ધર્મેન્દ્ર ત્રિવેદી
Dharmendra Trivedi
ગાઢ ઊંઘમાં તેને એમ લાગ્યું કે કોઈ બૂમો પાડીને બોલાવી રહ્યું છે. પણ આવું તો કાયમ જ થાય છે ને? ક્યારેક મુશ્કેલીમાં પડેલા અંતરંગ મિત્રોના પોકાર, તો ક્યારેક એકદંડિયા મહેલમાં કેદ થયેલી રાજકુમારીના આર્તનાદ, તો ક્યારેક કોઈ મુગ્ધાના ઈશારા. ઘેરી ઊંઘના અંધકાર વચ્ચેથી ગળાઈ ગળાઈને આવી રહેલા આજના અવાજો કાંઈક જાણીતા હોય એવું લાગ્યું. તેણે આ અવાજોને અવગણ્યા અને અગાશીની પાળી તરફ પડખું ફરીને વધારાના ઓશિકાને કાન પર દબાવી દીધું, અવાજો ધીમે ધીમે ઓછા થતા ગયા અને ઊંઘ ફરીથી તેને ઘેરી વળી.
અગિયારમા ધોરણની પરીક્ષા હમણાં જ તો પતી હતી, અને બારમા ધોરણનો અભ્યાસ શરૂ થાય એ પહેલાનું વેકેશન તેને શિયાળાના ઘઉંથી છવાયેલા લીલાછમ્મ ખેતર જેવું લાગતું હતું. માબાપના ‘ભણવામાં ધ્યાન આપ ડફોળ’ના મહેણાં-ટોણાંને અવગણીને, છપ્પનિયા દુકાળમાં ભૂખે મરેલો માણસ, સત્તાવનની સાલમાં જે રીતે ભોજન પર તૂટી પડે એ જ રીતે તે લાઈબ્રેરીના પુસ્તકો પર તૂટી પડેલો!
રાત્રે જમ્યા બાદ થોડીવાર મા સાથે ગામગપાટા મારીને એ ગોદડામાં બે ઓશીકા અને એક ચાદરનો વીંટો બનાવતો અને અગાશીમાં ઘા કરીને નાખી દેતો. વર્ષો પૂર્વે ખરીદેલા સસ્તા ભાવના એકમાળીયાની બહારની દીવાલોનું પ્લાસ્ટર વરસાદમાં લાગેલી લીલ અને ક્ષારની ભાત, ઘરની અંદર-બહારની સ્થિતિની ચાડી ખાતા હતાં. અગાસી પર સુધરાઈના થાંભલા તરફ માથું રહે એ રીતે ગોદડું પાથરીને તે પાળી પર પગ ચડાવીને રાત્રે ત્રણ ચાર વાગ્યા સુધી વાંચ્યા કરતો. સવારે તડકો ફેલાતો જાય એમ એમ એનું ગોદડું અને પોતે પાળીના છાંયડામાં સરક્યા કરતાં અને અંતે પરસેવે રેબઝેબ થઈ જાય ત્યારે નીચે આવીને ફરી સૂઈ જતો.
આજે હજુ તો આછો આછો પ્રકાશ જ નીકળેલો, ઊંઘ તેની ચરમ અવસ્થામાં હતી, અને આ અવાજો કૂદી આવ્યા. ઓશીકું કાન પર દબાવીને તે ફરીથી મખમલી ઊંઘમાં સરી પડ્યો. એની આસપાસ ટક ટક ટક અવાજો આવવા લાગ્યા. ઊંઘ થોડી બગડી અને એટલામાં જ એક નાનો પથ્થર એના માથામાં વાગ્યો. ગુસ્સામાં એ બેઠો થઈ ગયો. પાળી પરથી ઘરના ફળિયામાં જોયું તો મા એક પથ્થરો નાખવાની તૈયારીમાં હતી. એનું ઊંઘરેટું મોઢું જોઈને મા બોલી,
“જલદી હેઠે આવતો રે, મેં ચા મેલી દીધી છે. તારે વડીયા જાવાનું છે.”
એ બોલ્યો ‘અટાણમાં ?’
માએ જવાબ આપ્યો “હા, જલદી કર તો આઠની બસમાં બેહી જવાશે.”
કમને એણે ચાદર અને ઓશિકાને ગોદડામાં વીંટીને ફળિયામાં ઘા કર્યો અને છજ્જા પરથી દીવાલ પર કૂદીને નીચે આવ્યો. પથારીને લોખંડના પલંગની નીચે ઘુસાડીને ચોકડીમાં બ્રશ કર્યું અને મોં ધોયું. બાથરૂમ જેટલા રસોડામાં બેસીને ચા પીતા વખતે માએ કહ્યું,
‘ચમન, તારા બાપુજીના બાળપણના ભાઈબન વનરાવનભાઈ ફોરેનથી આવ્યા છે ને પરમ દિવસે આપણા ઘરે આવવાના છે. કાગળમાં લખ્યું છે કે મગનાને કેજો ઘેર હાજર રે. ન્યા ફોન તો છે નહીં કે ફોન કરી દઈએ. તું જ આઠની લોકલમાં વ્યો જા, સમાચાર આપીને બપોરે તારા બાપુજી હારે ખાઈ લેજે. ઈ ભેળા આવે તો ઠીક, નકર સમાચાર આપીને વળતી બસમાં પાછો વ્યો આવજે.’
