અજય ઓઝા
Ajay Oza
તમે જુઓ તો... દેખાવ પરથી જ કોઈ પણ માણસને ઓળખી શકાતો હોય છે તેવી માન્યતા ભરેલી સત્યોતેર વર્ષની અનુભવી આંખે મુશ્તાકને જોયા પછી તમને હંમેશાં લાગ્યા કર્યું છે જમનાદાસ, કે આ માણસ નક્કી કોઈ દિવસ આતંકવાદી કૃત્ય કરશે જ! ન કરે તો જ નવાઈ! ને છતાંય તમારા દીકરાના આગ્રહથી તમને ટિફિન પહોંચાડવા તમારે એને રાખવો પડે છે.
તમે જુઓ તો... મુશ્તાક એટલે પડછંદ શરીર, તોછડી ભાષા, કાબરચીતરાં કપડાં, અસ્તવ્યસ્ત દાઢી ને એના પર પરાણે ચીટકાવેલી લાગે તેવી મૂંછ, ખખડધજ સાઇકલ પર ટિફિનો લટકાવીને સતત ફિલ્મી ધૂનો ગણગણતો ટિફિન આપવા આવે ત્યારે તમારો ચહેરો અણગમાથી ઊભરાઈ રહે છે.
બાજુની બજારમાં કાયમ સમયસર ટિફિન સર્વિસ આપતો મનસુખ તમે જુઓ તો... વહાલો લાગે એનું કારણ એ છે કે તે સ્કૂટર પર ટિફિન લાવતો હોવાથી તે ક્યારેય મોડો પડતો નથી. તેની ભાષા તમારા જેવા સદ્ગૃહસ્થને ગમે તેવી સભ્ય છે. ને તમે જુઓ તો... સૌથી વધારે મહત્ત્વની વાત તો એ છે કે એ એકેય બાજુથી આતંકવાદી માણસ તો લાગતો જ નથી.
...ને આ આઈ.એસ.આઈ. ના એજન્ટ લાગતા મુશ્તાકે આપેલું ટિફિન તમે અચકાતા અચકાતા લો છો જમનાદાસ, ને ખચકાતા ખચકાતા ખાઓ છો! તમને સૌથી છેલ્લા આપવા આવે, ને પછી તમારી દુકાનના પાટિયે બેસીને નિરાંતે લંબાવે. તમને એની હાજરી ખૂંચે. ટિફિનનાં ખાનાં સાવચેતીથી તપાસી તપાસીને જુદાં પાડો, પછી પહેલા એક-બે કોળિયા બજારના કોઈ કૂતરાને આપો, પછી થોડી વાર બંધ આંખે પ્રાર્થના કરી ધીમે ધીમે જમવાનું શરૂ કરો. આ ક્રિયાને જોતો મુશ્તાક મૂંછમાં મલકાતો હોય છે.
એકાદ વરસ પહેલાં પૅરેલિસિસના હળવા હુમલામાં તમારું ડાબું અંગ અંશતઃ ખોટું પડી ગયું હતું. એટલે તમારી દરજીની દુકાન હવે તમારું રહેઠાણ બની ગઈ હતી. સિલાઈમશીન એક બાજુ હડસેલાઈ ગયું હતું. તમારો દીકરો સુરેશ તમને મુશ્તાક સાથે એક ટાઇમ ટિફિન પહોંચાડે. તેમાંથી તમે બે ટાઇમ જમી શકતા. ખોટું પડી ગયેલું ડાબું અંગ થોડી થોડી સંવેદનાઓથી સ્વસ્થ થઈ રહ્યું હતું પણ સિલાઈકામનો ધંધો હવે તમને કરવો ફાવે તેવું નહોતું. એટલે બજાર વચ્ચેની દુકાન જ તમારી ઓરડી.
પાછલા એકાદ વરસથી તમે માંદગીને કારણે તમારા દીકરા સુરેશને ત્યાં જઈ શક્યા નથી. ને સુરેશ પણ તમારી ખબર પૂછવા આવી શક્યો નથી. બસ, ટિફિન વ્યવસ્થા કરી આપી એ જ તમારા માટે પૂરતું છે. પહેલાં મુશ્તાકને બદલે બીજા કોઈ ટિફિનવાળાને કહેવાનું સૂચન તમે જણાવેલું પણ સુરેશે કહેવરાવ્યું કે 'આ મારો વિશ્વાસુ માણસ છે, બીજા કોઈને કહેવું હોય તો તેના પૈસા તમારે આપવા પડશે.' આથી તમે વિચાર માંડી વાળેલો. કેમ કે હવે તમે સિલાઈકામ ખાસ કરી શકતા નથી.
