી પિવાયું. ચા બની. નાસ્તા ખવાયા. ત્યાં-’જલદી કરો... જલદી કરો.., સાત-ત્રીસની ડૉક્ટરની ઍપોઈમેન્ટ છે!’
‘પણ મમ્મી, પપ્પા તો નાટક કરે છે.’ પપ્પાની દિવસભરની વહાલી બેટી પલવારમાં મમ્મીની થઈ ગઈ.’
‘તે હુંય ક્યાં સાચી ઍપોઈન્ટમેન્ટ લઈને આવી છું!’
તેં કેમ જાણ્યું?’
‘ક્યાં સવારનો પાટો ને ક્યાં અત્યારનો પાટો!’
ખાઈ-પી તીતલી ઊંઘી ગઈ. આજે ‘ભણભણ’ની માખીઓ ઊડી નહીં. મોડી રાત સુધી પપ્પા બોલતા રહ્યા ને મમ્મી સાંભળતી રહી. છેવટે પપ્પાય ઊંધી ગયા.
મમ્મીના મનમાં રાતભર એક વિચાર ઘુમરાતો રહ્યોઃ ‘ક્યારેક તો ટાંટિયો તોડવો જ જોઈએ.’
(‘નવનીત સમર્પણ’, સપ્ટેમ્બર)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી નવલિકાચયન 2000 (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : શરીફા વીજળીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2002