તેણે વનરાવન કાકાની ભાઈબંધીના અનેક કિસ્સા બાપુજીના મોઢે સાંભળેલા. એને જૂનાગઢની ઢાળવાળી શેરીઓમાં પોતાના બાપા અને વનરાવનકાકા ખભે દફતર લઈને નિહાળે જાતા હોય, વિલીન્ગડન ડેમમાં નાગડાપૂગડા ધુબાકા દેતા હોય એવાં દૃશ્યો દેખાવા લાગ્યાં. એને યાદ આવ્યું કે આ વનરાવનકાકો પેરિસમાં ચિત્રકાર છે. એના દિલોદિમાગ પર છવાયેલી ઊંઘના અંધારામાં એક ચમકારો થયો,
‘આ કાકો મારા સાટું કાંઇ લાવ્યો હોય એવું પણ બને ને?”
બુઢ્ઢીના બાલ મોઢામાં જતાં જ જેમ ઓગળી જાય, એમ તેની ઊંઘ ઓગળી ગઈ. ફટાફટ હાથમોઢું ધોઈને કપડાં બદલીને એ તૈયાર થઈ ગયો. માએ વનરાવનકાકાનો પત્ર આપ્યો અને સાથે સાથે દસની નોટ આપીને કહ્યું,
‘જાવાની ટિકિટના ચાર, અને આવવાના ચાર, તોય બે વધશે, અને કારણ વના વાપરી નો ખાતો. તારા બાપુજી ભેળો ખાઈ લેજે. અને સાંજ થાય ઈ મોર પાછો આવી જાજે...’
એણે પત્ર બેલબૉટમના આગળના ખિસ્સામાં નાખ્યો અને દસની નોટ ઉપરના ખિસ્સામાં સાચવીને મૂકી. ઘરથી નીકળીને બાજુના ઘરમાં પાણી ભરી રહેલી રૂપાળી રાધા પર નજરોનું ત્રાટક કર્યું, પરંતુ એ તો બેડાગાગર ભરીને નીચું ઘાલી પોતાના ઘરમાં જતી રહી. ઊંડો નિ:સાસો નાખીને દર્દભરી ગઝલ ગણગણતો તે બસ સ્ટેન્ડ તરફ ચાલ્યો. ગલીમાંથી નીકળીને બસ સ્ટેન્ડ સુધીના રસ્તા પર આવેલી ગાંઠિયાવાળાની દુકાન પાસેથી પસાર થતાં તેને જીભ પર ગાંઠિયા સાથે સંભાર અને લીલા મરચાંનો સ્વાદ અનુભવાયો. તેને લાલચ થઈ આવી, પણ માત્ર બે રૂપિયાનો માર્જિન તેના પગને બસ સ્ટેન્ડ તરફ ઢસડી ગયો.
બસ સ્ટેન્ડ પરના રિફ્રેશમેન્ટ સ્ટોલ પરથી નજર ફેરવી લઈને તે ઈન્કવાયરીની બારીએ ગળામાં રૂમાલ ભરાવી, ટેબલ પર પગ ચડાવીને બેઠેલા કન્ટ્રોલરને જોઈ રહ્યો. નીચે ઝૂકીને ઘોંઘાટ વચ્ચે સંભળાય એટલા ઊંચા અવાજે પૂછ્યું,
‘વડીયાની લોકલ કેટલા વાગે છે? કયા પ્લેટફોર્મ ઉપર આવશે?’
તેની સામે જોયા વગર જ કન્ટ્રોલર બેફિકરાઈથી માંડ સંભળાય એવા અવાજે બોલ્યો,
‘આઠ વાઈગે તઈણ નંમર ઉપર આવશે.’
એ ત્રણ નંબરના પ્લેટફોર્મ પર જઈને ઊભો રહ્યો. ટોળાંના ગણગણાટમાં તેના વિચારો ડૂબવા લાગ્યા. ગામડિયાઓનાં મેલાઘાણ કપડામાંથી ફેલાઈ રહેલી પરસેવાની ગંધ તેને ઘેરી વળી. આ ગંધની સાથે સાથે આવતી અણગમાની લાગણીએ તેને ખિન્ન કરી દીધો. તેને થયું કે ઘરેથી એકાદુ પુસ્તક સાથે લીધું હોત તો બસમાં પ્રવાસ સહ્ય બની જાત. તેણે આજુબાજુ ધ્યાન કેન્દ્રિત કર્યું. બાંકડે બેઠેલા લેંઘા ઝભ્ભાવાળા એક યુવાન અને પોપટી સાડી પહેરેલી યુવતીની વચ્ચે બેસીને પાર્લે-જી ઝાપટી રહેલા શેડાળા બાળકને જોઈને તેના પેટમાં ગુડગુડિયા બોલવા લાગ્યાં. તેને યાદ આવ્યું કે બસની લ્હાયમાં પોતે નાસ્તો કરવાનું પણ ભૂલી ગયેલો. એ બાળકે જ્યારે પોતાનું બિસ્કીટનું પેકેટ માની સાડીમાં છુપાવ્યું ત્યારે તેને ભાન થયેલું કે પોતે અકરાંતિયાની માફક બિસ્કીટને બાળકના મોંમાં જતું, ચવાતું અને ગળા નીચે ઉતારાતું જોઈ રહેલો.