તમે જુઓ તો... એક જમાનામાં તમે દરજીકામમાંથી નવરા ન પડો એટલું કામ તમારી પાસે રહેતું. સુરેશને પણ તમે દરજીકામમાં હોશિયાર બનાવવા લગનથી મહેનત કરી હતી. તમને મળતું મોટાભાગનું કામ તમે સુરેશને આપી તેને કમાવામાં મદદ કરતા. સારું કામ જોઈ મુંબઈના મોટામોટા ટેલરો સુરેશને કામની ભારે ઑફરો કરતા, પણ સુરેશ ના કહેતો. સિલાઈમાં જરૂરી એવી નાનામાં નાની સૂઝ તમારામાં હતી.
પણ જમનાદાસ, વખત જતાં 'સ્ક્વેરા ટેઇલર'નું બોર્ડ ઝાંખું પડતું ગયું. લેટેસ્ટ ફર્નિચર, માર્વેલસ ફલોરિંગ અને એરકન્ડિશન્ડ રિસેપ્શન હૉલવાળી શોપનો જમાનો આવી ગયો. પ્રીવેરા, સેવન આર્ટ, કેલિબર, રીવેક્સ અને કેપ્રી ટેલરોએ તમારા કામને જાણે 'રોબોટપંચ' માર્યો! સુરેશ પણ કામ વિનાનો થઈ ગયો.
લોકોની વ્યાખ્યાઓ બદલાઈ. તમે જુઓ તો... જે કામમાં થોડી સૂઝ, થોડી મહેનત, ઝીણી નજર, કફબટન, અસ્તર, કાતર, કૅનવાસ, એક-બે સોય અને આઠ રૂપિયા એંશી પૈસાના દોરા સિવાય કોઈ નોંધપાત્ર ખર્ચ થતો ન હોય તેવા કામની લોકો બબ્બે હજાર સિલાઈ આપવાની જાહેરાત હોંશે હોંશે કરતા હોય છે. પરિણામે હવે તમારા ભાગે નાનુંમોટું રિપેરિંગકામ કરવાનું જ આવ્યું જમનાદાસ, ને તમે એ પણ સહર્ષ સ્વીકારી લીધું હતું. એરકન્ડિશન્ડ શોપમાં બેસતાં સોળના ભાવના કારીગરોએ કરેલી ભૂલો સુધારવાનું કામ તમને મળતું. એય પ્રેમથી કરતા. પણ આ બીમારીએ તમારા એ હુન્નરને પણ હણી નાંખ્યું. હવે રહી માત્ર ને માત્ર એ વખતની બધી નીરસ વાતો. ને એ બધી વાતોને કાયમ સાંભળીને હસી કાઢતો મુશ્તાક ટિફિનવાળો!
એ કોઈ મજાકમાં જ તમને પૂછી નાંખે, ‘દાદુ, આ શહેરના ટેલરો પોતાની દુકાનનાં નામ આવા અંગ્રેજી કેમ રાખતા હશે? હજી આ શહેરમાં 'બાપા સીતારામ ટેલર' કેમ થયું નથી?'
તમે જુઓ તો... વાત એની મુદ્દાની કહેવાય. પણ તમે જેટલું જાણતાં હો એથી વિશેષ શું સમજાવી શકો? એટલે તમે સીધોસાદો પ્રત્યુત્તર આપતા, અંગ્રેજોના વખતમાં મુંબઈમાં 'સ્ક્વેરા ટેલર' નામની બહુ વિશાળ શોપ હતી. મુંબઈમાં આ દુકાનનું નામ રોશન હતું. મારા બાપ-દાદા ત્યાં કામ કરીને બે પાંદડે થઈ અહીં આવ્યા હતા. એટલે મેં તો એ જ નામ રાખ્યું. બીજાની મને ખબર નથી. પણ તું કહે છે એ પણ મને સાચું લાગે છે. એટલે સુરેશ દુકાન સંભાળી લે તો નવું નામ 'બાપા સીતારામ ટેલર' પણ નક્કી!
તમારો જવાબ સાંભળી મુશ્તાક ખડખડાટ હસી પડતો, 'તમારી આવી સડી ગયેલી ને ધંધાના પાટેથી ખડી ગયેલી દુકાનમાં તમારો સુરેશ પગ પણ મૂકે નહીં! હા, વેચવી હોય તો કહો, હં.... હં..., ના, ના, મારે વેચાતી શું કામ લેવી?' પછી દુકાન બહાર નજર કરતાં કહે, 'બુઢ્ઢા આધા તો મર ચુકા હે, પૂરા મર જાનેમેં દેર કિતની? ફિર તો સબકુછ મેરા હી હૈ!' એના અટ્ટહાસ્યમાં જમનાદાસ, તમારું સાજુંસમું જમણું અંગ અને ખોટું પડેલું ડાબું અંગ બંને ધ્રૂજી ઊઠયાં!