સંકોચ સાથે તેણે નજર ફેરવી લીધી. પગવાળીને બેઠેલા પાઘડીયાળા ભાભલાઓના માથે ઘૂમરાતા બીડીના ગોટા, ખેતરના બોરમાં ડૂબી ગયેલી મોટરનો ખરખરો, પોતાને જોઈ રહેલા યુવાનોની વાત કરતી ગામડાંની ગોરીઓ વચ્ચે એ એકલો પડી ગયો હતો. એકાએક ડેપોના પાર્કિંગમાંથી એક બસ રોકેટની જેમ નિકળી અને રિવર્સમાં ત્રણ નંબર પર લાગી. પેસેન્જરો ઊભા થઈને દોડ્યા. તેણે બસની પાછળની બારીમાં લાગેલા પાટિયા પર નજર નાખી, વડીયા વંચાયુ અને તેને ફાળ પડી અને ઊભા ઊભા જવું ન પડે તે માટે એણે પણ બસના દરવાજા તરફ આંધળી દોટ મૂકી. લાલ-પોપટી સાડલા, મેલાઘેલાં લેંઘા-ઝભ્ભા, ચોઈણીઓ અને શેડાળાં છોકરાઓની પ્રસરી રહેલી વાસના દરિયામાં જાણે તરતો હોય એમ તે માંડમાંડ બસમાં પ્રવેશ્યો. નજીકમાં નજીક જ્યાં જગ્યા મળી ત્યાં બેસી પડ્યો.
બસ હકડેઠઠ ભરાઈ ગઈ એટલે ઉપડી. નાનું બસ સ્ટેન્ડ અને ગામનું હનુમાનપરુ ગયું એટલે બારીમાંથી આવતા પવને સૌને રાહત આપી. ખીચોખીચ ઉભેલા મુસાફરો વચ્ચેથી ચમત્કારિક રીતે જગ્યા કરીને બસના છેવાડે પહોંચેલા કન્ડક્ટરના પંચનું પ્રશ્નાર્થ ટકટક ટકટક અને જવાબમાં મુસાફરોનું બે ઉજળા, અઢી કુકાવાય નજીક’ને નજીક આવતું ગયું. કંડક્ટર એની પાસે આવ્યો અને એના મોં સામે ટકટક કરીને આંખોથી પ્રશ્ન પૂછ્યો. તેણે વટથી ખિસ્સામાંથી દસની કાઢીને કંડક્ટરની આંખમાં આંખ નાખીને કહ્યું “એક વડીયા”. સમજાય નહીં એ રીતે કાણા પાડેલી બે ટિકિટ આપી અને કંડક્ટરે તેને ચાર રૂપિયા પાછા આપ્યા. એ ઘડીક ટિકિટ સામે અને ઘડીક બે-બેની બે નોટો સામે જોઈ રહ્યો. પછી કંડક્ટરની બાંય ખેંચી અને પોતાની હથેળીના ચાર રૂપિયા દેખાડીને કહ્યું,
‘બાકીના બે ક્યાં?’
‘દસની નોટમાંથી છની ટિકિટ, બાકીના સ્યાર તો દીધા.’
એણે કંડક્ટરને કહ્યું ‘ટિકિટના વધી ગ્યા કે શું? અમરેલીથી વડીયાની લોકલમાં કાયમ ચાર જ થાય છે.’
કંડક્ટરે બસના પાટિયા સામે હાથ કરીને કહ્યું ‘જોઈને બેહતા હો તો, આ ડોહી લોકલ નથી, એસ્પ્રેસ છે. લાલ પાટિયું નો જોયું?’
એના તો જાણે બારે વાણ ડૂબી ગયાં. માના શબ્દો એના મનમાં ઘુમરાવા માંડ્યા જાવાની ટિકિટના ચાર, અને આવવાના ચાર, તોય બે વધશે. એની અંદર ‘બે વધશે, બે વધશે, બે વધશે...’ એવા પડઘા પડવા લાગ્યા, પરસેવાનો એક રેલો એના ભવાં ઉપરથી ઉતરીને એની આંખમાં ગયો, એની બળતરાએ એ પાછો ભાનમાં આવ્યો. પહેલાં તો એને મા પર ખૂબ દાઝ ચડી કે બાપાનો આટલો પગાર છે, ઘરના ભાડા નથી ભરવાનાં, તો શું કરવા આમ ગણી ગણીને પૈસા આપતી હશે? પણ એક વિચાર એના મનમાં ઝબુક્યો અને એ હળવો થઈ ગયો.
એણે જાતને જ કહ્યું “બાપા બેઠા છે ને... જમવાનું તો બાપા ભેગું છે, અને હવે પાટીયુ જોઈને બેહીશ, લોકલમાં વળતાની ટિકિટ ચારની જ થાશે. મેં’ય ખાલી ખાલી ટેન્શન વધાર્યું” અને એના મોં પર એક હળવાશ ભર્યું સ્મિત ફરી વળ્યું.