આ આતંકવાદી સાચે જ તમારો જાન લઈને જ જશે એમ તમને થયું. અવારનવાર એ આવી ગેબી વાતો કરે, 'હું તો કટ્ટરપંથી કહેવાઉં, દરિયાપારના મુલ્ક સુધી મારી ઓળખાણ. મારી હડફેટે બહુ ચડે એને માટે તો હું સ્યુસાઇડ બૉમ્બર છું, સ્યુસાઇડ બૉમ્બર,... એટલે શું ખબર છે ને?... જીવતો ગ્રેનેડ... શું?'
મુશ્તાકની ગેરહાજરીમાં તમે જુઓ તો આજુબાજુના ચોવટિયા માણસો કેટલીક વાર તમારી દુકાનના પાટિયે બેસીને તમને ચેતવણીઓ આપ્યા કરે;
'ગામમાં કેટલાય માણસો ટિફિન સર્વિસ આપે છે દાદા, ને તમને કોઈ નહીં ને આ મુશ્તાક જ હાથમાં આવ્યો?'
'આ તો માળો ચુસ્ત પાકિસ્તાની છે, પાકિસ્તાની!'
'કહે છે કે આ હમણાં હમણાં મુંબઈમાં જે બૉમ્બધડાકા થયા એમાં આવા કોઈ ટિફિનસર્વિસવાળાનો જ કારસો હતો.'
'અરે, આજ સુધીમાં જેટલા બૉમ્બકાંડ થયા છે એમાંના મોટાભાગના બૉમ્બ ટિફિનમાં સંતાડીને ફોડવામાં આવ્યા છે!'
'ટિફિનબૉમ્બ એ આવા આતંકવાદીઓનું સૌથી સફળ અને સૌથી સરળ હથિયાર છે! મુંબઈમાં તો લોકો હવે ટિફિન જોઈને જ ગભરાય છે. કોને ખબર કયા ટિફિનમાં મોતનો સામાન હોય!'
'આ મુશ્તાકીયો કોઈક દિવસ ધડાકો ના કરે તો મને કહેજો. એના મોઢા ઉપરથી જ દેખાય છે કે આ પાકિસ્તાની એના લખણ ઝળકાવ્યા વિના નહીં રહે.'
નવી બજારમાં ટિફિનસર્વિસ આપતો મનસુખ પણ ઘણી વાર કહેતો, 'દાદા, આ મુશ્તાકની ઉપર આંધળો વિશ્વાસ કરતા નહીં. મારે એની સાથે લડાઈ કરીને આ બજારમાં પૈસા રળવા નથી આવવું, પણ ધીમે ધીમે એનો પગ તમારી બજારમાંથી કાઢવાના ઉપાય કરજો. નહીંતર પસ્તાવાનો વારો આવશે ત્યારે ખોળિયામાં જીવ નહીં હોય!'
- કોઈનીય વાત ખોટી હોય તો તમે ના કહી શકો, પણ જમનાદાસ, તમે જુઓ તો... લોકોની વાત બિલકુલ સાચી છે. મુશ્તાકને હટાવવા તમે કોશિશ ન કરી હોય એવુંય નથી. તમે બધા પ્રયત્નો કરી જોયા. મુશ્તાક સાથે સીધી ટક્કર લેવા મનસુખ રાજી નહોતો. મુશ્તાકને મોઢે પણ અનેક વાર તમે વાત નાખેલી, પણ એ છંછેડાઈને સંભળાવી દેતો, 'મારા એરિયામાં હું બીજા કોઈને આવવા દઉં? સીધો જ ઉડાવી દઉં કે નહીં? આ મારી બોર્ડર છે, બૉર્ડર. કોઈ આવી તો જુએ!' જાણે આંતરરાષ્ટ્રીય બૉર્ડર હોય એવા ભારથી એ બોલતો, એટલે જ મનસુખ પણ કહેતો, 'દાદા, તમે કહો તો વાઘા બૉર્ડર પણ પાર કરી જાઉં, પણ આ મુશ્તાક સાથે બાથ ભીડવામાં મારું કામ નહીં.'
હારીથાકીને તમારે મુશ્તાક સાથે નિભાવ્યે જ છૂટકો છે એ વાત તમે બરાબર સમજી ગયા, જમનાદાસ! પણ તમે જુઓ તો... જેનું કોઈ ન સાંભળે એનું ભગવાન સાંભળે એ ન્યાયે એક દિવસ અણધારી ઘટના બની ગઈ. ફિલ્મી ધૂન ગણગણતો સાઇકલ પર પોતાની મસ્તીમાં આવી રહેલા મુશ્તાક પર એ દિવસે ધનજીનો ખટારો ફરી વળ્યો! તમારી સગી આંખ સામે થયેલા આ અકસ્માતથી તમે હતપ્રભ થઈ ગયા. બેવડ-ચોવડ થઈ ગયેલા મુશ્તાકના મૃતદેહ સાથે સાઇકલ અને ટિફિનનો પણ ખુરદો બોલી ગયેલો.