**
લગભગ દસેક વાગે એ બસમાંથી ઉતર્યો. વડીયા આમ તો તાલુકા પ્લેસ કહેવાય, પણ હતું મોટા કદનુ ગામડું. ગામની આરપાર નિકળતા એક માત્ર રસ્તા સિવાય વિકાસની પ્રતિક્ષામાં રહેલું આ મોટું ગામડું વેસ્ટર્ન થ્રિલર ફિલ્મોમાં જોવા મળતા ભેંકાર ગામો જેવું જ ઉજ્જડ. ખાલી કહેવા પૂરતાં બસ સ્ટેન્ડની બન્ને તરફ મુખ્ય બજારનો આભાસ કરાવતી ગણીગાંઠી દુકાનોની હરોળ હતી. એકાદ પાનબીડીની, એકાદી ચાની લારી અને ટ્રાવેલ્સની બુકિંગ ઓફિસને બાદ કરતાં બાકીની દુકાનો સસ્તા ભોજનાલય, ગાંઠિયા જલેબી અને ચેવડા-ચવાણાના સ્ટોલ જ હતાં. તળાઈ રહેલા વણેલા ગાંઠિયાની સુગંધે બાપાની ઓરડી તરફ આગળ વધી રહેલા તેના પગમાં ઝડપ આવી ગઈ. થોડે દૂર ગલી વળતાં જ ત્રીજા નંબરની ઓરડી બાપાની છે અને ત્યાં રોટલી કે પરોઠા શાક તો મળી જ રહેવાનું છે, આ વિચારે તેને પેટમાં થોડું સારું લાગ્યું.
ગલીના નાકેથી જ એની નજર ત્રીજો દરવાજો ખુલ્લો છે કે નહિ તે પામવા મથમણ કરી રહી. એક દરવાજો, બીજો દરવાજો અને લ્યો આ ત્રીજો આવી ગયો. વરસાદ અને તડકો ખાઈને રંગ ગુમાવી બેઠેલા બરછટ લાકડાના બેય કમાડ ચસોચસ બિડાયેલા હતાં. કમાડના ઉપરના ભાગે બારસાખની કડીમાં લોખંડની સાંકળ ચડાવેલી હતી અને ત્યાં તાળુ લટકતું હતું. એનો જીવ અદ્ધર થઈ ગયો, તેણે બે દરવાજા વચ્ચેની તિરાડમાં નજર નાખીને અંદર જોયું. અંદર એક ખૂણામાં પથારીનો વીંટો પડેલો દેખાયો, બાજુમાં પુસ્તકોના ખડકલા પડ્યા હતા અને રૂમમાં આવેલી ચોકડીમાં એઠાં વાસણો દેખાયા. તેણે થોડી વાર ઊભા રહીને આસપાસ જોયા કર્યું, પરંતુ શું કરવું તેની કંઈ સમજ ન પડી એટલે તેણે બાજુની ઓરડીના ઉઘાડા બારણે ટકોરા માર્યા. એક આધેડ સ્ત્રીએ દરવાજા પાછળથી ડોકિયું કર્યું. તેણે હિંમત કરીને પૂછી જ લીધું કે,
‘બાજુમાં રે છે ઈ મગનભાઈએ ઘરની ચાવી દીધી છે?’
પેલી સ્ત્રીએ નકારમાં માથું ધુણાવ્યું અને કહ્યું “ઈ તો હવારની ગાડીમાં હેડોપીસે ગ્યા. કયે આવે ઈ નક્કી નથી” હવે એને ફાળ પડી. બાપા છે નહીં, ખાવાનું મળશે નહિ. આધૂરામાં પૂરું વધના જે બે રૂપિયા હતા એ તો કાળમુખી એક્સપ્રેસ બસ ખાઈ ગઈ. બચ્યા છે ખાલી રીટર્ન જાવાના લોકલના ભાડા જેટલા ચાર રૂપિયા. એને યાદ આવ્યું કે બાપા કહેતા કે “ક્યારેક ક્યારેક અહીં આવી ને રે’તો હોય ને, તો કોક ઓળખે, અને કોક દી કામ આવે.” તેને આજે ઘણો અફસોસ થયો કે બાપા ભેગો ક્યારેક અહીં રે’વા આવ્યો હોત તો આ ભેંકાર ગામમાં કોઈકને તો ઓળખતો હોત. પણ શું થાય? એણે ફરી એ દરવાજો ખખડાવ્યો અને પાણી માંગ્યું.
પાણીનો અરધો લોટો પહેલાં તો એ એક સાથે ગટગટાવી ગયો, અને વધેલું પાણી એ ઈરાદાપૂર્વક ધીમી ગતિએ પીવા લાગ્યો. એને મનમાં આશા હતી કે કદાચ એ બહેનને મનમાં રામ જાગે, થોડા પ્રશ્નો પૂછે અને પોતાની આવી સ્થિતિ જાણીને જમાડી દે... કાઠિયાવાડમાં અજાણ્યો’ય ભૂખ્યો ન જાય. પણ આજે એના કરમ ફૂટલા હતાં કે ભગવાન જાણે કેમ, પણ એનો લોટો ખાલી થયો તો એ બહેન બોલ્યાં ‘બીજું આપું?’ કચવાતા મને એણે ના પાડી. લોટો ભરીને પેટમાં ગયેલા ગોળાના ઠંડા પાણીને કારણે તેની ભૂખ શમી ગયેલી. એને થયું ચાલો બસ મળે ત્યાં સુધી ટાઈમ નીકળી જશે. એ ધીમે પગલે બસ સ્ટેન્ડ તરફ ઉપડ્યો. બસ સ્ટેન્ડ વાળી શેરી સાવ સુમસામ હતી. આજુબાજુના ગામડે ફરતી જીપ પણ લીમડાને છાંયડે પડી હતી. ચાના સ્ટોલની બાજુમાં આવેલા બસ સ્ટેન્ડના બાંકડે એ બેઠો.
થોડી વાર બાદ એણે ચા વાળાને પૂછ્યું “અમરેલીની બસ કેટલા વાગે આવે?’
ચા વાળાએ ઘડિયાળમાં જોઈને કહ્યું,
‘જોવોને અટાણે થયા સાડા દસ, અગિયારને વીસે, પછી સાડાબારે, તઈણ અને છેલ્લે રાતે નવ વાઈગે છે,’
એણે તરત પૂછ્યું : આ બધી લોકલ જ હઈશેને ?
ચા વાળો થોડી વાર એની સામે જોઈ રહ્યો અને બોલ્યો, “ના ભઈલુ, છેલ્લી નવ વાળી એક જ લોકલ હો...” આટલું કહીને એ ભડભડિયા પ્રાયમસને પંપ મારવા લાગ્યો.
હવે એ ખરેખર ઘાંઘો થયો, આવી તો કલ્પના પણ ક્યાંથી હોય? ખિસ્સામાં હતા કુલ ચાર રૂપિયા અને ઘરે જનારી તમામ બસોમાં એક્સ્પ્રેસના ભાડાં લાગે એટલે ઓછામાં ઓછા છ તો થાય જ. બાપાની ગેરહાજરીમાં કે’વું પણ કોને? એકાએક એને યાદ આવ્યું કે બાપાના એક મિત્ર વડીયાની પી.ટી.સી. કોલેજમાં નોકરી કરતા હતા. બાપા કહેતા એ બધું યાદ આવ્યું કે એ એમના બહુ જ સારા ફ્રેન્ડ છે વગેરે વગેરે. ચા વાળાને પી.ટી.સી. કોલેજનો રસ્તો પૂછ્યો. આખા દિવસમાં પહેલા સારા સમાચાર એ હતા કે બસ સ્ટેન્ડ વાળી શેરી પતે ત્યાં સામે જે લોખંડનો ઝાંપો દેખાતો હતો એ કોલેજનો જ દરવાજો હતો. ઉત્સાહમાંને ઉત્સાહમાં તે લાંબા ડગલે કોલેજ તરફ ઉપડ્યો. થોડાં ડગલાં બાદ એની ચાલ ધીમી પડી ગઈ. એ એક વૃક્ષના છાંયે ઊભો રહી ગયો.
મા અને બાપા સિવાય કોઈ દિવસ કોઈ પાસે હાથ લાંબો કર્યો નહોતો, નાનો હતો ત્યારે શાળામાં દસ પૈસા ઉછીના લેવા બદલ પડેલો માર તેને યાદ આવી ગયો.
‘આવા ટાણે તો લેવાય, એમાં મા કાંઇ નો ખીજાય,’ એણે મનને સમજાવવા પ્રયાસ કર્યો. ફરી એને માના શબ્દો યાદ આવ્યા,
‘ભૂખે મરી જાજે, પણ કોઈ સામે હાથ લાંબો નો કરતો કોઈ ’દિ.’
આજે એની સામે એ જ સ્થિતિ હતી. રાતની લોકલ સુધી ભૂખ્યો બેસી રહેવું, અથવા તો બાપાના મિત્ર સામે હાથ લાંબો કરવો... એણે કલ્પના કરી,
‘કાકા, હું મગનભાઈનો દીકરો. આજે છેને થ્યું છે એવું કે...’
બાપાના મિત્ર એની સામે ઊભા છે અને એની પૈસા ઓછા પડવાની વાર્તા સાંભળીને તેને અવિશ્વાસની નજરે જોઈ રહ્યા છે એવી કલ્પનાએ જ એ શરમથી પાણી પાણી થઈ ગયો. તેને લગ્યું કે તેના પગ રબ્બરના થઈ ગયા છે. શરૂઆતમાં જે ઉત્સાહ હતો એ બાષ્પીભવન થઈને ઉડતો ગયો અને તેના સ્થાને તેના મનમાં અનિશ્ચિતતા, અજંપો અને ગભરામણ વધવા માંડ્યા. એ જ્યાં ઊભો હતો ત્યાં જ આગળ પાછળ ડોલવા લાગ્યો. હાથમાંથી સરી જતી માછલી જોઈને દમયંતીને કેવું લાગ્યું હશે તે એને આજે સમજાયું. તેના પેટમાં લાગેલી આગ અને માના હાથે પીરસાયેલી થાળી વચ્ચે માત્ર એક્સ્પ્રેસના ભાડામાં ખૂટતા બે રૂપિયા જ ઊભા હતા. આ બે રૂપિયા અને પોતાની વચ્ચે માત્ર દોઢસો ડગલાં છેટે રહેલો લોખંડી દરવાજો જ હતો.