પણ ગણતરીની સેકન્ડોમાં તમે જુઓ તો... જમનાદાસ તમારા ચહેરા ઉપર ગજબની સ્વસ્થતા આવી ગઈ. તમને સમજાયું કે જે કંઈ થયું તે અરેરાટીભર્યું તો હતું જ, પણ કેટલીય બળતરાઓનું ઔષધ પણ હતું જ. કાયમ ડરી ડરીને ટિફિન જમવાનું, રખે ને કોઈ ટિફિનમાં એણે બૉમ્બ રાખી દીધો હોય તો? એની વાતો પણ એવી હતી, આતંકવાદી જેવી. અને એનો દેખાવ પણ આતંકવાદી જેવો, ધનજીના ખટારાએ કાળચક્ર નહીં, પણ દેશદ્રોહીના નિકંદન માટેના સત્કાર્યનું સુદર્શનચક્ર ફેરવી આપ્યું હોય એવી રાહત તમારા મનમાં થઈ, જમનાદાસ.
એટલે તો પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં તમે બીજાની જેમ કંઈ ન જાણતા હોવાનો ડોળ સહેલાઈથી કરી નાખ્યો. ટાઢે પાણીએ ઉપાધિ જતી હોય પછી કોણ આવી જફામાં પડે?
એ દિવસે ટિફિન વગર પણ તમારું પેટ ધરાઈ ગયું. બીજે દિવસે તમે મનસુખને બોલાવ્યો, 'લે ભાઈ, તું તારે હવે જેટલી બૉર્ડર પાર કરવી હોય એ બધી કરી નાંખ. કોઈ તને રોકવાવાળું નથી. ને હા, આ લે સુરેશનું સરનામું. કાલથી મારું ટિફિન તારે જ લાવવાનું છે.'
મનસુખે પણ જવાબ આપ્યો, ‘ત્રાસવાદીનું નામોનિશાન મટી ગયું હોય પછી આપણે કઈ બૉર્ડરની વળી ચિંતા? કાલથી તમને જમાડવાની જવાબદારી મારી.'
જમનાદાસ, તમે જુઓ તો... જમનાદાસ, તમને મનમાં ઊંડે ઊંડે કંઈક બેચેની શાની અનુભવાતી જણાય છે? તમારા ચહેરા પર શી બાબતનો ડર છવાયેલો દેખાય છે? ક્યો ખોફ તમને આતંકિત કરે છે? કઈ વાત તમારા ચૈતનશૂન્ય અંગોને પણ ધ્રુજાવી રહી છે? તમે હજીય મુશ્તાકથી ભયભીત છો! તમે શું એમ સમજો છો કે મુશ્તાક તમને સાવ આમ સસ્તામાં છોડી દેશે? યાદ છે એ તમને ઘણી વાર કહેતો, 'ગામને મારી આડીઅવળી વાતું કરીને મને આતંકવાદી ગણાવો છો, તો યાદ રાખજો, હું તો મરીશ ને તમનેય ઉડાવતો જાઈશ!'
તમે જુઓ તો... તમને ધનજીનો કાળમુખો ખટારો તમારા પેટ ઉપર ફરી વળતો દેખાયો હોય એવું લાગ્યું! મનમાં વિચાર્યું જમનાદાસ, 'માળો આ મુશ્તાક સાચે જ સ્યુસાઈડ બૉમ્બર નીકળશે તો? એ તો મરતો જાય ને મારતોયે જાય! જીવતો ગ્રેનેડ..., પાક્કો આતંકવાદી સાલો!'
- ને એવું જ થયું :
...બીજે દિવસે મારતે સ્કૂટરે તમારું ટિફિન લીધા વગર મનસુખ આવ્યો જમનાદાસ, ને મુશ્તાકે ધરબી રાખેલો ટિફિનબૉમ્બ એણે પહેલે જ દિવસે ફોડ્યો, 'અરે દાદા, તમારા આપેલા સરનામે તો સુરેશ નામનું કોઈ માણસ જ નથી રહેતું. પાડોશીઓએ કહ્યું કે સુરેશ તો એક વરસથી પોતાના કુટુંબ સાથે મુંબઈ રહેવા ચાલ્યો ગયો છે!.. લ્યો હવે ભૂખે મરો.'
સ્રોત
- પુસ્તક : ગુજરાતી નવલિકાચયન : ૨૦૦૮ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : અજિત ઠાકોર
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2011