સામ્યવાદી દેશોના ભેદી લોખંડી દરવાજાના પ્રતિક જેવા પી.ટી.સી. કોલેજના દરવાજાને ઓળંગીને બે રૂપિયા ઝૂંટવી લેવા એ મક્કમ થઈને ત્રણ વાર આગળ વધ્યો, પણ નજીક પહોંચતા જ એની હિંમત જવાબ આપી જતી. આ સમયે સ્વમાન શિખવાડનારી મા પર ગુસ્સો આવ્યો. સ્વમાન જાળવવાની અને સ્વમાન તોડવાની માનસિકતા માંથી, સ્વમાનને તોડવાની વૃત્તિની હાર થઈ. તેને લાગ્યું કે બાપાના મિત્રની સામે એ માત્ર બે રૂપિયા માટે આજીજી કરી શકશે નહીં. એ ટહેલતો ટહેલતો ફરી ચા વાળાની બાજુના બાંકડે છાંયડે આવીને શૂન્યમનસ્ક બેઠો. હવે તો રાતની લોકલ જ બચી છે. એક અમરેલીની બસ આવી, લાલ પાટિયું હોવા છતાં તેણે કોઈ દૈવી ચમત્કારની અપેક્ષાએ કન્ડક્ટરને પૂછ્યું,
‘અમરેલીની ટિકિટ કેટલાની?’
‘ચાર રૂપિયા,’ સાંભળવા એનું મન થનગની રહેલું, પણ તિરછા હાસ્ય સાથેના કન્ડક્ટરના ‘છ પૂરા’ જવાબ સાથે જ તેના પેટના સૌ અરમાનો ભાંગીને ભૂક્કો થઈ ગયા.
તેના પેટે હવે લગભગ બળવો પોકારેલો. ચેખોવ અને ગોર્કીની વાર્તાના ચીંથરેહાલ પાત્રોની પરવશતા અને લાચારી તેને આજે પોતિકી લાગતી હતી. તેના કાને એક અવાજ આવ્યો “છમ્મ્મ્મ્મમ્મ” ઊંચું ઉપાડીને એ અવાજના સ્રોત તરફ જુએ તે પહેલાં જ તેના નાકમાં તાવડામાં તળાઈ રહેલા લીલાં મરચાંની સુગંધ આવી. ગાંઠિયા જલેબીના સ્ટોલ પર મરચાં તળાયેલાં. ગાંઠિયા બનાવનાર કારીગર ઢાંકેલા ગાંઠિયાના લોટમાંથી એક મોટો ટુકડો કાઢીને તેનો છેડો ગરમ તેલના તાવડામાં ડૂબાડે છે, અને તેલ પી-પીને ચમકી રહેલા પાટિયા પર વિશિષ્ટ અદાથી ગાંઠિયા વણવા લાગે છે. તેને લાગે છે કે એ કારીગર ઈરાદાપૂર્વક ગાંઠિયા વણતાં વણતાં તેની સામે જોઈને લુચ્ચું હસી રહ્યો છે. પાટલા પર લયબદ્ધ ફરી રહેલો તેનો હાથ, પાટલાની બાજુમાં વણાયેલા કાચા ગાંઠિયાની ઢગલી, એ ઢગલી તેલમાં નંખાય ત્યારે આવતો અવાજ. હવામાં ફેલાઈ રહેલી રંભા કરતાં પણ વધારે લોભામણી સુગંધે તેની આંખમાં ઝળઝળિયા લાવી દીધાં.
તેને લાગ્યું કે હોજરીનું પોતાનું આગવું વજૂદ છે અને હોજરી પોતાનું અંગ નથી પણ પોતે હોજરીનું એક અંગ છે! ઘરે જવા ખૂટતા બે રૂપિયા, આખો દિવસ લોકલ ન હોવી, સામે જ ફરસાણવાળાનું ગ્રાહક ન હોવા છતાં ગાંઠિયા તળવું, આ બધું તેને તડપાવવા માટેનું કુદરતનું આયોજનપૂર્વકનું કાવતરું છે. તેને એકાએક વિક્ટર હ્યુગોની નવલકથા લા મીઝરેબલનો નાયક જ્યાં વાલજયા યાદ આવી ગયો. તેને થયું કે ફરસાણવાળાને ત્યાં તળાતા તાજા ગાંઠિયાનો થાળ ઉઠાવીને ભાગે, પણ બાપાના ભાઈબંધ પાસે બે રૂપરડી માંગવાની હિંમત ના હોય એ ચોરી તો શું કરી શકવાનો! હટાણે આવેલા બે ગામડિયાને પરોઠા શાક ખાતા જોઈ તેનાથી રહેવાયું નહીં, એટલે ચા વાળાને ત્યાં મૂકેલી નાંદમાંથી લોટો ભરીને પાણી ગટગટાવી ગયો. પેટમાં લાગેલી ભૂખની આગ થોડી શાંત થઈ.
સરકારી મકાનની વંડીને છાંયે અધબીડેલી આંખે એક લયમાં વાગોળી રહેલી ગાયને જોઈને તેને થયું “હું જો ગાય હોત ને તો, કાલે ખાધેલું વાગોળીને રાત પાડી દેત!” એટલામાં એને યાદ આવ્યું, બાપા ઘણીવાર વડીયા રેલવે સ્ટેશનેથી સાંજે પાંચની ટ્રેનમાં કુંકાવાવ સુધી આવે, અને ત્યાં સ્ટેશનની બહારથી જ અમરેલીની છેલ્લી બસ પકડીને ઘરે આવતા. કુંકાવાવથી અમરેલીની એક ટિકિટના ત્રણ રૂપિયા છે એવું બાપા કહેતાં એ તેને યાદ આવી ગયું. તેના દિમાગના ચક્રો ગતિમાન થઈ ગયાં,
‘આયાંથી લોકલ છેક રાતે નવ વાગે છે, તો રાતે પોગતા બવ મોડું થઈ જાય. એના કરતાં વડીયા રેલવે સ્ટેશન સુધી હાલીને વયો જાવ અને પાંચની ટ્રેનમાં બાપાનું નામ દઈને બેહી જાવ, તો ટિકિટ લેવી નો પડે અને અડધી કલાકમાં તો કુંકાવાવ’ય આવી જાય. ને ન્યાથી ટિકિટ થાશે ખાલી તઈણ રૂપિયા. ઘેર વેલા પુગાય તો ખાવા ભેગા’ય થવાશે.” એણે ફરી ચા વાળાને પૂછ્યું કે “રેલવે સ્ટેશન કેટલું આઘું છે આયાંથી, ને કયા રોડેથી પુગાય?” ચા વાળાએ રસ્તો દેખાડ્યો એટલે અંતર જાણવાની રાહ જોયા વગર તે ઝપાટાભેર રેલવે સ્ટેશન તરફ ઉપડ્યો. ગામ પત્યું, સીમ શરૂ થઈ, નાના રોડ પર વૃક્ષોના છાંયે છાંયે તે રેલવે સ્ટેશન પહોંચી ગયો. હવે તો માત્ર ટ્રેન આવે તેની જ રાહ હતી.
**
વડીયાથી કુંકાવાવ સુધીના રસ્તે તે ટ્રેનના દરવાજે જ ઊભો રહ્યો અને કુતૂહલપૂર્વક ખેતરો, સીમમાંથી પરત જતાં ખેડૂતો અને ઢોરઢાંખરને જોતો રહ્યો. દૂર દૂરથી કુંકાવાવ આવતું દેખાયું, અને તેની આંખમાં ચમક આવી ગઈ. ટ્રેન ઊભી રહી એટલે તે ઉતરીને સહેજવાર ઊભો રહ્યો. રેલવે સ્ટેશનની બહાર પડેલી બસ દેખાઈ એટલે તેણે હાશકારો અનુભવ્યો. પાછળથી એક અવાજ એના કાને પડ્યો “એ ચાઅઆઆય, કાળાપટ્ટાની મસ્સ્સ્સાલેદાર ચાય.” ટી-સ્ટોલ પર ઉકળી રહેલી ચાયના તપેલા, તેમાંથી ઊઠી રહેલી વરાળની આરપાર તે જોઈ રહ્યો. ઉકળતી ચાની સુવાસે ધરબી દીધેલી ભૂખને ફરી જાગૃત કરી અને તેના પેટમાં પોઢી ગયેલા રાક્ષસો ફરી આળસ મરડીને બેઠા થયા અને ખાવાનું માંગવા લાગ્યા. તેણે ખિસ્સામાંથી ચાર રૂપિયા કાઢ્યા અને મનોમન હિસાબ કર્યો,
‘ઘેર પહોંચતા કલાક થશે જ, ટિકિટના ત્રણ જ છે, તો એક વધ્યો એમાંથી ચા પી લવ તો?’
તેના મનમાં ફરી ગડમથલ ચાલી, પરંતુ નજીક આવી ગયેલા ઘર અને રેલવે સ્ટેશનની પાછળ પડેલી લોકલ બસની હૂંફના સહારે તેની ભૂખ જીતી ગઈ. એ ધીમે પગલે સ્ટોલ પર જઈ ઊભો અને ચા વાળાને પૂછ્યું,
‘આખી કેટલાની?’
‘આખીનો રૂપિયો થાય, કાઢું?’
તેણે જોરથી માથું ધુણાવીને હા પાડી અને એક હાથે ચા ભરેલા કપરકાબી લીધા અને બીજા હાથે બેની એક નોટ આપી. સ્ટોલ વાળાએ તેને એક રૂપિયાની નોટ પરત આપી. તેણે કાળજીપૂર્વક એકની નોટને ખિસ્સામાં પડેલી બેની નોટ વચ્ચે મૂકી, અને કપમાંથી ચા રકાબીમાં રેડીને ગરમા-ગરમ ચાનો એક ઘૂંટડો ભર્યો. ઘૂંટડાને તેણે હોઠથી અંદર લઈને આખા મોંમાં ગોળગોળ ફેરવ્યો. કડક મીઠી ચાનો સ્વાદ તેના અણુએ અણુમાં ફરી વળ્યો, કુંડલિનીથી લઈને બ્રહ્મરંધ્ર સુધી તેને સાતે કોઠે દીવા થયા. વામન સ્વરૂપે વિષ્ણુ ભગવાને જેમ એક, બે અને ત્રણ ડગલામાં પૃથ્વીને વ્યાપી લીધી હતી, એ જ રીતે તેણે એક બે અને ત્રણ ઘૂંટાડામાં આખી ચા વ્યાપી લીધી. તેના વ્યાકુળ મન અને શરીર પર ધીમે ધીમે શાંતિની ઠંડક ઉતારી આવી.
રેલવે સ્ટેશનના ગેટ પર જવાબો આપવા ન પડે તે માટે લાકડાની ફેન્સિંગમાં પડેલા છીંડામાંથી બહાર આવ્યો અને ઘરે લઈ જવા તેની રાહ જોઈ રહેલી બસને જોઈ રહ્યો. ઓસરી રહેલા અજવાસમાં તેને પોતાના ગામનું નામ વંચાયું. જંગમાં વિજયી થયેલા રાજાની અદાથી એણે આજુબાજુ નજર ફેરવી. ફરી બસના પાટિયા તરફ જોયું તો એ ચોંકી ઉઠ્યો,
‘એની માને પાટિયું લાલ કાં છે?’ એની છાતીના ધબકારા વધી ગયા. દોડીને બસની સામે સાવ નજીક જઈને તેણે ધારી ધારીને પાટિયું જોયું, પણ પાટિયું કાળા અક્ષરે જ લખાયેલું હતું. એ એકલો એકલો હસી પડ્યો “જો આ બસ લાલ પાટિયા વાળી હોત’ને તો સાલું મારુ પાટિયું બેહી જાત હોં...’
બસમાં ચડીને તેણે આજુબાજુ નજર નાખી. છૂટાછવાયા ત્રણ ચાર પેસેન્જર અલગ અલગ બેઠેલા. વિજય હવે હાથવેંતમાં હતો અને માએ પીરસેલી થાળી પણ. તેની અને ગરમાગરમ ભોજન વચ્ચે બસ હવે એક ‘ત્રણવાળી અમરેલીની ટિકિટ’ જ ઊભી હતી. કંડક્ટર આવે અને ટકટક... ટકટક... એક ઉજળા, દોઢ હનમાનપરા અને... પોતાની એક આખી અમરેલી.’ ખબર નહીં કેમ પણ તેના મનમાં કઈંક અજીબ ચચરાટી ઉપડી, ઉચાટ વધવા લાગ્યો. વિજયના તીવ્ર અહેસાસની સામે એક કાળો ઓછાયો આડો આવી ગયો હોય તેમ એને લાગ્યું. “ટિકિટના ત્રણ જ થાશે ને? બાપાએ કીધું તું કે કુંકાવાયથી અમરેલીની ટિકીટ તઈણની થાય, પણ ઈ વાતને’ય વખત થયો હો... વધી તો નહીં ગઈ હોય ને?” જીંદગી હારી જવાની ક્ષણ સમે આવી ઊભી હોય એવી લાગણી તેને ફરીથી થઈ આવી.” એને થયું,
‘ખાલી બે, બે રૂપિયા નહીં માંગવાની જિદ્દ સાટું થઈને આખો દિ ભૂખ્યા પેટે કાઢ્યો, ઓલો હરામખોર કંદોઈ પણ સાલો કેવો મારી સામે જોઈ જોઈને ગાંઠિયા વણતો’તો? તોય મચક નો’તી આપી, અને હવે ફરી રૂપિયા બે રૂપિયા હાટુ કગરવાનું? આ ઠોકીની ચા નો પીધી હોત તો શું બગડી જાતુ’તું?” એને લાગ્યું કે પોતે પોતાની જ અંદર ડૂબી રહ્યો છે. તેણે બસની બહાર નજર નાંખી, તો કન્ડક્ટર અને ડ્રાઈવર બીડીઓ ફૂંકતા ફૂંકતા ઊભા હતા. ડ્રાઈવરે તેની સામે જોયું પછી કંડક્ટરને કઈંક કહ્યું, અને પછી બંનેએ એકસાથે તેની સામે જોયું અને ફરી વાતોમાં લાગી ગયા. એને ખાતરી થઈ ગઈ કે પોતાની જ વાતો થઈ રહી છે. તેની અંદર જાણે તેલમાં ભરેલો તાવડો ધગધગવા માંડ્યો, પહેલાં ધીમે ધીમે અને પછી ઝડપભેર અંદર ને અંદર કશુંક ઉકળવા માંડ્યું. એક વિસ્ફોટ થયો અને તેની આંખો ફરી ગઈ. પોતાની સીટ પરથી ઊભો થયો અને બસમાંથી ઝડપભેર નીચે ઉતર્યો. સામસામે વાતો કરી રહેલા ડ્રાઈવર અને કન્ડક્ટરની સામે જઈને ઊભો રહ્યો. થોડીવાર ડ્રાઈવર સામે અને પછી કન્ડક્ટર સામે જોઈ રહ્યો. એ બંને મૂંઝવણથી એકબીજા સામે જોઈ રહ્યા. ખિસ્સામાંથી ત્રણ રૂપિયા કાઢીને કન્ડક્ટરના મોં સામે જોરજોરથી ફરકાવીને તે આક્રોશથી બોલ્યો,
‘તને એમ છે કે હું રૂપિયા બે રૂપિયા સાટું તને કગરીશ એમ? જો આ રહ્યા તઈણ, તું ને તારી બસ, બેય જાવ માઈ! હું હાલતો હાલતો ઘેર વયો જાઈશ પણ તારી સામે હાથ લાંબો કરવા કરતાં મરી જાઈશ.” એટલું કહીને કન્ડક્ટર અને ડ્રાઇવર કંઈ કહે તે પહેલાં જ તે ઘર તરફના રસ્તા પર દોડવા માંડ્યો. વધતાં જતા અંધકારમાં તે દેખાતો બંધ થઈ ગયો પરંતુ તેના છેલ્લા શબ્દો “મરી જાઈશ, પણ હાથ લાંબો નહીં કરું...” હવામાં પડઘાતા રહ્યા.
સ્રોત
- પુસ્તક : જાન્યુઆરી, પરબ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : ભરત મહેતા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ
- વર્ષ : 2024
